સંજુઃ મૈદાન ફત્તેહ…

ફિલ્મઃ સંજુ

કલાકારોઃ રણબીર કપૂર, પરેશ રાવલ, વિકી કૌશલ, અનુષ્કા શર્મા

ડાયરેક્ટરઃ રાજકુમાર હિરાણી

અવધિઃ બે કલાક ચાલીસ મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★★

ડિરેક્ટર, રાજકુમાર હીરાણીની સાડા દસ વર્ષની કારકિર્દીમાં ‘સંજુ’ એમની પાંચમી ફિલ્મ છે. ફરી એક વાર એમણે પુરવાર કર્યું કે ભારતીય સિનેમાપ્રેમીને શું જોઈએ છે એની એમને બરાબર ખબર છે. લેખક અભિજાત જોશી સાથે મળીને એમણે ફરી એક વાર રૂપેરી પરદા પર જાદુ કર્યો છે. સંજય દત્તનું કૉમ્પ્લિકેટેડ જીવન એમણે અઢી કલાક કરતાં ઓછા સમયમાં એટલી સરળતાથી, સહજતાથી કથ્યું છે કે તમામ વયજૂથના, વર્ગના સિનેમાપ્રેમી એ રિલેટ કરશે. અમુક ઠેકાણે, ફિલ્મને રોચક બનાવવાના આશય સાથે, વાર્તામાં છૂટછાટ લેવામાં આવી છે.

ફિલ્મનો ઉપાડ થાય છે 2013થી, જ્યારે કોર્ટ સંજય દત્તને પાંચ વર્ષની સજા સંભળાવે છે ને અધૂરી ફિલ્મો પૂરી કરવા એક મહિનાનો સમય આપે છે. સજા સાંભળી સંજય દત્ત નક્કી કરે છે કે પોતાનું સાચું જીવનચરિત્ર કોઈ લખે. એ માટે એક જાણીતી લેખિકા વિની (અનુષ્કા શર્મા)નો સંપર્ક સાધવામાં આવે છે અને આમ, ખૂલતાં જાય છે વિવાદાસ્પદ ઍક્ટરના જીવનનાં એક પછી એક પાનાં. સંજય પર જે જે વીતી, એના જીવનમાં જે જે બન્યું એ રસપ્રદ બાનીમાં રજૂ કરવામાં આવ્યું છેઃ ક્યાંક રમૂજ ફૂટે તો ક્યાંક આંખોની કિનાર ભીની થાય તો ક્યાંક વિચારમાં પડી જવાય.

‘સંજુ’માં પિતા-પુત્ર (સુનીલ દત્ત-સંજય દત્ત, અનુક્રમે પરેશ રાવલ-રણબીર કપૂર)ના ઉતાર-ચઢાવવાળા સંબંધનો લાગણીનીતરતો ડ્રામો છે, તો સાથે સાથે એક મહાન મૈત્રી (સંજય દત્તનો ગુજરાતી એનઆરઆઈ મિત્ર કમલેશ કપાસીની ભૂમિકામાં વિકી કૌશલ)ની પણ વાત છે.

આ ઉપરાંત ફિલ્મમાં મિડિયાને કદાચ ન ગમે એવી ઘણી બધી વાતો છે. ફિલ્મમાં એક સંવાદ છેઃ જે વાત કોર્ટ, વકીલ, જજને સમજતાં, પુરવાર કરતાં વર્ષો લાગી જાય છે એ છાપાંવાળા, ટીવીચૅનલવાળા ગણતરીના સમયમાં સમજી જાય છે ને એ વિશે પોતાનો ચુકાદો પણ આપી દે છે. ઈન ફૅક્ટ, એન્ડ ટાઈટલ્સમાં એક ગીત (જે સંજય દત્ત-રણબીર કપૂર પર ચિત્રિત થયું છે) આ માટે રાખવામાં આવ્યું છે. ટૂંકમાં સર્જકે, ‘બોલે તો, મિડિયા કી વાટ લગા ડાલી હૈ…’

રાજકુમાર હીરાણી-અભિજાત જોશીએ હિંદી સિનેમાના મહાનની કક્ષામાં આવતા ગીતકારોને શ્રદ્ધાંજલિ અર્પી છે એ પ્રેક્ષકો માટે બોનસ છે. આનો ઉલ્લેખ કરવો જ રહ્યો. જીવનમાં આવતી મુશ્કેલીનો સામનો મજરૂહ સુલતાનપુરી-સાહિર લુધિયાણવી-આનંદ બક્ષીની રચના સાંભળીને પણ કરી શકાય એવી પિતાની ફિલસૂફી સંજુ જીવનમાં અપનાવે છે. દાખલા તરીકે, ‘રુક જાના નહીં તૂ કહીં હારકે…’ તો સંજય દત્તની દારૂ-ડ્રગ્ઝ તથા જીવનમાં આવી પડેલી અનેક મુશ્કેલીમાંથી બહાર નીકળવાની જર્નીનું ગીત, સુખવીંદરસિંહના બુલંદ અવાજમાં ગવાયેલું ‘કર હર મૈદાન ફતેહ’ (સ્વરાંકન વિક્રમ) મસ્ત બન્યું છે.

‘સંજુ’ એ નિઃશંક રણબીર કપૂરની ફિલ્મ છે કિંતુ એ પરેશ રાવલ અને વિકી કૌશલની ફિલ્મ પણ છે. બન્નેના એવૉર્ડ-વિનિંગ પરફૉરમન્સ. ફિલ્મમાં સંજુની વર્તમાન પત્ની માન્યતા (દિયા મિર્ઝા)નું કેરેક્ટર છે, પણ વિવિધ સંબંધ, લગ્ન, લગ્નવિચ્છેદ આ બધું બતાવવામાં આવ્યું નથી, જે સારી વાત છે, અન્યથા ફિલ્મ ભળતી દિશામાં ફંટાઈ ગઈ હોત.

ઈન શૉર્ટ, જસ્ટ ગો ઍન્ડ વૉચ ‘સંજુ’.

(જુઓ ‘સંજુ’નું ટ્રેલર)

httpss://youtu.be/1J76wN0TPI4