હીચકીઃ ‘મર્દાની’ની ઈમોશનલ હેડકી…

ફિલ્મઃ હીચકી

કલાકારોઃ રાની મુખરજી, નીરજ કબિ વગેરે.

ડિરેક્ટરઃ સિદ્ધાર્થ પી. મલ્હોત્રા

અવધિઃ આશરે બે કલાક

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★

“ભણવું અને ભણાવવું એ બેમાં ફેર છે. વિદ્યાર્થી નબળો હોય, મહેનત જ ન કરતો હોય તો એના માર્ક્સ કપાય એ નપાસ થાય, પણ શિક્ષક પોતાની ફરજ ચૂકે તો? ગુરુ સારા હોય તો ચેલાની લાઈફ બનાવી દે, પણ ગુરુ જ નબળા હોય તો? સ્ટુડન્ટ્સ સારા કે ખરાબ નથી હોતા, હંમેશાં શિક્ષકો સારા કે ખરાબ હોય છે એવો પાઠ ભણાવે છે સિદ્ધાર્થ પી. મલ્હોત્રાની ‘હીચકી.’

સ્ટુડન્ટ્સ-સર-પ્રોફેસર કે ગુરુ-ચેલાના સંબંધની આસપાસ ફરતી અનેક ફિલ્મો આપણે ત્યાં બની છે. વિનોદ ખન્નાની ‘ઈમ્તિહાન’થી લઈને મહેશ ભટ્ટની ‘સર,’ નાગેશ કુકનૂરની ‘ઈકબાલ,’ શીમિત અમીન (યશ રાજ)ની ‘ચક દે ઈન્ડિયા,’ આમીર ખાનની ‘તારે ઝમીં પર,’ વગેરે. ‘હીચકી’ની નાયિકા ખુદ રાની મુખરજીએ 2005માં આવેલી સંજય લીલા ભણસાળીની ‘બ્લૅક’માં ડીફ-બ્લાઈન્ડ ગર્લની ભૂમિકા ભજવેલી, જેના ગુરુ બન્યા હોય છે અમિતાભ બચ્ચન.

સિદ્ધાર્થ પી. મલ્હોત્રાની ‘હીચકી’ની વાત કરીએ તો એ 2008માં આવેલી અમેરિકન ફિલ્મ ‘ફ્રન્ટ ઑફ ક્લાસ’ પર આધારિત છે, જે બ્રાડ કોહેનના પુસ્તક ‘ફ્રન્ટ ઑફ ક્લાસઃ હાઉ ટૂરેટ સિન્ડ્રોમ મેડ મી ટીચર આઈ નેવર હૅડ’ પરથી સર્જાયેલી. નૈનાનું પાત્ર એમના (બ્રાડ કોહેન) પર આધારિત છે, જે પોતે ટૂરેટ સિન્ડ્રોમના શિકાર હતા, પણ એમણે હિંમતભેર એનો સામનો કર્યો. આજે એ અમેરિકાની જાણીતી સ્કૂલના પ્રિન્સિપાલપદ પર બિરાજે છે. ટૂરેટ વિશે ટૂંકમાં જાણીએ તો, એ કાચી વયે અનુભવાય છે ને ક્રમશઃ વકરતો જાય છે. આમાં વ્યક્તિ એકની એક ક્રિયા સતત કરતાં રહે છે. જેમ કે ગળામાંથી એક વિચિત્ર અવાજ આવતો રહે, સતત હાથપગ હલાવ્યા કરશે કાં હેડકી ખાધા કરશે.

તો, ‘હીચકી’માં નૈના માથુર (રાની મુખરજી) ટૂરેટ સિન્ડ્રોમથી પિડાય છે. જો કે એને હેડકી નથી આવતી, પણ ગળામાંથી ‘ચચ્ચચ ચચ્ચચ’ જેવો વિચિત્ર અવાજ આવ્યા કરે છે. એનું મગજ અશાંત હોય કે કશાકનો ભાર હોય ત્યારે તો સતત અવાજ આવતો રહે છે. બાળપણમાં શિક્ષક ભણાવતા હોય ત્યારે એના આવા અવાજથી એના સહપાઠીઓ તથા શિક્ષકને ત્રાસ થાય છે એવું કારણ આગળ કરી એને ડઝનેક સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવી હોય છે. શાળાજીવનના આવા કડવા અનુભવ બાદ એ નક્કી કરે છે કે પોતે સ્કૂલ-ટીચર બનશે. મુંબઈની એક કૉન્વેન્ટ સ્કૂલમાં એને નોકરી તો મળે છે, પણ એના 9-એફ વર્ગના 14 સ્ટુડન્ટ્સ નજીકની ઝૂંપડપટ્ટીમાંથી આવતા હોઈને એ તોફાની બારકસ, માથાભારે, તોફાની છે. રાઈટ ટુ એજ્યુકેશનના કાયદા હેઠળ એમને બીએમડબ્લ્યુમાં આવતા અતિધનિકોની શાળામાં ઍડમિશન મળ્યું છે. નૈના સામે પડકાર છે આ 14 વિદ્યાર્થીને સીધાદોર કરી, એમનામાં ધરબાયેલી છૂપી શક્તિને બહાર લાવી, એમને સમાજનો સ્વમાનભેર સામનો કરવા સજ્જ કરવાનો.

સપનામાંય ધાર્યું ન હોય એવી વ્યક્તિ (કે કોઈ રમતની ટીમ) મહાન સિદ્ધિ મેળવી લે, અંગ્રેજીમાં જેને અંડરડૉગ કહે છે એવા થિમવાળી ફિલ્મોની સમસ્યા એ કે પ્રેક્ષકે ઉત્કંઠા ઘેર મૂકીને મલ્ટિપ્લેક્સમાં આવવાનું હોય છે. જે ક્ષણે નૈના માથુર આખી સ્કૂલમાં બદનામ 9-એફ વર્ગમાં પ્રવેશે છે એ જ ક્ષણે આપણે એનો અંત કલ્પી લઈએ છીએ. અહીં ફરક માત્ર એટલો છે કે ટીચર પોતે પણ પોતાની મુશ્કેલીથી નિપટવા સંઘર્ષ કરી રહી છે. 9-એફના માથાભારે વિદ્યાર્થીઓની ભાષામાં, “યે તો હક્લી હૈ, કિતને દિન ટીકેગી.” આમ છતાં લેખકો (ખૂબ બધા છે) અને દિગ્દર્શક પ્રેક્ષકોનો રસ  જાળવી રાખે છે, ખાસ કરીને, ઈન્ટરવલ પહેલાં.

નૈનાએ ન માત્ર 14 રાઉડી બાળકોનો સામનો કરવાનો છે, બલકે, 9-એ ડિવિઝનના ચબરાક વિદ્યાર્થીઓ, એમના બાહોશ સર મિસ્ટર વાડિયા (અફલાતૂન ઍક્ટર નીરજ કબિ)નો, જેમની દઢ માન્યતા છે કે આ 14 વિદ્યાર્થી ક્યારેય સુધરી ન શકે (“યે તો મ્યુનિસિપાલિટી કે ગાર્બેજ હૈ”). જો કે ઈન્ટરવલ પછી ટૂરેટ સિન્ડ્રોમ બૅક સીટ પર જતો રહે છે ને એ હૅવ્સ, હૅવ્સ નૉટની (સહિત વિરુદ્ધ રહિતની) લડાઈ બની જાય છેઃ અમીર બચ્ચાંની હોશિયારી વર્સીસ ઝૂંપડપટ્ટીનાં બાળકોની તેજસ્વિતા. આમ મધ્યાંતર બાદ લેખન નબળું પડતું હોવા છતાં ફિલ્મ જોવાલાયક બની છે રાનીનાં અભિનયને લીધે. એણે ખરેખર પોતાના પાત્ર માટે રીસર્ચ કર્યું છે. આ ઉપરાંત એનાં માતા-પિતાની ભૂમિકામાં સુપ્રિયા-સચીન પિલગાંવકર પણ સ-રસ. અને પેલાં 14 બાળકો-વિદ્યાર્થીઓ. નીરજ કબિ તો છે જ કાબિલ-એ-તારીફ.

ટૂંકમાં અવગુણ નજરઅંદાજ કરીને પણ બચ્ચાંવને લઈને ઈમોશનલ, પ્રેરણાદાયી ‘હીચકી’ જોવા જજો.

(જુઓ ‘હીચકી’નું ટ્રેલર)

httpss://youtu.be/nLSaCFlXn-g

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]