રજવાડી નિરાશા…

ફિલ્મઃ બાદશાહો

ડિરેક્ટરઃ મિલન લુથરિયા

કલાકારોઃ અજય દેવગન, ઈમરાન હાશમી, સંજય મિશ્રા, વિદ્યુત જામવલ, ઈલિયાના ડીક્રૂઝ, ઈશા ગુપ્તા


સંગીતઃ અંકિત તિવારી, જૉન સ્ટીવર્ટ, તનિષ્ક બાગચી


અવધિઃ બે કલાક 40 મિનિટ્સ

(બકવાસ ★,
ઠીક મારા ભઈ ★★,
ટાઈમપાસ ★★★,
મસ્ત ★★★★,
પૈસા વસૂલ ★★★★★)


ફિલ્મોમીટર રેટિંગઃ ★ ★

વિદ્યા બાલનની કારર્કિદીને બચાવી લેનારી ‘ડર્ટી પિક્ચર’ અને ‘વન્સ અપોન અ ટાઈમ ઈન મુંબઈ’ જેવી ફિલ્મના સર્જક મિલન લુથરિયા કલાકારોનો (હિંદી ચેનલવાળાઓનો પ્રિય શબ્દ વાપરીને કહીએ તો) જમાવડો કરી એમને રાજસ્થાનના રણમાં લઈ ગયા- એક સુવાંગ થ્રિલર સર્જવા. પરિણામ? રોમાંચક ફર્સ્ટ હાફ. 1975ના ઈમરજન્સીનો કાળ છે. દિલ્હીથી પરોક્ષ રીતે દેશ ચલાવતા, ખાદીનાં પાયજામો-કુરતું-બંડીધારી, જાડી ફ્રેમના ચશ્માંવાળા, અરધી ટાલવાળા સંજીવ (કે સંજય ગાંધી?ના આદેશથી રાજસ્થાનનાં મહારાણી ગીતાંજલિ (ઈલિયાના ડીક્રૂઝ)ને જેલમાં પૂરવામાં આવે છે. ત્યાર બાદ એમનો કરોડો રૂપિયાનો છૂપો ખજાનો એક જડબેસલાક ટ્રકમાં લાદી લશ્કરવાળા દિલ્હી નીકળે છે. એનું સંચાલન કરી રહ્યો છે બાવડાંબાજ સેહરસિંહ (વિદ્યુત જામવલ). આ તરફ મહારાણીનો વફાદાર ભૈરવસિંહ (અજય દેવગન) પોતાનાં સાથીદારો (સંજય મિશ્રા-ઈમરાન હાશમી-ઈશા ગુપ્તા) સાથે મળી ગોલ્ડથી લદાયેલી ટ્રકને કબજે કરી લે છે. એ પછીના સવા બે કલાકમાં ચોર-પોલીસ-મિલિટરી પકડદાવ રમતાં રહે છે.

મધ્યાંતર પહેલાં પ્રેક્ષકને સીટ સાથે જકડી રાખે એવો ડ્રામો સર્જવામાં ડિરેક્ટર સફળ થયા છે. મધ્યાંતર પણ એક રોમાંચક વળાંક પર પાડવામાં આવ્યો છે, પણ સોનું લૂંટાઈ ગયું એ પછી શું? એ પછી… વાર્તા પરની પકડ છૂટી જાય છે. વચ્ચે વચ્ચે એક જમાનામાં જેમને માટે આગલી હરોળના પ્રેક્ષકો એવો શબ્દપ્રયોગ થતો એવા ઑડિયન્સને રીઝવે એવા સંવાદ આવતા રહે છે. સેમ્પલઃ વો આર્મી હૈ તો હમ હરામી હૈ. ચોરોં કે ઉસૂલ હોતે હૈ, પોલિટિશિયન્સ કે નહીં. ફિર ના સોના મિલેગા, ના ચૈન સે સોણે મિલેગા. ફ્રેન્કલી, ઈન્ટરવલ પછી સર્જક પાસે કંઈ કહેવા-બતાવવાનું રહેતું નથી એટલે પ્રેક્ષકને માનસિક રીતે થકવી નાખે એવી લાંબી લાંબી ચેઝ, લાંબા લાંબા સીન (નોટઃ ટ્રકનાં કૉમ્બિનેશન લૉક્સ ખોલવાનો સીન), કાન ફાડી નાખે એવું બેકગ્રાઉન્ડ મ્યુઝિક માથે મારવામાં આવ્યાં છે.

નુસરત ફતે અલી ખાં અને રાહત ફતેહ અલી ખાંવાળું મેરે રશ્કે કમર હિટ થયું છે ને એનું પિક્ચરાઈઝેશન સારું છે. બાકી સની લિયોની પર પિક્ચરાઈઝ થયેલું મોરે પિયા તથા અન્ય સ્વરાંકન ન જામ્યાં.

ટૂંકમાં, જો તમે ઍક્શનપ્રિય છો, ‘શુભ મંગલ સાવધાન’ જોઈ કાઢી છે અને કરવા જેવું બીજું કંઈ જ નથી તો ‘બાદશાહો’ જોવા જઈ શકો છો.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]