વેડિંગ સિઝનમાં જામશે વેલ્વેટનો રજવાડી અંદાજ

પણે અગાઉ વાત થઈ હતી કે લગ્ન અને સામાજિક પ્રસંગો માટે  સિલ્ક સૌનું ફેવરિટ હોય છે. આ વખતે તો નવવધૂ માટે અનુષ્કાથી માંડીને દીપિકા અને સોનમ કપૂરે ઉત્તમ લુક આપ્યા છે. જોકે ફેશન નિષ્ણાતના મતે આ વખતે બ્રાઇડલ તથા ગ્રૂમ માટે વેલ્વેટનો  લુક પણ ઉત્તમ રહે છે. એ પછી ગ્રૂમ એટલે કે વરરજાના વસ્ત્રો માટે હોય કે પછી બ્રાઇડ એટલે કે નવવધૂના  વસ્ત્રો માટે. વેલ્વેટ એક જાજરમાન વસ્ત્ર છે અને હવે તો તેમાં બ્લૂ, ગ્રીન, યલો જેવા ઘણા રંગનો પણ વિકલ્પ પણ મળી રહે છે. અને સિલ્ક તેમજ વેલ્વેટના કોમ્બિનેશનના બ્રાઇડલ વસ્ત્રો પણ પહેરી શકો છો. તો ચાલો જાણીએ કે આ વખતે  વેડિંગ સિઝનમાં મખમલનો ટ્રેન્ડ કેવી રીતે અપનાવી શકાય.જોકે આ વખતે સિલ્કની સાથે સાથે તમે મખમલ એટલે કે વેલ્વેટને પણ પ્રાધાન્ય આપી શકો છો. અને તેમાં સારી બાબત એ છે કે પહેલા તો તમે ફક્ત મરૂન રંગ માટેજ વેલ્વેટના કાપડમાં બંધાઈ જતા હતાં. પહેલા વેલ્વેટનું કાપડ મરૂન રંગમાં જ મળતું હતું. પરંતુ હવે તો તમે ઇચ્છો તે રંગમાં તમને વેલ્વેટનું કાપડ મળે છે. ડાર્ક બ્લૂ, ગ્રીન, કોફી, બ્રાઉન, પેરોટ ગ્રીનની સાથે સાથે પેસ્ટલ કલર્સ જેમ કે લાઇટ પિન્ક, કેરોટ, પર્લ વ્હાઇટ આવા તમામ રંગમાં વેલ્વેટ મળે છે તેની સાથે તેવા જ રંગોમાં ઉપલબ્ધ નેટ સાથે હાલમાં સાડીથી માંડીને અનારકલી, પાર્ટી ફ્રોક, વરરાજા માટેના સૂટ, શેરવાની, બ્લેઝર, જેકેટ તમામ પ્રકારના વસ્ત્રો ઉપલબ્ધ છે. વેલ્વેટમાંથી બનેલા વસ્ત્રો તેમજ મખમલના કાપડ ઉપર મીના, જડતર અને  સ્પ્રિંગથી થતા વર્કને કારણે તેનો એકદમ રજવાડી ઠાઠ ધરાવતો ઉઠાવ આપે છે.

હાલમાં વેલ્વેટના ચણિયા ચોળીની સાથે તે પ્રકારની ઓઢણી પણ મળે છે તે સિવાય વેલ્વેટના ફ્રોક પણ તમે ટ્રાય કરી શકો છો. વેલ્વેટ અને સાટિનની લેસ સાથેના ફ્રોક હાલમાં સંગીત સંધ્યા તથા મહેંદીની રસમ માટે એકદમ પ્રોપર છે. અને તે પહેરવામાં ઘણા એલિગન્ટ તથા બ્યુટીફુલ લાગે છે.

સાથે જ પુરૂષો માટે વેલ્વેટના અચકન, કોટી તથા શેરવાની પણ ઇન ટ્રેન્ડ થઈ રહ્યાં છે આ કાપડ પોતે જ એટલું  હેવી છે કે તે પહેર્યા બાદ બીજી વધારે એક્સેસરીઝની જરૂર પડતી નથી.  જોકે વેલ્વેટના આઉટફિટ્સ પહેર્યા બાદ એક્સેસરીઝ બાબતે ધ્યાન રાખવું કે તમે વધારે પડતા ઘરેણાં ન પહેરો , કારણ કે વેલ્વેટમાં હંમેશાં વર્કનું પ્રમાણ વધારે હોય છે તેથી હેવી વર્કમાં વધારે જવેલરી સારી નહીં લાગે.

ઉપરાતં વેલ્વેટના વસ્ત્રોનું ખાસ ધ્યાન પણ રાખવું પડે છે. તેથી એ ધ્યાન રાખવું કે તેની પર કોઈ ઘાટા ડાઘા ન પડી જાય , વેલ્વેટને ઇસ્ત્રી કરતી વખતે પણ ધ્યાન રાખવું કે તેની બોર્ડર અને વેલ્વેટનો કોરો ભાગ એક સાથે ન દબાઈ જાય, નહિતર જે શેપ હશે તે વેલ્વેટના વસ્ત્રો પર છાપ છોડી જશે.