માત્ર કંગના માટે જોવા જેવી…

ફિલ્મઃ સિમરન

કલાકારોઃ કંગના રણોટ, હીતેન કુમાર, સોહમ શાહ

દિગ્દર્શકઃ હંસલ મહેતા

ફિલ્મની અવધિઃ બે કલાક

(બકવાસ *, ઠીક મારા ભઈ * *, ટાઈમપાસ * * *, મસ્ત * * * *, પૈસા વસૂલ * * * * *)

ફિલ્મોમીટર રેટિંગઃ ★ ★ ★

અમેરિકામાં બનેલી સત્ય ઘટના આધારિત ‘સિમરન’માં વાત છે આટલાન્ટામાં રહેતા પટેલપરિવાર (હીતેન કુમાર-કિશોરી શહાણે) અને એમની એકની એક દીકરી પ્રફુલ્લ (કંગના રણોટ)ની. ગ્રીન કાર્ડ પર અમેરિકા ગયેલા મોહનભાઈ પટેલ આજીવન મિડલ કલાસ જ રહ્યા છે. ઘેર બાબો આવશે એ આશાએ એનું નામ વિચારી રાખેલુઃ પ્રફુલ્લ, પણ પછી આવી બેબી, છતાં નામ એ જ રાખ્યુઃ પ્રફુલ્લ. 30 વર્ષી ડિવોર્સી પ્રફુલ્લ એક મોટી હોટેલમાં હાઉસકીપર છે. સંજોગો એવા સર્જાય છે કે પ્રફુલ્લ બહેનપણી સાથે લાસ વેગાસ જાય છે. ત્યાં એ કસિનોમાં થોડા પૈસા જીતે છે. એ પછી એને જુગારની બૂરી લત લાગે છે, અને મવાલી લોકોનું પચાસ હજાર ડૉલરનું દેવું કરી બેસે છે. પછી તો એને યૂટ્યૂબ પર હાઉ ટુ રૉબ અ બેન્ક ? જેવા વિડિયો જોઈને ધાડ પાડવાનું શરૂ કરી દે છે… બેન્ક લૂંટવાના દઢ નિશ્ચય સાથે એક દિવસ એ ઘેરથી નીકળતી હોય છે ત્યારે ટીવી પર ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ની ક્લાઈમેક્સ ચાલતી હોય છે, જેમાં અમરીશ પુરી આદ્ર સ્વરે કહેતા સાંભળવા મળે છેઃ ‘જા સિમરન જા… જી લે અપની જિંદગી.’ એ રીતે પ્રફુલ્લ છદ્મવેશ ધારણ કરે ત્યારે ‘સિમરન’ તરીકે ઓળખાવાનું પસંદ કરે છે. એટલે જ ફિલ્મનું ટાઈટલ છેઃ ‘સિમરન’.

ઓક્કે, ફિલ્મનો ઉપાડ સરસ છે. લાસ વેગાસના કસિનોમાં પ્રફુલ્લ જે રીતે બાર-ટેન્ડર સાથે દોસ્તી બાંધે છે, માઈનોરિટી ક્વોટામાં ઘર લેવા લોન માટે બેન્ક મેનેજર સાથેનો સીન, એસ્ટેટ એજન્ટ સાથે એ ઘર ચકાસવાનો સીન એમ પણ પછી, કોણ જાણે આ કર્સ ઑફ સેકન્ડ હાફ અથવા શાપિત ઉત્તરાર્ધના ન્યાયે સ્ક્રિપ્ટ ઝોલાં ખાવા માંડે છે. હંસલ મહેતા ‘શાહીદ’ અને ‘અલીગઢ’ જેવી સંવેદનશીલ ફિલ્મના સર્જક ખરા, પણ થ્રિલર (ડોન્ટ નો, આને થ્રિલર કહેવાય કે નહીં)માં એ મૂંઝાયા છે. બેન્કલૂંટ એટલી સહજતાથી બતાવવામાં આવી છે કે એક તબક્કે એ હાસ્યાસ્પદ લાગે છે અને રિપીટિટિવ પણ. ફિલ્મના આરંભના જ એક સીનમમાં પ્રફુલ્લને ખરાબ રીતે કાર ડ્રાઈવ કરતી બતાવવામાં આવી છે, આમ છતાં એ ફાસ્ટંફાસ્ટ બેન્ક લૂંટીને સડસડાટ કાર દોડાવે છે. એ પણ ડ્રાઈવિંગ લાઈસન્સ અને સોશિયલ સિક્યોરિટી કાર્ડ જેવા મહત્ત્વના ડૉક્યૂમેન્ટ્સ વિના. કેમ કે જુગાર માટે ઉધાર પૈસા આપતી વખતે મવાલીઓએ એ બન્ને એની પાસેથી લઈ લીધાં હોય છે.

ઠીક છે- બાકી આ ફિલ્મ માત્ર અને માત્ર કંગનાની ફિલ્મ છે. ‘ક્વીન’, ‘તનૂ વેડ્સ મનૂ’ અને ‘રંગૂન’ની આ અદાકારાએ અહીં પણ એવી જ કમાલ બતાવી છે. ગુજરાતી કન્યાનું પાત્ર, ગુજરાતી-મિશ્રિત ભાષા અને લઢણથી લઈને અભિનય, વગેરે કમાલનાં છે. પ્રત્યેક સીન પર એણે કંગના રણોટનો સ્ટેમ્પ માર્યો છે. ઈમ્તિયાઝ અલીની ‘સેજલ’ (અનુષ્કા શર્મા) ઉપરછલ્લી ગુજરાતણ લાગે છે, જ્યારે હંસલ મહેતાની ‘પ્રફુલ્લ’ બિલિવેબલ લાગે છે. સોહમ શાહ, હીતેન કુમાર, કિશોરી શહાણે, વગેરે પણ સ-રસ. બાકી ‘સિમરન’ કંગના માટે જોવી જોઈએ અને એટલા માટે જ થ્રી સ્ટાર.