‘જૂડવા 2’ની ધરખમ કમાણીઃ વરુણે શાહરૂખ, અક્ષયને પાછળ પાડ્યા

આજે બોલીવૂડ બોક્સ ઓફિસ પર સ્થિતિ એવી છે કે મોટા-મોટા બજેટવાળી, કમર્શિયલ ફિલ્મો પીટાઈ રહી છે ત્યારે વરુણ ધવન, તાપસી પન્નુ અને જેક્લીન ફર્નાન્ડિસ અભિનીત ‘જૂડવા 2’ ફિલ્મ વિક્રમો સર્જિ રહી છે.

રિલીઝ થયાને હજી માત્ર ચાર જ અઠવાડિયા થયા છે અને ‘જૂડવા 2’ દેશ તેમજ વિદેશમાં જબ્બર કમાણી કરી રહી છે.

૨૦૧૭નું વર્ષ અંત ભણી જઈ રહ્યું છે ત્યારે ડેવિડ ધવન નિર્મિત આ ફિલ્મ આ વર્ષમાં કમાણીની દ્રષ્ટિએ ‘બાહુબલી 2’ બાદ બીજા નંબરે આવી ગઈ છે. ‘જૂડવા 2’ની પહેલા જ અઠવાડિયામાં જ કમાણીનો આંકડો ૧૦૦ કરોડ રૂપિયા હતો. તો ચોથા અઠવાડિયાને અંતે એણે ૬૩ લાખ કમાયા હતા.

દેખીતી રીતે જ, ધવન પિતા-પુત્રની આ ફિલ્મે શાહરૂખ ખાન અને અક્ષય કુમારને પાછળ પાડી દીધા છે. ‘જૂડવા 2’એ શાહરૂખની ‘રઈસ’ અને અક્ષયની ‘ટોઈલેટઃ એક પ્રેમ કથા’ કરતાં વધારે કમાણી કરી લીધી છે.

ચાર અઠવાડિયા બાદ ‘જૂડવા’ની દેશી બોક્સ ઓફિસ પર કમાણીનો આંકડો રૂ. ૧૩૭.૮૧ કરોડ નોંધાયો છે.

‘ટોઈલેટઃ એક પ્રેમ કથા’ ફિલ્મે રૂ. ૧૩૨ કરોડનો વકરો કર્યો તો ‘રઈસ’ ફિલ્મે રૂ. ૧૨૮ કરોડ અને સલમાન ખાનની ‘ટ્યૂબલાઈટ’ની કમાણીનો આંક હતો ૧૧૪ કરોડ.

વરુણ ધવને કહ્યું છે કે મારી આ ફિલ્મની સફળતા ૧૯૯૦ના દાયકામાં આવેલી ‘જૂડવા’ના સુપરસ્ટાર સલમાન ખાનને ટ્રિબ્યૂટ સમાન છે.

‘જૂડવા’માં સલમાને ડબલ રોલ કર્યો હતો તો ‘જૂડવા 2’માં વરુણ ડબલ રોલમાં છે.

આ વર્ષમાં અગાઉ વરુણની ‘બદ્રીનાથ કી દુલ્હનિયા’ ફિલ્મ આવી હતી જેને પણ દર્શકોએ વખાણી હતી.