રોમાન્સ સ્પેશિયાલિસ્ટ – રિશી કપૂર

બોલીવૂડના પીઢ અભિનેતા રિશી કપૂરનો એક સમયે જમાનો હતો. ચાર્મિંગ અને ગુડ-લુકિંગ હીરો તરીકે એ જાણીતા થયા હતા. લગભગ 27 વર્ષ પછી એમણે અમિતાભ બચ્ચન સાથે ફરી એક ફિલ્મ કરી – 102 નોટઆઉટ, જે હાલમાં જ રિલીઝ થઈ છે. દર્શકોએ એને પસંદ કરી છે. જ્યોતિ વેંકટેશે લીધેલી રિશી કપૂરની એક વિસ્તૃત મુલાકાત ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’માં 1992ના 1-15 જુલાઈના અંકમાં ‘રોમાન્સ સ્પેશિયાલિસ્ટ’ શિર્ષક સાથે પ્રકાશિત કરવામાં આવી હતી. તે અહીં પુનઃ પ્રકાશિત કરીએ છીએ.

માત્ર અભિનયના જોરે વીસ વર્ષો સુધી રિશી કપૂર ટકી રહ્યો છે. ‘મને આનંદ છે કે કોઈ જાતના કાવાદાવા કર્યા વિના અમિતાભ બચ્ચન જેવી મહાન હસ્તી સામે હું ટકી શક્યો છું.’ પાલી હિલ (બાન્દ્રા) ખાતેના રિશીના વિશાળ બંગલો ‘કૃષ્ણા રાજ’ ખાતે આ મુલાકાત વખતે એણે નિખાલસતાથી કહ્યું.

રિશી કપૂરે માધુરી દીક્ષિત સાથે ‘સાહિબાન’, ‘યારાના’ અને ‘પ્રેમગ્રંથ’ ફિલ્મો કરી હતી

‘કામ હોય ત્યારે શરાબ પીતો નથી. જ્યારે કામ નથી કરતો ત્યારે પીઉં છું પરંતુ આજે તો હું નિરાંતે મારા વિષે મારી કારકિર્દી, મારી યોજનાઓ અને મારા પરિવાર વિષે વાતો કરવાનો છું.’ રિશીએ એના માનીતા બ્લેક લેબલ સ્કૉચના ગ્લાસ તૈયાર કરતા પોતાની મેળે જ મને કહ્યું. આ વર્ષે રિશીની સૌથી વધુ ફિલ્મો રજૂ થવાની છે. ‘દીવાના’, ‘શ્રીમાન આશિક’, ‘ગુરુદેવ’, ‘હનીમૂન’, ‘ઈઝ્ઝત કી રોટી’, ‘કસમ’, ‘બોલ રાધા બોલ’ અને ‘સાહિબાન’.

દીવાના:

દીવાનામાં દીવ્યા ભારતી સાથે

‘દીવાના’માં પણ મેં જુગાર ખેલ્યો છે. મારી છઠ્ઠી ઈન્દ્રિય કહે છે કે આ ફિલ્મ ચાલશે. ફરીથી આના નિર્માતાઓ ગુડ્ડુ ધનોઆ, રાજ-લલિત કપૂર નવા છે. દિગ્દર્શક રાજ કન્વર પણ નવા છે અને દિવ્યા પણ નવી જ ગણાય. ‘દીવાના’માં હું પરિપક્વ પ્રેમી તરીકે દેખાઈશ. નવોદિત દિવ્યા અને શાહરૂખ ખાન સાથે હું કામ કરું છું. મને એક હિટની ખૂબ જરૂર છે. ‘દીવાના’ મને મદદ કરશે.

ઈમેજ:

મારી પ્રેમી તરીકેની ઈમેજે મારામાં રહેલા અદાકારને ગૂંગળાવી નાખ્યો છે. રોમેન્ટિક મ્યુઝિકલ્સમાં દર્શકો મને આવકારે છે. ડ્રામા મારી શક્તિ છે. ‘બૉબી’ પછી અમિતાભનો એક્શન યુગ આરંભ થયો છતાં હું આઉટ ન થયો એ સૌથી મોટો લાભ છે. સ્ટારપદ ઈમેજ નિર્ભર રહે છે. કોઈ પણ સ્ટારની ઈમેજ બંધાય એ અદ્દભુત ગણાય. મને કદી હાથમાં સ્ટેનગન પકડીને ખબરદાર કહેવાનો મોહ થયો નથી. જો કે આજે તો જેકી શ્રોફ, અનિલ કપૂર અને સની જેવા મર્દાના હીરો સુદ્ધાં રોમેન્ટિક રોલ્સ કરવા માંડ્યા છે. એવી ભૂમિકાઓ મારી વિશિષ્ટતા છે. એક્શન હીરોને પૂછી તો જુઓ કે તેઓ સંવેદનશીલ ભૂમિકાઓ કરી શકે છે?

નવા હીરો:

છેલ્લા વીસ વર્ષો દરમિયાન જ્યારે પણ કોઈ નવો હીરો આવે પછી એ કુમાર ગૌરવ હોય કે સની દેઓલ, અનિલ કપૂર કે જેકી શ્રોફ અથવા સંજય દત્ત હોય પત્રકારો એક આગાહી જરૂર કરે છે કે અદાકાર-તરીકે રિશી કપૂર ખતમ થઈ જશે. પ્રભુ કૃપાથી સદભાગ્યે હજી હું ટકી રહ્યો છું. જો એવું ન હોત તો ક્યારનાય બોરિયા બિસ્તરા બાંધીને ટિમ્બકટૂ રવાના થઈ જવું પડ્યું હોત. આ નવા છોકરાઓ તો બબલગમ હીરો છે. હું એ ઉંમર અને તબક્કો પસાર કરી ચૂક્યો છું. ભગવાનનો પાડ માનું છું કે ઈન્ડસ્ટ્રીમાં સિનિયોરિટી સચવાઈ રહી છે.

નંબર વન:

મારી કસોટી હવે જ શરૂ થાય છે. હિંસા અને એક્શનનો અત્યાચાર ખતમ થયો છે અને સંગીતમય નાટ્યાત્મક ફિલ્મોનો દોર શરૂ થયો છે એટલે મને તો લાગે છે કે મારી કારકિર્દીને નવો વેગ મળ્યો છે. હું મારા પ્રશંસકોનો આભારી છું. સાચું કહું તો અભિનયની પળેપળ હું માણું છું. વિશાળ પાત્ર ભજવવા કરતાં રોજિંદા જીવનમાં જોઈ શકાય અને સામાન્ય લોકો સાથે સમરસ થઈ શકે એવી જ ભૂમિકાઓ હું પસંદ કરું છું.

એકી સાથે અનેક ફિલ્મોની રજૂઆત:

‘ઈઝ્ઝત કી રોટી’માં ફરહા સાથે

‘કસક’ અને ‘ઈઝ્ઝત કી રોટી’ જેવી મારી ઘણી ફિલ્મો આર્થિક ભીંસને લીધે અટકી પડી. વિલંબ માટે હું હરગિજ જવાબદાર નથી. જો કે હું સમ્મત થાઉં છું કે વધુ ફિલ્મો રજૂ થાય એ અદાકાર માટે હિતકર નથી. સાથોસાથ એક વાતનો આનંદ પણ અનુભવું છું કે અટકી પડેલી ફિલ્મો રજૂ તો થઈ રહી છે. કેટલાક અદાકારોની કરૂણા એ છે કે તેઓ સેલેબલ રહ્યા નથી તેથી એમની ફિલ્મો પૂરી જ નથી થતી.

બિનસલામતી:

અદાકાર તરીકે આજે નિશ્ચિત હું બિનસલામતી અનુભવી રહ્યો છું. જો એ બિનસલામતી ન હોય તો સારા અદાકાર બની જ ન શકાય કારણ તમારામાં સ્થિરતા આવી જાય. જો તમે બિનસલામત ન હો તો સર્જનાત્મક શક્તિ ખીલે જ નહીં. પછી તમે અદાકાર હો કે પત્રકાર. હું ભૌતિક બિનસલામતીની વાત કરતો નથી.

માત્ર સોલો ફિલ્મો:

એ સાચું નથી કે હું માત્ર સોલો હીરોવાળી ફિલ્મો જ કરું છું. મેં મલ્ટીસ્ટારવાળી ફિલ્મો પણ કરી છે. લોકોને જો કે મારી સોલો હીરોવાળી ફિલ્મો જ યાદ છે કારણ ‘અમર અકબર એન્થની’ના એકમાત્ર અપવાદ સિવાય મારી બધી જ મલ્ટીસ્ટારવાળી ફિલ્મોમાં હું ટીકાપાત્ર ઠર્યો છું. કોઈની પણ સાથે કામ કરવામાં મને વાંધો આવતો નથી. જો કે સોલો ફિલ્મોમાં કામ કરવું હું વધુ પસંદ કરું છું કારણ કે હિના જેવો લાભ થાય અથવા ‘ઈન્તેહા પ્યાર કી’ જેવો ગેરલાભ થાય.

દિગ્દર્શન:

હું જાણું છું કે દિગ્દર્શન મને ફાવશે. પરંતુ હકીકત એ છે કે જો હું ખરાબ અદાકાર હોત તો સ્થગિત થઈ જાત અને તો પછી દિગ્દર્શન ક્ષેત્રે વળ્યો હોત. અત્યારે સમયના અભાવમાં હું દિગ્દર્શન કરી શકતો નથી. સમય હાથતાળી આપીને છટકી જાય છે. ફિલ્મનું દિગ્દર્શન કરવું મને ગમશે. હું કમર્શિયલ ફિલ્મ કે ઑફ બીટ ફિલ્મ બનાવીશ એ જાણતો નથી.

મુસ્લિમ વિષય:

મેં કરેલી દરેક મુસ્લિમ વિષયવાળી ફિલ્મ ચાલી છે. એ કહેવું બરાબર નથી. હકીકત એ છે કે ‘યે ઈશ્ક નહી આસાન’, ‘દીદાર-એ-યાર’ અને ‘નકાબ’ જેવી કેટલીક ફિલ્મો સદંતર નિષ્ફળ ગઈ. ‘હિના’ અને ‘તવાયફ’ હિટ ગઈ. ‘અમર અકબર એન્થની’માં કરેલી અકબરની મારી ભૂમિકા પણ વખણાઈ હતી. મુસ્લિમ સામાજિક ફિલ્મોમાં મહોબ્બતનો દોર હોય છે તેથી મને એ ભૂમિકાઓ બંધ બેસે છે. કે. સી. બોકાડિયાએ મને ‘મેરે નવાબ’માં ઝેબા સામે લીધો.

વજનનો વધારો:

મારી મુશ્કેલી એ છે કે ખોરાક સુંઘવાથી પણ મારું વજન વધે છે. નીતુને લીધે મારું વજન ઘટ્યું છે. હજુ ૪થી ૬ કિલો ઘટાડવાની જરૂર છે. કપૂર ખાનદાનમાં જ વજન વધવાની સમસ્યા છે. મારા કાકા શશીજી અને શમ્મીજીનો જ દાખલો લ્યોને ડાયેટિંગ અને વ્યાયામ છતાં મારું વજન વધતું જ જાય છે.

૨૩ નવી છોકરીઓનો કૉલમ્બસ:

‘હનીમૂન’માં અશ્વિની ભાવે સાથે

જી, પત્રકારોએ ફિલ્મ ઈન્ડસ્ટ્રીની કરેલી મારી આ સેવાને બિરદાવી છે એ બદલ આભાર. આશરે ૨૩ હીરોઈનોનો હું કૉલમ્બસ છું એ સિદ્ધિ જેવી તેવી નથી. ડિમ્પલ હોય કે રંજીતા, શોમા આનંદ, જયા પ્રદા, નીતુ કે પદ્મિની કોલ્હાપુરે હોય દરેકની પ્રથમ હિંદી ફિલ્મનો હીરો હું જ હતો. હું તમને પડકાર આપું છું કે જો મારું વજન સારા પ્રમાણમાં ઘટી જાય તો બીજી ૨૩ નવી છોકરીઓ સામે હું ઈન્ડસ્ટ્રીમાં ચમકી શકું.

કરિશ્માનો પિતા ન બન્યો:

લોલો (કરિશ્માનું લાડકું નામ)ના પિતાનો રોલ મેં નકારી કાઢ્યો એ હકીકત છે. શકીલ નૂરાનીએ મને સાઈન કરેલો અને દીપક આનંદ એ ફિલ્મનું નિર્દેશન કરવાના હતા. રોલ પડકારરુપ હતો. મેં અદાકારીની કરામત દર્શાવી હોત. પરંતુ મારા નિર્માતાઓએ વાંધો ઉઠાવ્યો કારણ એમની ફિલ્મોમાં હું હીરો હતો. ‘અનમોલ’માં મનીષા કોઈરાલા, ‘દીવાના’માં દિવ્યા ભારતી, ‘ગુરુદેવ’માં શ્રીદેવી, ‘દામિની’માં મીનાક્ષી શેષાદ્રી, ‘હનીમૂન’માં અશ્વિની ભાવે-વર્ષા ઉસગાંવકર, ‘બોલ રાધા બોલ’માં જૂહી ચાવલા મારી હીરોઈન છે. મનજી સહિત ઘણા નિર્માતાઓએ મને સમજાવ્યો કે હું કમર્શિયલ એક્ટર છું અને રોમેન્ટિક હીરો તરીકે તેઓ કરોડોની મૂડી રોકે છે. એટલે મારે આધેડ વયની ભૂમિકાઓ ન કરવી. તેથી મારે પીછેહઠ કરવી પડી.

શ્રીદેવી:

શ્રીદેવી સાથે કામ કરવામાં હું આનંદ અનુભવું છું. અદાકાર તરીકે તમને શ્રેષ્ઠ અભિનય આપવા પડકારે છે. ઉત્સ્ફૂર્ત અભિનેત્રી તરીકે હું એને ઊંચી લેખું છું. જો કે હમણાં એ જાત જાતના ચહેરાઓ કરવા માંડી છે. ‘ચાલબાઝ’થી એણે આવી હકરતો શરુ કરી છે. ‘લમ્હે’માં પણ એવું જ કર્યું.

દિગ્દર્શનમાં દખલ:

જો મારા પર કોઈ દિગ્દર્શનમાં ખલેલ પહોંચાડવાનો આરોપ મૂકે તો મને મંજૂર છે. જ્યારે પણ દિગ્દર્શકની ક્ષમતા વિષે અવિશ્વાસ જન્મે ત્યારે એમાં ખલેલ પહોંચાડવામાં રિશિ કપૂર સૌથી પહેલો હીરો હતો. ‘દીવાના’ના રાજ કન્વર કે ‘બોલ રાધા બોલ’ના ડેવિડ ધવન સાથે મેં ક્યારેય દરમિયાનગીરી કરી નથી. મને ખાત્રી છે કે દિગ્દર્શક ગમે તેવી મૂર્ખાઈ કરે તો પણ મારા ડૅડ કદી દખલ દેતા નહીં પરંતુ મને લાગે છે કે એમનો જમાનો જુદો હતો. આજે તો સ્પર્ધાનો જમાનો છે. ત્યારે ખૂબ ઓછી ફિલ્મો બનતી. ગુણવત્તા નિશ્ચિત આજની ફિલ્મો કરી બહેતર હતી. જો દિગ્દર્શક બરાબર કામગીરી ન બજાવે તો હીરોને નુકસાન અને બજાર ભાવ ગગડી જાય.

આર્ટ ફિલ્મો:

અત્યાર સુધી ગોવિંદ નિહલાની કે શ્યામ બેનેગલે કોઈ આર્ટ ફિલ્મ માટે ઑફર આપી નથી. હું ભલે કમર્શિયલ ફિલ્મોનો અદાકાર છું છતાં જો મારો ભાવ આપીને કોઈ સારી ફિલ્મ ઑફર કરે તો હું નક્કી સ્વીકારી લઉં. હકીકત એ છે કે માત્ર અભિનય પ્રતિભાને કોઈ પોંખતું નથી. નસીર જ્યારે ચડ્ડી લંગોટીમાં ‘પાર’ અને ‘આલ્બર્ટ પિંટો કો ગુસ્સા ક્યોં આતા હૈં’માં ચમક્યો ત્યારે કોઈનું ધ્યાન દોરવાયું નહીં. પરંતુ માથે ટોપી ચડાવીને ‘ઓયે ઓયે’ ગાયું ત્યારે જ ટિકિટ બારીએ ટંકશાળ પાડી ગયો.

‘લમ્હે’માં રોલ ન મળ્યો:

‘લમ્હે’માં જે રોલ અનિલે કર્યો એ યશજીએ મને ન આપ્યો તેથી નુકસાન એમને જ થયું. ‘ચાંદની’માં શ્રી સાથે મારો અભિનય જોઈને મને હતું કે યશજી ‘લમ્હે’માં મને શ્રી સાથે ફરી ચમકાવશે. યશજીએ મને કે અનિલ બેમાંથી કોઈનેય લીધો હોત તો ટેરીટરીનો ભાવ સરખો જ આવ્યો હોત કારણ ‘ચાંદની’ હિટ ગઈ હતી. છતાં અનિલને એમણે કેમ લીધો એની એમને જ ખબર. જિંદગીમાં મેં કદી કાવાદાવા કર્યા નથી તેથી યશજી પાસે સામે ચાલીને રોલ લેવા ન ગયો. અગાઉ ‘કભી કભી’, ‘દૂસરા આદમી’ અને ‘ચાંદની’ મેં યશજીના દિગ્દર્શન હેઠળ કરી છે. ‘લમ્હેં’ ફ્લૉપ ગઈ તેથી હું નુકસાનમાંથી ઉગરી ગયો. જો કે એ જબરદસ્ત રોલ ગુમાવ્યાનો અફસોસ જરૂર થયો કારણ કોઈ પણ એક્ટર આવો રોલ જતો ન જ કરે.

અદાકારની ખૂબીઓ:

આ વર્ષે રિલીઝ થયેલી ‘102 નોટઆઉટ’માં અમિતાભ-રિશી ચમક્યા છે વૃદ્ધ પિતા-પુત્રીની જોડી તરીકે

હું તો ધંધાદારી એક્ટર છું. ધર્માદા માટે કામ કરતો નથી. મારી ગુણવત્તા છે સંનિષ્ઠા અને કામ પ્રત્યેની લગન. કોઈ પણ દિગ્દર્શકને હું સારા અભિનયની ખાતરી આપી શકું. સફળતાની બાંયધરી ન જ આપી શકું. એમ તો અમિતાભ કે સલમાન સુદ્ધાં સફળતાની ખાતરી આપી શકે છે? હું એટલી જ આશા સેવું છું કે ફળદાયી પરિણામ લાવવા સૌએ સહકાર આપવો જોઈએ કારણ ફિલ્મ નિર્માણ ટીમવર્ક પર નિર્ભર હોય છે. કોઈ પણ ફિલ્મમાં એકમેકની આતુરતા અને સંકળાવવાની અપેક્ષા પર જ સફળતાનો મદાર બંધાય છે. જો મને સમજાઈ જાય કે ડાયરેક્ટર કે સાથી કલાકારો ફિલ્મમાં સંકળાતા નથી તો હું આસાનીથી અલગ થઈ શકું છું. એવે વખતે મને બિનસલામતી ખૂબ જ સતાવે છે.

અદાકાર તરીકેનું મૂલ્યાંકન:

અદાકારી ઉત્સ્ફૂર્ત હોય છે. એક પેઈન્ટિંગ કે શિલ્પ બનાવવા ત્રણ દિવસના રિહર્સલ કરીશ એવું તમે કહી ન શકો. તમે સર્જન ક્ષેત્રે અભિનેતા છો. અભિનય કદી પૂર્વ નિયોજીત ન જ હોય. અભિનયનો આધાર મૂડ અને વાતાવરણ પર હોય છે. હું ઉત્સ્ફૂર્ત, આંતર સુઝવાળો અદાકાર છું. બાહ્ય વસ્તુઓ પર નિર્ભર રહેતો અભિનય મને પસંદ નથી. તમે નોર્મલ રહીને ઉત્સ્ફૂર્ત અભિનય કરી શકો. આ ધંધામાં બિનસલામતી અને કૃત્રિમતા વધુ છે. ‘ચાંદની’માં મારે અપંગનો અભિનય કરવાનો હતો. જરૂર પડે અભિનય કરવો. દર્શકોની સહાનુભૂતિ મેળવવા અદાકારે અતિરેક ન કરવો. રાત દિવસ પાત્રમય બની રહેવું મને પસંદ નથી. ઘેર જઈને ભૂલી જવામાં જ સાર છે.

સંતાનો અભિનય કરે તો:

રણબીર અને રિદ્ધિમા અભિનય કરે તો મને કે નીતુને વાંધો નથી. જો કે સૌ પ્રથમ ભણતર પૂરું કરવું અનિવાર્ય છે. મારી પુત્રીને ફિલ્મ લાઈનનો મોહ નથી. મારા પુત્ર રણબીરને અભિનય અને ફિલ્મ નિર્માણમાં ઊંડો રસ છે. એમ તો એને ક્રિકેટ, ટેનિસ ખેલાડી પણ બનવું છે. મને લાગે છે કે ઉંમરનો આ પ્રભાવ છે.

કરિશ્મા અભિનેત્રી તરીકે:

મારી ભત્રીજી લોલો સ્ટાર બની ગઈ એનો મને આનંદ છે. એ ખૂબ સારી અભિનેત્રી છે પરંતુ હું તો હજુ કહું કે હજુ એણે બે વર્ષ રાહ જોવાની જરૂર હતી. ગ્રેજ્યુએટ થયા પછી અભિનેત્રી બની હોત તો સારું થાત. એ એટલી તો નાની છે કે એની સાથે હીરો તરીકે ‘પ્રેમ કૈદી’ ફેઈમ હરીશ જ ફિટ થાય. આજના ટોચના સ્ટાર્સ સાથે એ જામતી નથી. ‘પોલીસ ઑફિસર’માં જેકી એના ડૅડી જેવો લાગે છે.

પત્રકારોમાં આકર્ષણનું કેન્દ્ર કેમ નથી બનતો:

જુઓ હું એવો અભિનેતા છું જે લફરાબાજીમાં સંડોવાતો નથી. સમાચારોમાં ઝબકવા સાથી સ્ટાર્સ સાથે સનસનાટી ભર્યા લફરાં હું કરતો નથી. હું પરિવારવાળો છું. કામ જ બોલે એવું મારું માનવું છે. એક્શન ફિલ્મોના દોર દરમિયાન પણ મારો અભિનય ટકી રહ્યો. ફિલ્મો પાર્ટીઓમાં જવાને બદલે પત્ની અને સંતાનો સાથે સમય ગાળવો વધુ પસંદ છે.

નેગેટિવ રોલ:

રામસેની ‘ખોજ’માં મેં નેગેટિવ રોલ કર્યો હતો. પરંતુ એ ફિલ્મ નિષ્ફળ નીવડી, મને મારી ભૂલ સમજાઈ ગઈ. એટલે હવે કદી નકારાત્મક ભૂમિકા ન કરવાનું નક્કી કર્યું છે. કારણ એ આત્મઘાતક પુરવાર થશે.