ધૂમ્રપાન છોડવું જ છે!

જ કાલ વ્યસનની ફેશન છે. અને એમા સિગારેટ તો સ્ટેટસ સિમ્બોલ બની રહી છે. ભલેને સિગારેટના પેકેટ પર વૉર્નિંગ હોય પણ એ વૉર્નિંગને માને કોણ. દરેક સિગારેટ ફુંકનાર જાણે તો છે જ કે એ સિગારેટ નથી ફુંકતો, પણ સિગારેટ તેને ફુંકી રહી છે. પણ છતાં તેમની પાસે કેટલાય બહાના મળી રહે છે સિગારેટ પીવાની આદતને જસ્ટીફાય કરવા.

મોટા ભાગના બહાનામાં પાછુ એવુ સાંભળવા મળે કે શું કરવું એટલું ટેન્શન છે. એટલે… દેવઆનંદ ભલે એવુ ગીત ગાય કે હર ફિક્રકો ધુએ મે ઉડાતા ચલા ગયા. પણ ખરેખર કોઇ પણ પ્રકારનુ ટેન્શન શું  સિગારેટ ફુંકવાથી દૂર થાય છે?

જો કે લોકોની સમજ એકદમ જાગી જાય એને તેઓ થોડુ વિચારીને સિગારેટ છોડવાનુ નક્કી પણ કરીએ તો વીલ પાવર સાથ આપે ત્યાં સુધી જ જંગ ચાલે. કેટલાય લોકો કાલથી સિગારેટ પીવાનુ છોડી જ દેવુ છે. અને છોડી દીધુ સિગારેટ પીવાનુ એવુ બોલી તો દે. પણ પછી આંખે પાણીને માથે ચક્કર આવે. જો કે સિગારેટ છોડવાનુ થોડુ કઠિન ભલે હોય પણ અશક્ય નથી. અને એને માટે તમે સચોટ એક્શન પ્લાન બનાવી શકો છો.

સૌથી પહેલુ તો છે નક્કી કરવું..

ગુજરાતી ફિલ્મ ચલ મન જીતવા જઇએમાં એક ડાયલોગ છે કે, “હું ક્યારે આવી એક પણ ટ્રોફી મેળવીશ.” જેના જવાબમાં ફિલ્મનું બીજુ પાત્ર કહે છે, કે નક્કી કરીશ ત્યારે. એટલે સૌથી પહેલુ પગલુ નક્કી કરો. જો નક્કી કરી લીધું તો અભિનંદન પહેલુ પગથિયુ પાર.  જો કે અભિનંદન માત્ર નક્કી કરવા માટે નહીં એક નવી શરૂઆત માટે છે. કારણ આ શરૂઆત તમારા માટે હિતકારી છે એટલા જ રસ્તામાં કપરા ચઢાણ પણ છે. એટલે પહેલો દિવસ કેવી રીતે જશે સિગારેટ વગર તેના માટે તમારે પ્લાન ઘડી કાઢવાનો. કારણ કે પ્રોપર પ્લાનિંગથી જ સફળતા મળશે. તમારી જરૂરિયાતને લઇને પ્રામાણિક રહો. અને એ પ્રમાણે પ્લાનિંગ કરો. ત્યાર બાદ બીજુ વ્યસ્તતા. કામમાં આપણે ભલભલુ ભૂલી જઇએ છીએ. ખાવા પીવાનુ પણ. તો આ તો ખાલી સ્મોકિંગ છે. એટલે મોરલ ઓફ ધ સ્ટોરી કે જેટલા બીઝી રહેશો એટલા સ્મોકિંગ અને સિગારેટથી દૂર રહી શકશો.  વર્ક પ્લેસ પર બીઝી રહી શકાય આસાનીથી. પણ મુશ્કેલી તે સિવાયના સમયની આવશે. એટલે તેના માટે પહેલાથી જ વિચાર કરીને કેટલીક ગમતી એક્ટિવીટીઝ પ્લાન કરો. મનગમતી પ્રવૃત્તિ કરીને પ્રસન્ન થવાશે, માઇન્ડ ડાયવર્ટ થશે એટલે સિગારેટ પણ યાદ નહીં આવે. આવી પ્રવૃત્તિમાં તમે એક્સરસાઇઝ કરી શકો, વોક કરવા જઇ શકો, ગેમ રમી શકો.મુવી જોવા જઇ શકો. પરિવાર અને મિત્રો સાથે સમય વીતાવી શકો. હા પણ એવા લોકો કે જેની સામે તમે સિગારેટ નહીં સળગાવો. આવી ઘણી બધી પ્રવૃત્તિ તમે કરી શકો છો.

પહેલા દિવસના આવા પ્લાન કર્યા છતાં મુશ્કેલીઓ અનુભવાશે. પણ હંમેશા એ યાદ રાખવુ કે મુશ્કેલી ભરેલા માર્ગ જ મંઝિલ પર પહોંચાડશે. એટલે ક્વીટ સ્મોકિંગ અભિયાનના પહેલા દિવસે શું હાલત થઇ. કેવી મુશ્કેલી આવી એ બધાનો અનુભવ તમને આગળ કામ લાગવાનો જ.

હવે બીજી એક મહત્વની વાત, કઇ વાતથી તમને સ્મોક કરવાની તાલાવેલી થાય છે. એ જાણીને તેનાથી દૂર રહો. પછી એ કોઇ વ્યક્તિ હોય, વસ્તુ હોય સ્થિતિ હોય કે કંઇ પણ અન્ય ચીજ હોય. આ બધામાં પોતાના પર વિશ્વાસ રાખવુ એ સૌથી અગત્યનું છે.  અને તમે સ્મોક કરવાની લત છોડી શકો છો એ વિશ્વાસ કેવી રીતે બંધાય તેના માટે તમે પ્રયોગ કરી શકો. હંમેશા માટે નહીં પણ થોડા સમય માટે સિગારેટ છોડવાની પ્રેક્ટિસ કરો. એટલે કે ધારોકે તમે ચેઇનસ્મોકર છો. તો એક કલાક માટે, અથવા અડધા દિવસ માટે અથવા એક દિવસ માટે સ્મોકિંગ છોડીને જુઓ. ધીરે ધીરે સમય વધારો. એટલે તમને પોતાની જાત પર વિશ્વાસ બેસી જશે કે તમે કરી શકો છો. અને વિશ્વાસ થઇ ગયા પછી તો કામ ઘણુ આસાન થઇ જાય છે. આ પ્રેક્ટીસ માટે તમે સમય પણ લઇ શકો છો. આજે ને આજે જ સ્મોકિંગ છોડી દેવાનુ છે એવુ કોઇ જ નહીં કહે. જાતે જ છોડવુ છે એ નિર્ણય કરીને ધીરે ધીરે આગળ વધો.

જો કે સ્મોકિંગની લત તરત જ તમને ટાટા બાયબાય કહી દે એવી નથી. એટલે તાલાવેલી થશે. અને કંટ્રોલ ગુમાવવા સુધીની ક્ષણ આવશે. પણ ત્યારે મદદ માટે હાથ લંબાવવાથી ખચકાવુ નહીં. માત્ર વીલપાવરથી નિકોટીન પેચથી કે એક્શન પ્લાનથી પરિણામ મળી જાય એવુ નથી. ક્યારેક મન કાબુમાં ન રહે ત્યારે તેને કાબુમાં લાવવા માટે મિત્રો અને પરિવારના સભ્યોની મદદ પણ લઇ શકાય. પહેલેથી જ તેઓ નહીં સપોર્ટ કરે એવુ માનીને મદદ માંગશો જ નહીં તો ભૂલ તમારી જ ગણાશે.

અને જ્યારે આવો સાથ, તમારો વીલ પાવર અને નિશ્ચય એક સાથે મળી જાય પછી તો મંઝિલ આ હાથવેંત. બસ તો વધુ સિગારેટ પીઓ છો અને છોડવી છે ફુંકવાની આદત તો માત્ર એટલુ યાદ રાખજો, કે તમે કરી શકો છો.