એક જ સ્વરૂપ સાંભરે છેઃ શરારતી કિશોરદા

જ્યારે આશા ભોસલેએ કિશોરકુમારને યાદ કર્યાં… 

(‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’નાં  16-31ઓક્ટોબર-1994 અંકનો લેખ અહીં પુનઃ પ્રકાશિત)

કિશોરકુમારે બે પાર્શ્વગાયિકા બહેનો – લતા મંગેશકર અને આશા ભોસલે સાથે સૌથી વધુ દ્વન્દ્વ ગીતો ગાયા છે. લતા મંગેશકરે ગંભીર સુમધુર ગીતો ગાયા છે ત્યારે આશા ભોસલેએ છેડછાડ અને શરારતથી ભરપુર દિલકશ ગીતો ગાયાં છે. દા.ત. ‘હાલ કૈસા હૈ જનાબકા’ (ચલતી કા નામ ગાડી), ‘આંખો મેં ક્યા જી’ (નૌ દો ગ્યારહ), ‘જાને જાં ઢૂંઢતા ફિર રહા’ (જવાની દીવાની), ‘ખુલ્લં ખુલ્લા પ્યાર કરેંગે’ (ખેલ ખેલ મેં), ‘હવા કે સાથ સાથ’ (સીતા ઔર ગીતા), ‘છમ્મક છલ્લો’ (પ્યાસા સાવન) વગેરે.

 આશા ભોસલે આજે જ્યારે ભૂતકાળમાં ઝાંકે છે અને કિશોરકુમાર વિના ખ્યાલમાં ડૂબી જાય છે ત્યારે એમને કિશોરદાનું એક જ સ્વરૂપ સાંભરે છે – શરારતી કિશોર. અને જ્યારે શરારતી કિશોર યાદ આવે છે ત્યારે આશા ભોસલેને બે પ્રસંગો વાગોળવા ગમે છે જ્યારે કિશોરકુમારે શરારત કરેલી.

 એક માઈકથી કામ નહીં ચાલે

 ‘કિશોરકુમાર અને મેં લગભગ સાથે જ કેરિયર શરૂ કરેલી. તેથી જ અમે એકમેકને આદર પણ આપતા અને શરારત પણ કરતા. આમ તો હું એમને કિશોરદા કે દાદાનું જ સંબોધન કરતી.’

 ‘ત્યારેની અને આજની રેકૉર્ડિંગ પ્રોસેસમાં જમીન આસમાનનું અંતર છે. ત્યારે તો ફિલ્મનું રેકૉર્ડિંગ કર્યા પછી એચ.એમ.વી.ની રેકૉર્ડ તૈયાર કરવા અમારે બીજીવાર રેકૉર્ડિંગ કરવું પડતું. મને યાદ છે કે અમે લોકો કેટલાંયે ગીતો રેકૉર્ડ કરવાં સાથે જ મલાડ જતા જ્યાં બૉમ્બે ટૉકિઝનો સ્ટુડિયો હતો. એકવાર બૉમ્બે ટૉકિઝમાં રેકૉર્ડિંગ પતાવીને અમે એચ.એમ.વી. માટે ગીતનું બીજીવાર રેકૉર્ડિંગ કરતા હતા. એ જમાનામાં ડ્યુએટ માટે પણ એક જ માઈક રહેતું. કિશોરદા ઊંચા હતા અને હું થોડીક નીચી તેથી મને એક સ્ટૂલ પર ઊભી રાખેલી જેથી અમે બન્ને માઈક સામે સરખી રીતે ઊભા રહી શકીએ.

 ‘સૌ જાણે છે કે તેઓ કેવા અનોખા ગાયક હતા. દરેક ગીત તેઓ છેડછાડ અને ઉછળી ઉછળીને ગાતા. એમાંયે જો ગીત સાચે જ છેડછાડભર્યું રહેતું તો વાત જ ન પૂછો. સંજોગવશાત્ એ દિવસનું ગીત છેડછાડવાળું જ રેકૉર્ડ થઈ રહ્યું હતું. સંગીતકાર અને ફિલ્મનું નામ તો મને આજે યાદ નથી. બસ એટલું જ યાદ છે કે મુખ્ય સહાયક મ્યુઝિક અરેન્જર હતા ભોલા શ્રેષ્ઠાજી. ફાયનલ ટેકિંગ વખતે તેઓ પોતાના ઢંગથી આંખ મીંચીને છલાંગ મારતા ઉછળી ઉછળીને ગીત ગાઈ રહ્યા હતા. બન્યું એવું કે ઉછળ્યા પછી તેઓ જમીન પર પડવાને બદલે સીધા મારા પર પડ્યા અને હું ગબડી પડી તબલા પર તબલાવાળો કોઈ બીજા વાદક પર પડ્યો અને પછી તો આખું ઓર્કેસ્ટ્રા જ અસ્તવ્યસ્ત થઈ ગયું. જો કે તેઓ વારંવાર સૌને સૉરી કહી રહ્યા હતા પરંતુ સાથોસાથ ટકોર પણ કરતા હતા. ‘માઈક જ્યાદા લગાની ચાહિયે, માઈક જ્યાદા લગાની ચાહિયે.’

 ‘મારું નાક ઘવાયું અને તબલું તૂટી જવાથી તબલાવાળો પણ થોડો ઘાયલ થઈ ગયેલો. છતાં અમે બધાં જ એમની આ હરકતો જોઈને પેટ પકડીને એવી રીતે હસી પડ્યા જાણે કોઈને કાંઈ લાગ્યું જ નથી.’

 મૈં સબ સંભાલ લૂંગા

 ‘એકવાર ‘બાપ રે બાપ માટે મસ્તીભર્યું ગીત હું કિશોરકુમાર સાથે રેકૉર્ડ કરી રહી હતી. ‘પિયા પિયા મેરા જીયા પુકારે, હમ ભી ચલેંગે સૈંયા સંગ તુમ્હારે.’ ફિલ્મ કારદાર પ્રોડક્શનની હતી અને આ ગીત લખેલું જાં નિસાર અખ્તર સાહેબે. સંગીતકાર ઓ. પી. નય્યરે અમારું રિહર્સલ પૂરું કરાવ્યું ત્યારે અમે બન્ને ફાઈનલ ટેકિંગ માટે તૈયાર થઈ ગયા. ખૂબ જ ધ્યાનપૂર્વક ગાયા પછી પણ બન્યું એવું કે હું એક જગ્યાએ હોઓએ રાગ આલાપવા લાગી. હકીકતમાં મારે ચૂપ રહેવાનું હતું. ગીતના અંતરમાં જ્યારે કિશોરકુમાર ગાય છે-

 યે રૂત મન ભાતી

 યે દિન મદમાતે

 વો દેખો ગોરી હમ તુમ

 ચલે હૈ હંસતે ગાતે’

 (અહીં આશા ભોસલે એક રાગ ગાય છે. પરંતુ વાસ્તવમાં એમણે કિશોરકુમાર આ પંક્તિઓ ફરી દોહરાવે પછી જ આલાપવાનો હતો) ‘હું તરત જ અપરાધી ભાવે નૈયર સાહેબને કહેવા જતી હતી કે ફરી શરૂ કરો ત્યારે તરત જ કિશોરદાએ મારા મોંઢા પર હાથ રાખીને ઈશારો કર્યો કે આને ‘આમ જ છોડીને આગળ વધો.’ મેં એવું જ કર્યું અને થોડી જ વારમાં ગીત રેકૉર્ડ થઈ ગયું. મેં એમને કહ્યું: ‘દાદા જોયું મેં કેવી મોટી ભૂલ કરી. ફરી રેકૉર્ડિંગ કરી નાંખીએ.’ પરંતુ એમણે મને અને નૈયર સાહેબ બન્નેને સમજાવ્યું કે અમારે હેરાન ન થવું.

 પછી બોલ્યા: ‘જુઓ ફિલ્મનો હીરો તો હું જ છું ને. મારા ગાયા પછી હીરોઈન જ્યારે ખોટી જગ્યાએ રાગ આલાપશે ત્યારે હું એના મોઢાં પર મારો હાથ મૂકીશ જેથી એવું આગશે કે રેકૉર્ડિંગમાં આટલી ઝીણવટનો પણ ખ્યાલ રાખવામાં આવ્યો છે.’

 ‘અમે ચૂપ થઈ ગયા. કિશોરદાએ સાચે જ એ વાત કરી દેખાડી પડદા પર સાચે જ હીરો કિશોરકુમાર હીરોઈન ચાંદ ઉસ્માનીના મોંઢા પર હાથ મૂકી દે છે.’

 ‘આજે એમની પુષ્કળ યાદ આવે છે. પરંતુ કિશોરના ગંભીર રૂપની નહીં, ચંચળ કિશોરની, જેઓ હંમેશ પોતાની વિચિત્ર હરકતો દ્વારા સૌને ખડખડાટ હસાવતા.’

httpss://youtu.be/2MlkCGOcyhI

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]