નાનાની મોટી મુસીબતઃ ગુસ્સાવાળો સ્વભાવ…

નાના પાટેકર બોલીવૂડના રાષ્ટ્રીય એવોર્ડ વિજેતા અભિનેતા છે. હિન્દી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના ટેલેન્ટેડ કલાકારોમાંના એક છે. પરંતુ, એમની એક અલગ બાજુ પણ છે જે તેઓ ત્રણ દાયકાથી મિડિયાકર્મીઓથી યુક્તિપૂર્વક સંતાડવામાં સફળ રહ્યા છે.

ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં એવી છાપ છે કે નાના હોટ ટેમ્પરવાળા છે.

હવે એમની તે નબળી બાજુને ભૂતપૂર્વ અભિનેત્રી તનુશ્રી દત્તાએ ઉઘાડી પાડી દીધી છે અને એમાંથી ભારે વિવાદ ચગ્યો છે. તનુશ્રીએ આરોપ મૂક્યો છે કે 2008માં, રોમેન્ટિક કોમેડી ‘હોર્ન ઓકે પ્લીઝ’ ફિલ્મમાં એક આઈટમ સોન્ગના શૂટિંગ વખતે નાનાએ એની સાથે ગેરવર્તન કર્યું હતું, જાતીય સતામણી કરી હતી. તે ફિલ્મમાં તનુશ્રી માત્ર એક ગીત પૂરતી જ પસંદ કરાઈ હતી, પણ એનો આરોપ છે કે એને નાના પાટેકર સાથે યુગલ ઉત્તેજક ગીત કરવાની ફરજ પાડવામાં આવી હતી. એના કોન્ટ્રાક્ટમાં સોલો ગીત પરફોર્મ કરવાની વાત હતી, યુગલ ગીત નહીં. એટલે તે સેટ પરથી જતી રહી હતી. એની સાથે એનાં માતા-પિતા પણ હતા. બધાં સ્ટુડિયોમાંથી રવાના થવા કારમાં બેઠા કે કેટલાક ગુંડાઓએ તનુશ્રીની કાર પર હુમલો કર્યો હતો. આનો વિડિયો વાયરલ થયો છે. તનુશ્રીનો આરોપ છે કે એને ગુંડાઓ મારફત ડરાવવામાં આવી હતી.

તનુશ્રીએ અનેક ઈન્ટરવ્યૂ દ્વારા નાના પાટેકરની સખત રીતે ઝાટકણી કાઢી છે. એણે કહ્યું કે, ‘બોલીવૂડમાં ખૂબ ગંદવાડ પ્રવર્તે છે. આજે દેશના યુવાઓ બોલીવૂડ કલાકારોને ફોલો કરે છે. કલાકારોનાં વસ્ત્રો, એમની હેરસ્ટાઈલને ફોલો કરે છે, એમને પોતાનાં આદર્શ માને છે ત્યારે કલાકારોએ પણ યોગ્ય આચરણ કરવું જોઈએ.’

તનુશ્રીએ કહ્યું કે, ‘મેં નિર્માતા, દિગ્દર્શક અને ડાન્સ ડાયરેક્ટર ગણેશ આચાર્યને નાના પાટેકરની ખરાબ હરકત વિશે ફરિયાદ કરી હતી, પણ કોઈએ મારું સાંભળ્યું નહીં. ઉલટાનું, મારો અવાજ દબાવી દેવાની કોશિશ કરી હતી. ‘હોર્ન ઓકે પ્લીઝ’ એક નાના બજેટવાળી ફિલ્મ હતી. એ ફિલ્મ વેચાતી નહોતી. બીજી બાજુ, મારી માર્કેટ વેલ્યૂ સારી હતી. મારું ગીત ઉમેરી દેવામાં તો ફિલ્મ ચાલવા માંડે. નિર્માતા ત્રણ મહિના મારી પાછળ પડ્યા હતા. મેં રકમ વધારી દીધી તોય એમણે મને ગીત કરવાનો આગ્રહ કર્યો હતો. મેં શરત રાખી હતી અને કોન્ટ્રાક્ટમાં લખાવી પણ હતી કે હું મને કમ્ફર્ટેબલ લાગશે એવા જ વસ્ત્રો પહેરીશ અને ગીત વખતે એવા જ પોઝ આપીશ. પણ નાના પાટેકર, જેમના રોલનું કામકાજ પૂરું થઈ ગયું હતું તે છતાં એ સેટ પર આંટા મારતા હતા. મને ઘૂરકી રહ્યા હતા. હું અનકમ્ફર્ટેબલ મહેસુસ કરી રહી હતી. એ બહુ ખરાબ રીતે મારી નજીક આવતા હતા અને હાથ લગાડતા હતા, વળગતા હતા. હું ભણેલી-ગણેલી છું અને સારા પરિવારમાંથી આવું છું. પાટેકરની હરકત પરથી મને લાગ્યું કે આ તો બાબા આદમના જમાનાનો માણસ છે.’

હવે નાના પાટેકરે આ મામલાને કાયદેસર રૂપ આપ્યું છે અને વકીલ મારફત તનુશ્રીને લીગલ નોટિસ મોકલી દીધી છે.

નાના પાટેકર એમના ગુસ્સાવાળા સ્વભાવ વિશે અગાઉ એક મુલાકાતમાં કબૂલાત કરી ચૂક્યા છે. 2013માં, આપ કી અદાલત ટીવી કાર્યક્રમમાં એમણે રજત શર્માના સવાલના જવાબમાં કબૂલ કર્યું હતું કે બોલીવૂડમાં પોતાની છાપ શોર્ટ-ટેમ્પરવાળા તરીકેની છે અને પોતે બિનજરૂરી રીતે લોકો સાથે ઝઘડો વહોરી લેતા હોય છે.

રજત શર્માએ વધુમાં એમને પૂછ્યું હતું કે શું એ વાત સાચી છે કે ગુસ્સાવાળા સ્વભાવને કારણે તમે ‘અ વેનસડે’ તથા અન્ય ઘણી ફિલ્મો ગુમાવી છે? ત્યારે નાનાએ કહ્યું કે, હા એ વાત સાચી છે. ‘અ વેનસડે’વાળી વાત મને બાદમાં નસીરુદ્દીન શાહે કરી હતી. દિગ્દર્શક નીરજ પાંડે નસીરવાળા રોલમાં મને જ લેવા માગતા હતા અને નસીરે જ મારા નામની ભલામણ કરી હતી. પણ પાંડેએ એમ કહ્યું હતું કે માર ખાવાની મારી ઈચ્છા નથી. મેં પછી પાંડેને ફોન કર્યો હતો કે તમે આવું ન કરો. હું ગુસ્સાવાળો છું, પણ પાગલ નથી.

અભિનેત્રી રેણુકા શહાણેએ પણ તનુશ્રી-નાનાનાં વિવાદ અંગે એક ખુલ્લો પત્ર લખ્યો છે જેમાં એમણે પાટેકરના ગુસ્સાવાળા સ્વભાવ વિશે લખ્યું છે. ‘નાના પાટેકર હિંસક સ્વભાવ માટે બહુ જાણીતા છે. એમનામાં ગજબની ટેલેન્ટ છે અને કિસાનો માટે તેઓ સમાજસેવા પણ બહુ કરે છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ઘણા લોકોને એમના સ્વભાવને કારણે ભોગવવું પડ્યું છે,’ એવું રેણુકાએ લખ્યું છે.

‘હોર્ન ઓકે પ્લીઝ’માં નાના પાટેકર ઉપરાંત રિમી સેન, સતીષ શાહ જેવા કલાકારો હતા.

રિમીએ પાટેકર વિશે કહ્યું કે, ‘એમની સાથે કામ કરવાનો મારો અનુભવ સારો રહ્યો છે, પણ મને એવું જણાયું કે એ જિંદગીમાં એકલતા અનુભવી રહ્યા છે. એમને સ્ત્રીઓનો સંગાથ ગમે છે, કારણ કે એ એકલા છે. પણ એમણે મારી સાથે ક્યારેય ગેરવર્તન કર્યું નથી. વાસ્તવમાં, એ મારી સાથે એમની દીકરીની જેમ રહેતા હતા.’

2010માં નાના પાટેકરને ‘રાજનીતિ’ના શૂટિંગ વખતે નિર્માતા-દિગ્દર્શક પ્રકાશ ઝા સાથે ઝઘડો થયો હતો. એ ઝા સાથે ઝઘડ્યા હતા અને શૂટિંગ છોડીને જતા રહ્યા હતા. પરંતુ બાદમાં બંનેએ સમાધાન કરી લીધું હતું અને પાટેકરે શૂટિંગ પૂરું કર્યું હતું.

httpss://youtu.be/lfEeoCPJ7j4

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]