મોંઘેરી સાડીની આ રીતે રાખો સંભાળ

સાડી એ દરેક ભારતીય સ્ત્રી માટેનો આગવો અને પારંપરિક પોશાક છે. સાડી જેવો પરંપરાગત ભારતીય પોશાક દરેક સ્ત્રી પર શોભી ઊઠે છે. સાડી એવું વસ્ત્ર છે જે સાદગીભર્યો લૂક આપે છે. તો જરૂર પડ્યે આકર્ષક અને હોટ લૂક પણ આપી શકે છે. સિલ્કથી માંડીને જ્યૂટ અને નેટના વિવિધ મટિરિયલની સાડીની સંભાળ પણ ખાસ રીતે રાખવી પડે છે. હવે તો વિવિધ તહેવારોની સિઝન શરૂ થશે ત્યારે  તમે જો મોંઘામૂલી સાડી પહેરવા માગતા હો તો ની સાચવણી અહીં આપેલી વિવિધ ટિપ્સ દ્વારા કરી શકો છો.  જેટલાં જતનથી તમે સાડી પહેરો છે તેના કરતાં વિશેષ જતન કરીને તમારી મહામૂલી સાડીને સાચવશો તો જ્યારે પણ સાડી પહેરશો ત્યારે ચોક્કસપણે એ સાચવણી તમને નવો નિખાર આપશે.

તહેવાર કે કોઈ પ્રસંગમાં મોંઘી સાડી પહેરીને સ્ટાઇલિશ દેખાઈ લઇએ જોકે તે પછી આ સાડીઓની દરકાર રાખવી ખૂબ જરૂરી બની જાય છે તો ચાલો આજે સાડીની સંભાળ કેવી રીતે રાખવી તે વિશે પણ જાણીએ.

  • કોઈ પણ સાડી પ્રથમવાર ધૂઓ ત્યારે તેને થોડીવાર માટે મીઠાવાળા પાણીમાં બોળી રાખવી.
  • શરૂઆતમાં જ્યારે પણ સાડી ધૂઓ ત્યારે વધારે પડતાં સાબુનો ઉપયોગ ન કરવો.
  • બે-ત્રણ વાર સાડી પહેરાય એટલે માઇલ્ડ ડિટર્જન્ટથી ધોવી.
  • સિલ્કની સાડીને બ્રશ ઘસીને ન ધોવી. કારણકે એમ કરવાથી સાડી ફાટી શકે છે.
  • સાડીની બોર્ડર અને પાલવને અલગથી સાચવીને ધોવા.
  • જો સાડી પર ડાઘ પડી ગયો હોય તો વિલંબ કર્યા વિના તેને ઠંડા પાણીથી ધોઈ નાખવી. જો ડાઘ વધારે અને ઘાટા હોય તો એ ભાગમાં પેટ્રોલ લગાવીને હળવા હાથે ઘસવું.
  • શિફોન કે જ્યોર્જેટની સાડીને ઠંડા પાણીમાં ન ધોવી તેમ કરવાથી તે કાપડ ચઢી જાય છે અને સાડી સંકોચાઈ જાય છે.
  • સાડીને ઇસ્ત્રી કરતી વખતે ઇસ્ત્રી મધ્યમ ગરમ રાખો. અથવા જો ઇસ્ત્રી માટે બહાર આપતા હો તો વ્યક્તિને તે અંગે સૂચના આપવી
  • સાડીઓને ગડી કરતી વખતે તેમાં લીમડાનાં પાન મૂકવાં.
  • સિલ્કની સાડીઓની ગડીને વારાફરતી બદલતા રહો.
  • પહેરેલી સાડીઓ તથા ધોઈને ઇસ્ત્રી કરેલી સાડીઓ તથા નવી સાડીઓ એકસાથે ન મૂકવી.
  • સિલ્કની સાડીને અને નેટની સાડીને ઘેર ધોવાને બદલે ડ્રાયક્લીન કરાવવું.
  • ભારે સાડીઓ વારંવાર પહેરાતી નથી. બોર્ડરવાળી, જરીવાળી અને વર્કવાળી સાડીઓની ગડી કરો ત્યારે વચ્ચે કાગળ મૂકો. એટલે એકનો રંગ બીજા રંગ પર ચોંટી ન જાય અને વર્ક પણ ખરાબ ન થાય.
  • જે સાડીની બોર્ડર કે પાલવ ખૂબ હેવી વર્કવાળો હોય તેમાં પાછળ નેટ અથવા તો એ જ રંગનું કાપડ મુકાવી દેવું. જેથી પાલવના વર્કને સપોર્ટ મળશે અને વર્ક ખરાબ નહીં થાય.
  • બાટિક, બાંધણી જેવી સાડીઓ બહુ વાર સુધી પલાળી ન રાખવી નહિ તો રંગ જતો રહેશે. સાડીઓ ધોયા બાદ તેને સાચવીને ખંખેરીને સૂકવવી.
  • દરેક સાડીની ગડીને મહિને મહિને બદલતાં રહેવું જોઈએ.
  • ઘણી સ્ત્રીઓ મોંઘી સાડીઓને હેંગરમાં બ્લાઉઝ સાથે લટકાવે છે. આમ ન કરવું જોઈએ. ભારે સાડીઓ મુલાયમ કપડામાં કે સાડી બોક્સમાં વ્યવસ્થિત રીતે મૂકવી જોઈએ.
  • જ્યારે પણ સાડી બહાર ધોવા આપો ત્યારે તેના કાપડ અંગેની વ્યવસ્થિત સૂચના આપીને જ ધોવા આપો.

અને અંતે સૌથી ખાસ વાત એકે  સાડીની દુકાન કે ડિઝાઇનર પાસેથી જ્યારે પણ સાડી ખીદો ત્યારે સાડીની સંભાળ કેવી રીતે રાખવી તે અંગેની ટિપ્સ તે લોકો પાસેથી અચૂક લેવી.