બેસ્ટ થેરાપી- મ્યૂઝિક

સંગીત. શબ્દ જ કેટલો સુમધૂર છે. આમ તો સાંભળવામાં જે ગમે એ બધું સંગીત સરીખું જ હોય. તેમ છતાં સંગીતનો સૂર, લય અને તાલ ભળે એટલે જે અનુભૂતિ થાય એ અવર્ણનીય હોય. આ જ અનુભૂતિ છે કદાચ કે જેને કારણે સંગીત થેરાપી તરીકે પણ કામ કરે છે.

ક્યારેય વિચાર્યુ છે કે  કોઇ પણ ટેન્શન હોય અને તમને તમારુ મનગમતું ગીત કે સંગીત સાંભળવા મળે તો એ સમયે તમારું ટેન્શન કે સ્ટ્રેસ સાઇડ પર થઇ જાય છે. કદાચ ધ્યાન નહીં આપ્યુ હોય તો એકવાર પ્રયોગ કરી જોજો. એટલે સમજાઇ જશે કે સંગીતની અસર જ અલગ છે. આ જ અસર કામ કરે છે થેરાપી તરીકે.

પહેલા શાસ્ત્રીય સંગીત ખૂબ જ પ્રચલિત હતું એનુ કારણ પણ એ જ કે શાસ્ત્રીય સંગીતમાં જે રાગ છે તે ઘણા બધા રોગોના ઇલાજ તરીકે મદદરૂપ છે. ચિકિત્સા વિજ્ઞાન અનુસાર દરરોજ 20 મિનિટ તમે તમારી પસંદનું સંગીત સાંભળો તો ઘણા બધા રોગોથી બચી શકાય છે. આપણા શાસ્ત્રોની જો વાત કરીએ તો જ્યોતિષ અનુસાર દરેક રોગનો સંબંધ કોઇને કોઇ ગ્રહ સાથે છે અને એ જ રીતે સંગીતના સુર અને દરેક રાગનો સંબંધ પણ ગ્રહો સાથે વર્ણવાયેલો છે. જો કે ગ્રહોને સાઇડ પર રાખીએ અને વાત કરીએ સાયંસની તો એ સાબિત કરાયેલુ સત્ય છે કે, મ્યુઝિક તમારા મગજ પર ઘણી બધી રીતે અસર કરે છે. અને આ જ સત્યને ઘણા લોકો ઉપયોગ કરે છે. તમે કોઇ રેસ્ટોરાંમાં જાઓ અને સરસ મજાનું મ્યુઝિક વાગતુ હોય તો તમને ત્યાં જવાની વારંવાર ઇચ્છા થાય એ તમે અનુભવ્યુ હશે. આ ઉપરાંત એમ્બિયન્સ મ્યુઝિક તમારી ક્રિએટિવિટી  પણ વધારે છે.

સંગીતમાં એક સૂધિંગ ઇફેક્ટ હોય છે. જે કોઇ પણ થેરાપિ કરતાં વધુ અસર કરે છે. મ્યુઝિક ઇન્સટન્ટ મૂડ એન્હાન્સર અને સ્ટ્રેસ બસ્ટર છે. એટલે જો તમે ઉદાસ છો. તો ખુશ થવા માટે તમે સંગીતનો ઉપયોગ કરી શકો, અને તણાવ વધી ગયો હોય તો પણ તમારુ મનગમતુ સંગીત તમારા તણાવને માળીયે મુકી દેશે. સંગીત મરતા માણસને પણ આશા જગાવે છે. થોડુ વધારે પડતુ લાગતુ હશે પણ સાચુ છે. થોડા વર્ષો પહેલા અમદાવાદના નરોડા વિસ્તારમાં રહેતા એક મહિલા કે જેઓ હ્યદયની બીમારીના શિકાર બન્યા હતા. ડૉક્ટરે તો હાથ ઉંચા કરી દવાને હવાલે દર્દીને કરી દીધા. ઘરમાં ઉદાસીનતાનો માહોલ હતો. પણ દરરોજ રાતે એ મહિલાના પડોશમાં રહેતો યુવક The Corrs બેન્ડનું Toss The Feathers ટ્રેક ફુલ વોલ્યુમ પર વગાડતો. આ ટ્રેકની બીટ એટલી મજાની હતી કે હાર્ટ પેશન્ટની કંડિશન પણ સુધરતી ગઇ. એટલે સુધી કે ડૉક્ટરે પણ આ વાતમાં હામી ભરી. વેલ, કેટલાક લોકોને લાગશે કે આ તો કાગનું બેસવુ અને ડાળનું પડવું થયું. તો એવા લોકો માટે પણ જવાબ છે. એઇમ્સના એક પુર્વ કાર્ડિયોથોરોસિક સર્જન સંપત કુમારે સંગીતને મેડિસિન તરીકે ગણાવી છે. અને એ પણ કહ્યુ છે કે દર્દીઓમાં રહેલો ડર અને ઉચાટને દૂર કરવા માટે મ્યુઝિક અકસીર ઇલાજ છે. મ્યુઝિકની બિટ્સ હ્યદયના ધબકારા અને મગજના તરંગો બંને પર અસર કરે છે. અને એ જ કારણ છે કે મરતો માણસ પણ મોતનો ભય ભૂલીને આશાવાદી બને છે.

સાયકોલોજીકલી અને ન્યુરોલોજીકલી એ સાબિત થયેલુ છે કે  સંગીતના તરંગો જ્યારે મગજમાં પહોંચે છે. ત્યારે આપણા વિચારો અને લાગણીઓનું ઉપ્તત્તિ કેન્દ્ર હીલ થાય છે. અને ભાવનાઓ પર થતી આ સકારાત્મક અસર આપણા મૂડ અને વર્તનમાં પણ દેખાય છે. મ્યુઝિક જેવું કોઇ પેઇન કીલર નથી. માઇંડ ડાયવર્ટ કરવાનું કામ મ્યુઝિક કરે છે. મ્યુઝિકના તરંગો તમારુ દર્દ ઓછુ નથી કરતાં પણ તેનાથી પણ વધુ મ્યુઝિક તમારુ પેઇન વિશેનું પરસેપ્શન એટલે કે દર્દ કોને કહેવાય એ વ્યાખ્યા બદલે છે. દર્દ એટલુ જ હોય પણ તમને તે ઓછુ લાગવા લાગે છે. આ તો બધી મેડિકલ સાયન્સને લગતી વાતો થઇ. પણ મ્યુઝિકની અસર બાળકોને માટે મેજીકલ ટ્રાન્ફોર્મેશનનું કારણ પણ બની જાય છે. તમારા બાળકો જો તોફાની છે, ચિચિયારીઓ પાડે રાખે છે તો તેમને તમે મ્યુઝિક સાંભળવાની આદત પાડો. તો તે કકળાટને બદલે તમારા બાળકો મધુર કલરવ કરતાં થઇ જશે.

તો મોરલ ઓફ ધ ટેલ – મ્યુઝિક ઇઝ ધ બેસ્ટ થેરાપી. નોટ ઓન્લી ફોર ડીસીઝ બટ ફોર લાઇફ. સંગીતના સુરમાં ખોવાશો તો જગતમાં તમારી જાત જડી જશે. ક્રિએટીવ બનશો, કાલ્મ બનશો, પછી સ્ટ્રેસ કેવો ને વાત કેવી.