ખુશ છો? ખુશ રહેવાના માપદંડ શું…

ત્યારના સમયમાં લોકોની ખુશીઓના માપદંડ શું? આ સવાલનો કોઇ ચોક્કસ જવાબ ન હોઇ શકે. કારણ કે તુંડે તુંડે મતિર્ભિન્નાની જેમ જ દરેક વ્યક્તિ સાથે તેની ખુશીઓની વ્યાખ્યા પણ બદલાય. એટલે જેનાથી એક વ્યક્તિ ખુશ રહી શકે એ જ વિષયવસ્તુ કદાચ બીજા માટે ખુશી ન પણ આપી શકે. પણ આખરે ખુશીનો માપદંડ શું હોઇ શકે એ સવાલ છે. ખુશ રહેવા માટે શું જોઇએ? ગાડી, બંગલો, સારો એવો નોકરીધંધો, નોકરચાકર? આ બધા ખુશીઓ માટેના માપદંડ બની ગયાં છે આજના સમયમાં. પણ શું ખરેખર આ જ છે ખુશ થવા માટેના માપદંડ..?ફિલસૂફીનું જેને જ્ઞાન હોય એ આ વિષયમાં તરત જ એ તર્ક મૂકે કે આ ખુશી નહીં સુખ છે… બિલકુલ સાચું.. કારણ કે ખુશી અને સુખ આ બંને અલગ વસ્તુ છે.. એક મનનો ભાવ છે, જ્યારે બીજામાં ભૌતિક અને આધુનિક સમાજ સાથેના લગાવનો આનંદ છે. જીવનમાં સુખસુવિધાઓથી સુખાકારી ભલે હોય પણ એ જરુરી નથી કે સુખાકારીથી મનનો એ ભાવ મળે જેમાં માણસ મુક્ત મને મલકાઇ શકે. મસ્ત મૌલાની જેમ ફરતો માણસ સુખસુવિધાથી વંચિત હોઇ શકે પણ એ ખુશ નથી એવું ન કહી શકાય.. કારણ કે ખુશી તો મનનો આનંદ છે.

હું ખુશ છું કે નથી, એ ભૌતિક વસ્તુઓ પર નિર્ભર વિષય નથી.. એ સ્વભાવનો વિષય છે. એ સ્વવૃત્તિનો એટલે કે પોતાના માનસિક વલણનો વિષય છે. રવીન્દ્રનાથ ટાગોરે કહ્યું છે કે it is very simple to be happy but it is very difficult to be simple. એટલે કે ખુશ થવું ખૂબ સરળ છે પણ સરળ રહેવું ખૂબ કઠિન છે. વાત જેટલી સરળ રીતે સમજાય છે એટલી જ અમલ કરવામાં કઠિન છે. કારણ કે સરળતા સહજતા આ બધું તો આજે માનવ સ્વભાવમાં શોધવાથી પણ જડતું નથી. એ સમયે રવીન્દ્રનાથ ટાગોરને આ જ્ઞાન હતું કે સરળ થશો તો ખુશ રહેશો. પણ સરળ રહેવું એટલું આસાન નથી. હા પણ જો સરળ રહેશો તો ખુશ રહેવાથી તમને કોઇ નહીં રોકી શકે. કારણ કે સરળ વ્યક્તિત્વના મનની સપાટી પણ એટલી  સહજ અને સરળ હોય છે.કોઇ પણ વિચાર-કુવિચારના ખૂણા વગરની કે કોઇ મલીનતા એ સપાટી પર ચોંટતી નથી. જો કે એવું સરળ સહજ નિર્મળ મન કોનું હોઇ શકે આજના સમયમાં. કારણ કે આજના સમયમાં તો માણસ પોતાની ખુશીઓની તમા કર્યા વિના બીજાના સુખની વધુ ઇર્ષ્યા કરે છે. અને મોટાભાગના દુઃખનુ કારણ પણ એ જ ઇર્ષ્યા છે.. કોઇ બીજાની પ્રગતિ જોઇને દુખી થવું એ માનવ સ્વભાવમાં હવે તો વણાઇ ગયુ છે. એની પાસે છે અને મારી પાસે નથી. આ જ વૃત્તિ માનવને દુઃખી બનાવે છે. જો આ ઇર્ષ્યા અદેખાઇ ન હોય તો અડધોઅડધ મનદુઃખ ઉભા જ ન થાય.

હવે રહ્યો સવાલ આપણી ખુશીનો..તો એ પણ ખૂબ સરળ જ છે. બસ આપણે સરળ રહેવાનું છે. ગાડી, બંગલા હોય ન હોય, જીવન તો છે ને. ન હોવાની ફરિયાદને બાજુ પર મૂકીને જે છે તેને જોઇશું તો એ સમજાશે કે ખુશ થવા માટે પણ ઘણુંબધું છે આસપાસમાં.. સમજવા કરતાં જીવવા પર ધ્યાન આપીએ એટલે જીવન ખુશખુશાલ… છેવટે સાર એટલો કે પોતાનાથી પર ખુશીઓનું બીજુંં કોઇ દ્વાર નથી. એટલે જ તો કહેવાય છે કે, happiness depends on ourselves.
ફરી એકવાર ગુરુવર ટાગોરનો સુવિચાર યાદ આવે છે.. Let your life lightly dance on the edges of Time like dew on the tip of a leaf.  જેમ ઝાકળનું ટીપું પાંદડા પર હળવેથી ડોલે છે.. એવી જ રીતે સમયની ધાર પર આ જીવનને પણ હળવેથી ઝૂમવા દો. આખો ખેલ દ્રષ્ટિકોણનો છે. દિલથી જીવતાં શીખી ગયાં તો ખુશીઓ તો આપોઆપ તમારા દિલના ધબકારા સાથે તાલ મિલાવશે.