‘આટલી બધી જાડી કેમ?’ વિદ્યાએ કર્યો ખુલાસો…

મુંબઈ – પોતાની અભિનયકળાથી દર્શકોમાં માનીતી બનેલી બોલીવૂડની ટોચની અભિનેત્રી વિદ્યા બાલન તેનાં શરીરનાં જાડાપણાને કારણે ઘણી વાર ટીકાનો સામનો કરતી રહી છે.

એણે હવે પોતાની એ સમસ્યા વિશે ખુલાસો કર્યો છે અને કહ્યું છે કે હોર્મોનની સમસ્યાને કારણે પોતાનાં શરીરનું વજન ઓછું કરવાનું એને માટે અસંભવ બની રહ્યું છે.

વિદ્યાએ એની અભિનયક્ષમતાને લીધે અનેક એવોર્ડ્સ જીત્યાં છે અને પ્રશંસા મેળવી છે, પણ સાથોસાથ એણે તેનાં મેદસ્વીપણાને કારણે અનેક ટીકા પણ સહન કરી છે.

વિદ્યાએ કહાની, નો વન કિલ્ડ જેસીકા, પરિણીતા, તુમ્હારી સુલુ જેવી અનેક સફળ ફિલ્મો કરી છે.

હાલમાં જ એક ઈન્ટરવ્યૂમાં એને જ્યારે એનાં મેદસ્વીપણા વિશે પૂછવામાં આવ્યું હતું ત્યારે એણે મુક્તપણે વાતો કરી હતી.

એણે કહ્યું કે આ મેદસ્વીપણાને કારણે એને કારકિર્દીમાં ઘણાં અવરોધો સહન કરવા પડ્યાં હતાં અને મજાક પણ સહન કરવી પડી છે. ઘણી વાર એને કહેવામાં આવ્યું હતું કે તારો ચહેરો તો સુંદર છે, પણ તું શરીરે જાડી છો, તો વજન ઉતાર.

એને ઘણા લોકોએ વ્યાયામ કરવાની પણ મફત સલાહ આપી હતી.

વિદ્યા બાલન એનાં પતિ, નિર્માતા સિદ્ધાર્ય રોય કપૂર સાથે

વિદ્યાએ કહ્યું છે કે, એને હંમેશાં હોર્મોનલ સમસ્યા સતાવતી રહી છે. આ એટલા માટે કે લોકોએ હંમેશાં મારાં શરીરને જોઈને જ જજમેન્ટ આપ્યું છે. હું જ્યારે નાની હતી હતી ત્યારથી લોકો મને મારાં વજન વિશે કહેતાં. એને કારણે હું મારું વજન ઘટાડવા માટે ભૂખી રહેતી હતી અને વધારે પડતી કસરતો કરતી હતી. અમુક સમય માટે એ બધું ઠીક રહેતું, પણ પછી ફરીથી હોર્મોન્સને કારણે મારું વજન વધતું જતું. પછી મને સમજાયું કે મારું શરીર જાણે મને કહે છે કે તું જેવી છો એવી જ રહે. એ બનવાની કોશિશ ન કર, જે તું નથી. શરીર એક એવું મશીન છે, જેમાં ભાવનાત્મક બુદ્ધિમત્તા છે. એટલે જો હું પાતળી પણ થઈ જાઉં તો કાયમ હું એવું જ સમજતી રહીશ કે હું તો જાડી છું.

વિદ્યાએ વધુમાં કહ્યું કે, લોકોને પોતાની બોડીનો સ્વીકાર કરતાં ઘણો સમય લાગે છે. તમે જ્યારે તમારાં શરીરને સ્વીકારતા નથી એટલે જ તમને હોર્મોન્સની સમસ્યા નડે છે. એટલે જ હું તો દરેક જણને કહું છું કે તમે જેવા પણ હો – પાતળા કે જાડા, પણ બહુ સરસ લાગો છો. મતલબ કે તમે જેવા છો એનો જ સ્વીકાર કરો.