હોટ પ્રપોઝલ નહીં સ્વીકારું: મનીષા

મનીષા કોઈરાલા આજે પોતાનો 48મો જન્મદિવસ ઉજવી રહી છે. 1970ની 16 ઓગસ્ટે નેપાળના કાઠમંડુમાં રાજવી પરિવારમાં જન્મેલી મનીષા ‘ઈલૂ ઈલૂ’ કરતી ફિલ્મોમાં બોલીવૂડમાં આવી અને સુભાષ ગઈની મલ્ટીસ્ટારર ‘સૌદાગર’ ફિલ્મમાં દર્શકોએ પણ એને પસંદ કરી. ધીમે ધીમે બોલીવૂડના સમુદ્રમાં પોતાનું આગવું સ્થાન જમાવવામાં એ સફળ થઈ. એની ‘1942 અ લવ સ્ટોરી’ ફિલ્મને કોઈ ભૂલી શકે એમ નથી અને મણિ રત્નમની ‘બોમ્બે’ ફિલ્મે તો ઈતિહાસ સર્જી દીધો હતો. અનિલ કપૂર (1942 અ લવ સ્ટોરી), આમિર ખાન (અકેલે હમ અકેલે તુમ), સલમાન ખાન (ખામોશી – ધ મ્યુઝિકલ), શાહરૂખ ખાન (દિલ સે…).

મનીષા મૂળ ડોક્ટર બનવા માગતી હતી, પણ મોડેલિંગની દુનિયામાં પ્રવેશ કર્યા બાદ એને એક્ટિંગ સાથે પ્રેમ થઈ ગયો હતો. મનીષાની જિંદગીમાં અનેક ઉતાર-ચઢાવ આવ્યાં. જેમ કે, બે વર્ષમાં લગ્નજીવન વિચ્છેદ થવું, કેન્સરનો ભોગ અને એની સામે જંગ, એ જંગમાં સફળતા વગેરે.

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ને આપેલી એક મુલાકાતમાં મનીષાએ અનેક વાતો કહી. વાંચો 1-15 ફેબ્રુઆરી – 1995ના અંકના લેખના અંશ).

સ્મિતા પાટીલ અને આશીર્વાદ પુરસ્કાર પ્રાપ્ત કરનારી ‘ઈલૂ’ ગર્લ મનીષા કોઈરાલાએ પોતાની બધી જ ફિલ્મોમાં અદાકારીનો સિક્કો જમાવ્યો. ભલે એ ફિલ્મો ચાલી નહીં, પરંતુ મનીષાની પ્રતિભાની વિવેચકોએ પ્રશંસા જરૂર કરી. એટલી હદ સુધી કે કેટલીયે મશહૂર સંસ્થાઓએ 1994ની શ્રેષ્ઠ અભિનેત્રી તરીકે મનીષાનું નામ ઘોષિત કર્યું. મણિ રત્નમ જેવા પ્રતિભાશાળી સર્જકે તામિલ ફિલ્મ ‘બોમ્બે’ (હિન્દીમાં પણ ‘બોમ્બે’) માટે મનીષાને પસંદ કરી હોય તો નિશ્ચિત એનામાં કાંઈક જુદું તરી આવતું હશે.

‘મઝધાર’ની મનીષા

‘બોમ્બે’માં તમારું પાત્ર શું છે?

‘બોમ્બે’ના ભાવનાત્મક દ્રશ્યમાં અરવિંદ સ્વામી સાથે

ખૂબ જ સારું પાત્ર છે. એનું વર્ણન કરવું મુશ્કેલ છે. હું એ ફિલ્મથી ભારે ખુશ છું. અત્યાર સુધીની બધી જ ફિલ્મોમાં આ જ મારી સૌથી ફેવરિટ ફિલ્મ છે. મારું પાત્ર એક ભલી ભોળી માસૂમ છોકરીનું છે. જે મુસ્લિમ છે અને હિંદુ છોકરાને ચાહે છે. મુંબઈના રમખાણોના વાતાવરણ વચ્ચે પાંગરતી આ પ્રણયકથાને ખૂબસૂરતથી બહેલાવી છે.

મણિ રત્નમે કેવી રીતે તમારી પસંદગી કરી?

વાસ્તવમાં એમને માસૂમ ભલી ભોળી સૂરતવાળી છોકરીની જરૂર હતી. કદાચ હું એમને ઠીક લાગી હોઈશ.

તમારો સ્ક્રીન ટેસ્ટ લેવામાં આવેલો?

‘અનમોલ પ્રેમપંથ’માં રિશી કપૂર સાથે

હરગિજ નહીં. મને તો આ પાત્ર ભજવવાનું છે એટલું જ કહેવામાં આવેલું. આવો સોનેરી અવસર કોણ એળે જવા દે.

મણિ રત્નમ સાથે કામ કરવાનો અનુભવ કેવો રહ્યો?

ખૂબ જ સારો. વેરી ગૂડ. તેઓ ખૂબ સારા નિર્દેશક છે. મહેનતુ છે. એમની સફળતાનું રહસ્ય અથાક પરિશ્રમ છે. જ્યાં સુધી સંતોષ નહીં થાય ત્યાં સુધી ફ્રેઈમ ઓકે કરતા નથી.

અંગત જીવનમાં મનીષા કેવી છોકરી છે?

ગુડ્ડુ શાહરૂખ સાથે (દિલ સે…)

ગંભીર, મસ્તીખોર – જેવું વાતાવરણ અને જેવો પ્રસંગ.

તમે નસીબમાં માનો છો?

‘અકેલે હમ અકેલે તુમ’માં આમિર ખાન સાથે

હું તો નથી માનતી પરંતુ સૌ લક ફેક્ટરનો ઉલ્લેખ કરે છે તો કદાચ એવું હશે.

તમારી દ્રષ્ટિએ સફળતાની વ્યાખ્યા કઈ?

મારો પોતાનો દ્રષ્ટિકોણ એ છે કે તમને જો સારા નિર્દેશકોની ઓફર મળે (જે મને મળે છે) એમને મારામાં વિશ્વાસ હોય કે મનીષા આ પાત્ર ભજવી શકશે. બીજું, મારા પ્રશંસકો મારા કામની પ્રશંસા કરે. હું એમને સંતોષી શકું. તમે જ જુઓને. મારી કેટલીક ફિલ્મો ભલે ચાલી નહીં, પરંતુ મારા કામની પ્રશંસા અવશ્ય થઈ છે એટલી હદ સુધી કે પુરસ્કાર માટે મારી પસંદગી થઈ. આનાથી વધારે હું શું માગું?

આ ઈન્ડસ્ટ્રીમાંથી તમે શું શીખ્યા?

રૂસ્તમ યાને કે શૂરવીરમાં સુનીલ શેટ્ટી સાથે

એ જ કે સફળતા મળે ત્યારે ફુલાઈ ન જવું અને નિષ્ફળતા મળે ત્યારે હતાશ ન થવું. હિંમત ન હારવી. બંને વખતે એક સારા ઈન્સાન બની રહેવું.

તમે કેવી ફિલ્મો જુઓ છો?

હિંદીથી વધુ અંગ્રેજી, જાપાની અને ઈટાલિયન ફિલ્મો જોઉં છું. હિંદીમાં ગુરુ દત્ત, મહેબૂબ ખાન અને રાજ કપૂરની ફિલ્મો ગમે છે. મારી પ્રિય ફિલ્મ છે ‘કાગઝ કે ફૂલ’.

કઈ અભિનેત્રીનું કામ સૌથી સારું લાગે છે?

શ્રીદેવીનું. હું માનું છું કે અમારી વચ્ચે આજે શ્રીદેવી જ સૌથી કાબેલ અને પ્રતિભાશાળી અભિનેત્રી છે.

સાથી કલાકારોમાં કોના કામથી પ્રભાવિત છો?

શરદ પવારના હસ્તે એવોર્ડ સ્વીકારતી મનીષા

કાજોલના. એ ખૂબ જ સ્પોન્ટેનિયસ, ખૂબ જ સારી કલાકાર છે.

કઈ ફિલ્મે તમને ખૂબ હસાવ્યા કે રડાવ્યા છે?

બંને ફિલ્મ અંગ્રેજી છે. ‘એ ફિશ કોલ્ડ વાન્ડા’ જોઈને હસવું રોકી નહોતી શકતી અને એઈડ્સ પર આધારિત ‘ફિલાડેલ્ફિયા’ જોઈને રડવું ખાળી નહોતી શકતી.

સૌંદર્યનું વર્ણન કેવી રીતે કરશો?

સુંદરતા તમારી આંખોમાં વસે છે અને આંખોનો સંબંધ સીધો આત્મા સાથે છે. આંખો દિલનું દર્પણ હોય છે. સાદાઈ, સારપ અને ઈમાનદારીને તમે સુંદરતા અવશ્ય કહી શકો છો.