મોન્સૂન પ્રૂફ હોમ બનાવી એન્જોય કરો ચોમાસું

રસાદનો આનંદ માણવા થોડી સાવચેતી  જરૂરી બની જાય છે. આમ તો હાલની પરિસ્થિતિમાં ગુજરાતમાં ચોમાસું દૂર દૂર ભાગી રહ્યું છે પરંતુ મુંબઇ કે અન્ય વિસ્તારો જ્યાં મેઘરાજા મન મૂકીને વરસ્યા છે. તેવા સ્થળોએ ચોમાસામાં ઘરની  દરકાર જરૂરી બની જાય છે.  અચાનક જ્યારે મેઘો મન મૂકીને વરસે ત્યારે મહાનગરોમાં  ઘરની પરિસ્થિતિ ભેજ અને પાણીને કારણે દયનીય બની જતી હોય છે. તેવામાં મોન્સૂન હોમ ડેકોર પ્રત્યે ધ્યાન આપવું જરૂરી બની જાય છે.  હોમ ડેકોર એટલે ફક્ત સજાવટનો ખ્યાલ હવે જૂનો થઈ ગયો છે. ઘરની સુંદરતા ટકાવી રાખવા તેને ઋતુગત ફેરફાર મુજબ અપડેટ કરવું જરૂરી છે. વરસાદનો વિચાર કવિતાઓ અને નિબંધો માટે ઘણો પ્રિય છે પરંતુ મહાનગરોમાં રહેતા  અને ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવાર માટે આ દિવસો રાહતની સાથે સમસ્યાઓ પણ લાવતા હોય છે ત્યારે ચોમાસાનો આનંદ માણવા માટે આગોતરી તૈયારી જરૂરી બની જાય છે.

મેઘરાજા ધીરે ધીરે પોતાની સવારી  આગળ વધી રહ્યા છીએ. એ જોતા હવે આપણે ઘરને મોન્સૂન પ્રૂફ બનાવવાની તૈયારી આરંભી દેવી જોઈએ. ચોમાસાને આનંદપૂર્વક માણવા માટે એ જરૂરી છે કે, ઘરમાં ચોમાસાની સુરક્ષાને લગતી તમામ તૈયારીઓ થઈ ચૂકી હોય. વરસાદના આનંદને માણવા તમે પણ હવે ઝડપથી ઘરમાં ફ્લોરિંગ,પેસ્ટ કંટ્રોલ, પાણી ટપકતું હોય જેવી બાબતોની ચકાસણી કરાવીને સમારકામ પતાવી દો. હોમ ડેકોર એટલે કુશન કે પડદા બબદલીને ઘર સજાવી લેવું તે ખ્યાલ દૂર કરીને નક્કર બાબતો પર ધ્યાન આપવું જરૂરી છે જેથી  કોઈ આક્સમિક ઘટના ન બને.

વાયરિંગ સેફ બનાવી દો

ચોમાસા દરમિયાન પાણીને કારણે શોટ સર્કિટ થવાની સમસ્યા સર્જાતી હોય છે અથવા તો ખુલ્લા વાયરોને કારણે કરંટ લાગવાની બીક પણ રહેતી હોય છે. એટલે આવું ખુલ્લું વાયરિંગ હોય તેને પહેલા સરખું કરાવી લેવું. આ ઉપરાતં જે પણ ઇલેકટ્રિક એપ્લાયન્સીસ વાપરો તે કાળજીપૂર્વક વાપરો.

ફર્નિચરની કાળજી

મોટાભાગે ચોમાસામાં લાકડાનું ફર્નિચર ફૂલી જતું હોય છે ખાસ કરીને દરવાજા. એટલે પહેલે થીજ ઘરના દરવાજા તથા જાળીઓની વચ્ચે તેલ કે ગ્રીસ લગાવી લેવું. જેથી દરવાજા અન બારીઓ સરળતાથી ખોલ બંધ કરી શકાય

બારી પર વાછટિયા લગાવવા

એપાર્ટમેન્ટમાં રહેતા હો કે ટેનામેન્ટમાં જો તમે રી પર ઢળતા વાછટિયા લગાવી દીધા હશે તો વરસાદની વાછટથી આવેલું પાણી બારી કરતા દૂર પડશે. એટલે ઘર ભીનું નહીં થાય. આ ઉપરાતં જેટલા ભાગ વાછટિયા કે વિન્ડો શેડથી કવર કર્યો હશે, તેનાથી એટલી જગ્યા કોરી પણ રહેશે.

ગાર્ડન ટ્રિમિંગ

ગાર્ડન સજાવેલો હોય અથવા તો તમારા કપાઉન્ડમાં મોટા મોટા ઝાડ હોય તો ચોમાસામાં તેની કેટલીક ડાળીઓ કપાવી નાખો. કારણ કે મોટા વૃક્ષોની ડાળીઓ ધાબા પર કે ઘરમાં આવતી હોય તો તેના કારણે ઘરમાં સતત ભેજ રહે છે જે યોગ્ય નથી. આ ઉપરાંત જે વેલ અને પ્લાન્ટસ ખૂબ ફેલાઈ ગયા  હોય તેને ટ્રીમ કરીને નાના કરી નાખવા, જેથી સાપ, વીંછી તે કોઈ અન્ય ચોમાસું જીવજંતુ આવવાનો ડર ન રહે.

પેસ્ટ કંટ્રોલની દવા નાખવી

વરસાદમાં વંદા, લાકડામાં આવતી જીવાત, ઝીણા જીવજંતુઓથી ખૂબ સમસ્યા સર્જાતી હોય છે.તેના માટે પેસ્ટ કંટ્રોલની પ્રોસેસ કરાવી લેવી. ઘરમાં કે ઓફિસમાં આ પ્રકારની સમસ્યા ન હોય તો પણ વરસાદ પહેલાં પેસ્ટ કંટ્રોલ કરાવી લેવું. જો ઘરમાં કે ઓફિસમાં લાકડાનું ફર્નિચર વધારે હોય તો તો ભૂલ્યા વિના પેસ્ટ કંટ્રોલરને બોલાવી લેવો જોઈએ. ઉપરાંત જ્યારે પણ તડકો નીકળે ત્યારે ઓશિકા, ચાદર,કુશન રૂટિનના વસ્ત્રો વગેરે તપાવી લેવું જેથી આ બધી વસ્તુઓમાંથી  ભેજની વાસ ન આવે.

વરસાદ ધોધમાર વરસે તે પહેલા આવી પ્રાથમિક તૈયારીઓથી સજ્જ રહેશો તો વરસાદના મહિનાઓ દરમિયાન આરામથી આ મૌસમને માણી શકશો