સ્મિતા પાટીલઃ પુરસ્કારોની મધુર પળો…

એવૉર્ડઝનો અવસર કલાકારની કારકિર્દીના સીમાચિન્હ સમો હોય છે આ પ્રસંગે કલાકારના મનની લાગણી કંઈ ઓર જ હોય છે. સ્મિતા પાટીલે આ વિષય પર જ્યારે એમનાં અંગત અનુભવો જણાવ્યા હતા.

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૧૬ સપ્ટેંબર, ૧૯૮૫ અંકનો)


મુંબઈની હોટેલસીરોકમાં ‘ઠિકાના’ના સેટ પર સ્મિતાને મળીને એની ભાવના, એની પ્રતિક્રિયાઓ, એના મુડ્ઝ, અદ્વિતીય પ્રતિભા જેને અંગે એને લોકપ્રિયતા મળી એ વિશે જાણવા ખાતર જ આ ઈન્ટરવ્યુ ગોઠવી કાઢ્યો હતો.

‘મારી સર્વપ્રથમ ઝગમગતી ઘડી એ હતી જ્યારે ‘ભૂમિકા’માં એક અભિનેત્રીની જિંદગીના પાસા રજૂ કરતી મારી ભૂમિકા બદલ મને રાષ્ટ્રીય પુરસ્કાર પ્રાપ્ત થયો. હું એવી મૂરખ નહોતી કે એવું જાહેર કરું કે મેં એ ભૂમિકા બદલ એવી જ ઉચ્ચ અપેક્ષા રાખી હતી. તેથી જ જ્યારે એલાન થયું ત્યારે હું પૂણે ખાતેના મારા ઘરે હતી. ‘અય્યા, મી તુમ્હાલા કાય સાંગુ, અરે દેવા તે માઝ્યા જીવનાચે સર્વાત મહત્ત્વપૂર્ણ ક્ષણ હોતે.’ સૉરી મારી માતૃભાષામાં હું બબડી ગઈ. ઉત્તેજના એટલી તો પ્રબળ હતી કે મારી ઈચ્છા તો આખી દુનિયાને જાણ કરવાની હતી. પછી થયું પૂણેના માણસોને આમંત્રીને એલાન કરવું જોઈએ જેથી મારા સુખમાં ભાગીદાર બને. પણ તેવ્હા મી ઈતકી શ્રીમંત નવ્હતી. એટલે મારી કલ્પના ફુગ્ગાની જેમ ફૂટી ગઈ. ખાસ તો દિલ્હી જઈને એવૉર્ડ લેવા માટે ભારે મુશ્કેલી હતી. આખરે મારી આઈ (મા)જ વહારે આવી. મને લાગે છે કે પોતાની સોનાની બંગડીઓ વેચીને મને એણે દિલ્હી મોકલી હતી. દિલ્હી જતા પ્રવાસ દરમિયાન મને એક જ ભય પરેશાન કરતો હતો. ધારો કે જ્યુરીના સભ્યો નિર્ણય ફેરવીને મારું નામ છેકીને કોઈ બીજીને જ એવૉર્ડ આપે તો? શું કોઈ સાચું માનશે? જો હું એમ કહું કે રાષ્ટ્રીય પુરસ્કારોના વિતરણ સમારંભને દિવસે વહેલી સવારથી જ હું તો વિજ્ઞાન ભવનમાં આંટા મારતી હતી. પછી હું ભીડનો ભાગ બનીને ભળી ગઈ. જ્યારે મારું નામ પોકારવામાં આવ્યું ત્યારે હું મૂંગી બહેરી બની ગયેલી. મારી પડખે બેઠેલી વ્યક્તિએ મને ભાનમાં લાવવા જોરથી ચૂંટિયો ખણવો પડેલો. જ્યારે હું મંચ પર આવી ત્યારે રડવાની અણી પર જ હતી. મારી આંખો હર્ષના આંસુ વડે સજળ બની ગઈ હતી. આપણા વિખ્યાત પ્રેસિડેન્ટ શ્રી વી.વી. ગીરી સમજી ગયા. મારી પીઠ થાબડીને પ્રોત્સાહન આપ્યું. પછી ગર્વભેર મેં હાથ ઊંચો કર્યો આંગળીઓ એવૉર્ડને ચપોચપ ભીંસાઈ ગઈ અને હું મંચ પરથી નીચે ઊતરી. જો કે ‘પદ્મશ્રી’ સમયે અચાનક જ સમાચાર મળેલા છતાં અગાઉ જેવી લાગણી નહોતી જન્મી બલ્કે પ્રસંગ અનુસાર ગૌરવભેર મેં ખિતાબનો સ્વીકાર કર્યો.

સ્મિતા પાટીલઃ એમનાં માતા-પિતા સાથે

ઓહ એટલે આપણે ‘ભૂમિકા’ માટેના પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કારની વાતો કરતા હતા. મારી હોટેલ રૂમમાં પહોંચતાવેંત મારા પપ્પાને હજારો વરદીઓ આપવા માંડી. ટ્રોફી કે લિયે ગ્લાસ કેસ બનવાના હૈ. વો કરના હૈ. યે કરના હૈ. પછી અમે બન્ને શાંતિપૂર્વક ડીનર માટે ગયા. ફાઈવ સ્ટાર હોટેલનો મારો ય પ્રથમ અનુભવ હતો. હું ઘેલી છોકરીની જેમ વર્તતી હતી. શેમ્પેનનો આસ્વાદ પ્રથમ વાર જ માણ્યો. મારી ઘેલછાઓથી ત્રાસી જઈને મારા પપ્પાએ ઠાવકાઈથી કહ્યું: ‘એવઢી ધમાલ કસલી આહે, પુન્હા અસે એવૉર્ડ્ઝ મિળવૂન દાખવ. મગ પાહુયા.’ (આટલી બધી ધમાલ શાની છે, ફરીથી આવો એવૉર્ડ મેળવીને દેખાડ પછી જોઈશું.) અને હું ધરતી પર આવી ગઈ. મેં ત્યારે જ મનોમન નક્કી કરી નાખેલું કે હું એક દિવસ પ્રતિભાશાળી અભિનેત્રી બનીશ જે પુરસ્કારને કાબેલ હોય, પરંતુ જો એ કાબેલ અભિનય બદલ પુરસ્કાર ન જીતી શકે તો શરમજનક ગણાશે. એ સમયે મારી લાગણી મિશ્રિત હતી. હું ઉત્તેજિત થઈ ગયેલી, રોમાંચિત થઈ ગયેલી અને નર્વસ પણ બની ગયેલી. બધું જ એકી સાથે બનતું હતું. સાથે સાથે એવો મક્કમ નિર્ધાર હતો પુરસ્કારો જીતવા મારા જીવનનું નિયમિત ધોરણ બની જશે. ત્યારે મૂર્ખાઈભર્યા કરેલા નિર્ણય બાબત આજે શરમ ઉપજે છે.

સ્મિતાની કારકિર્દીની પ્રથમ ઝળહળતી સિદ્ધિ – ‘ભૂમિકા’ ફિલ્મ

હું તમને કેટલાક રસપ્રદ કિસ્સાઓ કહીશ જેના પરથી તારતમ્ય કાઢી શકાશે કે મને કેમ ઘણી સંસ્થાઓના પુરસ્કારો નહોતા મળ્યા. દિલ્હી કે યુ.પી.ની સંસ્થાઓ કે મુંબઈની સિનેગૉઅર્સ ક્લબ, ફિલ્મફેર એવૉર્ડ્ઝ સહિત ‘અર્થ’ સમયે મને એવો સંદેશો મળેલો કે શ્રેષ્ઠ સહાયક અભિનેત્રીનો ફિલ્મફેરનો પુરસ્કાર મને મળશે. જેનો મેં અસ્વીકાર કર્યો અને અંતે રોહિણી હટ્ટંગડીને મળ્યો. કશો વાંધો નથી કારણ મને ખાતરી છે કે એક દિવસ આ સંસ્થા પણ શ્રેષ્ઠ અભિનેત્રી તરીકેની પુરસ્કાર મને આપવાનું નક્કી કરશે, મને સહાયક પુરસ્કારો ખપતા નથી.’

રેખાનાં હસ્તે એવોર્ડ સ્વીકારતાં સ્મિતા

‘અચ્છા-હવે દિલ્હી ઉત્તર ભારતની સંસ્થાઓની વાત કરીએ. તેઓ સૌ પ્રથમ તમને સુંદર પત્ર લખે છે. એમના સમારંભમાં તમારી હાજરીની ખાતરી માંગે છે. જો તમે એ પત્ર હેઠળ સહી કરો તો એવૉર્ડ નિશ્ર્ચિત તમારો જ, નહીંતર બીજા કોઈ બિનકાબેલને હિસ્સે જાય છે. નિરાંત જીવે કોની ફિલ્મ હીટ જાય છે એનું નિરીક્ષણ કરે છે. પછી એ ક્લબનો કોઈ માણસ મારે ઉંબરે આવીને ઊભો રહે છે અને રોનાધોના શરૂ કરી દે. જો એ ચાહે એટલી રકમનું દાન આપો તો પુરસ્કાર તમારો. જી નહીં. મારે આ રીતે પુરસ્કારો મેળવવાની રમતમાં અટવાવું નથી.

સ્મિતાને પુરસ્કારો મેળવવાની રમતમાં અટવાવું ગમતું નહોતું

જી, એવીય કેટલીક પ્રમાણિક સંસ્થાઓ છે જે ખૂબ જ ચકાસીને માત્ર કાબેલ ઉમેદવારોને જ પુરસ્કૃત કરે છે. એ સિવાય પણ મને અજાણી જુદી જુદી સંસ્થાઓ મારફત ટ્રોફીઓ પોસ્ટ પાર્સલમાં મળતી રહે છે. મને નવાઈ એ લાગે છે કે એનાથી શો અર્થ સરે છે. આવી પરિસ્થિતિ જોઈને હું હવે કંટાળી ગઈ. છું. સાચું કહું તો મારે મન પુરસ્કારોનું મૂલ્ય નથી રહ્યું. કારકિર્દીના પ્રાથમિક વર્ષો દરમિયાન ઉત્તેજના થતી હતી. મહારાષ્ટ્ર રાજ્ય પુરસ્કાર જીત્યાનું ગૌરવ થયું હતું. તાજેતરમાં જબ્બાર પટેલની મરાઠી ફિલ્મ ‘ઊંબરઠા’ (હિંદીમાં ‘સુબહ’) માટે મને ઓલ ઈન્ડિયા ટીટીક્સ એવૉર્ડ મળ્યો એ અધિકૃત છે કારણ સ્ત્રીઓના ઉત્કર્ષ ખાતર જિંદગી સમર્પી દેતી સ્ત્રીની ભૂમિકા મારે મન શ્રેષ્ઠ જ હતી. ‘બદલે કી આગ’ના વણઝારણના નકામા રોલ બદલ મને પુરસ્કૃત કરનાર કોઈક સંસ્થા સામે મેં રોષ પ્રગટ કર્યો હતો.

‘મારા કાર્યની પાવતી રૂપે એ લાખ્ખો એવૉર્ડ્ઝને બરાબર છે જ્યારે મને પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો’

મને લાગે છે કે એવૉર્ડ્ઝ વિષે ઘણી વાતો થઈ. આજ મને એવૉર્ડ જીતવાની નહીં પરંતુ ફિલ્મ મહોત્સવમાં જ્યુરી તરીકે આમંત્રણ મળવાની ઉત્તેજના અવર્ણનીય છે. અથવા જ્યારે આવા પ્રવાસો દરમિયાન હું મારા સાચા પ્રશંસકોને મળું છું, એમની આંખોમાં હર્ષના આંસુ જોઉં છું, મારા કાર્યની પાવતી રૂપે એ લાખ્ખો એવૉર્ડ્ઝને બરાબર છે જ્યારે મને પ્રથમ રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો, મોન્ટ્રીયલના ફિલ્મ મહોત્સવમાં જ્યુરી તરીકે આમંત્રણ મળ્યું હતું. ફ્રાન્સ ખાતે મારી બધી જ ફિલ્મો દર્શાવવામાં આવી ત્યારે એવી જ લાગણી જન્મી હતી. ફ્રાન્સમાં હું એવી સ્ત્રીઓને મળી જેઓ મારી જોડે વાતો કરતી હતી અને હું એની ફ્રેન્ચ ભાષા નહોતી સમજી શકતી. પરંતુ એમની સજળ આંખોમાં ડોકિયું કરતા મને મારા અભિનયની પ્રતીતિ થઈ ગઈ. આપણી ભારતીય સ્ત્રીઓની જેવી જ સમસ્યા તેઓ પણ અનુભવે છે એની ખાતરી થઈ ગઈ. ઓહ કેવા હર્ષજનક પ્રસંગો હતાં એ જ્યારે તેઓ મારા કપાળે કે ગાલે હળવી ટપલી મારીને ભાવ વ્યક્ત કરતી. મારા સમગ્ર શરીરમાં હર્ષની ઉત્તેજના ઝણઝણી ઊઠતી. એ ખૂબસુરત અદભુત પળો ફરીથી જીવવા ખાતર હું મારું જીવન લાખો વાર કુરબાન કરી દઉં.

  • શાહિન રાજ
[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]