અભિનેતા, ગાયક, દિગ્દર્શક અને નિર્માતા મેહમૂદ બોલીવૂડના સૌથી વધુ લોકપ્રિય કોમેડિયન હતા. એમનો જન્મ 1932ની 29 સપ્ટેંબરે મુંબઈમાં થયો હતો અને દેહાંત 2004ની 23 જુલાઈએ અમેરિકાના ડનમોરમાં થયો હતો. ત્યારે 72 વર્ષના હતા. એ મહાન અદાકાર મેહમૂદની આજે 18મી પુણ્યતિથિ છે. એમના સ્મરણ રૂપે ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 1-15 ઓગસ્ટ, 2004ના અંકમાં પ્રકાશિત લેખ અહીં ફરી પ્રસ્તુત કરીએ છીએ.
મેહમૂદઃ દિલદાર ઈન્સાન, દમદાર કલાકાર
જેની હાજરીમાં હીરો પણ લઘુતા અનુભવે એટલી બધી લોકપ્રિયતા મેળવનાર કૉમેડિયન હિંદી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં અત્યાર સુધીમાં એક જ જોવા મળ્યો, જેનું નામ છે મેહમૂદ…
હિંદી ફિલ્મજગતનો નં. ૧ કૉમેડિયન કોણ?
આ સવાલના જવાબમાં દસમાંથી કમસે કમ સાત જણ જેમનું નામ લે એ મેહમૂદ હવે મરહૂમ થઈ ગયા. ૨૩ જુલાઈની સાંજે સાડા પાંચ વાગ્યે અમેરિકાના પેન્સિલ્વાનિયાની હૉસ્પિટલમાં એમના યાદગાર જીવનનો અંત આવ્યો.
પ્રચૂર માત્રામાં ઈમોશન, ટ્રેજેડી, કૉમેડી અને ડ્રામાથી ભરપૂર એવા એમના જીવનનો આરંભ થયો ૧૯૩૨માં. પિતા મુમતાઝ અલી ફિલ્મોમાં નર્તક તરીકે ઠીક ઠીક જાણીતા. પણ એમની શરાબની લતને કારણે પરિવારને નાણાંભીડ કનડ્યા કરે. પરિણામે નવ-દસ વર્ષની ઉંમરથી જે ટ્રેનમાં નાની-મોટી વસ્તુઓ વેચવાનું કામ મેહમૂદે કરવું પડેલું.
હાસ્યઅભિનેતા બનવાના લક્ષણો એમનામાં પહેલેથી જ હતા. એક વાર પિતા સામે વાંધો પડી જતાં રિસાઈ ગયેલો બાળમેહમૂદ ગૃહત્યાગ કરીને પહોંચી ગયો રેલવે સ્ટેશન. પાછળ દોડી આવેલી માતાએ દીકરાને સમજાવ્યો કે પિતા સામે આવો રોષ સારો નહીં. દીકરો માન્યો નહીં ત્યારે માતાએ જરા કડક સ્વરમાં કહ્યું: ‘તારા શરીર પર આ જે કપડાં છે એ પણ તારા અબ્બાના જ છે.’ આ સાંભળતાં જ બાળમેહમૂદે સ્ટેશન પર સરેઆમ વસ્ત્રો ત્યાગવાની કોશિશો કરેલી એવી એક વાયકા છે, જે સાચી હોવાની શક્યતા પૂરેપૂરી છે. કેમ કે મેહમૂદ લાગણીના આવેગમાં તણાઈ જનારા માણસ હતા. એ સંવેદનશીલ એટલા બધા કે નાનપણમાં પિતા શરાબ પીને માતાને મારતા એ દ્રશ્યોની કોમળ હૃદય પર પડેલી અત્યંત તીવ્ર અસરને કારણે એમણે જીવનભર શરાબને હાથ ન લગાડ્યો. બાકી ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં માણસ શરાબ પીતો જ ન હોય એવું ભાગ્યે જ બને.
પિતા ફિલ્મોમાં હોવાને કારણે ફિલ્મી દુનિયા સાથે સંપર્ક પહેલેથી જ હતો. પિતા જે ફિલ્મ કંપનીમાં કામ કરતા એ બૉમ્બે ટૉકિઝની સુપરહિટ ફિલ્મ ‘કિસ્મત’માં એમણે અશોક કુમારના બાળપણની ભૂમિકા ભજવેલી.
થોડા મોટા થયા બાદ અભિનેતા બનવાની તીવ્ર તાલાવેલી જાગી, પણ ક્યાંય મેળ ન પડ્યો. કમાલ અમરોહીએ સલાહ આપી: ફિલ્મના ચક્કર છોડ, ડ્રાઈવર બની જા. મેહમૂદે એ સલાહ માનીને ડ્રાઈવિંગ શીખી લીધું. આમ પણ, ગાડીનો એમને ગાંડો શોખ હતો (આગળ જતાં ભારે સફળતા મેળવ્યા બાદ એમણે અઠવાડિયાના સાત દિવસ માટે સાત અલગ અલગ રંગની ગાડી વસાવેલી અને ગાડીને મેચ થાય એવા કપડાં પહેરીને એ બહાર નીકળતા).
ડ્રાઈવિંગ શીખ્યા બાદ એ રાજકુમાર સંતોષીના પિતા પ્યારેલાલ સંતોષીને ત્યાં ડ્રાઈવર તરીકે નોકરીએ લાગી ગયા. ધીમે ધીમે પ્યારેલાલના ડ્રાઈવર-કમ-આસિસ્ટન્ટ-કમ અકાઉન્ટન્ટ તરીકે એ સારી રીતે ગોઠવાઈ ગયેલા ત્યારે પ્યારેલાલની પ્રિય એવી અભિનેત્રી રેહાના સાથે મેહમૂદ નિકટતા કેળવવા મથી રહ્યો છે એવું લાગતાં પ્યારેલાલજીએ મેહમૂદને નોકરીમાંથી કાઢી મૂક્યા.
ફરી ફિલ્મોમાં નાની-મોટી ભૂમિકા મેળવવાના પ્રયાસો શરૂ થયા. આ દરમિયાન મીના કુમારી અને એમની બહેન મધુને બેડમિંટન (અમુક લોકોનું કહેવું છે કે ટેબલ ટેનિસ) શીખવવાની કામગીરી કરતાં કરતાં એ મધુના પ્રેમમાં પડ્યા, બન્ને પરણી ગયાં. બીજી તરફ, અભિનેતા બનવાની અથાગ કોશિશોને કારણે ‘દો બીઘા જમીન’, ‘સીઆઈડી’ અને ‘પ્યાસા’માં ભૂમિકાઓ મળી પણ ખરી, પરંતુ એ એટલી ટચૂકડી હતી કે કોઈનું એમના તરફ ધ્યાન ન ખેંચાયું.
છેવટે નસીબે યારી આપી ૧૯૫૮ની ફિલ્મ ‘પરવરિશ’થી, જેમાં રાજ કપૂરના ભાઈના પાત્રમાં એમની ભૂમિકા ખાસ્સી મોટી હતી. અલબત્ત, એ કૉમિક નહીં, ઈમોશનલ ભૂમિકા હતી.
ત્યાર બાદ ચિત્રા, નાઝ અને અમીતા જેવી અભિનેત્રીઓના હીરો તરીકે પણ એમણે કેટલીક ફિલ્મો કરી. પણ એનાથી ખાસ ફાયદો થયો નહીં. ૧૯૬૧માં મેહમૂદે પોતાની પહેલી ફિલ્મ બનાવી: ‘છોટે નવાબ’. એમાં હીરોઈન હતી અમીતા. આર.ડી. બર્મનની એ સ્વતંત્ર સંગીતકાર તરીકેની પહેલી ફિલ્મ હતી.
હીરો તરીકે મેહમૂદનો ગજ નહોતો વાગી રહ્યો ત્યારે બીજી તરફ, સાઉથના નિર્માતાઓની ફિલ્મોમાં કૉમેડિયન તરીકે એમની નામના દિન-પ્રતિદિન વધી રહી હતી. સાઉથની ફિલ્મોનો આ દોર શરૂ થયો ‘છોટી બહન’ (૧૯૫૯)થી ત્યાર પછી આવી ‘સસુરાલ’, ‘હમરાહી’ અને ‘ઝિંદગી’. ‘સસુરાલ’ દર્શકોને રડાવવા માટે ફિલ્મ હોવા છતાં એમાં મેહમૂદની કૉમિક ભૂમિકાએ જોરદાર જમાવટ કરી. આ ફિલ્મથી શુભા ખોટે સાથે મેહમૂદ જોડી રચાઈ. પછી તો સાઈઠના દાયકામાં આ જોડીએ ‘ગૃહસ્થી’, ‘ભરોસા’, ‘ઝિદ્દી’ અને ‘લવ ઈન ટોકિયો’ જેવી અનેક ફિલ્મોમાં દર્શકોને ખૂબ હસાવ્યા.
ધીમે ધીમે મેહમૂદનું વજન એટલું બધું પડવા લાગ્યું કે વિતરકો ફિલ્મમાં મેહમૂદને લેવાનો અને ખાસ તો એમના પર એક ગીત ફિલ્માવવાનો આગ્રહ રાખવા લાગ્યા. જેમ રાજ કપૂરના ગીતો મુકેશ જ ગાય એવી રીતે મેહમૂદના ગીતો મન્ના ડે જ ગાય એવું પણ એક સમીકરણ રચાયું (જો કે ‘ગુમનામ’નું ગીત ‘હમ કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ’ મન્ના ડેએ નહીં, મોહમ્મદ રફીએ ગાયેલું એ અપવાદ નોંધપાત્ર છે).
મહેમૂદની વાત કરીએ ત્યારે ૧૯૬૬માં બનેલી ‘પ્યાર કિયે જા’ અને ૧૯૬૮ની ‘પડોસન’ આ બે ફિલ્મોનો ખાસ ઉલ્લેખ કરવો પડે. ‘પ્યાર કિયે જા’માં એમણે નિર્દેશક બનવા મથી રહેલા દીકરાની ભૂમિકા કરેલી, જે ફિલ્મ માટે પિતા (ઓમ પ્રકાશ) પાસેથી પૈસા મેળવવાના પ્રયાસો કરે છે. એક ભૂતકથા પરથી માતબર ફિલ્મ બનાવવાનો આઈડિયા પિતા સમક્ષ રજૂ કરતી વખતે મેહમૂદ કૂડૂડૂ… કચ… કચ… વેઆઓ… જેવા શબ્દો બોલીને હૉરરની જે અસર ઊભી કરે છે એ એક વાર જોયા બાદ ક્યારેય ભૂલી શકાય એવી નથી. એ જ રીતે ‘પડોસન’માં ચોટીધારી, દક્ષિણ ભારતીય સંગીતગુરુની ભૂમિકામાં પણ એમણે અવિસ્મરણીય અભિનય આપ્યો. ‘એક ચતુર નાર કર કે સિંગાર’ ગીતમાં મેહમૂદ અને કિશોર કુમારની કૉમિક જુગલબંદી હિંદી ફિલ્મ જગતના ઈતિહાસમાં બેજોડ ગણી શકાય.
આ બે ઉપરાંત, ‘ગુમનામ’, ‘પત્થર કે સનમ’, ‘દો કલિયાં’, ‘નીલકમલ’, ‘આંખે’, ‘ઔલાદ’ વગેરે જેવી અનેક ફિલ્મો એક પછી એક રિલીઝ થતી રહી તેમ તેમ મેહમૂદ લોકપ્રિયતાની વધુ ને વધુ ઊંચાઈઓ સર કરતા ગયા. એમનો ભાવ પણ છેવટે એટલો ઊંચો થઈ ગયો કે ક્યારેક ક્યારેક તો ફિલ્મના હીરો કરતાં પણ કૉમેડિયન મેહમૂદને વધુ પૈસા નિર્માતાએ ચૂકવવા પડ્યા એવી વાતો ઉડવા લાગી.
પૈસાની રેલમછેલને જોરે મેહમૂદે અંધેરી (વેસ્ટ)માં એક મસમોટું મકાન લીધું, જેમાં નિકટના અને દૂરનાં મળીને ડઝનબંધ સગા-સંબંધીઓ મેહમૂદ સાથે રહેવા લાગ્યા. એ ઘર જાણે ધર્મશાળા હોય એવી રીતે દુખિયારાઓને આશરો પણ બની રહેવા લાગ્યું. કમાલ અમરોહીથી હારેલી મીનાકુમારીએ પણ આ ઘરમાં થોડા સમય માટે આશ્રય લીધેલો.
સુપરસ્ટાર અમિતાભ બચ્ચને પણ મેહમૂદની વિદાય બાદ ઈન્ડિયન ઍક્સપ્રેસમાં પોતાના નામ સાથે લખેલા લેખમાં સ્વીકાર્યું છે કે ‘હું જ્યારે નવોસવો હતો અને મુંબઈમાં સંઘર્ષ કરી રહ્યો હતો ત્યારે મેહમૂદસાહેબે મને એમના ઘરમાં રહેવા માટે એક કમરો આપેલો. ૧૯૭૦-૭૨ દરમિયાન દોઢ વર્ષ હું ત્યાં રહેલો.’
આ બધા દરમિયાન, લોનાવાલામાં એમની ફિલ્મનું શૂટિંગ જોવા આવેલી ટ્રેસી નામની યુવતીના પ્રેમમાં પડ્યા બાદ મેહમૂદે એને મધુ ઉપરાંત બીજી પત્ની બનાવી.
અંગત જીવનમાં મધુ ઉપરાંત ટ્રેસી સાથે જોડી રચનાર મેહમૂદે પડદા પર શુભા ખોટે બાદ અરુણા ઈરાની સાથે જોડી જમાવી. એ બન્નેની ‘ઔલાદ’, ‘ગરમ મસાલા’ અને ‘નયા ઝમાના’ જેવી ફિલ્મો ઠીક ઠીક ચાલી. પોતે બનાવેલી ફિલ્મ ‘બૉમ્બે ટુ ગોવા’માં મેહમૂદે અરુણા ઈરાનીને અમિતાભની હીરોઈન તરીકે ચમકાવી.
પણ પછી કોઈ કારણસર, આ જોડી તૂટી. એક થિયરી એવી છે કે પોતાને કારણે મેહમૂદના પારિવારિક જીવનમાં ઝંઝાવાત ન સર્જાય એ માટે અરુણા ઈરાની એમના જીવનમાંથી ખસી ગઈ. અલબત્ત, મેહમૂદના નિધન બાદ અરુણાજીએ કૉમેડીસમ્રાટ સાથેના પોતાના સંબંધ વિશે કહ્યું: ‘એ મારા ગુરુ હતા. એમની પાસેથી હું અભિનયના પાઠ શીખી હતી.’
અરુણા ઈરાની, અમિતાભ બચ્ચન, આર.ડી. બર્મન જેવા અનેક નવોદિતોને આગળ લાવનાર મેહમૂદે સંગીતકાર રાજેશ રોશનને પણ પહેલો બ્રૅક આપેલો. કૉમેડી કિંગ છેવટે કિંગમૅકર (વ્યક્તિને પારખીને એને ટોચે પહોંચાડનાર) પણ બન્યા, પરંતુ ખુદ મેહમૂદ માટે ટોચ પર પહોંચ્યા બાદ ત્યાં ટકી રહેવાનું ધીમે ધીમે કઠિન બનવા લાગ્યું. એનું મુખ્ય કારણ એ હતું કે એમની હાજરીમાત્રથી નવા-સવા હીરોને અસુરક્ષાની લાગણી થતી. એમને ડર લાગતો કે ફિલ્મમાં મેહમૂદસા’બ હશે તો આપણો ગજ નહીં વાગે. બીજી તરફ, મેહમૂદ પોતાને હીરો તરીકે ચમકાવતી ફિલ્મોમાં વધુ રસ લેવા લાગ્યા હતા. અરુણા સાથે એમની જોડી તૂટી ચૂકી હતી. એમનો અભિનય વધુ ને વધુ લાઉડ બની રહ્યો હતો. પોતાના પોલિયોગ્રસ્ત દીકરા પકી (મસૂદ)ને લઈને બનાવેલી સફળ ફિલ્મ ‘કુંવારા બાપ’ બાદ ફરી પોતાના જ સંતાનોને લઈને બનાવેલી ફિલ્મ ‘જીની ઔર જૉની’ ખાસ ન ચાલી. નવી ઑફર્સ મળવાનું પ્રમાણ ખાસ્સું ઘટી ચૂક્યું હતું. આ સંજોગોમાં હવે નિવૃત્તિ સિવાય કોઈ આરો નહોતો. અલબત્ત, ૮૦ના દાયકામાં લગભગ રિટાયર થઈ ચૂકેલા મેહમૂદે અમિતાભની ફિલ્મ ‘ખુદ્દાર’માં પોતાનો ચમકારો દેખાડ્યો. પણ એ બૂઝતા સિતારાનો છેલ્લો ઝબકારો હતો.
ત્યાર પછી ટીવી સિરિયલની કેટલીક ભૂમિકાઓ બાદ કરતાં લગભગ પૂર્ણપણે નિવૃત્ત થઈ ચૂકેલા મેહમૂદ પોતાનો મોટા ભાગનો સમય બૅંગ્લોર ખાતેના પોતાના ફાર્મહાઉસ પર વિતાવતા હતા. છેવટની માંદગી વખતે અમેરિકામાં પત્ની ટ્રેસી અને પુત્ર માસૂમ તેમની પડખે હતા.
મહેમૂદને પોતાના સાત સંતાનો હતા. અને એમણે દત્તક લીધા હોય તથા જેના ઉછેરની જવાબદારી સ્વીકારી હોય એવા બીજાં છ બાળકો પણ ખરાં. એમ કુલ ગણીએ તો ૧૩ સંતાન થયાં. એમાં મેહમૂદના પોતાના પાંચ દીકરા. પાંચેયના નામ પિતાની માફક ‘મ’થી શરૂ થાય છે: મક્સૂદ (ગાયક લકી અલી), મસૂદ (પકી અલી, જે કુંવારા બાપમાં પોલિયોગ્રસ્ત પુત્ર બનેલો), મકદૂમ, માસૂમ તથા મંઝૂર.
પોતાની પાછળ એક વિશાળ પરિવાર અને અતિ વિશાળ ચાહકવર્ગ છોડી ગયેલા આ હાસ્યસમ્રાટને ‘જી’ની હાર્દિક સલામ!