‘હું મહત્વાકાંક્ષી છું, મારે મન ફિલ્મો એક વળગણ છે’: માધુરી દીક્ષિત

૯૦ના દાયકાની ‘ધક ધક ગર્લ’ માધુરી દીક્ષિત આજે પોતાનો ૫૧મો જન્મદિવસ ઉજવી રહી છે. 1984માં ‘અબોધ’ ફિલ્મથી બોલીવૂડમાં એન્ટ્રી કરનાર માધુરીએ ફિલ્મો સાથેનો નાતો આજે પણ તોડ્યો નથી. એ પહેલી જ વાર મરાઠી ફિલ્મમાં ચમકવાની છે – ‘બકેટ લિસ્ટ.’ જન્મદિવસ નિમિત્તે માધુરી પર ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાંથી અભિનંદન અને શુભેચ્છાનો વરસાદ વરસી રહ્યો છે.

માધુરીની નવી હિન્દી ફિલ્મ આવી રહી છે ‘ટોટલ ધમાલ’. એમાં તે અજય દેવગન, અનિલ કપૂર, અર્શદ વારસી, રીતેષ દેશમુખ સાથે સ્ક્રીન શેર કરવાની છે. તે ઉપરાંત ‘કલંક’ ફિલ્મમાં એ સંજય દત્ત, વરુણ ધવન, આલિયા ભટ્ટ, સોનાક્ષી સિન્હા અને આદિત્ય રોય કપૂર સાથે ચમકશે.

માધુરી દીક્ષિતના ૫૧મા જન્મદિન નિમિત્તે ‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં 16-31 જાન્યુઆરી, 1995ના અંકમાં પ્રકાશિત થયેલી માધુરીની વિશેષ મુલાકાતના અંશ અહીં પુનઃ પ્રગટ કરીએ છીએ. અનુરાધા ચૌધરીએ મુલાકાતના આરંભે માધુરીને ‘હમ આપકે હૈં કૌન’ની સફળતા માટે શાબાશી આપી હતી ત્યારે માધુરીએ કહ્યું હતું, ‘તમને ખબર છે, ‘હમ આપકે હૈં કૌન’ ‘જી’ મેગેઝિન જેવું સ્વીટ અને સુઘડ છે. સહ પરિવાર જોવાથી કોઈ જ વિમાસણ થતી નથી.’ વાંચો મુલાકાતના અંશ…

* તમે ધારેલું કે ‘હમ આપકે હૈં કૌન’ આવી હિટ નીવડશે?

માધુરીઃ અમને તો એટલી જ આશા હતી કે ફિલ્મ સારી ચાલશે. અમે બધાએ પુષ્કળ પરિશ્રમ કર્યો હતો અને આનંદપૂર્વક ફિલ્મ પૂરી કરી હતી. શૂટિંગ દરમિયાન એક વિશાળ પરિવારની ઉષ્મા અનુભવાતી હતી. પરંતુ સૂરજ બડજાત્યા સહિત કોઈને સ્વપ્નેય ખ્યાલ નહોતો કે ફિલ્મ સુપરહિટ થશે. ભીડ થિયેટરો છલકાવી દે છે એ આશ્ચર્યજનક છે.

* સફળતાની સીડીએ આ ફિલ્મ તમને ક્યાં પહોંચાડી ગઈ છે?

માધુરીઃ એનો કોઈ અર્થ નથી. નંબરનો ખેલ ભારે ખતરનાક છે. આજે અહીં તો કાલે ત્યાં. જે ક્ષણભંગુર છે એની પાછળ નિર્જીવ દોટ મૂકવાનો શું અર્થ? એનું મૂલ્ય કાંઈ જ નથી.

* શું સફળતા તમને મહત્વની નથી લાગતી?

માધુરીઃ હિટ ફિલ્મથી સારું લાગે એ વિષે બે મત નથી. પરંતુ બધા જ ટ્રેડ મેગેઝિનો લઈને ટિકિટબારીના આંકડાઓ તપાસતી હું ન જ બેસી શકું. સફળતા જેવી સફળ બીજી કોઈ ચીજ નથી એટલે મનેય સફળતા મહત્વની તો લાગે જ છે. પરંતુ કારકિર્દીની શરૂઆતમાં જ મેં નિષ્ફળતાનો સામનો કર્યો હોવાથી સફળતાનો કેફ મને ચડ્યો નથી. એને લીધે જ હું છકી નથી ગઈ. પડતીનો અર્થ હું બરાબર જાણું છું તેથી કોઈની સાથે ઉદ્ધતાઈભર્યું વર્તન કરતી નથી. ભૂતકાળમાં મારા પ્રત્યે ઉદ્ધતાઈ દાખવનાર પ્રત્યે પણ હું ઉદ્ધત થઈ શકતી નથી. હું ભૂલી શકતી નથી પરંતુ માફ જરૂર કરી દઉં છું.

* સફળતાએ તમારી જીવનપદ્ધતિ ફેરવી નાંખી છે? જીવન વધુ આસાન બન્યું છે?

માઘુરીઃ સફળતા તમને કમજોર બનાવી દે છે. જિંદગી ઓર આકરી બની જાય છે. દરેકની અપેક્ષાઓ વધી જાય. બીજું કારણ જેટલી વધુ સફળતા મળે એનાથી વધુ સફળતા મેળવવાની ઝંખના જાગે. એક વિષચક્ર જ તૈયાર થાય છે. વધુ પ્રાપ્ત કરવા અને પ્રાપ્ત કરેલું ટકાવી રાખવા બમણો પરિશ્રમ કરવો પડે. બધી જ બાજુએથી દબાણ વધતું જાય. આ બધાની અસર તો થાય જ ને. સફળતાના લાભ તો ખરાં જ. જીવનની બધી જ સુવિધાઓ – ઘર, કાર, ધન ઉપલબ્ધ થાય. હું મારા ડોક્ટરને ગમે ત્યારે ફોન કરી શકું અને તેઓ બધું કામ બાજુએ મૂકીને મારી સૂશ્રૂષા કરે. સફળતાના આ નજીવા લાભ હોય છે. જોકે લાભ કરતાં ગેરલાભ વધુ હોય છે. તમે જે ઘડીએ ઉપર ચડવાનું શરૂ કરો એટલે સેંકડો લોકો નીચે પાડવા માટે ઊભા જ હોય.

* સ્ટારપદ રોજિંદા વ્યવહારમાં આડખીલી બને છે?

માધુરીઃ ઘણી રીતે. એક તો સ્વતંત્રતા ખોઈ બેસો. બીજું ગમે તે વ્યક્તિ તમારા વિષે ગમે તે લખીને છટકી જઈ શકે. ત્રીજું સતત તમારા પર નજરો તોળાયેલી રહે. કામમાં ઓતપ્રોત રહો એટલે પારિવારિક જીવન અસ્તવ્યસ્ત થઈ જ જાય. સ્વજનો સાથેના સંપર્કો તૂટવા માંડે. ધીમે ધીમે તમારી આસપાસ અદ્રશ્ય ચક્ર તૈયાર થઈ જાય. વાસ્તવિક્તા અને લોકોનો સીધો સંપર્ક તૂટી જાય. ભ્રામક દુનિયામાં જીવવા માંડો. આ બધું પારખીને સમયસર મુક્ત થઈ જવું સારું. તમારા કાર્ય ઉપરાંત બીજી જિંદગી ધબકતી હોય છે. જો તમે ચોકસાઈ ન જાળવો તો એ છટકી જાય. મારા સદ્દભાગ્યે મારો પરિવાર મારી સફળતાથી અંજાઈ જતો નથી. તેઓ મને સ્ટાર ગણતા જ નથી. ડગલે ને પગલે આ ભયસ્થાનોથી વાકેફ રહું છું. મારા શિડ્યૂલ એવી રીતે ગોઠવું છું કે એક મહિનો રજા ગાળી શકું. નવા લોકોને મળું છું. તેથઈ અભિનેત્રી તરીકે મારો વિકાસ થઈ શકે.

* જો સફળતા સામાન્ય આનંદમાં વિક્ષેપરૂપ હોય તો શું તમે સ્ટારપદ જતું કરશો?

માધુરીઃ મેં એવું કદી કહ્યું નથી. મારે મન ફિલ્મો તો એક વળગણ છે. એટલે જતી કરવાનો પ્રશ્ન જ નથી. મારું કામ મને અતિ પ્રિય છે.

* શું આ તમારી મહત્વાકાંક્ષા બોલે છે?

માધુરીઃ હું મહત્વાકાંક્ષી છું જ. મારું શ્રેષ્ઠ તત્વ આગળ ધરું જ છું. ફિલ્મમાં સારું નૃત્ય હોય તો પૂરજોશમાં મંડી પળું છું. જો મુદ્રાઓ અઘરી હોય તો જ્યાં સુધી બરાબર ન આવડે ત્યાં સુધી અથાક પરિશ્રમ કરું છું. સોળમે વર્ષે ઈન્ડસ્ટ્રીમાં આવી ત્યારે નાની હતી. હિંદી ફિલ્મની હીરોઈનથી હું એકદમ જુદી જ હતી. ખૂબ જ પાતળી. લોકોને મારું લાંબું નાક અને દાંત નહોતા ગમતા. ‘અબોધ’ પછી મારો એકડો જ બાદ કરી નાખેલો. સાચું કહું તો હું અનેક મોરચે લડતી હતી. મારી ટીકાઓને મેં પડકાર ગણીને ઝીલી. મેં નક્કી કર્યું કે આ જ દાંત અને નાક સાથે હું સફળ થઈને જંપીશ. મારો સ્વભાવ જ એવો છે કે જો કોઈ મને ઉશ્કેરે તો પડકાર ઝીલી લઉં છું. જો કોઈ કહે તારામાં સેક્સ અપીલ નથી તો હું સ્મિત કરીને કહું છું-એમ છે? તો દેખાડી દઈશ. એટલે હું મહત્વાકાંક્ષી તો છું જ.

* નિષ્ફળતા તમને ડારે છે?

માધુરીઃ શું દરેકને ડારતી નથી? કોઈ પણ કાર્ય શ‚રૂ કરતી વખતે પાર પડશે કે નહીં એ દહેશત તો તોળાયેલી જ રહે છે. ફિલ્મોમાં ટિકિટબારીની નિષ્ફળતા બીવડાવતી જ હોય છે. પરંતુ એથી યે વધુ મને બીક એ હોય છે કે અભિનેત્રી તરીકે હું નિષ્ફળ ગઈ તો? ફિલ્મમાં હું મૂરખ સાબિત થઈ તો? કે સાચા હાવભાવ પ્રદર્શિત ન કરી દઉં તો, રોલ જામે નહીં તો? જ્યારે પણ નવી ફિલ્મ સ્વીકારું છું ત્યારે આ દહેશત ડારતી જ હોય છે. તેથી જ કોઈ ફિલ્મ લેતા પહેલા હું લાંબો વિચાર કરું છું.

* અભિનેત્રી હોવાનો લાભ અને ગેરલાભ?

માધુરીઃ જીવનમાં કેટલા બધા લોકોની મુલાકાત થાય. ‘હમ આપકે હૈ કૌન’નો રૉમાન્સ વાસ્તવિક જીવનમાં શક્ય જ નથી. માત્ર પડદા પર જ જોઈ શકો, તમારી અંદર એક પ્રક્રિયા ચાલુ જ હોય છે. અને દરેક પાત્ર અલગ ઢંગથી ભજવી શકો છો. ગેરલાભ એ છે કે આ વ્યવસાયમાં સમયનું ઠેકાણું જ હોતું નથી અને મેકઅપ ‚મો ખૂબજ ગંદા હોય છે. ભાવાર્થ એ છે કે સ્ટુડિયો અમારું બીજું ઘર જ હોય છે. એટલે ઓછામાં ઓછું ત્યાં સ્વચ્છતા અને સુઘડતા તો હોવી જ જોઈએ.

* અભિનય આસાનીથી કરી શકો છો કે દરેક રોલ માટે સંઘર્ષ કરવો પડે છે?

માધુરીઃ દરેક રોલ કાંઈક તો શીખવી જ જાય છે. પાત્રનું ઘડતર કેવી રીતે કરવું એ નિર્દેશક પર નિર્ભર હોય છે. એ કેવી રીતે તમને દોરે છે એ મહત્ત્વનું છે કારણ પાત્ર એના વિચાર મુજબ પડદા પર ભજવવાનું હોય છે. દરેક ડાયરેક્ટરની આગવી સ્ટાઈલ હોય છે. ‘હમ આપકે હૈ કૌન’ની છોકરી મૃદુભાષી છે. મધ્યમવર્ગીય પરિવારની અને નટખટ છે તેથી સૌની લાડકી છે. ‘તેઝાબ’ની નાયિકાએ પુષ્કળ યાતના વેઠી છે. સંજોગોએ જીવન પ્રત્યેનો દ્રષ્ટિકોણ ફેરવી નાંખ્યો છે. ઈંદુ (ઈન્દ્રકુમાર)ની ફિલ્મોમાં હીરોઈન જબરી હોય છે. ‘અંજામ’માં એને એટલી સતાવવામાં આવે છે કે વેર વાળતી વાઘણ બની જાય છે. આ બધા જ પાત્રોને ડાયરેક્ટરોએ જુદી જુદી રીતે સરસ રીતે પેશ કર્યા. બધું જ દિગ્દર્શક પર નિર્ભર રહે છે. જો દિગ્દર્શક કાબેલ હોય તો અભિનય અસાન બની જાય. નહીંતર…

* અભિનેત્રી તરીકેના તમારા વિકાસમાં કોનો પ્રભાવ વિશેષ છે?

માધુરીઃ જો તમે રોલ મૉડેલનો પ્રશ્ન પૂછતા હો તો કોઈ જ નથી. ઈન્ડસ્ટ્રીમાં આવ્યા પછી હું ફિલ્મો જોતી થઈ. પરંતુ મારા બધાં જ દિગ્દર્શકોએ મને પુષ્કળ સહાય કરી છે. નરગીસનો સ્વાભાવિક અભિનય અને સંવાદોની લઢણ મને ગમે છે. મધુબાલાની નઝાકત પસંદ છે. મીનાકુમારીનો વેદનાભર્યો સ્વર વિહવળ બનાવે છે. ફિલ્મોમાં કેટલાંક દ્રશ્યો અમિટ છાપ છોડી જાય છે. અભિનય કરતી વખતે એ કામ આવે છે. સભાનતાપૂર્વકની આ પ્રક્રિયા નથી. એ તો અર્ધચેતન સ્તરે કામ કરે છે.

* કેટલીવાર ક્રોધ કરો છો?

માધુરીઃ ક્રોધ કરતા ખૂબ વાર લાગે છે. ઝટ ગુસ્સે નથી થતી. જો કે ચીડાઈ ઝટ જાઉં છું. ધારો કે હું એકાગ્ર થતી હોઉં અને કોઈ ખલેલ પહોંચાડે તો હું ચીડાઈ જાઉં. એકી સાથે એક જ વાતનો વિચાર કરી શકું છું. બે ઘોડેસ્વારી કરી શકતી નથી. તેથી જ સેટ પર હું રોલ પર ધ્યાન કેન્દ્રિત કરતી હોઉં તો લોકો મને ખલેલ પહોંચાડે એ પસંદ નથી. ક્રોધ ચડે તો અંદર જ ઘરબી દઉં પરંતુ બોલવામાં સંતુલન જાળવી મૌન ધારણ કરી લઉં છું.

* ક્રોધ ક્યારે ચડે છે?

માધુરીઃ સરખી રીતે કાબેલિયતથી કામ ન થાય તો ગુસ્સો ચડે. ઈન્ડસ્ટ્રીની ‘ચલતા હૈ’ વૃત્તિ હરગિજ પસંદ નથી.

* મૈત્રી આસાનીથી બાંધી શકો છો?

માધુરીઃ સ્વભાવે અંતમુર્ખી છું તેથી આસાનીથી મૈત્રી બાંધી શકતી નથી. શાળાના કેટલાક ગાઢ મિત્રો છે. અમારી વચ્ચે એક નિયમ રાખ્યો છે. મારે એમને કોઈ જ ખુલાસા નહીં કરવાના. ઘરનું વાતાવરણ જ એવું મૈત્રીભર્યું છે કે મિત્રો બનાવવાની જ‚રૂર જ નથી વર્તાઈ. પરિવારમાં અમે એકમેકથી ખૂબ જ નિકટ છીએ. વાતાવરણ મૈત્રીભર્યું અને નિખાલસતાભર્યું. હવે તો આ વ્યવસાયમાં મૈત્રી માટે સમય જ નથી મળતો. બીજું જો સામે ચાલીને કોઈ મૈત્રી માટે હાથ લંબાવે તો શંકા જાગે છે. મારા સ્ટારપદના પ્રલોભનથી તો મૈત્રી નહીં બાંધતા હોય!

* તમારી કઈ વૃત્તિ ગમે છે અને કઈ વૃત્તિને ધિક્કારો છે?

માધુરીઃ (સ્મિત કરતા) હું તો વાસ્તવિકતાની હિમાયતી છું. મને મારી એ જ વૃત્તિ પ્રિય છે. કોઈ પ્રત્યે હું અવિવેકી નથી બની શકતી એ વૃત્તિને હું ધિક્કારું છું. કોઈ ગમે તેટલો કંટાળો આપે કે ઘરડા લોકો ભીખ માંગે એ સહન થતું નથી. એ લોકો કામ પણ ન કરી શકે અને હું એને રસ્તોય બતાવી ન શકું અને બધું સહન કરી લઉં છું. મને આ પસંદ નથી. બદલાવાની જરૂર છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]