કંઈ જ અશુભ નથી અહીં…

ફિલ્મઃ શુભ મંગલ સાવધાન

ડિરેક્ટરઃ આર.એસ. પ્રસન્ન

કલાકારોઃ આયુષ્માન ખુરાના, ભૂમિ પેડણેકર, સીમા પાહવા

સંવાદઃ હિતેશ કૈવલ્ય

સંગીતઃ તનિષ્ક-વાયુ

અવધિઃ 105 મિનિટ્સ

(બકવાસ ★, ઠીક મારા ભઈ ★★, ટાઈમપાસ ★★★, મસ્ત ★★★★, પૈસા વસૂલ ★★★★★)

ફિલ્મોમીટર રેટિંગઃ ★ ★ ★ ★

અપની મિટ્ટી, અપની ખુશ્બૂની ફીલિંગ આપતી ‘શુભ મંગલ સાવધાન’ના હીરો મુદિત શર્મા (આયુષ્માન ખુરાના)ને જેન્ટ્સને જ હોય એવો અમુક ટાઈપનો પ્રોબ્લેમ છે, જે એણે ગણતરીના દિવસોમાં થનારી પત્ની સુગંધા (ભૂમિ પેડણેકર) સાથે ડિસ્કસ કરી લીધો છે. વળી આ જેન્ટસ પ્રોબ્લેમ ઓછો હોય એમ એને નનામા કૉલ્સ આવે છે કે ‘બચ્ચુ, તને પેલો પ્રોબ્લેમ છે એની મને ખબર છે.’ આવો એક કૉલ સુગંધા રિસીવ કરે છે ને પેલા ચોપડાવે છેઃ ‘મુદિતને જેન્ટસનો પ્રોબ્લેમ છે તો છે. બોલ? સાલા, હવે પછી ફોન કર્યો છે તો ડાચું રંગી નાખીશ તારું, સમજ્યો?’ પછી ખબર પડે છે કે સામે છેડે તો એના પિતા જ છે. ડઘાઈ ગયેલી સુગંધા એમને પૂછે છેઃ

‘પાપા, મુદિતની સમસ્યા વિશે તમને કેવી રીતે ખબર પડી?’

‘બેટા, પાંચ-છ દિવસથી તું ઉદાસ રહેતી’તી એટલે નછૂટકે મેં તારા વૉટ્સઍપ મેસેજ ચેક કર્યા’.

‘તમને વૉટ્સઍપ ચલાવતાં આવડે છે?’

‘હાસ્તો… મારું તો એફબી ઍકાઉન્ટ પણ છે.’

-અને ફોન ડિસ્કનેક્ટ કરી મુદિત સામે છાશિયું કરતાં સુગંધા કહે છેઃ ‘લો, હજી બનાવો ડિજિટલ ઈન્ડિયા!’

આવા તો કંઈકેટલા સીન્સ, ડાયલૉગ્ઝ, વન-લાઈનર્સ આ 105 મિનિટની ફિલ્મમાં છે. વધુ એક સેમ્પલઃ સુગંધાની બહેનપણી ગિન્ની (અંશુલ ચૌહાણ) કહે છેઃ ‘આ આજકાલના છોકરાંનાં મગજ ફાટીને ધુમાડે ગયાં છે. સાલું ડાચું જુઓ તો વાંદરા જેવું ને છોકરી જોઈએ કટરીના કૈફ. પોતે (કટરીના) તો કેરી-બેરી ચૂસીને જતી રહેશે- પણ બધું પ્રેશર આપણા પર આવી જાય છે.’ (કટરીનાની મેંગો ડ્રિન્કની ઍડ યાદ છેને?).

રિયલી- મને યાદ નથી છેલ્લે મેં કઈ હિંદી ફિલ્મ સ્ટાર્ટ-ટુ-એન્ડ, સાદ્યંત આટલી ઍન્જૉય કરી હશે. અહીં લેખક હિતેશ કૈવલ્યનો વિજય છે. આર.એસ. પ્રસન્નની વાર્તાવાળી ફિલ્મની હિંદી આવૃત્તિ માટે હિતેશ કૈવલ્યે સંવાદ નવેસરથી લખ્યા છે.

મુખ્ય કલાકાર ઉપરાંત ફિલ્મના પ્રત્યેક કલાકારે કમાલનું કામ કર્યું છે. ફિલમવાળાઓએ જેનો કૂચો કરી કાઢયો છે એ શબ્દ વાપરીને કહીએ તો, આયુષ્માન –ભૂમિની કેમિસ્ટ્રી પણ ફેન્ટાસ્ટિક છે. અહીં કોઈ ફોરેન લોક્શન્સ નથી. અહીં છે કથા, કથાની પૃષ્ઠભૂ અને પાત્રોને બંધબેસે એવાં શહેર દિલ્હી, હરિદ્વાર.

મૂળ તમિળ ફિલ્મ ‘કલ્યાણ સમ્યળ સાધમ્’ પરથી એ જ સર્જક આર.એસ. પ્રસન્નએ ઉતારેલી ‘શુભ મંગલ સાવધાન’ ખડખડ હસાવે એવી મનોરંજક છે, વિચારમાં પાડી દે એવી થૉટફુલ છે અને પ્રગતિશીલ છે. આઈ મીન, ઈરેક્ટાઈલ ડિસ્ફંક્શન (ઉત્થાનની સમસ્યા) પર ફિલ્મ બનાવવી એ વિચાર જ કેટલો એક્સાઈટિંગ છે? અલબત્ત, બેડરૂમમાં જ ચર્ચાતા વિષયો પર અગાઉ પણ ફિલ્મો આવી છે, એક તો આયુષ્માન ખુરાનાની જ ‘વિકી ડોનર’ છે.

‘શુભ મંગલ સાવધાન’ ભારતની સૌપ્રથમ ઍડલ્ટ વિષયવાળી, પણ સંસ્કારી અને કૉમેડી ફિલ્મ છે. આ વીકએન્ડમાં જોઈ કાઢો આ મજેદાર ફિલ્મ.