પરંપરાગત વેઢ આ નવરાત્રિમાં સ્ટાઇલિશ ટો રિંગ તરીકે બનશે ટ્રેન્ડી

અત્યારે યુવતીઓમાં કેપ્રી અને લેગિંગ્સ કે પલાઝો સાથે પગમાં ટો રિંગ પહેરવાનો ખૂબ ટ્રેન્ડ છે. આમ જુઓ તો ગુજરાતમાં સ્ત્રીઓ પહેલેથી પગમાં ચાંદીના વેઢ પહેરતી હતી અને પહેરે છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં તો સ્ત્રીઓ પગમાં જે બિછિયા કે માછલી પહેરે છે તેને સૌભાગ્યવતીની નિશાની ગણવામાં આવે છે.  હવે લેટેસ્ટ ટ્રેન્ડમાં એક પગમાં પહેરાતી ટો રિંગનું અવનવું વૈવિધ્ય માર્કેટમાં ઉપલબ્ધ છે. અને તે ખૂબ સ્ટાઇલિશ લાગે છે. આપણે થોડા સમય પહેલા જ વાત કરી હતી કે  હવે થમ્બ રિંગ પણ પહેરાય છે તે જ રીતે પગમાં સ્ત્રીઓ ટો રિંગ પહેરે છે. આમ તો ટો એટલે કે અંગૂઠો પણ હવે યુવતીઓ પગમાં પણ મોટી રિંગ પહેરે છે. અને હવે નવરાત્રિમાં વેસ્ટર્ન ચણિયાચોળી કે સેમિ વેસ્ટર્ન સાથે આવી ટો રિંગ ખૂબ શોભી ઉઠે છે.

જોકે આ પરંપરાગત અને સૌભાગ્યની નિશાની ગણાતી ચાંદીની જ્વેલરી સાડીની સાથે સ્ત્રીઓ પહેરતી હતી. ધીરે ધીરે સમય બદલાતા સ્ત્રીઓ આધુનિક વસ્ત્રો પહેરતી થઈ એટલે થોડા સમય આ વેઢે વિદાય લઈ લીધી હતી, પરંતુ ફરીથી નવા રૂપ રંગ સજીને નવરાત્રિના આઉટફિટ્સ સાથે મેચ થાય તે રીતે વેઢની ટો રિંગના નામે ફેશન જગતમાં ફરીથી રી એન્ટ્રી થઈ છે.

મોર્ડન યુવતીઓએ ટો રિંગને પોતાની ફેશન એક્સેસરીઝમાં સામેલ કરવાનું ગમશે જ. ટો રિંગ એકદમ સ્ટાઇલિશ અને ફન્કી એક્સેસરીઝ ગણાય છે.  મોટાભાગે સ્ત્રીઓ જે વેઢ પહેરે છે તે ચાંદી, સોનું અને મીનાકારી કે જડતરનું મિશ્રણ હોય છે. જ્યારે અત્યારની ફેશનેબલ ટો રિંગ ઘણા બઘા મટિરિયલમાંથી મળે છે.જેમ કે વાયર, પ્લાસ્ટિક. ક્રિસ્ટલ, રબર, બિડ્સ, સ્ટડ વગેરેમાંથી બને છે.

સ્ટડ ટો રિંગઃ

પ્લાસ્ટિક તથા મેટલને બેઝ બનાવીને તેની પર ડાયમંડ સ્ટડ કે ફન્કી સ્ટડ લાગવીને આ ટો રિંગ તૈયાર કરવામાં આવે છે જે ડેનિમ પર કે ફન્કી લુક માટે યોગ્ય રહે છે.

બિડેડ ટો રિંગઃ

સેન્ડલ અને ફ્લિપ ફ્લોપ અથવા તો જે પણ ફૂટવેરની ડિઝાઇનમાં પગ ખુલ્લા રહેતા હોય તેમાં બિડેડ ટો રિંગ ખૂબ સરસ લાગે છે. અલગ અલગ બિડેડ ટો રિંગને જુદા જુદા આઉટફિટ્સ સાથે મેચ કરી શકાય છે. બિડ્સ કાચ અથવા તો પ્લાસ્ટિકમાંથી બનતા હોવાથી જુદા જુદા પુષ્કળ કલરમાં મળી પણ રહે છે.

કોઈલબેઝ ટો રિંગઃ

કોઇલબેઝ ટોરિંગમાં વાયરને વાળીને છેડે ગોળ ડિઝાઇન બનાવાતી હોય છે. જોકે આ ટો રિંગમાં મોટા ભાગે સ્નેકની ડિઝાઇન વધારે મળતી હોય છે. આ ઉપરાંત વાયરને વાળીને છેડે નાના મોતી બેસાડીને ડિઝાઇન તૈયાર કરવામાં આવતી હોય છે.

કર્વ ટો રિંગ

કોઈલબેઝ ટો રિંગના મટિરિયલમાંથી જ કર્વ ટો રિંગ પણ બને છે. તેમાં ટો રિંગને રાઉન્ડ કે ઝિંગ ઝેગ જેવા શેઇપ આપવામાં આવ્યા હોય છે.

હવે આટલું વાચ્યાં પછી થોડા ફન્કી અને સ્ટાઇલિશ દેખાવાની ઇચ્છા થઈ ગઈ હોય તો નજીકની એક્સેસરીઝ કે જ્વેલ રી શોપમાં જઇને ટો રિંગ ખરીદી જ આવો.

ટો રિંગની સંભાળ જરૂરી છે અને તે કેવી રીતે પહેરવી તે પણ શીખવું જરૂરી છે. ઘરમાં હો ત્યારે અથવા સૂતી વખતે ટો રિંગ કાઢી નાખવી. ગાર્ડનિંગ કરતી વખતે, સ્નાન વખતે, કે કામ કરતી વખતે પણ ટો રિંગ કાઢી નાખવી જેથી તે ખરાબ ન થાય. અને થોડા થોડા દિવસે ટો રિંગને સોફ્ટ બ્રશથી સાફ કરી નાખવી જોઈએ.

બીજી તરફ સ્ટોન કે મોંઘા સ્ટડવાળી ટો રિંગને કાઢીને વ્યવસ્થિત રીતે સોફ્ટ કાપડમાં કે રૂ વચ્ચે મૂકો જેથી તેની ચમક જળવાઈ રહે.

માનસી પટેલ

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]