આર્ટિકલ 15: નયા હિંદુસ્તાનને આયનો દેખાડતી ફિલ્મ

ફિલ્મઃ આર્ટિકલ 15

કલાકારોઃ આયુષ્માન ખુરાના, કુમુદ મિશ્રા, મનોજ પાહવા, મોહમ્મદ ઝિશાન અય્યૂબ, સયાની ગુપ્તા, ઈશા તલવાર

ડાયરેક્ટરઃ અનુભવ સિંહા

અવધિઃ 130 મિનિટ

★ બકવાસ
★★ ઠીક મારા ભઈ
★★★ ટાઈમપાસ
★★★★ મસ્ત
★★★★★ જબરદસ્ત

ફિલ્મોમીટર રેટિંગઃ
★★★

બે પ્રકારની ફિલ્મો હોય છે જગતમાં- એક હોય છે જંક ફૂડ ટાઈપઃ ‘ટોટલ ધમાલ’ ને ‘હાઉસફુલ’, ‘ગોલમાલ’ સિરીઝ વગેરે જેવી. જેમ જંક ફૂડ કોઈ જ પોષણ આપતું નથી એમ આવી ફિલ્મ કોઈ જ બૌદ્ધિક કસરત કરાવતી નથી. બીજો પ્રકાર છેઃ ‘પિંક’, ‘મુલ્ક’ કે ‘પૅડમૅન’ જેવી સામાજિક નિસબત ધરાવતી ફિલ્મ, જે પ્રેક્ષક તરીકે આપણને વિચારવા પ્રેરે છે. ‘આર્ટિકલ 15’ આવી જ એક સામાજિક નિસબત ધરાવતી ફિલ્મ છે. ડિરેક્ટર છે અનુભવ સિંહા, જેમણે એક જમાનામાં ‘તુમ બિન’, ‘દસ’ અને ‘રા.વન’ જેવી ફિલ્મ બનાવેલી, પણ પછી જાણે બ્રહ્મજ્ઞાન થયું હોય એમ, રિશી કપૂર-તાપસી પન્નૂને લઈને દેશના મુસલમાનો સાથે થતા ભેદભાવના વિષય પર ‘મુલ્ક’ બનાવી અને હવે, ‘આર્ટિકલ 15’.

કથાનાયક અયાન રંજન (આયુષ્માન ખુરાના) ઈન્ડિયન પોલીસ સર્વિસમાંથી આવતો વેલએજ્યૂકેટેડ, સોફિસ્ટિકેટેડ પોલીસ ઑફિસર છે, જેનું પોસ્ટિંગ લાલગાંવ નામના પછાત ગણાતા ગામમાં થાય છે. ચાર્જ સંભાળ્યાના દિવસે જ લાલગાંવ નજીક એક ચકચારભરી ઘટના ઘટે છે. બે કન્યાનાં મર્ડર થાય છે, એમનાં શબ ઝાડ પર લટકેલાં મળે છે…

ફિલ્મ સત્યઘટના પ્રેરિત છે.. 2014માં ઉત્તર પ્રદેશના બદાયૂં જિલ્લાના એક ગામમાં બે દલિત કન્યાનાં ગેંગરેપ તથા મર્ડરની ઘટના પોલીસચોપડે નોંધાયેલી. ફિલ્મમાં અયાન રંજન પેલી બે કન્યાનાં રેપ-મર્ડરનું ઈન્વેસ્ટિગેશન શરૂ કરે છે. હજી પ્રેક્ષકને ખબર નથી કે એ મૃત કન્યા છોટી જાતિની હતી, પણ એ જ ડિરેક્ટર ફ્રેમમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનું સ્ટેચ્યૂ દેખાડે છે અને…અયાન રંજનના સહાયક પોલીસ અધિકારીઓ કહે છે કે આ કેસમાં કંઈ છે નહીં- આ તો ઑનર કિલિંગનો ઓપન ઍન્ડ શટ કેસ છે, વગેરે. એ પછી તેહકીકાતમાં ખબર પડે છે કે ત્રીજી એક કન્યા પણ હતી, જે જાતને બચાવી ક્યાંક ભાગી છૂટી છે. અયાન કોઈ પણ ભોગે એને શોધી કાઢવા કમર કસે છે. આ બધા વચ્ચે એક કથા નિશદ (મોહમ્મદ ઝીશાન અય્યૂબ)ની છે, જે છોટી જાતના લોકો માટે કામ કરે છે.

ફિલ્મના લેખક ગૌરવ સોલંકી અને દિગ્દર્શક અનુભવ સિંહાએ રોજબરોજના જીવનમાં થતા ભેદભાવને બખૂબી બતાવ્યા છેઃ અયાન રંજન પોતાના આસિસ્ટંટને નજીકની દુકાનમાંથી મિનરલ વૉટરની બૉટલ લાવવા કહે છે તો પેલો ખચકાતાં કહે છેઃ આ વિસ્તાર છોટી જાતિના લોકોનો છે. અહીંથી પાણી ન લેવાય… તો બીજા, પહેલી નજરે હળવા લાગતા, સીનમાં અયાન રંજન પોતાના સહકર્મચારીઓને સવાલ કરે છે કે “તમે બધા કઈ જાતના છો?”, તો જવાબ આવે છેઃ “ઠાકૂર-રાજપૂત-કાયસ્થ-જાતવ”… એ વખતે દલિત ઑફિસર (કુમુદ મિશ્રા) સગર્વ કહે છે કે “આમ પાછો હું પાસી (એક જાતિ) કરતાં ઉચ્ચ ગણાઉં હોં”. આ સીનમાં અયાન રંજન ભારતના બંધારણની એ કલમ વિશે જાણકારી આપે છે, જે દેશના તમામ નાગરિકને નાત-જાત-ધર્મ, વગેરેના ભેદભાવ વિના એકસમાન અધિકાર આપે છે. પછી એ સવાલ કરે છે કે “હું કઈ જાતિનો ગણાઉં”?

અહીં કહેવું જોઈએ કે ડિરેક્ટરે વિષય અનુરૂપ એક માહોલ સર્જયો છે. જો કે ઈન્ટરવલ પછી પટકથા થોડી નબળી પડે છે. કથાનાયક તરીકે બહેતરીન આયુષ્માન ખુરાનાને મનોજ પાહવા, કુમુદ મિશ્રા, સયાની ગુપ્તા, મોહમ્મદ ઝિશાન અય્યૂબ, ઈશા તલવાર જેવા કલાકારો સબળ ટેકો સાંપડ્યો છે.

(જુઓ ‘આર્ટિકલ 15’નું ટ્રેલર)

httpss://youtu.be/HKOJY0cU63E