આવતા વર્ષે પણ અમેરિકાને વાવાઝોડું ઘમરોળશે?

વર્ષે લગભગ આખી દુનિયા વાવાઝોડા, પૂર અને અતિવૃષ્ટિથી ત્રસ્ત અને પીડિત રહી. અમેરિકા, ચીન, પાકિસ્તાન, ભારત, બાંગ્લાદેશ વગેરે અનેક દેશોમાં કુદરતી પ્રકોપના કારણે મોટા પાયે વિનાશ સર્જાયો. પુરાણોમાં કહેવાયેલી જળપ્રલયની આગાહી જાણે સાચી પડતી હોય તેમ એક તબક્કે તો લાગ્યું. ગુજરાતમાં પણ સુરેન્દ્રનગર, મોરબી, ઉત્તર ગુજરાત, અમદાવાદ, દક્ષિણ ગુજરાત વગેરે અનેક સ્થાનોએ જળબંબાકારની સ્થિતિ જોવા મળી અને પૂરના કારણે મોટા પાયે નુકસાન થયું.

હાર્વે, ઈર્મા અને મારિયા વાવાઝોડાંએ અમેરિકાને ઘમરોળી નાખ્યું. જાણે વિશ્વવિક્રમ થઈ ગયો. અમેરિકામાં તો વાવાઝોડા સમયે લોકો ભાન ભૂલી લૂંટફાટ કરવા લાગ્યા. કુદરત રૂઠી તો લોકોએ પણ સાનભાન ભૂલ્યું. બીજી તરફ, ભારતમાં મુંબઈમાં પૂરની સ્થિતિ વખતે ટ્વિટર જેવા માધ્યમનો સદુપયોગ કરી લોકોએ પોતાના વિસ્તારમાં ફસાયેલા લોકોને પોતાના ઘરે આશરો લેવા આમંત્રણ આપ્યાં. જોકે આ વર્ષે વાવાઝોડાં આવી ગયાં એટલે આવતા વર્ષે કુદરત શાંત પડી જવાની છે તેવું નથી. એટલાન્ટિક સમુદ્ર આવતા વર્ષે વધુ પ્રચંડ રીતે તોફાની બનવા સંભાવના છે અને તેનું કારણ છે લ નીના. તે આવનારા મહિનાઓમાં આવવાની સંભાવના છે અને તે જો આગામી ઉનાળા સુધી ચાલુ રહે તો આવતું વર્ષ પણ કુદરત વિનાશ સર્જશે તેવી પૂરી શક્યતા છે.

અમેરિકામાં શિયાળો પગરણ માંડે તે પહેલાં લ નીના દેખા દે તેની ૫૫થી ૬૫ ટકા સંભાવના છે તેમ અમેરિકાના નેશનલ ઓશિયનિક અને એટ્મોસ્ફિયરિક પ્રશાસન દ્વારા ગયા સપ્તાહે જાહેર કરવામાં આવેલી શિયાળા સંદર્ભની આગાહી કહે છે.

લ નીનો વિશે જાણવું જરૂરી છે. લ નીનો એ કેવી સ્થિત છે તે જાણીએ તો લ નીના એ અલ નીનો સાઉધર્ન ઑસ્કિલેશન (ઇએનએસઓ)ના બે તબક્કા પૈકીનો એક છે. વિષુવવૃત્તીય પ્રશાંત પાસે સમુદ્રની સપાટી પર તાપમાનમાં પુનરાવર્તિત ફેરફારને લ નીનો કહે છે. તે પ્રશાંત મહાસાગરથી લઈ એટ્લાન્ટિક મહાસાગર સુધીની હવામાન ઢબને અસર કરે છે. બે ઇએનએસઓ તબક્કા બે મહાસાગર વચ્ચે હિંચકા જેવું કામ કરે છે. તેનાથી એક મહાસાગરમાં વાવાઝોડાની પ્રવૃત્તિ વધે છે જ્યારે બીજામાં નબળી પડે છે. લ નીના સ્થિતિથી એટ્લાન્ટિક મહાસાગરમાં આવી પ્રવૃત્તિ વધવાની સંભાવના છે અને મધ્ય તથા પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં ઘટવાની સંભાવના છે. અલ નીનો આનાથી ઊંધું કરે છે.

આ સ્થિતિ સર્જાવાનું કારણ અલગ-અલગ પ્રકારના પવનો છે. અલ નીનો દરમિયાન મકર અને કર્કવૃત્ત રેખા સાથે જોડાયેલા ક્ષેત્રમાં પ્રચંડ પશ્ચિમી હવાથી ખૂબ જ તેજ ગતિનો પશ્ચિમી પવન ઉદ્ભવે છે. તે એટ્લાન્ટિક વાવાઝોડાને બે ભાગમાં વિભાજીત કરે છે. એક શક્યતા એવી પણ છે કે તે વાવાઝોડાને ઉદ્ભવતું રોકી પણ શકે છે, તેમ કેલિફૉર્નિયામાં યુનિયન ઑફ કન્સર્ન્ડ સાયન્ટિસ્ટ ક્રિસ્ટિના ડાલનું કહેવું છે. ક્રિસ્ટિના હવામાનશાસ્રી છે. આ ઘટનાઓ લ નીનાસમાં ઉદ્ભવતી નથી.

હવે એ જોઈએ કે લ નીના સ્થિતિ કેટલો સમય રહે છે. લ નીનાનું આયુષ્ય નવથી બાર મહિનાનું હોય છે. કેટલીક વાર તે બે વર્ષ સુધી પણ રહી શકે છે. આનો અર્થ એ થયો કે ટેક્સાસ, ફ્લૉરિડા કે કેરેબિયનના લોકોએ વધુ એક વાર વિનાશક વાવાઝોડાનો સામનો કરવા તૈયાર રહેવું પડશે.