ખતરનાક ખલનાયક અમરીશ પુરી

અમરીશ પુરી એટલે રંગમંચ પર પોતાની અભિનયકળાનું પ્રદર્શન કરનાર અને સાધારણ ક્લાર્કમાંથી હિન્દી ફિલ્મોના બનેલા ખતરનાક, ખુંખાર ખલનાયક. હવે આ સ્વર્ગિય અભિનેતાનો પૌત્ર પણ રૂપેરી પડદા પર પદાર્પણ કરી રહ્યો છે, એનું નામ છે વર્ધન પુરી. વર્ધનની પહેલી ફિલ્મ રજૂ થવાની આવતી 29 નવેંબરે, એનું નામ છે – ‘યે સાલી આશિકી’. ચિરાગ રૂપારેલ દ્વારા દિગ્દર્શિત ‘યે સાલી આશિકી’ના નિર્માતા છે વર્ધનના પિતા અને અમરીશ પુરીના પુત્ર રાજીવ પુરી. ફિલ્મમાં વર્ધનની હિરોઈન બની છે શિવાલીકા ઓબેરોય. શિવાલીકાની પણ આ પહેલી જ ફિલ્મ છે.

પોતાની ફિલ્મી કારકિર્દીનો આરંભ થઈ રહ્યો છે તે અવસરે વર્ધનનું કહેવું છે કે, ‘મારા દાદાએ ફિલ્મી કારકિર્દી બનાવવા વિશે એક મહત્ત્વની ટીપ આપી હતી. એમણે કહ્યું હતું કે, રંગભૂમિના બેકગ્રાઉન્ડ સાથે ફિલ્મ ઉદ્યોગમાં આવતા ઘણા અભિનેતાઓ રંગભૂમિએ એમના કરેલા ઘડતરને ભૂલી જતા હોય છે. તું સેલિબ્રિટીઓની ગ્લેમરસ લાઈફસ્ટાઈલથી મોહિત થઈ ન જતો અને કાયમ રંગભૂમિનો અદાકાર જ બનેલો રહેજે, કારણ કે એમાં નિષ્ફળતાની તક બહુ ઓછી રહે છે.’

એવા મહાન અદાકાર અમરીશ પુરીનો એક લેખ ‘જી’ના આર્કાઈવમાંથી અહીં પુનઃ પ્રગટ કરીએ છીએ.


(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ.)


‘હમ પાંચ’નો ગામનો મુખી યાદ કરો, જે રીતે જાંઘ પછાડીને એના બાહુપાશમાં એક અબળાને જકડી લે છે એ યાદ કરો.

‘અશાંતિ’ના ડૉનને યાદ કરો. અધરાતે નશા ખાતર સાપને કરડાવે એ યાદ કરો.

‘નગીના’નો તાંત્રિક, મેરી જંગનો દાણચોર, મિ.ઈન્ડિયાનો જાદુગર અને ‘શહેનશાહ’નો ઉદ્યોગપતિ.

અણધડ, નિષ્ઠુર, જીવલેણ પુરી તો પાપ કરતા યે વધુ ખોફનાક છે. શું એ સાચે જ એવો છે. ભાવના સોમૈયા સાથે નિખાલસ વાર્તાલાપ દરમિયાન ઘણાને ખબર નહીં હોય એવી અમરિશ પુરી એની જાત છતી કરે છે. ક્યારેક વિવેચના પૂર્ણ, ઘણુંખરું રમુજી ઢબે અને વિચારો-તેજક જવાબો પુરી એકાગ્રચિત્તે આપે છે.

* કોણ જાણે કેમ તમને મળતા બીક લાગે છે. શું તમારા સ્નેહી અને મિત્રોની પણ પ્રતિક્રિયા એવી જ છે?

-હરગીઝ નહીં. તેઓ જાણે છે કે હું તો રોલ અદા કરું છું. મારા ચારિત્ર્ય સાથે ભૂમિકા સાંકળી લેતા નથી. લોકો મારાથી બીતા હોય એવું હું માનતો નથી, પ્રેક્ષકોય બીતા નથી. વાસ્તવમાં ટ્રાફિક સિગ્નલ પર મને જોઈને લોકો આજકાલ ‘મોગામ્બો ખુશ હુઆ’ વાળી તકિયા કલમ વાપરે છે.

* તમને આનંદ થાય છે?

-અલબત્ત, એનો અર્થ એ જ કે એ પાત્ર એમનું પ્રિય છે. મારા કામની કદર કરે છે. અને પ્રશંસા પુરસ્કાર કોને પ્રિય ન હોય. અમુક વખત પછી પૈસા જ સર્વસ્વ નથી રહેતા.

* તમારી જાતને તમે ધનવાન ગણી શકો છો?

-લાગણીની દ્રષ્ટિએ, કલાની દ્રષ્ટિએ કે પછી માત્ર નોટોની દ્રષ્ટિએ? હું તો કહીશ-હું વ્યસ્ત રહું છું. અતિ વ્યસ્ત. પરંતુ એવું બને જ. આપણી ઈન્ડસ્ટ્રીમાં કાં તો કોઈ ખૂબ જ વ્યસ્ત હોય અથવા એકદમ નવરો. એમાં વચગાળાનો પ્રશ્ર્ન જ નથી. જેની પાસે કામ છે એ વધુ પડતું છે નથી એની પાસે કશું જ કામ નથી. હંમેશાં આવું જ ચાલે છે. હવે હું ફરિયાદ ન કરી શકું. ફિલ્મો સ્વીકારતો હતો ત્યારે જ આ વાતથી વાકેફ હતો.

* વધુ વ્યસ્ત નહોતા ત્યારના દિવસો યાદ છે?

-નિશ્ર્ચિત રીતે યાદ છે. એ દિવસોમાં હું સ્વપ્નાના સહારે જ જીવતો. ક્યારેક મહાન ભૂમિકાઓ અદા કરવાના ખ્વાબોમાં રાચ્યા કરતો ત્યારે પુષ્કળ ફાજલ સમય હતો પણ પૈસા નહોતા. આજે પરિસ્થિતિ ઉલટી થઈ ગઈ છે.

* તમે માનો છો કે પૈસાને લીધે ટેન્શન આવી જાય છે?

– જરાયે નહીં. પૈસાને લીધે સગવડતાઓ આવે. ટેન્શન દૂર થઈ જાય. હું નથી માનતો કે પૈસા અનિષ્ટ છે. હિંદી ફિલ્મોમાં તો સંપત્તિને અનિષ્ટ જ ગણવામાં આવે છે અને ગરીબી સારી મનાય છે. વાસ્તવિક જીવનમાં માપદંડ સાવ જુદા જ છે.

* જવાનીના દિવસોમાં આરાધ્ય કોણ હતો?

– મારા ભાઈ મદન પુરી તેઓ જ મારી પ્રેરણાનું શ્રોત હતા. એમની ફિલ્મો જોતા જોતા જ મેં મારા સ્વપ્ના સેવેલા. એમણે જ એમની ખામોશ રીતે મને ફિલ્મ સૃષ્ટિમાં ટકી રહેવાનું શીખવ્યું. ભૂમિકાઓને વ્યાજબી ન્યાય આપવા છતાં આપણામાનું શ્રેષ્ઠ તત્વ કોઈ ઉત્કૃષ્ઠ ફિલ્મ માટે અનામત રાખવાનું શીખવ્યું. ગુણવત્તા ન જળવાય તો હતાશ ન થવાનું હું એમની પાસેથી જ શીખ્યો.

* તમે એમને સારા અદાકાર લેખો છો?

– તેઓ ખૂબ જ સારા હતા. ભૂમિકાઓની પસંદગીમાં મારા જેટલા નસીબદાર નહોતા એ જુદી વાત છે. છતાં એમણે કેટલીક અવિસ્મરણીય ભૂમિકાઓ ભજવી છે. ‘દુલ્હન વોહી જો પિયા મને ભાયે’ યાદ છે. ‘આમને સામને’નો અભિનય પણ યાદગાર હતો.

* તમારે હિસાબે સારો અભિનય કોને કહેવાય?

– અદાકાર જે પાત્ર ભજવે એમાં સો ટકા સમરસ થાય અને પટકથાની આરપાર જઈને અભિનય કરે. એથી યે સર્વોપરી સાતત્ય જાળવી રાખવું જોઈએ. અમારામાંથી ઘણાખરાની બાબતમાં બને છે એવું-મારા સહિત કે મહાન અભિનયનો ચમકારો જ દેખાય, અદ્ભૂત અદાકારનો અહેસાસ થાય અને અચાનક તમારામાં અસંતોષ વ્યાપી જાય.

* એવા દાખલા ટાંકી શકશો?

-અર્થ અને ખંડહરમાં શબાના આઝમીના ચમકારા હતા. પારમાં નસીરુદીન શાહ, મિર્ચ મસાલામાં સ્મિતા, અર્ધ સત્યમાં ઓમ પુરી કેટલી યે ફિલ્મોમાં અમરિશ પુરીના ચમકારા દેખાયા.

* આ તો વિનમ્રતા છે. તમારે હિસાબે એક અદાકાર તરીકે તમારી ગુણવત્તા કઈ છે?

મારી એકાગ્રતા સો ટકા હોય છે. શૂટિંગો રદ કરતો નથી અને આળસું નથી. સૌથી વિશેષ સંવાદો બરાબર પાકા કરું છું. ચમત્કાર પર ભરોસો નથી રાખતો. આ બધું નાટકની પાર્શ્ર્વભૂમિને લીધે શક્ય છે. હું બધા જ નવોદિતોને એમના કાર્ય પ્રત્યે ગંભીર નિષ્ઠા રાખવાની સલાહ આપું છું.

* સ્ટાર રૂપે તમારી શ્રેષ્ઠ ગુણવત્તા?

-તમે જ કહો. મને ખબર નથી. કેટલાક લોકો મને કહે છે કે મારું સ્વાસ્થ્ય બળવાન છે. કેટલાકને મારો ઘેરો અવાજ ગમે છે તો કેટલાક વળી આંખો પસંદ કરે છે. અંગત રીતે હું માનું છું કે કોઈ એક જ ગુણવત્તા કામ ન આવે, તમારું સમગ્ર વ્યક્તિત્વ તમને ઘડે છે. પ્રેક્ષકો કાં તો તમને આવકારે અથવા ત્યજી દે.

* શું અદાકાર વ્યક્તિત્વ પર મદાર રાખે છે?

– સભાનતાપૂર્વક નહીં. પરંતુ દા.ત. હું જાણું છું કે મારો બાંધો સુડોળ છે. હું એ ય જાણું છું કે દિગ્દર્શકો મારા સુદૃઢ શરીરનો ઉપયોગ કરે છે. તેથી હું એના પર મદાર રાખીને ચાલું છું. કંટાળો આવે તો યે વ્યાયામ કદી ચૂકતો નથી. એને લીધે સારા દેખાવા ઉપરાંત ચૂસ્ત રહું છું અને આઉટડૉર શૂટિંગના દબાણ અને થાક સાથે ટકી રહું છું.

* ઘણા અદાકારોને આઉટડૉર શૂટિંગ વખતે અડવું લાગે છે. તમને શું પસંદ છે મુંબઈમાં શૂટિંગ કરવું કે મુંબઈની બહાર?

– હું નાટકનો માણસ છું અને નવી જગ્યાઓ મને પ્રેરિત કરે છે. વાતાવરણની સાંસ્કૃતિક ગુણવત્તાની જીજ્ઞાસા હોય છે. મુંબઈ નિશ્ર્ચિત રીતે આરામદાયક લાગે છે. દિનચર્યામાં તમે ફીટ થઈ જાઓ. અમુક ઉંમરે પ્રવાસ ભારે પડી જાય. પરંતુ આ આઉટડૉરના અનેક ફાયદા છે, તમારા દ્રશ્યો પર એકાગ્રતા કેળવી શકો કારણ દખલગીરી નથી હોતી.

* સેટ પર આસાનીથી ક્રોધે ભરાઓ છો?

– સેટ જો ખૂબ ગરમ હોય અને પુષ્કળ લોકો હોય તો ખૂબ જ અસ્વસ્થ બની જાઉં છું. આઉટડૉરમાં ઘણી વાર આવું બને છે. તમે સંવાદો બોલતા હો અને પાછળથી કોઈનું હાસ્ય સંભળાય ત્યારે ચીડાઈ જ જવાય. અલબત્ત અમને સાર્વજનિક સ્થળોએ અલિપ્ત વર્તણૂંક કરવાનું શીખવવામાં આવે છે. ભીડ વચ્ચે જાતમાં જ સમાઈ રહેવાનું. પરંતુ જ્યારે થાક્યા હોઈએ ત્યારે ચીડ ચડે જ.

* પિતા અને પતિ તરીકે કેવા છો?

– એ જાણવા તો તમારે મારા પરિવાર સાથે વાતો કરવી પડે. એ લોકોની ટકોર જ વ્યાજબી ગણાય. આશા છે કે એમને મારા વિષે કઠોર ટીકા કરવી નહીં ગમે. (હસે છે.)

* તમે જે ભૂમિકાઓ ભજવો છો તેથી તમારા બાળકોને વિમાસણ થાય છે?

– હોય કાંઈ. સદ્ભાગ્યે બન્ને મોટા છે. મને એક પુત્ર અને એક પુત્રી છે. બન્ને પરણીને સુખી છે. હવે તો જોવાનું એ રહે છે કે એમના સંતાનો મને કઈ રીતે જુએ છે. એટલે કે ત્યાં સુધી હું અભિનય કરતો હોઈશ તો!

* શું તમને ક્યારે ય સારા માણસનો રોલ કરવાની ઝંખના થતી નથી. ક્યાં સુધી અનિષ્ટને જ પ્રતિક માનશો?

– જ્યાં સુધી ટિકિટબારીની માંગ હશે ત્યાં સુધી સારો માણસ. ઘરડો કે અપંગ જે જાતનો રોલ હોય હું ભજવી શકું છું. સારી ભૂમિકાઓ ભજવવા ઝંખું છું. પરંતુ અત્યારે ફાસ્ટફ્રૂડની ફેશન ચાલે છે. ક્યારેક જ મોગામ્બો જેવું પાત્ર ભજવવાનો મોકો મળે. ઝડપનો યુગ છે. પાત્રાલેખન માટે સમય જ કોને છે. પરંતુ સારા માણસનો રોલ કરવા હું મરણિયો નથી બન્યો કારણ કે હું છું જ સારો માણસ.

– ભાવના સોમૈયા

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]