બ્લેકમેલઃ આઈડિયા બડો મજેદાર, પણ…

ફિલ્મઃ બ્લેકમેલ

કલાકારોઃ ઈરફાન ખાન, કીર્તિ કુલ્હરિ, અરુણોદયસિંહ

ડિરેક્ટરઃ અભિનય દેવ

અવધિઃ આશરે 140 મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★ ★ ★

“મુંબઈના સ્મશાનમાં અંતિમવિધિ ચાલી રહી છે. ચિતાની આસપાસ વ્હાઈટ ઍન્ડ વ્હાઈટમાં વીસ-પચ્ચીસ પુરુષો શોકમગ્ન ઊભેલા છે. એવામાં લાલચટાક ટ્રૅકસુટ્સધારી, સ્પૉર્ટ્સ શૂઝ, આંખો પર કાળા ગોગલ્સ ચડાવેલો એક યુવાન (અરુણોદયસિંહ) કોઈને શોધતો આવી ચડે છે. એને અહીં મળવા બોલાવનાર (ગજરાજ રાવ) ઈશારો કરી પોતાની પાસે બોલાવે છે. આંખોમાં આશ્ચર્યના ભાવ સાથે પેલો રેડ ટ્રૅકસુટ એને પૂછે છેઃ “આપણે ક્યારેય મળ્યા નથી, ખાલી ફોન પર વાત થઈ છે. તમે મને ઓળખ્યો કેવી રીતે”? પેલો પગથી માથા સુધી એનું નિરક્ષણ કરી, ખાલી મલકે છે… જાણે કહેતો હોય કે સ્મશાનમાં આવાં કપડાં પહેરીને આવનાર આગંતૂક જ હોને…

અભિનય દેવ (‘ડેલી બેલી’, ગેમ, ‘ફોર્સ ટુ’ અને ટીવીસિરિયલ ‘ટ્વેન્ટી ફૉર’ના ડિરેક્ટર) તથા એમના રાઈટર પરવેઝ શેખને ખબર છે કે ફિલ્મનાં કથાવસ્તુ પ્રેક્ષકને ભુલભુલામણીમાં પાડી દે એવાં છે એટલે વચ્ચે વચ્ચે આવી રાહત આપવી જરૂરી છે. કમનસીબે, ફિલ્મ આખી આવી મજેદાર નથી. જો કે ઉપાડ-ઉઘાડ એટલા સરસ છે કે પ્રેક્ષક સીટમાં ટટાર થઈ જાય, પણ જેમ જેમ ફિલ્મ આગળ વધતી જાય છે એમ એમ એ નિરાશ થતો જાય છે.

મિસ્ટર દેવ (ઈરફાન ખાન) એક ટૉઈલેટ પેપર બનાવતી કંપનીમાં સેલ્સ એક્ઝિક્યુટિવ છે. એનું લગ્નજીવન વેરવિખેર છે, પ્યાર, ટાયરમાંથી હવા નીકળે એમ, નીકળી ગયો છે. દેવ મોડે સુધી ઑફિસમાં બેસીને કમ્પ્યૂટર પર પૅક-મૅન ગેમ રમ્યા કરે છે. ઘેર જવા નીકળે ત્યારે એ જવાન ખૂબસૂરત પત્ની (કીર્તિ કુલ્હારિ)ને વૉટ્સૅપ મોકલે છેઃ ‘ઑફિસથી નીકળું છું’ (‘લીવિંગ નાઉ’). બસ, પત્ની સાથે એને બોલચાલનો આટલો જ વહેવાર છે. પત્ની ટીવી પર 1990ના દાયકાના હિંદી ફિલ્મગીતો ટીવી પર જોયા કરે છે. બહુ બહુ તો એ “કેબલ-ટીવીવાળાનું પેમેન્ટ કર્યું”? એટલું પૂછે. પતિ લાઈફમાં જરા રંગત લાવવા એક દિવસ ફૂલનો ગુચ્છો લઈને વહેલો પહોંચે છે તો એ શું જુએ? એ જુએ છે કે પત્ની પલંગમાં પરાયા મર્દ રણજિત (અરુણોદયસિંહ) સાથે અગડંબગડં કરી રહી છે. શું કરવું એની સમજ ન પડતાં એ રણજિતને બ્લૅકમેલ કરે છે. અહીંથી શરૂ થાય છે બ્લૅકમેલની એક આખી શૃંખલા, ફિલ્મનાં પ્રમુખ પાત્રો બ્લૅકમેલ-બ્લૅકમેલ રમતમાં જોડાઈ જાય છે. બધા એકમેકને રમાડ્યે રાખે છે. એ પછી વાત વાતમાં એક મોત, પોલીસ ઈન્ક્વાયરી અને…

સિનેમાની ભાષામાં જેને ડાર્ક કૉમેડી કહે છે એવી ‘બ્લૅકમેલ’ની મુશ્કેલી છે એની ધીમી ગતિવાળી પટકથા તથા એમાં બાકોરાં અથવા લોચા. આજના ડાટા-લીક ને અત્યાધુનિક સૉફ્ટવેરના જમાનામાં બ્લૅકમેલિંગનો ફોન જે નંબર પરથી આવ્યો શોધવા રણજિતે ડિટેક્ટિવ (ગજરાજ રાવ) રાખવો પડે?

ફિલ્મનાં વિવિધ પાત્રો એકમેકને બ્લૅકમેલ કરતાં હોય એ વિષય બડો મજેદાર છે, પણ એ માટે સ્ક્રિપ્ટ તેજ ગતિએ દોડતી રહેવી જોઈએ. હા, વચ્ચે વચ્ચે, સ્ક્રિપ્ટ ચુસ્ત બનાવવા ડિરેક્ટર એવા સીન્સ મૂકે છે કે પ્રેક્ષક ચોંકી જાય, પણ બીજી જ પળે એનો રકાસ થતાં કેવળ નિરાશા જ ઊપજે છે. જેમ કે ઈરફાન વિચારે છે કે આ સામે ઊભો છે કે ઊભી છે એનું મર્ડર કરી નાખું. એવો સીન બતાવવામાં આવે ને પછી ખબર પડે કે આ તો માત્ર તરંગી વિચાર હતો. કાં પછી હસ્તમૈથુનની આદત ધરાવતો દેવ સહકર્મચારીના ડેસ્ક પરથી એની (સહકર્મચારીની) પત્નીનો ફોટો ચોરી, ટૉઈલેટની બારસાખ પર નજર સામે રાખી, નેકટાઈ ખભા પર ચડાવી… સમજી ગયાને? પ્રેક્ષકને શૉક આપવા એકાદ વખત આવા કીમિયા ચાલી જાય, પણ સતત આવા સીન્સ આવ્યા કરે એ ન ચાલે. બ્લૅકમેલની રકમ મેળવવાના સીન્સ પણ સતત રીપિટ થયે રાખે છે. વળી ઈરફાનનું વેરવિખેર જીવન બતાવવા ડિરેક્ટરે ફિલ્મની સિનેમેટોગ્રાફી, કલર્સ, ઓવરઑલ વાતાવરણ ડાર્ક, રાખ્યું છે, જે આંખને ત્રાસ આપે છે.

ઍક્ટિંગમાં ઈરફાન ખાન, દિવ્યા દત્તા (અરુણોદયસિંહની દારૂડિયણ પત્નીના રોલમાં), ઓમી વૈદ (ઈરફાનનો બૉસ), અનુજા સાઠે ગોખલે (ઈરફાનની સેક્સી, પણ જોખમી સહકર્મચારિણી), વગેરે સ-રસ. ઈન ફૅક્ટ એક વધારાનો સ્ટાર ઈરફાન ખાન તથા એના સહકલાકારો માટે જ આપ્યો છે. જો કે ‘તેરે બિન લાદેન’માં કમાલનું કામ કરનાર પ્રદ્યુમ્નસિંહ અહીં કાર્ટૂનનું કેરેક્ટર જેવો બનીને રહી ગયો છે, શ્યૉર, એને બહેતર સ્ક્રિપ્ટની જરૂર હતી.

ટૂંકમાં જો તમને ડાર્ક કૉમેડી ગમતી હોય ને ધૈર્ય સાથે ફ્રેન્ડશિપ હોય તો જોઈ નાખો ‘બ્લૅકમેલ’. સાવ છેતરાઈ ગયાની ફીલિંગ તો નહીં જ થાય.

(જુઓ ‘બ્લેકમેલ’નું ટ્રેલર)

httpss://youtu.be/4fisAgKghtI