સાડીનું કામણ અને પોકેટની સગવડ, જાણે સોનામાં સુગંધ

સાડી એ સ્ત્રીઓ માટેનો પારંપરિક, સૌદર્યમાં અને ગરિમામાં વધારો કરનારો તેમ જ પહેરવામાં પણ અતિશય વૈવિધ્ય ધરાવતો પોશાક છે. તહવારોની સીઝન ચાલતી હોય ત્યારે સૌથી સરળ રીતે ઉપલબ્ધ અને ફેશનેબલ પોશાક હોય તો તે છે સાડી. સાડીમાં પછી તે અમદાવાદી ડિઝાઇનની  આશાવલ્લી હોય કે પાટણના પટોળા અથવા તો બાંધણી કે પછી મહારાષ્ટ્ર અને બંગાળમાં પહેરાય છે તેવી સિલ્કની બોર્ડરવાળી સાડીઓ….આ તમામ પ્રકારની સાડીઓ સિલ્કથી માંડીને કોટન, સિલ્ક કોટન, સાટીન અને અન્ય કેટલાય પ્રકારના ફેબરિકમાં મળી રહે છે.

તમે જોયું હશે કે થોડા સમય પહેલા  સોનમ કપૂર તેમ જ શિલ્પા શેટ્ટીએ ધોતી પેન્ટ સાથે સાડી અટેચ કરીને પહેરી હતી. પરંતુ  એ સ્ટાઇલ રૂટિન ચલણમાં ઓછી ચાલી. કારણ કે સ્ત્રીઓને સાડીમાં વૈવિધ્ય તો ગમે છે પરંતુ  તે સરળતાથી પહેરી શકાય એવું હોય તો સ્ત્રીઓ તેને ઝડપથી અપનાવશે. આથી ડિઝાઇનર્સે  જે સાડીમાં નવી સ્ટાઇલ વિકસાવી તે છે પોકેટ સ્ટાઇલ સાડી. અને આ સાડીને સ્ત્રીઓ મોબાઇલ, નાના વોલેટ મૂકી શકે તે રીતે ખીસ્સાંવાળી બનાવી છે. જૂનાં જમાનામાં તમારા દાદી , નાનીમા ચણિયામાં ખીસાં મૂકાવતાં હતાં અને આ ખાસ ખીસ્સાંવાળા ચણિયા જાત્રા માટે કે પ્રસંગ માટે જ વપરાતાં હતાં. હવે આ જ બાબત ડ્રેસ, કૂર્તી , પાયજામા તેમ જ સાડીમાં એપ્લાય કરવામાં આવી છે.

 

અને એક અવલોકન પ્રમાણે વસ્ત્રો એવા જ વધારે પહેરાય છે જે પહેરવામાં સરળ અને સગવડતાવાળા હોય. પોકેટ સ્ટાઇલ સાડી સ્ટાઇલિશ તો લાગે જ છે સાથે સાથે  તેમાં નાનીનાની ચીજવસ્તુઓ સરળતાથી રહી  શકે છે.  આ સાડીઓ તમે તૈયાર ખરીદી શકો છો સાથે સાથે તેને ભાતીગળ ટચ આપવા  કસ્ટમાઇઝ પણ કરાવી શકો છો.  જે ડિઝાઇનર્સ આવી સાડીઓ તૈયાર કરે છે તેમનું કહેવું છે કે  આવી સાડીઓ હજાર રૂપિયાથી માંડીને દોઢ હજાર રૂપિયામાં તૈયાર થાય છે જો વધારે બજેટ હોય તો એ પ્રમાણે પણ સાડી તૈયાર કરવામાં આવે છે.

કોટન મટિરિયલની રહે છે માગ

પોકેટ સાડીઓમાં કોટન મટિરયલની માગ વધારે રહે છે, કારણ કે ખીસ્સાં બનાવવામાં તેમ જ પહેરતી વખતે ઇસ્ત્રી કે આર કરેલી કોટન સાડીમાં સાઇડ પોકેટ સરસ રીતે દેખાય છે. ગુજરાતના સિલ્ક સિટી ગણાતાં સૂરતમાં આ પ્રકારની સાડી વેપારીઓએ બનાવી હતી. જે લોકપ્રિય થઈ છે.  આગામી તહેવારો તથા  લગ્નની સિઝન માટે આ પ્રકારની હેવી સાડીઓ પણ બની રહી છે . વેપારીઓના મતે જિન્સ કે અન્ય પાશ્ચાત્ય પોશાક એટલે લોકપ્રિય છે કે તેમાં ખીસ્સાં હોય છે અને મોબાઇલ જેવી વસ્તુઓ  કે છૂટા પૈસા વગેરે સરળતાથી રહે છે. ત્યારે આ પ્રકારની સાડી મલ્ટપર્પઝ તેમ જ સ્ટાઇલિશ બની રહે છે. અને કોલેજ ગોઇંગ ગર્લ્સથી માંડીને વયસ્ક મહિલાઓ પણ  પોકેટ સાડી પહેરીને ગોર્જિયસ લૂક મેળવી શકે છે. તમારે  નાના ફંક્શનમાં જવાનું હોય તો  સાડીના પોકેટમાં નાનું પર્સ અને મોબાઇલ મૂકીને તમે હાથમાં પર્સનું વજન રાખ્યા વિના આરામથી ટહેલી શકો છો.