સ્માર્ટ ફૉનઃ સગવડ સાથે આ રિસ્ક પણ છે

સ્માર્ટ ફૉન, પીસી, લેપટૉપ આ બધાની વાત આવે એટલે એક રૂપાળી દલીલ કરવામાં આવે છે કે તે તો પર્યાવરણને બચાવે છે કારણકે કાગળનો બચાવ થાય છે અને તેથી ઝાડ બચે છે. પરંતુ આ વાત સત્ય નથી. શું તમને ખબર છે કે સ્માર્ટ ફૉન, લેપટૉપ અને પીસી પણ પર્યાવરણને નુકસાનકારક છે? સ્માર્ટ ફૉનથી ઊર્જાનો કેટલો વપરાશ થાય છે? એક અભ્યાસઇ.સ.2020 સુધીમાં સ્માર્ટફૉન દ્વારા થતો ઊર્જાનો વપરાશ પર્સનલ કમ્પ્યૂટર અને લેપટૉપ કરતાં વધી જશે.  ‘એસેસિંગ આઈસીટી ગ્લૉબલ એમિશન્સ ફૂટપ્રિન્ટઃ ટ્રેન્ડ્સ ટૂ 2040 એન્ડ રિકમેન્ડેશન્સ’ નામના અભ્યાસમાં આ ચોંકાવનારી માહિતી બહાર આવી છે. આ અભ્યાસ કેનેડાની મેકમાસ્ટર યુનિવર્સિટીની એન્જીનિયરિંગ સ્કૂલના સંલગ્ન પ્રાધ્યાપક લૉટ્ફી બેલ્ખીર અને અહેમદ એલ્મેલ્ગી દ્વારા આ અભ્યાસ હાથ ધરવામાં આવ્યો હતો. તેમણે સ્માર્ટફૉન, લેપટૉપ, ડેસ્કટૉપ અને ડેટા સેન્ટર તથા કમ્યૂનિકેશન નેટવર્ક જેવાં ઉપભોક્તા યંત્રોની કાર્બન ફૂટપ્રિન્ટ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું.

તેમને જે જાણવા મળ્યું તે તેમની અપેક્ષા કરતાં વધુ હતું. તેમના સંશોધનનાં તારણોમાં જણાયું કે સૉફ્ટવેર ઇન્ફૉર્મેશન અને કમ્યૂનિકેશન ટૅક્નૉલૉજી (આઈસીટી)ને આગળ વધારી રહ્યું છે પરંતુ આઈસીટીની ઉત્સર્જન પર સંશોધકોએ આશા રાખી હતી તેના કરતાં અનેક ગણી વધુ અસર છે. મોટા ભાગનું ઉત્સર્જન ઉત્પાદન અને કામગીરી દરમિયાન પેદા થાય છે. બેલ્ખીરે જણાવ્યું હતું, ‘આજે તે 1.5 ટકા છે. પરંતુ જો આ ટ્રેન્ડ ચાલુ રહેશે તો વર્ષ 2040 સુધીમાં આઈસીટીનો ફાળો કુલ વૈશ્વિક ફૂટપ્રિન્ટના 14 ટકા સુધી પહોંચી જશે. તમે જે દરેક એસએમએસ કરો છો, ફૉન કૉલ કરો છો, તમે કોઈ વિડિયો ડાઉનલૉડ કે અપલૉડ કરો છો, તે કરવા માટે ડેટા સેન્ટર હોય છે. દૂરસંચાર નેટવર્ક અને ડેટા સેન્ટર તમારી સેવા માટે ઘણી બધી ઊર્જા ખાઈ જાય છે. મોટા ભાગના ડેટા સેન્ટરને ઊર્જા જીવાવશેષના ઈંધણમાંથી પેદા થતી વીજળી દ્વારા મળે છે.

વર્ષ 2020 સુધીમાં સ્માર્ટ ફૉન પર્યાવરણની દ્રષ્ટિએ સૌથી વધુ વિનાશક યંત્ર પુરવાર થશે, તેમ આ અભ્યાસમાં જાણવા મળ્યું હતું. આ અભ્યાસ ક્લીનર પ્રૉડક્શનની જર્નલમાં તાજેતરમાં પ્રકાશિત થયો હતો. આ અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું હતું કે આ યંત્રોની કામગીરીમાં ઝાઝી ઊર્જાની જરૂર હોતી નથી, તેમના ઉત્સર્જનની અસરનો 85 ટકા હિસ્સો ઉત્પાદનમાંથી આવે છે. આનું કારણ સ્માર્ટફૉનના ચિપ અને મધરબૉર્ડના ઉત્પાદનને વધુ ઊર્જાની જરૂર પડે તે છે કારણકે તે કિંમતી ધાતુમાંથી બને છે જેનું ખાણકામ મોંઘું છે. અને સ્માર્ટફૉનને બહુ ટૂંકું આયુષ્ય હોય છે તેથી તેઓનું ઉત્પાદન વધુ થાય છે અને તે મોટી સંખ્યામાં કચરાનો સ્રોત છે.

બેલ્ખીરે જણાવ્યું, ‘અમને જાણવા મળ્યું કે વર્ષ 2020 સુધીમાં સ્માર્ટફૉનનો ઊર્જા વપરાશ પીસી અને લેપટૉપ કરતાં વધી જશે.’

સંશોધકોએ માત્ર આ સમસ્યા વર્ણવીને બેસી રહેવાનું યોગ્ય નથી માન્યું. તેમણે તેના ઉકેલની પણ ભલામણ કરી છે. તેમના મુજબ, કમ્યૂનિકેશન અને ડેટા સેન્ટરોએ પુનઃપ્રાપ્ય ઊર્જા તરફ વળવું જોઈએ. સારા સમાચાર એ છે કે ગૂગલ અને ફેસબુક ડેટા સેન્ટરો પુનઃપ્રાપ્ય ઊર્જા પર ભવિષ્યમાં ચલાવવાનો નિર્ણય કરાયો છે. પરંતુ આ માટે એક નીતિ બનાવવી જોઈએ જેથી તમામ ડેટા સેન્ટરો તેને અનુસરે. સ્માર્ટ ફૉન માટે બે વર્ષની સબસિડીવાળી યોજના ટકાઉ નથી.