પાગલપંતીઃ હદ હોય છે પાગલપનની…

ફિલ્મઃ પાગલપંતી

કલાકારોઃ અનિલ કપૂર, સૌરભ શુક્લા, અરશદ વારસી, જૉન અબ્રાહમ, પુલ્કિત સમ્રાટ

ડાયરેક્ટરઃ અનીસ બઝમી

અવધિઃ બે કલાક 29 મિનિટ

★ વાહિયાત
★★ ઠીક ઠીક
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ અદ્દભુત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★

ફિલ્મ જ્યારે ક્લાઈમેક્સ તરફ જઈ રહી હોય છે ત્યારે જૉન અબ્રાહમ એક ડાયલોગ બોલે છેઃ “ઝરૂરી નહીં કી હર બાત કા કોઈ મતલબ હો”… ‘પાગલપંતી’ની વાર્તાનું (જો વાર્તા હોય તો) પણ આવું જ છે. ઈન ફૅક્ટ, આ જ વાત મને ગમી ગઈ. સર્જકોની પ્રામાણિકતા. એમણે પોતાની ફિલ્મના પોસ્ટરની સાથે એક પંક્તિ મૂકી છે કે “કૃપયા દિમાગ કા ઈસ્તમાલ ના કરેં”…

ભલે. નહીં કરીએ. તો, શું છે ફિલ્મમાં?

રાજકિશોર (જૉન અબ્રાહમ) એક નંબરનો પનોતી છે. મુંબઈની પીએમબી બૅન્કમાં એને નોકરી મળે છે તો બીજે જ દિવસે બૅન્કમાંથી હજારો કરોડો રૂપિયાની લોન લેનાર નીરજ મોદી ઉઠમણું કરીને લંડનભેગો થઈ જાય છે. આવો મનહૂસ રાજકિશોર એના મિત્રો જગમોહન (અરશદ વારસી) અને ચંદ્રકાંત (પુલ્કિત સમ્રાટ) સાથે લંડનમાં જાતજાતના ધંધા શરૂ કરે છે, પણ બધામાં ફ્લૉપ. આવા લૂઝરને ગેંગસ્ટર રાજા (સૌરભ શુક્લા) અને એનો સાળો વાઈફાઈ ભાઈ (અનિલ કપૂર) ત્રિપુટીને કારણે થયેલી ખોટ વસૂલવા એમને નોકરીએ રાખે છે. આમ કરીને બન્ને સાડાસાતીને રેડ કાર્પેટ પાથરીને ઈન્વાઈટ કરી રહ્યા છે એવું ફૅમિલી જ્યોતિષની ચેતવણીને અવગણીને એમને નોકરીએ રાખવામાં આવે છે ને એક પછી એક દુર્ઘટના સર્જાતી જાય છે, જેમાંથી ડિરેક્ટરે કોમેડી ઊપજાવવાનો પ્રયાસ કર્યો છે, પણ નબળા લેખન (રાજીવ કૌલ-પ્રફુલ્લ પારેખ) ને કારણે એમને જ ભાગ્યે સફળતા મળી છે.

અવારનવાર એવું કહેવામાં આવતું હોય છે કે મગજ થિયેટરની બહાર મૂકીને ફિલ્મ જોવા જજો. અરે ભાઈ, મગજ કંઈ ચંપલ થોડી છે કે બહાર ઉતારીને આવીએ? ‘વેલકમ’, ‘હેરાફેરી’, ‘ધમાલ’ જેવી ફિલ્મની ભેળપૂરી જેવી ‘પાગલપંતી’ને નીરજ મોદી-પીએમબી બૅન્ક-મામાજી, દેશ કા પૈસા, વગેરે જેવો સસ્તી દેશભક્તિનો બેહૂદો ટ્રૅક પણ ઉગારી શકતો નથી.

અનીસ બઝમી આ પહેલાં ‘સિંઘ ઈઝ કિંગ’-‘નો એન્ટ્રી’-‘વેલકમ’ કે છેલ્લે ‘મુબારકાં’, વગેરે જેવી માઈન્ડલેસ કોમેડી આપી ચૂક્યા છે, જે આજે પણ ટીવી પર આવે તો જોવી ગમે છે, પણ અહીં એમણે નિરાશ જ કર્યા છે. હીરોઈનો (ઈલિયાના ડીક્રૂઝ, ક્રીતિ ખરબંદા, ઉર્વશી રાઉતેલા) માટે અહી ભાગ્યે જ કંઈ કરવાનું આવ્યું છે. “ભૂતની કા ડાન્સ” અથવા “ક્યૂઁ કિ તૂમ હો હટકે”ની રિમક્સ ધૂન પર નાચના-ગાના. ધૅટ્સ ઈટ.

(જુઓ ‘પાગલપંતી’નું  ટ્રેલર)