ધડકઃ અશ્વ વિનાની શાહી બગ્ગી…

ફિલ્મઃ ધડક

કલાકારોઃ ઈશાન ખટ્ટર, જાહન્વી કપૂર, આશુતોષ રાણા

ડાયરેક્ટરઃ શશાંક ખૈતાન

અવધિઃ બે કલાક અઢાર મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★1/2

કરણ જોહર અને એમની ‘ધર્મા પ્રોડક્શન્સ’ની પરંપરા મુજબ ‘ધડક’માં બે સ્ટારબચ્ચાંનો સિનેમાપ્રવેશ કરાવવા હોવું જોઈએ એ બધું છેઃ સુંદરમજાનું, કલરફુલ શહેર, કલરફુલ સોંગ-ડાન્સ, હીરો-હીરોઈનનાં મસ્તીમજાક… પણ બધું ઉપરછલ્લું. ફિલ્મમાં પ્રણયની ઉત્કટતા મિસિંગ છે. જાણે આત્મા વિનાનું ખોળિયું.

ઉદયપુરનો મધુ (ઈશાન ખટ્ટર) રાજવી ઘરાણા તથા માથાભારે પોલિટિશિયન (આશુતોષ રાણા)ની બેટી પાર્થવી (જાન્હવી કપૂર)ના પ્રેમમાં પટકાયો છે. નાતજાત તથા પૈસેટકે બન્ને વચ્ચે આભ-જમીનનો ફરક હોવા છતાં પાર્થવીને પણ મધુ પ્રત્યે સ્નેહની લાગણી થાય છે. એકાદ-બે મસ્તીભર્યા સીન્સ-સોંગ્સ બાદ પ્રેમકથા ગંભીર વળાંક લે છેઃ પાર્થવીના પરિવારજન બન્નેને પ્યારમોહબ્બત કરતાં જોઈ જાય છે. વાતનું વતેસર થાય છે ને પ્રેમી યુગલે ઉદયપુર છોડી કોલકાતા સૅટલ થવું પડે છે, જ્યાં એમનાં નવજીવન શરૂ થાય છે. ટૂંક સમયમાં જ એમને સમજાઈ જાય છે કે એ માને છે એટલું સહેલું નથી.

ખૂબ પ્રયત્ન કરવા છતાં ‘ધડક’ની સરખામણી મરાઠીમાં ઈતિહાસ સર્જનારી દિગ્દર્શક નાગરાજ મંજુળેની ‘સૈરાટ’ સાથે થઈ જ જાય છે. હા, ‘ધડક’ એ ‘સૈરાટ’નું પુનઃસર્જન છે. જો કે ‘સૈરાટ’માં મહારાષ્ટ્રના અંતરિયાળ ગામડામાં ટીનએજનો ઉંબરો ઓળંગી યુવાનીમાં પ્રવેશેલાં અર્શી-પર્શ્યાનો પ્રેમ વર્ષાઋતુમાં કુદરતી ફૂટી નીકળતાં ઝરણાં જેવો નેચરલ હતો. ફિલ્મમાં ક્યાંય નાગરાજ કહેતા નથી કે હીરો નીચલી જાતિનો છે ને, હીરોઈન ઊંચી જાતિની. ‘સૈરાટ’માં કાસ્ટ પોલિટિક્સને નાગરાજ મંજુળેએ લવ સ્ટોરીમાં ટેન્સન લાવવા અંડરકરંટ તરીકે વાપર્યું છે, જ્યારે અહીં ડિરેક્ટર શશાંક ખૈતાને દર થોડી થોડી વારે પ્રેક્ષકને યાદ દેવડાવવું પડે છે કે મધુ નીચી જાતનો છે અને પાર્થવી ઊંચા ઘરાણાની, કેમ કે મધુ-જાહન્વીના સ્ટેટસમાં ખાસ કોઈ ફરક વરતાતો નથી (ટિપિકલ કરણ જોહરની ગરીબી). મધુના પરિવારની ઉદયપુરના પ્રાઈમ લોકેશન પર, પિછોલા તળાવનો મસ્ત નજારો આપતી રેસ્ટોરાં છે. મધુ ડિઝાઈનર કપડાં પહેરે છે, સ્માર્ટ ફોન વાપરે છે, ડેટ પર જતાં પહેલાં ઈમ્પોર્ટેડ ઈત્તરબિત્તર છાંટે છે.

સ્ક્રિપ્ટ શશાંક ખૈતાને જ લખી છે, જેમાં ઘણા લોચા છે. એક સાદું ઉદાહરણઃ જાહન્વી સખીસહેલી સાથે શહેરના કોઈ એક સરોવરમાં નહાવા જાય છે, જ્યાં મધુ એની સાથે પ્રેમમાં પડવા રેડી છે. ત્યાં નહાતા છોકરાઓને કાઢી મૂકવાનું કહેવામાં આવે છે કેમ કે રાજઘરાણાની કન્યાઓ સ્નાન કરવા આવી છે. એક નવાઈ તો એ કે ઉદયપુર છે જ પ્રસિદ્ધ સિટી ઓફ લેક્સ તરીકે, તો અમુક જ સરોવરમાં નહાવાની જિદ શું કામ? બીજી નવાઈ એ વાતની કે એના ભવ્યાતિભવ્ય રાજમહેલમાં એક સ્વિમિંગ પૂલ નથી? અને પરિવારની તો વૈભવશાળી પૅલેસ હોટેલ પણ છે. ‘સૈરાટ’માં પર્શ્યાના મિત્રો ગમતીલા છે, જ્યારે અહીં એ સાઈડકિક જેવા ને વણનોતર્યા મહેમાન જેવા લાગે છે.

જો તમે મારા જેવા કટ્ટર સિનેમાપ્રેમી હશો તો તમને હબીબ ફૈઝલની ‘ઈશકઝાદે’નું સ્મરણ થયા વગર રહેશે નહીં. સંયોગથી જાન્હવી કપૂરના મોટા ભાઈ અર્જુન કપૂરની એ પહેલી ફિલ્મ હતી (હીરોઈનઃ પરિણીતી ચોપરા). ફિલ્મ રિગ્રેસિવ હોવાને કારણે મને એ ગમી નહોતી. થોડા સમય પહેલાં આવેલી ‘બિયોન્ડ ધ ક્લાઉડ્સ’થી ઈશાનએ મંગળ પ્રવેશ કરનાર ઈશાન બીજી ફિલ્મમાં વધુ કૉન્ફિડન્ટ લાગે છે. જાહન્વી પણ સ-રસ. વિષ્ણુ રાવની સિનેમેટોગ્રાફી મસ્તમજાની છે. ઈન ફૅક્ટ રેટિંગમાં વધારાનો અડધો સ્ટાર આ બધાં પાસાં માટે જ આપ્યો છે. બાકી રાઈટર તરીકે શશાંકભાઈ નિરાશ કરે છે.

(જુઓ ‘ધડક’નું ટ્રેલર)

httpss://youtu.be/TIE92mUvSsw

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]