જ્યૂટના વસ્ત્ર બન્યાં સ્ટાઇલ સ્ટેટમેન્ટ

ફેશન જગત સતત પરિવર્તનશીલ રહે છે. જોકે તેમાં મોટાભાગે તમને એવું જોવા મળશે કે જાણે જૂના જમાનાની ફેશન પરત આવતી હોય. અને આ બાબત તમારામાંથી મોટાભાગના લોકો માનતાં હશે ઘણાં લોકોને તો એવો અનુભવ હશે કે મોટાભાગે તો જૂની ફેશન જ નવા સ્વરૂપે આવતી હોય છે. એટલે કે ફેશન ડિઝાઇનર નવી બોટલમાં જૂનો દારૂ પીરસતાં હોય તેવી પરિસ્થિતિ ફેશન જગતમાં સામાન્ય છે.

હાલમાં જે  ઇકો ફ્રેન્ડલી ક્લોથિંગનો ટ્રેન્ડ છે તે બાબત પણ એવી જ છે. ઇકો ફ્રેન્ડલી એટલે કે જૈવિક વસ્ત્રો બાબતે પણ આવું જ કહી શકાય. ક્લેક્શનની બોલબાલા છે, પરંતુ ખાટલે મોટી ખોડ એ હોય છે કે આવા ક્લેક્શનમાં આઉટફિટ્સના ભાવ એટલા બધાં હોય છે કે સામાન્ય માણસે આ આઉટફિટ્સ ખરીદવા એ ગજાબહારની વાત થઈ જાય છે.

તમારા વડવાંઓને પૂછશો તો તમને જાણવા મળશે કે એમના માટે સૂતર કાંતીને વસ્ત્રો પહેરવા એ ફેશનની નહીં પણ રોજિંદી અને સામાન્ય બાબત હતી. આ કપડામાં વધારે રંગ અને કેમિકલનો ઉપયોગ ન થવાને લીધે તેનું ટકાઉપણું વધારે હતું. કદાચ કોઇના ઘરમાં હજીય બા કે મમ્મીની જૂની કોટન સાડીઓમાંથી બનાવેલી ગાદલાની ખોળ એવીને એવી અકબંધ હશે. પહેલાના સમયમાં ઇકો ફ્રેન્ડલી ફેબ્રિક તરીકે કોટન જ  કાપડ પ્રભુત્વ ભોગવતું હતું, પરંતુ ફેશન બદલાતા ફ્રેબિક જગતમાં પોલિએસ્ટર, લિનન,વપરાતું હતું હવે ક્રેયોન, શિફોન  જેવા કૃત્રિમ રીતે બનતા કાપડનો વ્યાપ પણ વધ્યો. શરૂઆતમાં ફેશન પરસ્ત સ્ત્રીઓને આ બાબત ખૂબ પસંદ આવી,પરંતુ  કૃત્રિમ ફેબ્રિકના કારણે ત્વચાને લગતી કેટલીક તકલીફો પણ વધવા માંડી એટલે ફરીથી લોકો કોટન અને અન્ય પ્રાકૃત્રિક રેસાઓ તરફ પાછા વળ્યાં.

શું છે નેચરલ ફેબ્રિક

ફેશન જગતે થોડા વધારે ખાંખાખોળા કરીને કેળાના થડની છાલ અને રેસા, વાંસમાંથી મળતા રેસા, શણ, પાઇનેપ તથા બિચવૂડના પાન વગેરેનો ઉપયોગ કરીને નેચરલ ફ્રેબિક બનાવ્યા છે. બાળકો માટે ડોક્ટર્સ કોટન કપડાંની જ ભલામણ કરતાં હોય છે આ બાબતને લીધે ફેશન જગતમાં ઇકોફ્રન્ડલી ક્લેક્શનની માગ વધી છે.  આજે તો મોટા સ્ટોરમાં તમને પ્યોર કોટનની સાથે સાથે ઇકો ફ્રેન્ડલી રેન્જનું પણ એક ખાસ સેક્શન જોવા મળશે, જોકે આ બધામાં જ્યૂટ મટિરિયલ સૌથી સફળ રહ્યું છે. વળી જ્યૂટ મટિરિયલનું ઘેલું તો વિદેશીઓને પણ લાગેલું છે.

ફેશન પરસ્ત યુવતીઓને યાદ હશે કે ઇકો ફ્રેન્ડલી ફેશનના મંડાણ થાય ત્યારે જ્યૂટના કાપડે ખૂબ ધૂમ મચાવી હતી. જે આજે પણ હીટ છે. જ્યૂટ એટલે શણ, અગાઉના સમયમાં તો ઘઉં, ચોખા, દાળ શણની ગુણોમાં આવતા હતા તેથી ઘરમાં તેનો ઉપયોગ શિયાળાની સિઝનમાં બેસવા માટે કરવામાં આવતો હતો. પરંતુ એકદમ સસ્તી રીતે મળી રહેતાં આવા કોથળાંઓ ઉપર પ્રોસેસ કરીને ફેશન ડિઝાઇનર જ્યૂટ ડ્રેસીસ, શણમાંથી હવે તો મોટા પાયે જ્વેલરી અને બેગ બનાવવા લાગ્યાં હતાં. હાઇ એન્ડ ફેશન સ્ટોરની સાથે સાથે મેટ્રો શહેરમાં જ્યૂટના ડ્રેસ મટિરિયલ ખૂબ વેચાતાં હતાં. જ્યૂટ મટિરિયલના સમર વેર તરીકે તમે જમ્પ સૂટ, કૂર્તા, લોંગ ગાઉન સલવાર કમીઝ તો પુરુષોને શર્ટના ઘણા ઓપ્શન મળી શકે છે.

 

જયૂટ સહિતના ઇકો ફ્રેન્ડલી વસ્ત્ર સજ્જાના ફાયદા

  • કેમિકલ અને ડાઇની આડઅસરોથી બચી શકાય છે
  • ગરમીની ઋતુ ઉપરાંત કોઈ પણ ઋતુમાં  પ્રાકૃતિક રીતે બનેલું કાપડ ત્વચા માટે આરામદાયક રહે છે
  • આ કાપડમાં  કેમિકલ સીધા ત્વચા સાથે સંપર્કમાં આવતા નથી તેથી ત્વચાને કોઈ નુકસાન થતું નથી
  • જૈવિક વસ્ત્રો પહેરવાને કારણે કોઈક રીતે પર્યાવરણ સુરક્ષા સાથે આડકરતી રીતે જોડાઈ જાવ છો