રજાઓમાં પર્યાવરણને કેવી રીતે જાળવશો?

ત્યારે રજાઓનો ગાળો છે. રજાઓમાં ફરવાનું નિશ્ચિત બની ગયું છે, પરંતુ રજાઓને પર્યાવરણ સાથે કોઈ સંબંધ ખરો? હા, બિલકુલ ખરો. રજાઓને પણ પર્યાવરણ જાળવવાનું નિમિત્ત બનાવી શકાય. કઈ રીતે આવો જોઈએ.તમે રજાઓમાં જ્યાં પણ ફરવા જાવ ત્યાં જો કુદરતી સૌંદર્યવાળાં સ્થળો હોય તો તેનું પર્યાવરણ મહત્તમ જળવાય તેની કાળજી લઈ શકો? હિલ સ્ટેશને ગયા હો તો પેટ્રોલ-ડીઝલવાળાં વાહનોનો ઉપયોગ ઓછામાં ઓછો કરો, જેથી પ્રદૂષણ ઓછું થાય. જો કોઈ બાગ-બગીચામાં ગયા હો કે વન-ઉપવન ગયા હો તો ત્યાં ઝાડ-ફૂલ-પાનને તોડશો નહીં. હિલ સ્ટેશને કે બાગબગીચામાં વેફર વગેરેના પ્લાસ્ટિકના કાગળ જ્યાં ત્યાં ફેંકી કચરો કરશો નહીં. ટ્રેનમાં પણ નાસ્તો કરો- જમો તો તેના કાગળ, પ્લાસ્ટિક દરેક ડબ્બામાં ફાળવવામાં આવેલી કચરાપેટીમાં જ નાખો. ડબ્બાને ગંદા કરશો નહીં.

જો તમે કોઈ બીચ પર ગયા હો તો દરિયાના પાણીમાં કચરો નાખશો નહીં. બીચ પર પણ ગંદકી કરશો નહીં. નદી કિનારે ગયા હો તો નદીમાં પણ કચરો ફેંકશો નહીં.

પર્યટનનું પર્યટન થાય અને સાથે પર્યાવરણને પણ કોઈ નુકસાન ન પહોંચે તે માટે એક નવો વિચાર વિકસ્યો છે- સસ્ટેનેબલ ટુરિઝમ. ટકાઉ પર્યટન. યુનેસ્કોએ ટકાઉ પર્યટનની વ્યાખ્યા કંઈક આ રીતે કરેલી છે- “પર્યટન જે સ્થાનિક લોકો અને પર્યટકો, સાંસ્કૃતિક વિરાસત અને પર્યાવરણ બંનેનું સન્માન કરે છે.” આમાં એક તરફ પર્યટકોને આનંદ મળવાની વાત પણ આવી જાય છે તો બીજી બાજુ સ્થાનિક સંસ્કૃતિ અને પર્યાવરણને નુકસાન ન થાય તે જોવાની ફરજની વાત પણ છે.

ઘણા લોકો જે તે વિસ્તારમાં જાય તો ત્યાંની સ્થાનિક સંસ્કૃતિનું સન્માન નથી કરતા હોતા. દા.ત. ભારત એ કંઈક અંશે રૂઢિવાદી દેશ છે. અહીં કપડાંની મર્યાદા, ખાણીપીણીની મર્યાદા રાખવી જોઈએ. એટલે અહીં વિદેશી પર્યટકોએ બહુ અંગપ્રદર્શક વસ્ત્રો પહેરવાનું ટાળવું જોઈએ તેવી સલાહ (આદેશ નહીં) અપાય છે. આ જ રીતે તમે પૂર્વ કે ઉત્તરાખંડ વિસ્તારમાં ફરવા જાવ તો ત્યાં નેપાળ કે ચીનના લોકો જેવા દેખાતા લોકો મળી આવે તો તેમની મજાક ઉડાડવાનું ટાળવું જોઈએ.

ભારતના અનેક હિલસ્ટેશનનાં તંત્રો હવે એવું વિચારી રહ્યાં છે કે ટકાઉ પર્યટન વિશે પર્યટકોને જાગૃત કરવા જરૂરી છે. ગયા વર્ષે દક્ષિણના કોડાઇકેનાલના કલેક્ટરે આહ્વાન કર્યું હતું કે હિલ સ્ટેશનના પર્યાવરણ અને ઇકૉલૉજીને બચાવવા માટે કોડાઇકેનાલની ક્ષમતા મુજબ ટકાઉ પર્યટનને અમલી બનાવવું જોઈએ. આ માટે ઝીણવટભર્યું આયોજન જરૂરી છે. કોડાઈકેનાલને સ્વચ્છ, જવાબદાર અને ટકાઉ વિકાસની જરૂર છે. આ માટે પર્યટકોને પર્યાવરણની સુરક્ષા અંગે શિક્ષિત અને જાગૃત કરવાની જરૂર છે. પ્લાસ્ટિકનો ઉપયોગ બને તેટલો ઘટાડવાની જરૂર છે. જે ચીજો પર્યાવરણમાં વિઘટિત ન થઈ શકે તેવી હોય તેનો ઉપયોગ પણ ઘટાડવાની જરૂર છે.

આજે ભારતમાં ઘણાં હિલ સ્ટેશનોમાં પ્રદૂષણ વધી રહ્યું છે. હિમાચલ પ્રદેશનું પાલમપુર પણ આવું એક હિલ સ્ટેશન છે. માણસો હવે રજાઓમાં હિલ સ્ટેશને જવાનું વધુ પસંદ કરે છે કારણકે શહેરોમાં પ્રદૂષણ વધુ હોય છે. આથી હિલ સ્ટેશનો પર વધુ ઑક્સિજન મળે છે. શરીરને નવો જોમ અને જુસ્સો મળે છે, પરંતુ સાથે જ પોતાની ગંદી, પર્યાવરણ વિરોધી ટેવોના કારણે એ જ હિલ સ્ટેશનોને બગાડતા આવે છે અને તેમાં પ્રદૂષણ કરતા આવે છે. જેના કારણે પાલમપુર જેવા હિલ સ્ટેશનો જોખમમાં આવી ગયા છે. હિલ સ્ટેશનો પર પર્યટકોની સંખ્યા વધે એટલે હૉટલ અને રિસૉર્ટની સંખ્યા પણ વધે. આ સિવાય એમ્યૂઝમેન્ટ પાર્ક સહિત બીજી બધી કૉમર્શિયલ ચીજો પણ ઊભી થાય. આ બધાના લીધે વન ઘટે. વૃક્ષો કપાય. પાલમપુરમાં પણ દેવદારનાં વૃક્ષો ઘટી રહ્યાં છે. ઉપરાંત નિરંકુશ ખાણકામ અને રેતી, પથ્થર વગેરે કાઢવામાં આવી રહ્યાં છે જેથી ત્યાંના રસ્તા અને ઘરો માટે જોખમ ઊભું થઈ રહ્યું છે.

આમ, સરકારે હવે પર્યટકો પર્યટન પર જાય તે પહેલાં પર્યાવરણને નુકસાન ન પહોંચે તે માટે પર્યટકોને સમજાવવા માટે એકાદ કાર્યશાળા કરવાની જરૂર છે.