‘વો જબ યાદ આયે, બહુત યાદ આયે…’ મહાન ગાયક મોહમ્મદ રફીની આજે ૯૩મી જન્મજયંતી

‘ન તમારી જેવા ગાયક તમારી બાદ આવ્યા,

મોહમ્મદ રફી તમે બહુ યાદ આવ્યા’.

ભારતીય સિનેમાના મહાન અને દંતકથાસમાન પાર્શ્વગાયક મોહમ્મદ રફીની આજે 93મી જન્મતિથિ છે. 1924ની સાલની 24મી ડિસેમ્બરે અમૃતસર નજીકના કોટલા સુલતાન સિંહ ગામમાં જન્મેલા મોહમ્મદ રફીએ ગાયેલા હજારો ફિલ્મી ગીતોને એમનાં પ્રશંસકો આજે પણ ગણગણે છે.

રફીને એમના પરિવારજનો અને સગાંઓ ‘ફિકો’ના હુલામણા નામે બોલાવતાં હતાં.

બાળ મોહમ્મદ રફી ‘ફિકો’ એમના ગામમાં આવતા એક ફકીરનાં ગીતો સાંભળીને પ્રભાવિત થયા હતા. તેઓ એમની પાછળ પાછળ જતા હતા અને એમની જેમ ગાતા હતા. બાદમાં, રફી લાહોર શહેરમાં એમના એક સગાંની વાળંદની દુકાનમાં કામે લાગ્યા હતા. એક દિવસ ફિકોએ વાળંદની દુકાનમાં ગીતો ગાયા હતા. ગ્રાહકો એમની ગાયકીથી આશ્ચર્યચકિત થઈ ગયા હતા. એ વખતે રફીનો ભાઈ પણ હાજર હતો. એણે તરત જ પિતાના વિરોધની પરવા કર્યા વિના નિર્ણય લઈને ફિકોને ઉસ્તાદ અબ્દુલ વાહિદ ખાન પાસે ગાયકીની તાલીમ લેવા માટે મોકલ્યો હતો અને એને પગલે ભારતીય સમાજને મળ્યા એક મહાન પાર્શ્વગાયક – મોહમ્મદ રફી – સૂરોનાં બાદશાહ.

માનવંતા, આદરણીય, લોકપ્રિય, અમર પાર્શ્વગાયક… મોહમ્મદ રફી

રફીએ પ્લેબેક સિંગર તરીકે 1941માં લાહોરમાં ડેબ્યૂ કર્યું હતું. ત્યારે એમણે એક પંજાબી ફિલ્મ ‘ગુલ બલોચ’માં ગાયિકા ઝીનત બેગમ સાથે ગીત ગાયું હતું – ‘સોનીયે ની, હીરીએ ની’. ત્યારબાદ 1944માં રફી મુંબઈ આવીને વસ્યા હતા.

દક્ષિણ મુંબઈમાં, ભીંડી બજાર વિસ્તારમાં એ સમયે રફી 10 બાય 10ના એરિયાવાળી રૂમમાં રહેતા હતા. બોલીવૂડમાં એમને પહેલો બ્રેક મળ્યો હતો ‘ગાંવ કી ગોરી’ ફિલ્મમાં ‘અજી દિલ હો કાબૂ મેં તો દિલદાર કી ઐસી તૈસી’ ગીત સાથે.

1960માં ગુરુદત્તની કમબેક ફિલ્મ ‘ચૌદહવી કા ચાંદ’ના ટાઈટલ સોંગ માટે તો રફીએ શ્રેષ્ઠ ગાયક તરીકેનો એમનો પહેલો ફિલ્મફેર એવોર્ડ જીત્યો હતો. એ પછી એમણે એવા વધુ પાંચ એવોર્ડ જીત્યા હતા. 1977માં ‘હમ કિસી સે કમ નહીં’ ફિલ્મના ‘ક્યા હુઆ તેરા વાદા’ ગીત માટે એમને રાષ્ટ્રીય એવોર્ડ અપાયો હતો. 1967માં ભારત સરકારે એમને ‘પદ્મશ્રી’થી સમ્માનિત કર્યા હતા.

રફીએ એસ.ડી. બર્મન, શંકર-જયકિશન, મદન મોહન, ઓ.પી. નૈયર, કલ્યાણજી-આણંદજી, લક્ષ્મીકાંત-પ્યારેલાલ, આર.ડી. બર્મન સહિત અનેક સંગીતકારોની ધૂન પર રચાયેલા ગીતો માટે પોતાનો સ્વર આપ્યો હતો.

રફીએ માત્ર હિન્દી ફિલ્મોમાં તથા ગુજરાતી, મરાઠી સહિત અન્ય ઘણી ભારતીય ભાષાઓમાં જ ગીતો ગાયાં છે એટલું જ નહીં, એમણે અંગ્રેજી, અરબી, સિંહાલીઝ અને ડચ ભાષાઓમાં પણ ગીતો ગાયાં હતાં. રફી રોમેન્ટિક ઉપરાંત શાસ્ત્રીય અને રોક એન્ડ રોલ સહિત અનેક શૈલીનાં મળીને પાંચ હજારથી પણ વધારે ગીતો ગાઈને માનવંતા, આદરણીય, લોકપ્રિય બન્યાં છે.

રફીએ સોલો ગીત ગાવા ઉપરાંત ઉપરાંત નૂરજહાં, લતા મંગેશકર, આશા ભોસલે સહિત અનેક ગાયિકાઓની સાથે મળીને અગણિત યાદગાર યુગલ ગીતો પણ ગાયાં છે, પણ એમાંથી અમુકનો ઉલ્લેખ કરી શકાય જેમ કે, ચૌદહવી કા ચાંદ હો, તેરી પ્યારી પ્યારી સુરત કો, ઐ ગુલબદન ઐ ગુલબદન, ચાહૂંગા મૈ તુઝે, છૂ લેને દો નાઝુક હોઠોં કો, બહારોં ફૂલ બરસાઓ, બડી મસ્તાની હૈ, ખિલૌના જાન કર, ક્યા હુઆ તેરા વાદા, પરદા હૈ પરદા, ચલો રે ડોલી ઉઠાઓ, મૈંને પૂછા ચાંદ સે વગેરે.

સર્ચ એન્જિન ગૂગલે આજે રફીની યાદમાં એક વિશેષ ડૂડલ રજૂ કરીને મહાન ગાયકને શ્રદ્ધાંજલિ અર્પણ કરી છે.

ગૂગલ માટે મોહમ્મદ રફીનું ડૂડલ મુંબઈના ઈલસ્ટ્રેટર સાજિદ શેખે બનાવ્યું છે. એમાં તેમણે રફીએ સ્ટુડિયોથી લઈને રૂપેરી પડદા પર અને એમાંથી કરોડો પ્રશંસકોનાં હૃદયમાં કાયમી સ્થાન મેળવવા સુધીની એમના ગીતોની સફરને દર્શાવી છે.

1942 અને 1980 વચ્ચેના વર્ષોમાં રફીએ હિન્દી સિનેમામાં લગભગ તમામ અભિનેતા અને સહાયક અભિનેતાઓ, ચરિત્ર અભિનેતાઓનાં ફિલ્મી ગીતો માટે પોતાનો સ્વર આપ્યો હતો.

1980ની 31 જુલાઈએ દેહાવસાનના 37 વર્ષો પછી પણ મોહમ્મદ રફીની લોકપ્રિયતામાં કોઈ જ ઘટાડો થયો નથી અને થશે પણ નહીં. મોહમ્મદ રફી અમર છે.

(મોહમ્મદ રફીના સ્વરમાં અમર થઈ ગયેલા કેટલાક ફિલ્મી ગીતો)

httpss://www.youtube.com/watch?v=L_cw0dN8Wyg

httpss://www.youtube.com/watch?v=cemHzxPTNTw