બોલ્ડ ઍન્ડ મીનિંગફુલ!

ફિલ્મઃ ન્યૂટન

ડિરેક્ટરઃ અમિત મસુરકર

કલાકારોઃ રાજકુમાર રાવ, પંકજ ત્રિપાઠી, અંજલિ પાટીલ, રઘુબીર યાદવ

અવધિઃ 105 મિનિટ્સ

(બકવાસ *, ઠીક મારા ભઈ * *, ટાઈમપાસ * * *, મસ્ત * * * *, પૈસા વસૂલ * * * * *)

ફિલ્મોમીટર રેટિંગઃ સાડા ત્રણ ★ ★ ★

કંઈ કરી બતાવવાના મનસૂબા લઈને સરકારી નોકરી લેનારા સેંકડો યુવાનોમાંનો એક નૂતન કુમાર (રાજકુમાર રાવ)નું હેલિકૉપ્ટર છત્તીસગઢના જંગલવિસ્તારમાં લેન્ડ થાય છે. નૂતન કુમાર, જેણે પોતાનું નામ બદલીને ન્યૂટન કુમાર કરી નાખ્યું છે, આવ્યો છે અહીંનાં બે ગામમાં લોક સભાની ચૂંટણી યોજવા. બે ગામના મતદારોની કુલ વસતી છેઃ 76. પ્રજા બિચારી ઈન્ડિયન આર્મી, માઓવાદી નક્સલાઈટ્સ અને રાજકારણીઓ વચ્ચે પીસાતી રહી છે. આ પહેલાંની ચૂંટણીહિંસામાં 19નાં મોત થયેલાં. જો ન્યૂટન કુમાર મક્કમ ન હોત તો ઈલેક્શન કમિશનનો અહીં ચૂંટણી યોજવાનો કોઈ ઈરાદો નહોતો. ઈલેક્શન કમિશનર પોતે માંદો છું કહીને છેલ્લી ઘડીએ ઘેર બેસી ગયેલા. ન્યૂટન ઈચ્છે છે કે લોકશાહીનાં મધમીઠાં ફળ અહીંના રહેવાસીઓને પણ ચાખવા મળે. એ તો જ શક્ય બને જ્યારે મતદાન થાય, નક્સલવાદીથી ગ્રસ્ત ગામવાસીઓ પોતાનો નેતા ચૂંટે. આ ધીમી, પણ મક્કમ પ્રક્રિયા છે લોકશાહી સ્થાપવાની.

અમિત વી. મસુરકર દિગ્દર્શિત બ્લેક કૉમેડી ‘ન્યૂટન’માં આ છે મૂળ વાત. ‘સુલેમાની કીડા’ નામની સ-રસ ફિલ્મના સર્જક અમિતે અહીં ફેફસાંમાં આત્મવિશ્ર્વાસ અને ખભા પર આશાઅપેક્ષા લઈને ચાલતા એક આદર્શવાદી જુવાનને રજૂ કર્યો છે. ‘ન્યૂટન’ની વાર્તાનો સમયકાળ એક દિવસ અથવા કહો કે થોડા કલાકની જ છે. આટલા સમયમાં સર્જકે અહીં કેટલા મુદ્દા ઉઠાવ્યા છે? બાળવિવાહથી લઈને દહેજ, લાંચ-ભ્રષ્ટાચાર, જાતિવાદ, અંગ્રેજી ભાષા માટેનું આપણું પાગલપન, વગેરે વગેરે.

ડિરેક્ટરે અહીં એક સવાલ આપણી સામે રમતો મૂક્યો છે કે આપણે આપણા દેશ વિશે કેટલું જાણીએ છીએ? અમદાવાદ, મુંબઈ કે અન્ય મહાનગરોમાં મજ્જેની લાઈફ જીવનારા આપણે દેશના એક ભાગની પ્રજા પર શું વીતી રહી છે એ વિશે સાવ બેખબર છીએ. રાઈટ? જેમ કે નિષ્પક્ષ ચૂંટણી કરાવવા નીકળેલા ન્યૂટન કુમારને છત્તીસગઢનાં ઈતિહાસ, ભૂગોળ, સામાજિક પરિસ્થિતિ, ભાષા વિશે કંઈ જ ખબર નથી અને આપણા બધાની જેમ, એ પોતાના જ દેશમાં એક અજનબી બનીને રહી જાય છે.

ફિલ્મ જોઈને હું બહાર નીકળ્યો ત્યારે આ સવાલો મને ઘેરી વળ્યા અને અહીં જ ડિરેક્ટરની જીત છેઃ ધી એન્ડ બાદ એક ફિલ્મ પ્રેક્ષકના મગજમાં શરૂ થાય છે. પ્રેક્ષકને વિચારવા પર મજબૂર કરવો એ આજના સર્જક સામે મોટો પડકાર છે. મસુરકરે આ પડકાર સુપેરે ઝીલ્યો છે. રેટિંગમાં વધારાનો અડધો સ્ટાર પણ આ માટે જ આપ્યો છે.

ફિલ્મનું લેખન કશાયે આડંબર વિનાનું, રોજિંદી જીવનમાં બોલાતી ભાષાવાળું છે. ઉદાહરણઃ આદિવાસી વિસ્તારમાં શિક્ષિકા, જેને બૂથ લેવલ ઑફિસરની કામગીરી સોંપવામાં આવી છે એ માલ્કો (અંજલિ પાટીલ)ને સવાલ થાય છેઃ “તું આશાવાદી છો”? ત્યારે એ જવાબ આપે છેઃ “સાહેબ, નિરાશાવાદી નહીં… હું તો આદિવાસી છું.”

‘સુલેમાની કીડા’ની જેમ અહીં પણ લેખક-દિગ્દર્શકે (મયંક તિવારી-મસુરકર) વચ્ચે વચ્ચે ડાર્ક હ્યુમર ઈસ્તેમાલ કરી છે. જેમ કે ફોરેનના પત્રકારને રીઝવવા માગતો સ્થાનિક અધિકારી. અમિતને સજ્જડ ટેકો મળ્યો છે સપોર્ટિંગ કાસ્ટમાં. જેમ કે સંજય મિશ્રા, રઘુબીર યાદવ, અંજલિ પાટીલ. રાજકુમાર રાવ અને પંકજ ત્રિપાઠી (આર્મી ઑફિસર) માટે એક જ શબ્દ સૂઝે છેઃ અદભુત. પ્લીઝ, જઈને જુવો આ ફિલ્મ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]