શિયાળાની સવારમાં થોડી કસરત, જાળવશે સ્ફૂર્તિનું પ્રમાણ

શિયાળાની શરૂઆત થવા માંડી છે, પરોઢિયે લાગતી ફૂલગુલાબી ઠંડી તેનો પુરાવો છે. હવે આવા સમયે આપણને તો શું ગમે.. બસ, એક પથારી અને ઓઢવા માટે રજાઇ મળે તો આ ઠંડીની સીઝનમાં કોણ સવાર સવારમાં ઉઠે. જો કે વડીલોએ કહ્યું છે, કે શિયાળો એ સ્વાસ્થ્ય જાળવણીનો સૌથી સારો સમય છે. કસરત હોય કે શિયાળુ પાક, આખા વર્ષની એનર્જી ભેગી કરવાનો મોકો શિયાળામાં મળતો હોય છે.

પણ વડીલોની વાતો આપણે ક્યાં માનીએ છીએ. આજની લાઇફ સ્ટાઇલ તો રાતોમાં રાજા બની ઘૂમવાની અને પરોઢિયે કાંબળો તાણીને ઉંઘવાની થઇ ગઇ છે. અને એમાં પણ શિયાળામાં તો ઉંઘ આવે એટલે બાપ રે બાપ. ગમે તેવા ફુર્તિલા કેમ ન હોઇએ. શિયાળાની સવારમાં ઉંઘવાનું મન તો થઇ જ જાય. પણ આ ઉંઘવાને કારણે આપણે પૂરો દિવસ સ્ફુર્તિ વિનાનો જાય. શરીર અને દિલને સ્ફુર્તિ આપવા માટે જો, આપણે આપણી લાઇફ સ્ટાઇલમાં થોડો ફેરફાર કરીને શિયાળાની સવારને અનુભવીએ તો ખરેખર પ્રકૃતિને માણવાની સાથે આપણું પણ ધ્યાન રાખી શકીએ.શિયાળાની સવારમાં થોડી કસરત એ પણ સામાન્ય જેવી કરીએ તો શરીર એકદમ જોમમાં આવી જાય. એક તો વાતાવરણ અને પછી આપણી બોડી સિસ્ટમ બંનેનો તાલમેલ બેસી જાય. ઠંડીમાં કસરત કરવાથી બ્લડ સર્ક્યુલેશન પણ નિયમિત ગતિમાં આવી જાય એટલે સામાન્ય ગરમીના અહેસાસ સાથે મસ્ત મજાની ફીલ આવે. જો કે આજકાલ આવી રીતે કસરતનું નામ આવે એટલે સામે એટલાં એક્સક્યુઝિસ મળે, કોણ સવારે ઉઠે, મારે તો ટાઇમ જ નથી, આખો દિવસ તો આટલું દોડીએ જ છીએ, તો સવારમાં પાછું કોણ આવું કરે.. વગેરે વગેરે. પણ કસરતમાં આપણે કોઇ પહાડ તો ઉઠાવવાના નથી.

ક્યારેક સવારમાં ગાર્ડનમાં લટાર મારીને ઉંડો શ્વાસ લઇ જુઓ તો કેવુ. ગાર્ડનમાં કેટલાય લાફ્ટર ક્લબ પણ એક્ટિવેટ છે, તો જોરજોરથી હસી જુઓ અને પછી જુઓ કે દિવસ આખો કેવો પ્રફુલ્લિત રહ્યો. જો કે શિયાળાની સવારમાં એકદમ તો કદાચ કસરતનું રુટીન આવતાં વાર લાગે પણ વોકિંગ કરીને એક બે સામાન્ય પ્રાણાયામ કરીને કે જોરજોરથી હસીને પણ આપણે આપણા શરીરને જગાડી તો શકીએ જ ને. હવે આની પાછળના ફાયદા આમ તો આપણે બધાં જાણીએ જ છીએ. સવારમાં હવા શુદ્ધ મળે, હવામાં ઓક્સિજનની સાથે ઓઝોનંનુ પ્રમાણ વધુ હોય, એવામાં ઉંડા શ્વાસ લો, પ્રાણાયમ કરો કે થોંડુ ચાલી લો. એટલે શ્વાસોશ્વાસમાં આવેલો પ્રાણ વાયુ શરીરને ઊર્જા આપે. આખો દિવસ આનંદ અને ઊર્જાથી પસાર થઇ શકે. અને સાથે બીજો ફાયદો એ પણ થાય કે શિયાળુ પાક ખાઇને જો ચરબીના થર જામતા હોય તેમાં પણ થોડી રાહત રહે.આ સિવાય પણ બેનિફીટ તો ઘણાં છે. જો તમે ઝડપથી ચાલવા કે દોડવાની શારિરીક પ્રવૃત્તિ કરો તો તમારા દિમાગમાં ન્યુરોન્સનું વધુ ઉત્પાદન થાય છે, એ પણ ક્વોલિટી પ્રોડક્શન. એટલે કહેવાનો મતલબ એ કે આપણી યાદશક્તિ અને સતર્કતા માટે જવાબદાર ન્યુરોન્સ સારા પ્રમાણમાં ઉત્પન્ન થાય છે. એટલે શરીરની ચુસ્તી સ્ફૂર્તિની સાથે મગજ પણ તેજ થાય છે. અને આ કોઇ કહેલી વાત નથી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ હેલ્થના એક સર્વેમાં આ તારણ સામે આવ્યું છે કે દિવસમાં એકવાર દોડો તો તમારા મગજની શક્તિ ક્ષમતા વધી જાય.

જો કે મોડું તો નથી જ થયું. અત્યારે પણ કેટલાય લોકો સવારમાં ગાર્ડનમાં વોક કરતાં કે રોડ પર જોગિંગ કરતાં જોવા મળી જ જાય છે. માત્ર વૃદ્ધો જ ગાર્ડનમા લાફ્ટર કલ્બમાં નથી હોતાં. સાથે પાર્કમાં કે રોડ પર જોગિંગ કરતાં યુવાઓ પણ તમને મળી જ જશે. આજની ફાસ્ટ લાઇફમાં તમે પણ થોડો સમય કાઢીને શિયાળાની સવારને ધાબળાં અને પથારીની બહાર વીતાવો, અને સવારને એનર્જી રીચાર્જર બનાવો.