માતાપિતાની આલ્કોહોલની આદતને સંતાનોનાં હિંસક સ્વભાવ સાથે સંબંધ

એક અભ્યાસ પરથી એવું માલૂમ પડ્યું છે કે જે માતા-પિતાને આલ્કોહોલનું વ્યસન હોય છે એમનાં સગીર વયનાં સંતાનો સ્વભાવે હિંસક બને એનું જોખમ વધી જાય છે.

ચોક્કસ રીતે એવું માલૂમ પડ્યું છે કે આવા ટીનએજ સંતાનો ડેટિંગ વખતે વધારે હિંસક સ્વભાવ વ્યક્ત કરી બેસતા હોય છે.

પશ્ચિમી દેશોમાં તો ‘ટીન ડેટિંગ વાયોલન્સ’ એક મોટી સમસ્યા ગણાય છે. સામાન્ય રીતે એવું મનાતું હતું કે સગીર વયનાં છોકરા-છોકરીઓમાં ડેટિંગ વખતનું હિંસક વલણ એમનાં વય સંબંધિત વિકાસનો એક હિસ્સો છે, પરંતુ અમેરિકાની બફેલો યૂનિવર્સિટીના વરિષ્ઠ સંશોધકોએ અભ્યાસ કરીને જાણ્યું છે કે આક્રમક વર્તણૂક અને ડેટિંગ વખતની હિંસાને એમનાં જીવનમાં અગાઉનાં અનુભવો સાથે સંબંધ હોય છે.

અભ્યાસ દરમિયાન સગીર વયનાં એવા ૧૪૪ જણનો ઈન્ટરવ્યૂ લેવામાં આવ્યો હતો જેમનાં પિતા આલ્કોહોલની આદતને કારણે માનસિક રીતે ભડકુ સ્વભાવના હતા.

આ ટીનેજર્સ સાથે વિસ્તારપૂર્વક વાતચીત કર્યા બાદ એવી જાણકારી પ્રાપ્ત થઈ હતી કે એમાંના કેટલાક જણ ડેટિંગ સંબંધ વખતે એમનાં પાર્ટનર સાથે ઉદ્ધત બની જતા હોય છે.

પરિવારમાંની સ્થિતિને કારણે સંતાનોમાં પ્રી-સ્કૂલ તથા બાળપણ-સગીર વયની વચ્ચેના સમયગાળા દરમિયાન સ્વભાવમાં આક્રમકતા વધવાનું જોખમ વિશેષ રહેતું હોય છે. એ જોખમ આગળ જઈને ટીનએજ વયનાં વર્ષોમાં ડેટિંગ વખતે હિંસક સ્વરૂપ ધારણ કરે છે.

માતા બનેલી જે સ્ત્રીઓનાં પાર્ટનર આલ્કોહોલના વ્યસનને કારણે ઉદ્ધત સ્વભાવના થઈ ગયા હોય છે એવી સ્ત્રીઓ ડીપ્રેશનનો ભોગ વધારે બનતી હોય છે. અને તેને કારણે એવી સ્ત્રીઓ એમનાં બાળકો સાથે વાતચીત કરવામાં લાગણી, સંવેદના કે ઉષ્મા ઓછી દર્શાવતી હોય છે.

જે સંતાનોની માતા સંવેદનશીલ અને વહાલસોયા સ્વભાવની હોય તેવા લોકો ટીનએજ વયે પોતાની લાગણી અને વર્તણૂકને નિયંત્રણમાં રાખવામાં સક્ષમ હોય છે.

આમ, સંશોધકોએ ચેતવણી સાથે સલાહ આપતા કહ્યું છે કે જે પરિવારોમાં આલ્કોહોલની સમસ્યાને કારણે વાદવિવાદનું જોખમ રહેતું હોય એમણે તત્કાળ એની પર ધ્યાન આપવું જોઈએ. તેવી જ રીતે, નશાબાજ પાર્ટનર્સ ધરાવતી સ્ત્રીઓએ તો વિશેષ તકેદારી રાખવાની જરૂર છે.

સંશોધન પરથી એવું ખાતરીપૂર્વક કહી શકાય છે કે માતા-પિતા જો એમનાં સંતાનો સાથે એમના બાળપણના દિવસોમાં વધારે લાગણીશીલ અને સંવેદનશીલ રહે તો એવા બાળકો સગીર વયે પહોંચે ત્યારે હિંસક સ્વભાવની સમસ્યામાંથી બચી શકે. આ તકેદારી સંતાનોને આગળ જતાં એમના લગ્નજીવનમાં ઘર્ષણનો ભોગ બનતા પણ બચાવી શકે છે અને આક્રમક વર્તનવાળા સંજોગોમાં આત્મનિયંત્રણ રાખતા શીખવે છે.