પૃથ્વી પરથી CO2 દૂર કરવાનું બીડું ઝડપ્યું છે આ ભાઈએ!

ન્ટાર્કિટકાનો બરફ પીગળી રહ્યો છે. આ વાત સમગ્ર દુનિયા માટે ચિંતાજનક છે કારણ કે તેના લીધે પૃથ્વી પર ઉષ્ણતામાન વધશે. એક નવા સંશોધનમાં ત્રીસ હજાર વર્ષ પૂર્વે જે ઘટના બની હતી તેની વિગતો ધ્યાનમાં આવી છે અને આ ઘટના અત્યારની ઘટના જેવી જ છે. ત્રીસ હજાર વર્ષ પૂર્વે ઉત્તર એટલાન્ટિક ક્ષેત્ર પણ રાતોરાત ગરમ બની ગયું હતું.

ગ્રીનલેન્ડ (આર્ક્ટિક અને એટલાન્ટિક સમુદ્ર વચ્ચે આવેલો એક દેશ)માં બરફનું પડ ઓગળી રહ્યું છે. આર્ક્ટિકમાં હિમસમુદ્ર પણ પીગળી રહ્યો છે. વૈશ્વિક સમુદ્ર જળનો પ્રસાર પણ અટકી રહ્યો છે. આ સંકેતો છે કે વિશ્વમાં ગરમી વધતી જ જવાની છે. આવા બધા સંકેતો તો અવારનવાર મળતા રહે છે, પરંતુ પ્રશ્ન એ છે કે વૈજ્ઞાનિકો સિવાય સામાન્ય લોકો શું કરે છે? શું કરી શકે? આનો જવાબ કદાચ બ્રિટનના એક ભાઈ આપી શકે.

બ્રિટનના રૉબર્ટ સ્વાન નામના ભાઈ જેઓ ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વચ્ચે યાત્રા કરનારા પહેલાં યાત્રી બની ગયાં છે. તેમણે દક્ષિણ ધ્રુવની યાત્રા આજથી ત્રીસ વર્ષ પૂર્વે કરી હતી. તેમનું માનવું છે કે પુનઃપ્રાપ્ય ઊર્જાના ઉપયોગથી એન્ટાર્ક્ટિકાનો બરફ ઓગળતો અટકાવી શકાશે. સ્વાનભાઈ અત્યારે વિશ્વને કાર્બન ડાયૉક્સાઇડના ઉત્સર્જનથી વિશ્વને સ્વચ્છ કરવાના સંકલ્પ સાથે નીકળ્યા છે. તેમણે તાજેતરમાં અબુ ધાબીની મુલાકાત લીધી ત્યારે યુવાનોને ઊર્જાના કુદરતી સંસાધનોનો આશરો લેવા અનુરોધ કર્યો હતો.

રૉબર્ટ સ્વાન હવે તેમની સાથે યુએઇના ત્રણ ભાઈઓને આવતા વર્ષના માર્ચમાં એન્ટાર્ક્ટિકા લઈ જવાના છે. એન્ટાર્ક્ટિકાની જાળવણી પર જાગૃતિ કેળવવાના પ્રયાસો માટે સ્વાનભાઈએ તેની જિંદગી સમર્પિત કરી દીધી છે. એટલું જ નહીં તેમણે વર્ષ ૨૦૨૫ સુધીમાં પૃથ્વીના વાતાવરણમાંથી ૩૨.૬ કરોડ ટન કાર્બન દૂર કરવાની નેમ લીધી છે. આ નેમ એકલા તો પાર પડે નહીં, આથી તેમની ઈચ્છા આ કાર્યમાં વધુને વધુ યુવાનોને જોડવાની છે. આ માટે તેમણે ‘૨૦૪૧ ફાઉન્ડેશન’ નામની કંપની પણ બનાવી છે. ૩૦ વર્ષ પૂર્વે દક્ષિણ ધ્રુવની યાત્રા બાદ રૉર્બટભાઈને લાગ્યું કે વિશ્વને કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્સર્જન ઓછું કરવા અને સ્વચ્છ ઊર્જાનું મહત્ત્વ સમજાવવાની જરૂર છે. બસ, ત્યારથી તેઓ આ કામમાં લાગી પડ્યા છે.

રૉબર્ટ સ્વાન સૌર ઊર્જા જેના પર ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી ખૂબ જ ભાર મૂકે છે, તેના વિશે કહે છે, “જો હું એન્ટાર્ક્ટિકામાં સૌર ઊર્જા પર ટકી શકું તો તમે પણ જે ભૂમિમાં રહો છો ત્યાં સૌર ઊર્જા પર જરૂર ટકી શકો. જો તમે યોગ્ય પુનઃપ્રાપ્ય ઊર્જા અને જૈવ ઇંધણ (બાયોફ્યુઅલ)નો ઉપયોગ કરશો તો આપણા ગ્રહ (પૃથ્વી) માટે તે ખૂબ જ લાભદાયક સાબિત થશે.”

રૉબર્ટ સ્વાન કહે છે કે ૨૮ વર્ષ પહેલાં ગ્લૉબલ વૉર્મિંગ વિશે કોઈ માનતું નહોતું, પરંતુ આજે જો કોઈ ન માનતું હોય તો હું તેને એન્ટાર્ક્ટિકા લઈ જઈશ. ત્યાં તેના પગ નીચે બરફ તૂટશે ત્યારે તેને પગ નીચેથી ધરતી સરકવા જેવો અનુભવ થશે અને ત્યારે તે સમજી જશે કે પૃથ્વી પર વધતી જતી ગરમી કેટલી હાનિકારક છે.

રૉર્બટભાઈ કહે છે કે કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્સર્જન સાવ રોકી શકવાના નથી, પરંતુ તેની સામે જો આપણે વૃક્ષ વાવીએ તો વૃક્ષ કાર્બન ડાયૉક્સાઇડ શોષી લેશે. એટલે કાર્બન ડાયૉક્સાઇડની માત્રા વધતી રોકવાનો ઉપાય વૃક્ષ વાવવાનો જ છે. તેઓ કહે છે, “જો તમે એક વૃક્ષ વાવશો તો તે એક ટન કાર્બન ડાયૉક્સાઇડ વાતાવરણમાંથી દૂર કરે છે.” રૉબર્ટભાઈ એટલે જ હિન્દુ ધર્મમાં તો હજારો વર્ષ પૂર્વે પર્યાવરણને બચાવવાના હેતુથી જ પીપળા, તુલસી, બિલી, રૂદ્રાક્ષ, ખીજડા, પારિજાત વગેરે અનેક વૃક્ષની પૂજાનું મહત્ત્વ સમજાવાયું છે. પરંતુ આજકાલ લોકો તેને અંધશ્રદ્ધા માની તેની હાંસી ઉડાવે છે, તેનો વિરોધ કરે છે. ભારતના વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝે તો વૃક્ષમાં પણ જીવ હોય છે તેવું પુરવાર કર્યું હતું. એટલે તો ભારતમાં કહેવાય છે છોડમાં રણછોડ છે.