સંગીતના જાદુગર લક્ષ્મીકાંત: ૨૦મી પુણ્યતિથિએ સંસ્મરણ

80ના દાયકા સુધીમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલની સંગીતકાર બેલડીએ બોલીવૂડમાં ટોચના સંગીતકાર તરીકે નામ જમાવી દીધું હતું. આ જોડીએ સાત ફિલ્મફેર એવોર્ડ જીત્યા હતા. ગાયિકાઓમાં, લતા મંગેશકર એમની ફેવરિટ હતી. લક્ષ્મી-પ્યારેની જોડી 1998માં તૂટી જ્યારે લક્ષ્મીકાંત કિડનીની બીમારીને કારણે દુનિયાને અલવિદા કરી ગયા હતા. એ સાથે જ, લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીની 37 વર્ષની સફળતાભરી સફરનો અંત આવી ગયો હતો.

લક્ષ્મીકાંતનું બાળપણ મુંબઈના વિલે પારલે (પૂર્વ)ની ચાલમાં ગરીબ અવસ્થામાં વીત્યું હતું. એમના પિતાનાં અવસાન બાદ એમના એક મિત્ર, જેઓ પોતે સંગીતના જાણકાર હતા, એમણે લક્ષ્મીકાંત અને એમના મોટા ભાઈને સંગીત શીખવાની સલાહ આપી હતી. લક્ષ્મીકાંત મંડોલીન શીખ્યા અને એમના મોટા ભાઈ તબલા વગાડવાનું શીખ્યા. લક્ષ્મીકાંતે જાણીતા મંડોલીન વાદક હુસૈન અલી પાસે તાલીમ લીધી હતી. પૈસા કમાવા માટે લક્ષ્મીકાંતે ભારતીય શાસ્ત્રીય વાદ્યસંગીતના કાર્યક્રમોનું આયોજન કરવાનું શરૂ કર્યું.

લક્ષ્મીકાંતના નિધન બાદ ઉંમરમાં એમનાથી ત્રણ વર્ષ નાના પ્યારેલાલ શર્માએ સંગીત બનાવવાનું છોડી દીધું હતું.

મહાન સંગીતકાર લક્ષ્મીકાંતની આજે પુણ્યતિથિ છે. એમને યાદ કરીએ, ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’નાં એક સંભારણા સમા, લેખને અહીં પુનઃ પ્રકાશિત કરીને….

શ્રદ્ધાંજલિઃ ચાહુંગા મૈં તુઝે સાંજ સવેરે… સંગીતકાર લક્ષ્મીકાંતના સુરીલાં સંભારણાં

નવ-દસ વરસના છોકરાને ઉપરાઉપરી બે ગંભીર માંદગી આવી જાય તો મા-બાપનો જીવ બળ્યા કરે. આ છોકરાને પહેલા ટાઈફોઈડ થયો. એમાંથી ડબલ ન્યુમોનિયા થઈ ગયો. અઢી-ત્રણ મહિના ખાટલામાં પડી રહ્યો. અધૂરામાં પૂરું એન્ટિ-બાયોટીક્સ દવાઓના મારાને લીધે એવો કમજોર થઈ ગયો કે કોઈની મદદ વિના ચાલી ન શકે. ગરીબ મિલ મજૂર પિતા એને મોંઘો પૌષ્ટિક ખોરાક ક્યાંથી લાવી આપે? પરંતુ એ માંદગી એને વરદાન‚રૂપ નીવડી. પથારીમાં પડ્યો પડ્યો એ મેંડોલીનનો રિયાઝ કરતો. રેડિયો પર સાંભળેલા ગીતો મેંડોલીન પર ઉતારવાના પ્રયત્ન કરતો. સવારથી રાત સુધી રેડિયો એનો સતત સાથી. પછી તો એને ભણવામાંથી રસ ઊડી ગયો. એ સંગીત તરફ વળી ગયો. એ છોકરો ભવિષ્યમાં ટોચનો સંગીતકાર બન્યો. એ સંગીતકાર એટલે ૧૯૯૮ની પચીસમી મેએ બપોરે મુંબઈની નાણાવટી હૉસ્પિટલમાં અવસાન પામેલા લક્ષ્મીકાંત. જી હા, લક્ષ્મીકાંત-પ્યારેલાલ જોડીમાંના એક.

આણંદજી-કલ્યાણજી સાથે એક સમયના સહાયક લક્ષ્મીકાંત

૧૯૬૩માં શંકર જયકિસન, નૌશાદ, એસ.ડી.બર્મન, મદનમોહન, કલ્યાણજી-આણંદજી, સી. રામચંદ્ર અને ઓ. પી. નય્યર જેવા ધુંરધરોની વચ્ચે બાબુભાઈ મિસ્ત્રીની કોસ્ચ્યુમ ફિલ્મ ‘પારસમણિ’નું એક ગીત એવું ગાજ્યું કે ધુરંધરો પણ જોતા રહી ગયા. એ ગીત એટલે બિનાકા ગીતમાલામાં ધૂમ મચાવનાર ‘હંસતા હુઆ નુરાની ચહેરા કાલી ઝુલ્ફેં રંગ સુનહરા…’

ફિલ્મસંગીતમાં એક નવી જોડીનો ઉદય થયો. મરાઠીભાષી લક્ષ્મીકાંત કુડાલકર અને હિંદીભાષી પ્યારેલાલ શર્મા. ૧૯૬૨-૬૩થી શરૂ‚ થયેલી આ જોડી ૧૯૯૮માં ખંડિત થઈ પરંતુ વચ્ચેના ત્રણ સાડા ત્રણ દાયકામાં એમણે અનેક યાદગાર ધૂનો આપી. તેમાં લોકસંગીત, શાસ્ત્રીય સંગીત, ભજન, ઠુમરી અને દાદરા અંગના ગીતો તથા પાશ્ચાત્ય સંગીત પર આધારિત ગીતો-દરેક શૈલીમાં તેમણે નિપુણતા પુરવાર કરી. ‘મિલન’, ‘જીને કી રાહ’ અને ‘સૌદાગર’ જેવી ઘણી ફિલ્મોના સુપરહિટ થવામાં સંગીતમય માતબર ફાળો હતો. તેના બધાં ગીતો પણ ગાજ્યાં.

દોસ્ત, જીવન કા મતલબ તો આના ઔર જાના હૈ… લક્ષ્મી-પ્યારે

શરૂમાં લક્ષ્મીકાંત-પ્યારેલાલ ફિલ્મિસ્તાનવાળા એસ. મુખરજીને ત્યાં કામ માટે બહુ ધક્કા ખાતા. પોતાની તરજો તેમને સંભળાવતા. પોતાના સમયના હિટ ફિલ્મ સર્જક એસ. મુખરજી ધૂની માણસ. આ બન્નેને મોકો આપવાને બદલે ઉતારી પાડતા. એ કહેતા કે આજે આ બધા ધુરંધરો વચ્ચે તમારી શું પિપૂડી વાગવાની? એના કરતાં જે કરો છો એ કરો. એટલે કે સાજિંદા બની રહો. પાછળથી સંગીતકાર જોડીએ મુખરજી ફિલ્મ્સની ‘શાગીર્દ’ સહિત થોડી ફિલ્મોમાં હિટ સંગીત પીરસ્યું ત્યારે એ જ એસ. મુખરજીએ તેમનો ખભો થાબડેલો.

લક્ષ્મીકાંતે કારકિર્દીની શરૂઆત શંકર જયકિસનના સાજિંદા તરીકે કરી તો પ્યારેલાલે સી. રામચંદ્ર સાથે કામ શરૂ કર્યું. કાળક્રમે લક્ષ્મીકાંત પ્યારેલાલ બન્ને કલ્યાણજી આણંદજીના મુખ્ય સહાયક બની રહ્યા. જો કે સાજિંદા બનવા પહેલાં લક્ષ્મીકાંતે ગુજરાતી ફિલ્મ ‘જોગીદાસ ખુમાણ’, મરાઠી ફિલ્મ ‘ભક્ત પુંડલિક’ અને હિંદી ફિલ્મ ‘આંખે’, ‘શાદી કી રાત’  જેવી થોડી ફિલ્મોમાં બાળકલાકાર તરીકે અભિનય પણ કરેલો. સાજિંદા થયા પછી લક્ષ્મી-પ્યારે ગાઢ દોસ્ત બની રહ્યા અને પોતે જે જે સંગીતકાર સાથે કામ કર્યું તેની ખૂબી-ખામીનો ઝીણવટપૂર્વક અભ્યાસ કરતા. પાછળથી તેમને એ અનુભવ ખૂબ કામે લાગ્યો.

પોતાના સિનિયરો અને સાથીઓ માટે બન્નેને ખૂબ માન. એક જ નાનકડો દાખલો બસ છે. શંકર જયકિસન અને અન્ય સંગીતકારો સાથે એક સાજિંદો કમ એરેંજર હતો: એન્થની ગોન્સાલ્વીઝ. જેટલો ઉચ્ચ કક્ષાનો સાજિંદો એટલો જ અવ્વલ નંબરનો શરાબી. વરસો પછી મનમોહન દેસાઈની ‘અમર અકબર એન્થની’માં લક્ષ્મીકાંતે એ એન્થનીને યાદ કરીને મનજીને ખાસ વિનંતી કરી. ફિલ્મમાં ‘માય નેમ ઈઝ એન્થની ગોન્સાલ્વીઝ’ ગીત મૂકાવ્યું. એ એન્થનીની હયાતીમાં લક્ષ્મીકાંતે શંકર-જયકિસન માટે ફિલ્મ ‘પતિતા’ના ‘કિસીને મુઝ કો બના કે અપના…’ ગીતમાં મેંડોલીન વગાડેલું તેમ રાજ કપૂર-નૂતનને ચમકાવતી ફિલ્મ ‘દિલ હી તો હૈ’ની કવાલી ‘નિગાહેં મિલાને કો જી ચાહતા હૈ…’માં પણ મેંડોલીનની કમાલ દેખાડી. સંગીતના જાણકારો માને છે કે વાસ્તવમાં લક્ષ્મીકાંત અને પંચમ (રાહુલદેવ બર્મન)ની જોડી બનવાની હતી. કુદરતે લક્ષ્મીકાંત સાથે પ્યારેલાલને ગોઠવી દીધા. છતાં પંચમ સાથે સંબંધો એટલા સારા કે ‘દોસ્તી’માં લક્ષ્મીકાંતની વિનંતીથી પંચમે માઉથ ઓર્ગન વગાડ્યું હતું.

શંકર જયકિસન અને કલ્યાણજી આણંદજીના માનીતા રાગો શિવરંજની તથા ભૈરવી ઉપરાંત પહાડીનો તેમણે સુંદર ઉપયોગ કર્યો. શિવરંજનીમાં તેમનાં ગીતો બહુ ગાજ્યાં. એકાદ-બે દાખલાથી સંતોષ માનવો હોય તો ‘સંત જ્ઞાનેશ્વર’નું લતાએ ગાયેલું ‘ખબર મોરી રામ…’ અહીંથી શરૂ કરીને ‘એક દૂજે કે લિયે’નું લતા અને બાલા સુબ્રમણ્યમે ગાયેલું ‘તેરે મેરે બીચ મેં કૈસા હૈ યે બંધન અનજાના…’ સુધી લક્ષ્મી-પ્યારેનો શિવરંજની સતત ગૂંજતો રહ્યો. એવો જ પ્રેમ તેમને પહાડી અને ભૈરવી માટે હતો. સ્થળસંકોચને કારણે યાદી ટૂંકાવવી પડે પરંતુ ભૈરવીના બે અલગ અલગ મૂડ જુઓ: ‘જ્યોત સે જ્યોત જગાતે ચલો…’ (સંત જ્ઞાનેશ્વર), ‘મૈં દેખું જિસ ઓર સખીરી સામને મેરે સાંવરિયા’ (ફિલ્મ અનિતા), પહાડીના બે જુદાં સ્વરૂપો રહ્યાં: ‘ચાહુંગા મૈં તુઝે સાંઝ સવેરે…’ (દોસ્તી), ‘કોઈ જબ રાહ ન પાયે મેરે સંગ આયે…’ (દોસ્તી). લોક-સંગીતમાં તેમણે કેટકેટલા પ્રયોગો કર્યા: આપણે જેને આંધળો-પાટો કહીએ છીએ એ રમત પર આધારિત ગીત યાદ કરો: ‘આ મેરે હમજોલી આ, ખેલેં આંખમિચૌલી આ…’ (જીને કી રાહ), તો ફિલ્મ ‘શાગીર્દ’ માટે બનાવેલી હલકી-ફૂલકી આ તર્જ જુઓ: ‘ઊડતે પવન કે સંગ ચલુંગી, મૈં ભી તુમ્હારે સંગ ચલુંગી, રુક જા અય હવા…’ શાસ્ત્રીયસંગીત અને ઉપશાસ્ત્રીય (સુગમ) સંગીતના સમન્વય સમું આ ગીત જુઓ: ‘સારેગમ પ પ પ પ પપ પપ ધમ રે, ગા રે મેરે સંગ મેરે સાજના…’ (અભિનેત્રી), લોકસંગીતની તેમની સૂઝ-બૂઝ માટે ‘આયે દિન બહાર કે’ અને ‘આયા સાવન ઝૂમ કે’ બન્ને ફિલ્મનાં ટાઈટલ ગીત સાંભળો. અરે, રાજ ખોસલાની ફિલ્મ ‘દો રાસ્તે’નું આ ગીત યાદ કરો: ‘બિંદીયા ચમકેગી, ચૂડી ખનકેગી…’ ફિલ્મ ‘મેરે લાલ’નું ‘પાયલ કી ઝંકાર રસ્તે રસ્તે ઢૂંઢે તેરા પ્યાર રસ્તે રસ્તે…’ આખી ફિલ્મનાં ગીતો શાસ્ત્રીય સંગીત પર આધારિત સાંભળવા હોય તો ફિલ્મ ‘સૂરસંગમ’ જોયા વિના નહીં ચાલે. આ ફિલ્મના મોટા ભાગના પુરુષગીતો બનારસ ઘરાનાના પંડિત રાજના મિશ્ર-સાજના મિશ્ર પાસે તેમણે ગવડાવ્યાં. અને ‘અમર અકબર એન્થીની’ની કવાલી ‘પરદા હૈ પરદા’ મહંમદ રફીના પુનરાગમનનું સાધન બની રહી.

બંદિશો બાંધે લક્ષ્મીકાંત અને એનું ઓરેકેસ્ટ્રેશન કરે પ્યારેલાલ એવી સમજૂતી શરૂથી બન્ને વચ્ચે વણલખી રહી હતી.

આજે તો મુંબઈના જૂહુ સ્કીમ વિસ્તારમાં લગભગ બધા ટોચના ફિલ્મસ્ટાર્સના બંગલા છે જ્યારે લક્ષ્મીકાંતે ૧૯૭૦ના દાયકામાં ત્યાં પોતાની પહેલી  સુપરહિટ ફિલ્મ ‘પારસમણી’ના નામ પરથી બંગલો બનાવેલો. એ બંગલો બની રહ્યો હતો ત્યારે રાજ કપૂરની ‘બૉબી’ ફિલ્મનું સંગીત આ જોડી પીરસી રહી હતી. એક ગીતની ચર્ચા કરવા આનંદ બક્ષી લક્ષ્મીકાંતને મળવા આવ્યા. ગીતકાર તો નવા બંગલાની શોધમાં અટવાઈ પડ્યા. થોડીવારે લક્ષ્મીકાંત તેમને શોધતા આવ્યા. આનંદ બક્ષી કહે કે હું તો તમારા બંગલામાં ભૂલો પડી ગયો. આવું કોઈ પ્રેમી યુગલ સાથે બને તો કેવા ગોટાળા થઈ પડે. બન્ને હસી પડ્યા. એમાંથી ગીત સર્જાયું, ‘હમ તુમ એક કમરે મેં બંદ હો ઔર ચાબી ખો જાયે…’

લક્ષ્મીકાંતના વ્યવસાયમાં મરાઠી-હિંદીનો સંગમ હતો તો ઘરમાં મરાઠી-ગુજરાતી સંગમ રહ્યો. તેમનાં પત્ની જયા ગુજરાતી અને એક સમયની મશહૂર વેમ્પ બિન્દુનાં નાનાં બહેન. મૃત્યુ સમયે લક્ષ્મીકાંતની ઉંમર વિશે થોડો મતભેદ રહ્યો છે પણ ૧૯૯૨માં તેમણે ‘જી’ને આપેલી મુલાકાતમાં કહેલું: ‘૧૯૩૫ની દિવાળી એટલે કે લક્ષ્મીપૂજનને દિવસે મારો જન્મ થયેલો એટલે મારું નામ લક્ષ્મીકાંત રાખેલું.’ એ હિસાબે અવસાન સમયે એ ૬૩ વરસના થયા.

લક્ષ્મીકાંત-પ્યારેલાલની પ્રગતિમાં જાણ્યે-અજાણ્યે ગુજરાતીઓનું મહત્ત્વનું પ્રદાન છે. સંગીતથી હિટ બનેલી પહેલી ફિલ્મ હતી ‘પારસમણિ’ જેના સર્જક હતા બાબુભાઈ મિસ્ત્રી. ફિલ્મોમાં મેંડોલીન-વાયોલિન વાદક તરીકે પ્રવેશ્યા ત્યારે પહેલી તક આપી જયકિસને. જેમના મુખ્ય સહાયક તરીકે વધુ કામ કર્યું તે કલ્યાણજી-આણંદજી. જેમની સાથે કામની બાબતમાં સૌથી વધુ ટ્યૂનિંગ હતું તે મનમોહન દેસાઈ અને ‘પારસમણિ’ બંગલા માટે જૂહુ સ્કીમમાં ગુજરાતીઓની સોસાયટીમાં જમીન મળી એ લક્ષ્મીકાંતની ગુજરાતી પત્ની જયાની વગથી.

લક્ષ્મી-પ્યારેની જોડીમાં પ્યારેલાલ અંતર્મુખ અને ઓછાબોલા. જ્યારે લક્ષ્મીકાંત મિલનસાર અને પત્રકારો  સાથે પ્રેમથી વાતો કરનારા. કુંદનલાલ સાયગલથી માંડીને જયકિસન સુધી જે મર્યાદા આડે આવી તે સુરાપ્રેમ લક્ષ્મીકાંતને પણ ભરખી ગયો. સતત ટોચે રહેવા માટેનું ટેન્શન તેમને જાણ્યે-અજાણ્યે શરાબ તરફ લઈ ગયેલું. એટલે લીવર અને કિડની તેમને દગો દઈ ગયા. એમણે ઈન્ટરવ્યૂમાં કહેલું: ‘એક તો અમારે ધુરંધરો વચ્ચે રહીને કંઈક નવું કરી બતાવવાનું હતું અને બીજું, સમયની સાથે રહીને નીત નવું સર્જવાનું હતું. રાજ કપૂર માટે અલગ શૈલી, મનોજકુમાર માટે અલગ અને મનમોહન દેસાઈ માટે ફરી અલગ. આમ વિવિધતા અને લોકપ્રિયતા-બબ્બે મોરચે ટકી રહેવાનું. એકવાર તમે સારું કામ કરો એટલે લોકોની અપેક્ષાઓ વધી જાય. એટલે અમે જ અમારા હરીફ. અમે જ અમારા સમીક્ષક.’

– અજિત પોપટ

 

અચ્છા તો હમ ચલતે હૈ…

લક્ષ્મીકાંતના જવાથી ફિલ્મ સંગીતમાં એક મોટો શૂન્યાવકાશ સર્જાયો છે જે જલદી પૂરાશે નહીં. મેંડોલીનવાદક લક્ષ્મીકાંત અને વાયલિનવાદક પ્યારેલાલની જોડી છેક ૧૯૫૨થી બની ગઈ હતી. શરૂમાં બન્ને સાજિંદા હતા. ૧૯૫૭થી બન્ને ટોચના સંગીતકારના સહાયક સંગીત નિર્દેશક બની ગયા. કલ્યાણજી-આણંદજી મુખ્ય સહાયક તરીકે કામ કરતા રહ્યા. ‘કલ્પતરુ’ના નામે પારિવારિક ફિલ્મો બનાવતા ફિલ્મસર્જક કે. કે. પરવેઝે આ જોડીને ફિલ્મો અપાવવા માંડી. પહેલી ફિલ્મ હતી ‘છૈલાબાબુ’ અને રેકૉર્ડ કરેલું પહેલું ગીત હતું ‘તેરે પ્યારને મુઝે ગમ દિયા…’ જે મહંમદ રફીએ ગાયું હતું. લક્ષ્મી-પ્યારેના ચાહકો આ ગીતને તેમની શ્રેષ્ઠ કૃતિ માને છે. અલબત્ત, આ ફિલ્મ કદી રજૂ ન થઈ. બીજી ત્રણેક ફિલ્મનું એવું જ થયું. રજૂ થયેલી પહેલી ફિલ્મ ‘પારસમણિ’ના સંગીતે ચારેકોર તહેલકો મચાવી દીધો. પછી આવી ‘આયા તૂફાન’, ‘લૂટેરા’, ‘મિસ્ટર એક્સ ઈન બોમ્બે’, ‘સૌ સાલ બાદ’.

પછી વરસ આવ્યું ૧૯૬૫નું. એક તરફ રાજ કપૂરની ‘સંગમ’  હતી જેમાં રાજ કપૂર પોતે, ઉપરાંત રાજેન્દ્રકુમાર, વૈજયંતીમાલા અને શંકર જયકિસનનું સંગીત હતું. ફિલ્મ રંગીન અને મોટા બજેટની હતી. એની સામે રાજશ્રીની નાના બજેટની, ઓછા જાણીતા કલાકારોવાળી અને બ્લેક એન્ડ વ્હાઈટ ફિલ્મ આવી ‘દોસ્તી’. હીરોમાં એક લંગડો હતો અને બીજો આંધળો. એકે લવસોંગ નહોતું. પરંતુ ‘દોસ્તી’ના સંગીતે સંગમને જોરદાર ટક્કર આપી ત્યારે ખુદ રાજ કપૂરે આ સંગીતકારો વિશે વિચારવું પડ્યું. પાછળથી તેમણે રાજ કપૂરની ફિલ્મોમાં સંગીત પણ પીરસ્યું.

ત્યાર બાદ લક્ષ્મી-પ્યારેની જોડીએ એવી સફળતા હાંસલ કરવા માંડી કે ફિલ્મી પંડિતોને પણ સમજ નહોતી પડતી કે શું થઈ રહ્યું છે. ‘શાગીર્દ’, ‘મિલન’, ‘ઈંતકામ’, ‘જીને કી રાહ’, ‘દો રાસ્તે’, ‘મેરે લાલ’, ‘રાજા ઔર રંક’, ‘પ્યાર કિયે જા’ જેવી બે ડઝન ફિલ્મો ૧૯૭૦ પહેલાં જ આવી ગઈ જેનું એક પણ ગીત તમને ઊતરતી કક્ષાનું નહીં લાગે. એ દિવસોની યાદ તાજી કરતાં લક્ષ્મીકાંત ઘણીવાર કહેતા, શરૂમાં જાદુમંતર અને ફેન્ટીસીની ફિલ્મો મળી છતાં અમે કદી સંગીતનું ધોરણ ઊતરવા નથી દીધું. બેનર નાનું હોય કે મોટું, અમે કામમાં કદી કચાશ નથી રહેવા દીધી એટલે જ આ ફિલ્મોમાં સંગીતે પણ અમને પ્રતિષ્ઠા અપાવી. આ ફિલ્મોનાં થોડાં ગીતો જુઓ. ‘ચાહુંગા મૈં તુઝે સાંઝ સવેરે…’, ‘વો હૈ જરા ખફા ખફા…’, ‘સાવન કા મહિના પવન કરે શોર…’, ‘બડી મસ્તાની હૈ મેરી મહેબુબા…’, ‘બિંદિયા ચમકેગી…’, ‘પાયલ કી ઝંકાર રસ્તે રસ્તે…’, ‘મેરા નામ હૈ ચમેલી…’, ‘દિન જવાની કે ચાર યાર…’

-વિજય અકેલા

 

લક્ષ્મીકાંત-પ્યારેલાલની જોડીએ અનેક કર્ણપ્રિય અને યાદગાર ગીતો આપ્યા છે. એમાંના ત્રણ ગીતનાં વિડિયોની ઝલક જુઓ…

httpss://youtu.be/5KkkDRCj3l8

httpss://youtu.be/3WQEHSbqyxc

httpss://youtu.be/vPeUtQwEBis

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]