આ ડેડી સામે છે થોડી ફરિયાદ…

ફિલ્મઃ ડેડી

ડિરેક્ટરઃ અશીમ અહલુવાલિયા

કલાકારોઃ અર્જુન રામપાલ, ઐશ્વર્યા રાજેશ, નિશિકાંત કામત

સિનેમેટોગ્રાફી : જેસિકા લી ગેની

સંગીતઃ સાજિદ-વાજિદ

અવધિઃ સવા બે કલાક

(બકવાસ ★,
ઠીક મારા ભઈ ★★,
ટાઈમપાસ ★★★,
મસ્ત ★★★★,
પૈસા વસૂલ ★★★★★)

ફિલ્મોમીટર રેટિંગઃ અઢી ★ ★

ઓબ્બૉય, ઓક્કે- કોઈ પણ હયાત વ્યક્તિ પર ફિલ્મ બનાવવી એ જરા ટ્રીકી બિઝનેસ છે. એમાંય વ્યક્તિ જો ખતરનાક ડૉન અરુણ ગુલાબ ગવળી હોય તો તો લોચો જ લોચો. સર્જક અશીમ અહલુવાલિયાને પણ કદાચ આ જ પ્રોબ્લેમ નડ્યો હશેઃ ગેંગસ્ટરમાંથી પોલિટિશયન બનેલા અને એક સમયે મુંબઈની અંધારી આલમ પર જેનું રીતસરસનું રાજ ચાલતું એ અરુણ ગવળીની આરતી ઉતાર્યા વિના એના પર ફિલ્મ બનાવવી હોય તો એમાં શું બતાવવું. એટલે એમણે નક્કી કર્યું કે આપણે ગવળીને બાજુએ મૂકી એની આસપાસની વ્યક્તિઓ પાસેથી ડૉન સાથેના એમના અનુભવ બતાવીએ, એમના દષ્ટિકોણથી ડૉનને તપાસીએ. આ માટે એમણે વાતચીતનો સહારો લીધો છે અથવા કહો કે ડિવાઈસ તરીકે ઉપયોગ કર્યો છે. અરુણ ગવળી (અર્જુન રામપાલ, ખરેખર પ્રભાવકારક લાગે છે)ની પત્ની, એના નિકટના સાથીદાર (રાઈટ હેન્ડ, લેફ્ટ હેન્ડ, વગેરે), માતા સમી વૃદ્ધા, સેક્સ વર્કર, વગેરે પોલીસ (ઈન્વેસ્ટિગેટિવ ઑફિસર)ના સવાલના જવાબ આપતાં જાય ને એ રીતે અરુણ ગવળીનું પાત્ર પ્રેક્ષક સામે ઊઘડતું જાય. પોલીસ ઑફિસર વિજયકર બન્યા છે જાણીતા ડિરેક્ટર-ઍક્ટર નિશિકાંત કામત. જ્યારે અરુણ ગવળીની પત્ની ઝુબૈદા (જે 16 વર્ષની ઉંમરે લગ્ન કરી આશા ગવળી બનેલી)નું પાત્ર ભજવ્યું છે ઐશ્ર્વર્યા રાજેશ.

વાર્તા કદાચ સૌકોઈ જાણે છેઃ 1970, 1980ના દાયકામાં મુંબઈ, ખાસ કરને ભાયખલા અને એની આસપાસના વિસ્તારમાં બીઆરએ ગેંગ (બાબુ રેશિમ-રામ નાયક-અરુણ ગવળી)ની ધાક હતી. એ પછી બાબુ, રામ હટી જતાં અરુણ ગવળી એકલો દગડી ચાલ વિસ્તારમાંથી પોતાનું સામ્રાજ્ય ચલાવે છે. એ પોતાનો પક્ષ સ્થાપી ઍસેમ્બ્લી ઈલેક્શન પણ જીતે છે. આમ, એક જૉબલેસ મિલવર્કરના પુત્રની ગેંગસ્ટરથી પોલિટિશિયન અને અંતે (2012થી) તળોજા જેલની સફર છે ડેડી. ગવળીના માણસો, એની આસપાસના લોકો એને ડેડી કહીને બોલાવતા યથા ફિલ્મનું શીર્ષક- ડેડી.

અરુણ ગવળીનો કેસ જેમની પાસે છે એ પોલીસ ઑફિસ વિજયકર(જે આધારિત છે જાણીતા પોલીસ ઑફિસર વિજય સાલસકર પર) આ બધાંની પૂછપરછ કરતા જાય છે ને એ રીતે એમના ફ્લેશબેક જોવા મળે છે. ડિરેક્ટરે અહીં એક ખતરનાક ડૉનની અંદર છુપાયેલા કાળા માથાના માનવીને અથવા એના હ્યુમન કેરેક્ટરને બહાર લાવવાનો પ્રયાસ કર્યો છેઃ વફાદાર પ્રેમી, પ્રેમાળ પતિ, વત્સલ પિતા, દુખિયાનો બેલી (રોબિનહૂડ), વગેરે. હિંદુ ગેંગસ્ટર ખરો, પણ મુસ્લિમ છોકરી ઝુબૈદા સાથે શાદી રચાવી એટલે ગવળી સેક્યુલર પણ હતો એ બતાવવામાં આવ્યું છે. જો કે શાદી રચાવી એ ઝુબૈદાને આશા બનાવી દે છે એ જુદી વાત છે. મુંબઈ રમખાણ વખતે ગવળીને બન્ને કોમના લોકોની મદદ કરનારો મસીહા બતાવવામાં આવ્યો છે.

ફિલ્મમાં 1970 અને 1980નો સમયકાળ આબાદ સર્જવામાં આવ્યો છે. આર્ટ ડિરેક્શન અને પ્રોડક્શન ડિઝાઈન આલા દરજ્જાનું છે. એ જ રીતે સિનેમેટોગ્રાફી તથા શૉટ-ટેકિંગ. જેમ કે ગેંગવૉરનાં તથા ચેઝ (પકડાપકડી)નાં દશ્ય તો કમાલનાં ઝડપ્યાં છે ડિરેક્ટરે. ફૉર એક્ઝામ્પલ લિફ્ટમાં ગોળીબારવાળું દશ્ય. ગવળીના પ્રતિસ્પર્ધી મક્સુદ ખાન (કહો કે દાઉદ ઈબ્રાહિમ)નું પાત્ર, સરપ્રાઈઝિંગ્લી ફરહાન અખ્તરે ભજવ્યું છે. ઈન્ટરવલ પહેલાં એની એન્ટ્રી રોમાંચક છે. 1980ના દાયકાની બહુ ગાજેલી ક્રિકેટ ટુર્નામેન્ટ, એ નિહાળતો, એની પર સટ્ટો ખેલતો મક્સુદ, પ્રેક્ષકની ચિચિયારી, વગેરે એક વાતાવરણ નિર્માણ કરે છે. અભિનય ફિલ્મનું એક સબળ પાસું છે. અર્જુન રામપાલ (એ સહલેખક પણ છે)-ઐશ્ર્વર્યા રાજેશ-નિશિકાંત કામત ઉપરાંત બાબુ રેશિમ અને રામ નાઈક બનતા આનંદ ઈંગળે અને રાજેશ શ્રીરંગપુરેનો અહીં વિશેષ ઉલ્લેખ કરવો રહ્યો. બન્ને પ્રભાવી છે. એ જ રીતે સેક્સ વર્કર રાની બનતી શ્રુતિ બાપના પણ કમાલ બતાવે છે.

તો શું કરવું? જો તમારે ખૂનખાર ડૉન અરુણ ગવળીનાં માનવીય પાસાં નિહાળવા હોય અને જો તમે ક્રાઈમ પેટ્રોલના ફેન હોવ તો તમને ડેડી તમને ગમશે. બાકી વીકએન્ડમાં મસ્તીના માહોલમાં એક હળવીફૂલ, હલકીફૂલ ફિલ્મ જોવી હોય તો હું તમને સની-બૉબી દેઓલ-શ્રેયસ તળપદેની પોસ્ટર બૉય્ઝ જોવાની ભલામણ કરીશ.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]