ફ્રેન્ડશિપને વધારે પાક્કી કરશે ટ્રેન્ડી ફ્રેન્ડશિપ બેલ્ટ

લોહીના સંબંધથી વિશેષ અને લાગણીથી ભર્યોભર્યો સંબંધ એટલે મિત્રતા…ઓગસ્ટ મહિનાનો પ્રથમ રવિવાર વિશ્વ આખામાં ફ્રેન્ડશિપ ડે તરીકે ઉજવાય છે. અને હવે તો ગ્લોબલાઇઝેશનના જમાનામાં મિત્રતા દિવસની ઉજવણી વિવિધરૂપે કરવામાં આવે છે અત્યારે કદાચ તમને રાખડીઓની સાથે બજારમાં ફ્રેન્ડશિપ બેલ્ટ અને ફ્રેન્ડશિપ ગિફ્ટ પણ જોવા મળતી હોય તો નવાઈ નહીં.

ભલે વરસાદી માહોલ હોય પરંતુ આ 6 ઓગસ્ટને રવિવારે આવતાં ફ્રેન્ડશિપ ડેને ઊજવવા યંગસ્ટર્સ અત્યારથી જ વિવિધ પ્રકારની ખરીદીમાં જોડાઈ ગયા છે. મિત્રતાના બંધનને પાકું કરવા માટે યંગસ્ટર્સ સૌથી વધું ખરીદી ફ્રેન્ડશિપ બેલ્ટની કરે છે. એટલે યૂથના આ ટ્રેન્ડને ધ્યાનમાં રાખીને બજારમાં અવનવા ફ્રેન્ડશિપ બેલ્ટ ઠલવાયા છે. તેમજ મિત્રને આપી શકાય તેવી ભેટ પણ ઘણી મળી રહી છે.  તો મિત્રો આપણે પણ ફેશનની સાથે આ નવા ટ્રેન્ડની વાત કરવી છે જેથી તમે પણ તમારા મિત્રો માટે ટ્રેન્ડી ફ્રેન્ડશિપ બેલ્ટની ખરીદી કરી શકો. પહેલા  ફ્રેન્ડશિપ બેલ્ટ સિમ્પલ આવતા હતા. એટલે ફ્રેન્ડશિપ ડે ગયો કે  મિત્રો તેને ઉતારીને મૂકી દેતા પરંતુ  હવે તો એટલા ટ્રેન્ડી બેલ્ટ અને બ્રેસલેટ મળે છે કે તમે તેને સતત પહેરી શકો છો આઉટફિટ સાથે સૂટ થાય તેવા ફ્રેન્ડશીપ બેલ્ટ પણ હવે ઇન થિંગ છે.આ વખતે માર્કેટમાં એક ખાસ બાબત એ જોવા મળી રહી છે કે, તમારો મિત્ર તમારી ઉંમરને બદલે તમારા મમ્મી, પપ્પા કે ગ્રાન્ડ મધર, ફાધર, અંકલ કોઈ પણ હોઈ શકે છે. જો તમે તેમનું નામ લખાવીને તેમના માટે ખાસ ફ્રેન્ડશિપ બેલ્ટ તૈયાર કરાવી શકો એ પ્રમાણે પણ કેટલીક શોપમાં તમને બિડ્સવાળા ફ્રેન્ડશિપ બેલ્ટ બનાવી આપવામાં આવે છે. આ વખતે પણ માર્કેટમાં જુદા જુદા વર્ગના યૂથને તથા તેમના બજેટને ધ્યાનમાં રાખીને લેસ, જ્યૂટ, બિડ્સ, ઝીણાં મોતી, વૂડન અને ક્રિસ્ટલની બનાવટના તથા લેસ અને દોરાના ફ્રેન્ડશિપ બેલ્ટ,ચોકલેટ્સ અને ફ્રેન્ડશિપ ગિફ્ટની વેરાયટી રજૂ કરવામાં આવી છે.

ફ્રેન્ડશિપની કોમળ લાગણીને રજૂ કરવા માટે પિન્ક, પર્પલ, બ્રાઉન, આર્મી ગ્રીન જેવા વિવિધ રંગના જ્યૂટમાં ક્રિસ્ટલ અને બિડ્સ ગુંથેલા ફ્રેન્ડશિપ બેલ્ટ જોવા મળશે. લેસ, દોરી કે જ્યૂટમાંથી બનેલા ફ્રેન્ડશિપ બેલ્ટ ઉપરાંત ટેડીબેરવાળા કે અન્ય સોફ્ટ ટોયઝ લગાડેલા ફ્રેન્ડશિપ બેલ્ટ પણ મળી રહ્યાં છે. તો કાયમી રીતે બ્રેસલેટની જેમ પહેરી શકાય તેવા ફ્રેન્ડશિપ બેલ્ટ પણ મળી રહેશે. અને તેની સાથે તમે મારા મિત્રતાના બંધનને વધારે સારી રીતે ઉજવણી કરી શકો છો.

હવે કોર્પોરેટ કલ્ચરમાં પણ આ પ્રકારની ઉજવણી થતી હોવાથી થોડા ડિસન્ટ લાગે તેવા બ્લેક, વ્હાઇટ અને ગ્રે કલરના બેલ્ટ પણ મળે છે. જે મોટી વયના લોકો માટે ખાસ તૈયાર કરવામાં આવ્યા છે.ફ્રેન્ડશિપ ડેના દિવસે મિત્રો પરસ્પર ગિફ્ટ પણ આપતા હોય છે તમે  મિત્રને આપી શકો તેવા વિવિધ પ્રકારના કી-ચેઇન, ફોટોફ્રેમ કે તેને ગમતાં ગીતોની ડીવીડી આપી શકો છે. જોકે તમારા મિત્રની યાદગાર પળો તમે કેમેરામાં કેદ કરી હોય તો તેનો ફોટો ફ્રેમમાં મઢાવીને આપવાનો આઇડિયા જૂનો થઈ ગયો છે. તેના બદલે તમે તેને કપ, કુશન કે પેન હોલ્ડર પર તેનો ફોટો છપાવીને આપશો તો એ તમારી આ એકદમ અલગ ભેટ જિંદગીભર નહીં ભૂલે. ફ્રેન્ડ તમારા માટે ખાસ છે તે લાગણીનો અહેસાસ કરાવવા માટે કાર્ડની સાથે સાથે તમે હેન્ડમેડ બેગ કે જ્વેલરી પણ આપી શકો છો. ફ્રેન્ડશિપ કાર્ડ સાથે જ પેક કરેલાં આકર્ષક ફ્રેન્ડશિપ બેલ્ટ અથવા તો ફ્રેન્ડશિપ ક્વોટ લખેલો મગ પણ તમે મિત્રને ગિફ્ટમાં આપી શકો છો. બસ તો આ વખતે  નવા ટ્રેન્ડમાં અને નવી રીતે તમે આ દિવસની ઉજવણી કરો, વિશ યુ અ વેરી હેપી ફ્રેન્ડશિપ ડે…