મેં પણ કૉમેડીની ધજા ફરકાવી દીધી: જૉની વૉકર

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે, ૧૯૯૪ના દીપોત્સવી અંકનો.


પોતાનો કંઠ, સંવાદો બોલવાની છટા અને ખાસ તો ગુરુ દત્તની ‘પ્યાસા’ ફિલ્મમાં ‘તેલ માલિશ-ચંપીવાળા’ની રજૂઆતથી કૉમેડિયન તરીકે નામના કાઢનારા જૉની વૉકરનો પરિચય આપવાની જરૂર ખરી? વરસોથી સ્વેચ્છા-નિવૃત્તિ માણી રહેલા જૉની વૉકર કોઈને ઈન્ટરવ્યુ આપતા નથી. ફિલ્મ પત્રકારો અને ઈન્ટરવ્યુથી પોતાને દૂર ગણાવતા આ કૉમેડિયને ‘જી’ દિવાળી અંક માટે શરૂઆતના ઈનકાર પછી આપેલી ખાસ મુલાકાત:

(મુલાકાત લેનારઃ શકીલ અહમદ)

* વીતેલા જીવન અને કારકિર્દી પર નજર કરતાં શું લાગે છે?

– મને લાગે છે કે મારી અપેક્ષા કરતાં ઉપરવાલાએ મને વધુ આપ્યું છે. આજે બહુ સુખી છું. જીવનનો ભરપુર આનંદ માણ્યો છે. કોઈ ઈચ્છા બાકી રહી નથી. ફિલ્મવાળા તો ઠીક, અઢળક સંપત્તિ ધરાવતા ધનાઢ્યોએ પણ મારા જેટલો આનંદ માણ્યો નહીં હોય. એક જમાનામાં મારી પાસે રોલ્સ રૉયઝ કાર પણ હતી. દૌલત, ઈજ્જત, માનમરતબો બધું મને મળ્યું. મારા સંતાનો પણ લાયક નીકળ્યા.

* તમારી કારકિર્દીમાં સૌથી મહત્ત્વનું પ્રદાન કોનું ગણો છો?

– બેશક ગુરુ દત્ત સાહેબ. આમ તો ઘણી ફિલ્મોમાં ભૂમિકા કરેલી પરંતુ કોઈએ મારી નોંધ નહોતી લીધી. ગુરુ દત્ત સાહેબે ‘બાજી’  ફિલ્મમાં આપેલા રોલથી ફિલ્મરસિકોમાં મારી અલગ ઓળખ બની. ત્યારબાદ ગુરુ દત્તે પોતાની તમામ ફિલ્મોમાં મને તક આપી.

* તમે ટોચના ઘણા કલાકારો સાથે કામ કર્યું છે. તમે અમારા પર છવાઈ જાઓ છો એમ કહીને કોઈએ કદી તમારા પાત્રને કપાવી નાખેલું…?

– છવાઈ જવાનો સવાલ જ ક્યાં છે? અમારા જમાનામાં એવું નહોતું. દરેક કલાકાર પોતાના રોલને શ્રેષ્ઠ રીતે રજૂ કરતો. અગાઉ ટીમનો એક જ કેપ્ટન રહેતો: ડાયરેક્ટર. એનો પડ્યો બોલ ઝીલવો પડતો. આજે સૌથી મોટી તકલીફ જ એ છે કે ડાયરેક્ટરની કોઈ વેલ્યુ નથી. અમારા સમયમાં નિર્માતા જ નિર્દેશક રહેતો જે પોતાની કલ્પનાને પરદા પર સાકાર કરવા પૂરેપુરી તાકાત કામે લગાડતા.

* તમારા બાળપણના દિવસોની ફિલ્મોની કૉમેડી, તમારી સુવર્ણકાળ દરમિયાન કૉમેડી અને આજની તુલના શી રીતે કરશો?

– નાનો હતો ત્યારે ફિલ્મોમાં માટે ભાગે ફાઈટનાં દ્રશ્યોમાં થોડી કૉમેડી જોવા મળતી. એ દિવસોમાં બહુ કૉમેડી નહોતી. મારા સમયમાં ફિલ્મોમાં પ્રસંગોપાત અને સ્વતંત્ર દ્રશ્યો બન્ને રીતે કૉમેડી આવતી. અમે એ વાતનો ખાસ ખ્યાલ રાખતા કે મા, બહેન, બેટી વહુ બધાં સાથે બેસીને ફિલ્મની મોજ માણી શકે. કોઈ દ્રશ્ય જોઈને શરમ-સંકોચ ન થવાં જોઈએ.

* કૉમેડીમાં તમારો આદર્શ કોણ હતા?

જોની વોકર અભિનીત યાદગાર ગીત ‘તેલ માલીશ’

– નૂર મહંમદ ચાર્લી સાહેબને હું મારા આદર્શ માનતો.

* આખી દુનિયામાં અને ખાસ તો ભારતમાં ૧૯૫૦ અને’ ૬૦ના દાયકા ફિલ્મોનો સુવર્ણયુગ હતો. તમે શું માનો છો?

– ખરી વાત છે. ઉત્તમોત્તમ ફિલ્મો બની અને કરોડો લોકોએ માણી એ આ બે દાયકામાં. ભગવાને આટલો લાંબો સમય અમને આ લાઈનમાં રાખ્યા અને કામિયાબી અપાવી એને હું અમારી ખુશકિસ્મત સમજું છું. જો કે મે’૬૦ના દાયકામાં જ કામ ઘટાડી નાખેલું.

* એનું કારણ શું?

– નાનો હતો ત્યારે ખાવા-સુવાનું કોઈ ઠેકાણું નહોતું. ઉપરવાળાએ કામ આપવા માંડ્યું ત્યારે પણ એ જ સ્થિતિ થઈ ગઈ. ન ખાવાની ફુરસદ ન સુવાની. એક દિવસ મને વિચાર આવ્યો: આટલા બધા કામથી શો લાભ? એ પછી નિર્ણય કર્યો: કલાકના લાખ રૂપિયા મળે તો પણ સાંજે સાડા છ વાગ્યા પછી અને રવિવારે શૂટિંગ નહીં કરવાનું. ૬૦ના દાયકામાં જ મેં ૬૦ ટકા કામ કરવા માંડેલું. એક સિદ્ધિ મેળવી લીધા પછી કામને ચોંટી રહેવાનો શો અર્થ? તેનસિંહ એવરેસ્ટ સર કર્યા પછી ત્યાં બેસી તો નહોતો રહ્યો ને? ધજા રોપીને નીચે આવી ગયો. મેં પણ કૉમેડીની ધજા ખોડી દીધી. હવે બેસીને મજા કરું છું. થાય તે જોયા કરું છું.

* તમારા જમાનામાં કલાકારો વરસો સુધી ટકી રહેતા. આજે કેમ નથી ટકતા?

– અગાઉ પ્રતિભા પારખીને નિર્દેશક એને કામ આપતા. પ્રતિભાવાનને આવવામાં સમય લાગે છે પરંતુ આવ્યા પછી એ ટકી જાય છે. આજે ૯૯ ટકા માત્ર નસીબના જોરે ટકી જવાનો પ્રયાસ કરે છે. નવોદિતોને એ જ ડર રહે છે કે વરસ-બે વરસ ટકી જવાય તો ઘણું. એટલે જેટલું કમાઈ લેવાય એટલું કમાઈ લો. આમ પોતાની તબાહીના એ પોતે જવાબદાર બની જાય છે. હું વધુ પૈસા લઈશ તો મોટો એક્ટર ગણાઈશ એવી ગેરસમજ એના મનમાં ઘર કરી જાય છે. આમ જેટલી ઝડપે એ લોકો આવે છે એટલી ઝડપે અલોપ થઈ જાય છે. બે-ત્રણ વરસ ટકી જાય એ નસીબના જોરે ટકી જાય છે.

* તમારા હિસાબે ઉત્તમ અભિનય કોને કહેવાય?

ફિલ્મ ‘જોની વોકર’માં શ્યામા અને જોની વોકર

– જેમાં અદાકાર અને પાત્ર એક થઈ ગયા હોય. દર્શક તમને ફલાણા એક્ટર તરીકે નહીં, પાત્રના નામથી ઓળખે એ ઉત્તમ અભિનય. એ માટે પાત્રને સાચા સ્વરૂપમાં સમજી, એની બોલચાલની પદ્ધતિ (મેનરીઝમ) વિચારીને પાત્ર ઉપસાવવું જોઈએ. હોય ભલે અભિનય પણ પ્રતિતિજનક થવું જોઈએ. અસલ અને અભિનય વચ્ચે ભેદ ન રહેવો જોઈએ.

* તમે સ્વયંસ્ફૂર્ત (સ્પોન્ટેનિયસ) અભિનય કરતા કે પૂર્વતૈયારીથી કરતાં?

– આપવડાઈ વગર કહી શકું કે હું એકલો સ્પોન્ટેનિયસ કૉમેડિયન હતો. લેખક લખીને આપે, નિર્દેશક સમજાવે પછી હું મારી મેળે કરી લેતો.

* અગાઉનો ભાઈચારો આજે ક્યાં અલોપ થઈ ગયો છે? સાથે કામ નહીં કરનારા પણ અગાઉ મિત્રો હતા.

– એનું કારણ કદાચ એ છે કે આજે દરેકને ઝડપથી પૈસા કમાવા છે. પોતાનું કામ કરીને નાસી જવું છે. અમારા સમયે શૂટિંગ ન હોય તોય સ્ટુડિયોમાં જઈને કેરમ, ક્રિકેટ, બેડમિંટનની સ્પર્ધા યોજતા. પતંગ ચગાવતા. વાસ્તવમાં સુવર્ણકાળ અમે માણી લીધો. એ સમયે અમારી પહેલાં ક્યારેય નહોતો અને ભવિષ્યમાં કદાચ કદી પાછો નહીં આવે.

* તમે કૉમેડી કરતાં કરતાં કદી પ્રેક્ષકોને રડાવ્યા છે?

– ના. એવી એકમાત્ર ફિલ્મ ‘આનંદ’ હતી જે કરતાં કરતાં અને જોતી વખતે મારી આંખો ભીંજાઈ હતી.

* તમે સમય શી રીતે પસાર કરો છો?

– બપોરે ત્રણ સુધી ઘેર હોઉં છું. પછી દોસ્તોને મળવા જાઉં છું. રાત્રે સમયસર ઘેર આવી જમીને સમયસર સુઈ જાઉં છું. મારા પોતાના ઘડેલા આ નિયમો છે જેનું હું સખતાઈથી પાલન કરું છું. જીવનમાં કદી પૈસાની પાછળ દોડ્યો નથી. મહેનત કરીને પૈસા મેળવ્યા છે પરંતુ જરૂર જેટલું કમાઈ લીધા પછી નક્કી કર્યું કે હવે બસ. ૧૯૮૫થી સદંતર કામ બંધી કરી દીધું. કરોડપતિ માણસ પણ સમયસર ખાઈ કે સુઈ શકતો નથી. હું એ કરી શકું છું એટલે ખુશ છું.

* તમારા અભિનયવાળી દસ ઉત્તમ ફિલ્મોનાં નામ કહેશો?

– મેં ૩૦૦થી વધુ ફિલ્મોમાં કામ કર્યું છે. એમાંથી ૧૦નાં નામ આપવા મુશ્કેલ ગણાય. મારા દરેક પાત્રનો અભિનય વખણાયો છે. હું બહુ લાંબી ઈનિંગ રમ્યો છું. ગુરુ દત્તની બધી ફિલ્મોમાં મારો અભિનય વખણાયો છે. બિમલદાની ‘મધુમતી’માં સરસ રોલ હતો. બી. આર. ચોપરાએ ‘નયા દૌર’માં સરસ રોલ આપેલો. વેદ મદને મારા નામની જ ‘જૉની વૉકર’ અને બીજી ચાર પાંચ ફિલ્મો બનાવેલી. સાદિક બાબુએ ‘ચૌદહવી કા ચાંદ’માં ફાઈન રોલ આપેલો. રમેશ સહગલની ‘રેલવે પ્લેટફોર્મ’ની ભૂમિકા પણ મસ્ત હતી.

* તમારો અભિનય ન હોય એવી તમને ગમતી ફિલ્મો કઈ કઈ?

– મેં તમને અગાઉ ન કહ્યું કે અગાઉના નિર્દેશકો માત્ર પૈસા માટે ફિલ્મ નહોતા બનાવતા. ગુરુ દત્ત, બિમલ રૉય, બી. આર ચોપરા વગેરેએ ઉત્તમ ફિલ્મો આપી છે. મારા હિસાબે ત્રણ પ્રકારની ફિલ્મો બની છે. ખાસ વર્ગ (ક્લાસ) માટે, આમ જનતા (માસ) માટે અને આ બન્ને વર્ગને ગમે એવી. મેં જે નિર્દેશકોનાં નામ ગણાવ્યાં તેમણે બધાને ગમે એવી ફિલ્મો બનાવી. લોકોને એ ફિલ્મો ગમી છે. લોકોએ વખાણી છે.

* ગુરુ દત્તની કઈ ફિલ્મ તમને સૌથી વધુ ગમી?

– તેમની બધી ફિલ્મો સરસ હતી.

* કૉમેડીમાં કોના કામથી પ્રભાવિત થયા?

– અમારા સમયમાં ઘણા સરસ કલાકારો હતા. ચાર્લીસા’બ, દીતિસા’બ, રાધાકિસન, ઓમ પ્રકાશ, કનૈયાલાલ-બધા પોતપોતાની રીતે સરસ હતા.

* તમારા પર ફિલ્માવાયેલાં ગીતો વિશે કંઈ કહો.

– જે રસ્તે જવું નહીં એનું નામ લેવું નહીં એવો મારો સિદ્ધાંત રહ્યો છે. આજે હવે યાદ પણ નથી. આમ તો દરેક ફિલ્મોમાં મારા ભાગે એકાદ ગીત આવેલું. ગીતો હિટ પણ નીવડેલા. એમાં રફી સાહેબનો ફાળો ઘણો. મારા ૯૫ ટકા ગીતો રફીસાહેબે ગાયાં હતાં. એવી સરસ રીતે ગાય કે રેકર્ડ સાંભળીને તમને ખ્યાલ આવી જાય કે આ ગીત જૉની વૉકરનું છે.

* બધા કૉમેડિયનોએ નિર્દેશન પર હાથ અજમાવ્યો છે. તમે કેમ નથી અજમાવતા?

– મને રસ નથી. મારા સંતાનો માટે તદ્દન નવોદિતોને લઈને એક ફિલ્મ બનાવેલી ‘પહુંચે હુએ લોગ’. મેં એમાં કામ નહોતું કર્યું. ફિલ્મમાં ઘણી ભૂલો હતી એટલે પીટાઈ ગઈ. ફિલ્મ સફળ થાત તો છોકરાઓને આગળ વધવાની તક મળી જાત. પણ ફિલ્મ પીટાઈ ગઈ. મને આમેય રસ નહોતો એટલે પછી પ્રયત્ન ન કર્યો.

* તમે શરૂથી અંત સુધી એક શૈલી અપનાવી. કદી ચરિત્ર અભિનય માટે પ્રયાસ કેમ ન કર્યો?

– એવી જરૂર ન જણાઈ. મારે કૉમેડિયન બનીને લોકોને હસાવતા હતા. કરોડો લોકોના હોઠ પર સ્મિત ફરકાવીને તેમનું મનોરંજન કરવાનો મારો હેતુ હતો જે બર આવ્યો. ચરિત્ર નટ બનીને મારે લોકોને રડાવવા નહોતા. માત્ર પૈસો મારો ઉદ્દેશ નહોતો.

* તમારા મનપસંદ કલાકારો?

‘હાઉસ નં. 44’માં જોની વોકર અને દેવ આનંદ

– ત્રણ જ: દિલીપકુમાર, રાજ કપૂર અને દેવ આનંદ.

* અભિનેત્રીઓ?

– ઘણી હતી: મીનાકુમારી, મધુબાલા, વહીદા રહેમાન, સુરૈયા… એ પહેલાં ખુરશીદ નૂરજહાં.

* સંતાનોનું સુખ કેવુંક છે?

જોની વોકરનો પુત્ર નસીર, રવીન્દ્ર જૈન, મહેમૂદ, જોની વોકર, મહેમૂદનો પુત્ર મંઝૂર અલી અને નિર્માતા અશોક મિશ્રા ‘દુશ્મન દુનિયા કા’ ફિલ્મના સેટ પર

– બહુ સરસ. ત્રણ પુત્રી, ત્રણ પુત્રો. દીકરીઓ પોતપોતાનો ઘેર સુખી છે. પુત્રો માટે મારા પિતા કહેતા: લડકોંકો પૈસો કી જરૂરત નહીં. લાયક હોગા. ઈસલિયે બચ્ચોં કો લાયક બનાઓ. યે બાત દિમાગસે નિકાલ દો કિ તુમ ઉસકા નસીબ બના સકતે હો. મેં ત્રણેને ભણવા અમેરિકા મોકલ્યા. મારું કામ પુરું થયું. હવે તેમને પોતાની આવડતનું પુરવાર કરવાનું છે.

* તમે કોઈ વાત પર ગર્વ અનુભવી શકો?

– હા. દુનિયાની કોઈ દૌલત ખરીદી ન શકે એવી મનની શાંતિ મારી પાસે છે. મનની શાંતિ ખરીદી શકાતી નથી. હું ખૂબ વ્યસ્ત હતો ત્યારે જ ૪૦ ટકા કામ ઘટાડી નાખ્યું. પૈસાનું ભલે મને નુકસાન થયું પણ મનની શાંતિ મળી ગઈ. કંઈક મેળવવા કંઈક જતું કરવું પડે છે.

* ફિલ્મોની ઑફર હજુ આવે છે?

– ઑફરો હજુય આવે છે. ૭૦ વર્ષની ઉંમરેય ૫૦ વરસનો લાગું છુ. એટલે કોઈને કોઈ આવે જ છે. કોઈ ગેસ્ટ આર્ટિસ્ટ બનવાનું કહે છે તો કોઈ કહે છે કે તમારી ઈચ્છા મુજબ રોલ લખાવી આપીએ. તમે ફક્ત હા પાડો. કોઈ ભલામણપત્ર લઈને આવે છે તો કોઈ જૂના સંબંધોને નામે આવે છે. પરંતુ મેં મનોમન નિર્ણય કરી લીધો છે કે હવે કામ નથી કરવું બસ.


મને એકસ્ટ્રામાંથી આર્ટિસ્ટ બનાવનાર ગુરુ દત્ત જ હતા: જૉની વૉકર

જૉની વૉકર સ્નેહથી આ મહાન સર્જકને યાદ કરે છે.

(મુલાકાત લેનારઃ વિજય અકેલા)

સ્વ. ગુરુ દત્તની ફિલ્મોનું જો અધ્યયન કરવામાં આવે તો પરખાઈ જશે કે એમણે હાસ્યને મહત્ત્વનું અંગ માન્યું હતું. તેઓની ફિલ્મો પર નજર નાખશો તો ‘મિ. એન્ડ મિસિસ ફિફ્ટી ફાઈવ’ કે ‘આરપાર’ જેવી કૉમેડી હોય કે ‘કાગઝ કે ફૂલ’ અને ‘પ્યાસા’ જેવી ઑફ બીટ ગંભીર ફિલ્મ હોય. એમની ફિલ્મોની કૉમેડીમાં અચૂક જૉની વૉકર તો હોય જ. ‘બાઝી’થી માંડીને એમની આખરી ફિલ્મ સુધી ગુરુ દત્તની દરેક ફિલ્મ સાથે જૉની વૉકર સંકળાયેલા રહેતા.

મને યાદ છે કે હું સ્વ. કે. આસિફની ‘હલચલ’માં એકસ્ટ્રાની ભૂમિકા કરતો હતો. અને એ જ ફિલ્મમાં બલરાજ સહાની સાહેબ પણ હતા. મારા અભિનયથી પ્રભાવિત થઈને તેઓ મારો પરિચય ગુરુ દત્તજી સાથે કરાવવાનું કહેતા હતા. એ સમયે ગુરુ દત્તજી ‘બાઝી’ના નિર્માણમાં વ્યસ્ત હતા. બલરાજ સહાનીજીએ વાયદો નિભાવ્યો. ‘બાઝી’માં શરાબીની એક નાનકડી ભૂમિકા માટે ગુરુ દત્તજી કોઈની તલાશમાં હતા. બલરાજજીના કહેવાથી હું શરાબીના સ્વાંગમાં ગુરુદત્તની ઑફિસમાં પહોંચી ગયો. અને એમની સાથે ઊંધી ચત્તી વાતો કરવા લાગ્યો. ક્રોધાવેશમાં તેઓ બોલી ઊઠ્યા: ‘ઈસ બેવડે કો કિસને અંદર આને દિયા, નિકાલો બાહર.’

પછી બલરાજજીએ મારા વિષે શિફારસ કરતા કહ્યું કે હું એક સારો આર્ટિસ્ટ છું એટલે દત્તજીએ મને ‘બાઝી’માં ભૂમિકા આપી.

જેલમાં મારે એક વ્યક્તિને ચિઠ્ઠી આપવી હતી અને સંવાદ બોલવાનું એ દ્રશ્ય હતું. સાચું કહું છું મેં એ લાંબો ડાયલૉગ ખૂબ સુંદરતાથી પેશ કર્યો હતો. ગુરુ દત્તજીને મારી સ્ટાઈલ ગમી ગઈ. એમણે આગામી ફિલ્મોમાં દોહરાવવાનો વાયદો આપ્યો. ત્યારે એમનું આશ્ર્વાસન મારે માટે કેટલું મહત્ત્વનું હતું એની મને જ ખબર હતી. કારણ ત્યાં સુધી ન તો મારું નામ હતું કે ન કોઈ સંવાદોવાળાં દ્રશ્યો ભજવવા મળતા. હકીકતમાં જો મને કોઈએ એકસ્ટ્રામાંથી આર્ટિસ્ટ બનાવ્યો હોય તો ‘બાઝી’થી ગુરુ દત્તજીએ.

૧૯૪૭થી મારી સ્ટ્રગલની શરૂઆત થઈ. ૧૯૪૮થી કામ મળવા માંડ્યું. ૧૯૫૧માં રિલીઝ થયેલી ‘બાઝી’થી મારી કેરિયરે નવો સુંદર અને અનોખો મોડ લીધો. અમારું ટ્યુનિંગ જામી ગયું હતું. અને એનો પુરાવો ‘બાઝી’થી ‘બહુરાની’ સુધીની બધી જ ફિલ્મો હતી. એકમાત્ર ‘સાહબ બીવી ઔર ગુલામ’માં હું નહોતો અને નિર્દેશન પણ ગુરુ દત્તજીએ નહીં પરંતુ અબ્રાર અલ્વીએ કરેલું.

જો મને કોઈ પૂછે કે ગુરુ દત્તજીને મારા ક્યા ગુણે સૌથી વધુ પ્રભાવિત કરેલા તો હું કહીશ સડસડાટ અટક્યા વિના રમૂજી ઢબે સંવાદો બોલવાની મારી સ્ટાઈલે એમને આંજી દીધેલા. મારી કૉમેડીમાં કદી ક્યાંયે અશ્લીલતા ન પ્રવેશતી. તેથી તેઓ મને પસંદ કરતા.

એમની સૌથી વધુ અદાઓ જેમણે મને પ્રભાવિત કરેલો એ હતી એક તો તેઓ ટૉપ ક્લાસ ટેકનિશિયન હતા. એમના કરતાં બહેતર ટેકનિશિયન શોધ્યો ન જડે. બીજું એમના નિર્દેશનના ગુણો અનોખા હતા. દુનિયા આખી કહી રહી છે. મેં બિમલ રૉય, ઋષિકેશ મુખરજી જેવી પ્રખ્યાત હસ્તીઓ સાથેય કામ કર્યું છે. બીજું સંગીત વિશેની એમની સૂઝ સારી હતી. ગીતોના ફિલ્માંકનમાં તેઓ ખીલી ઊઠતા. બીજો એક ગુણ એ હતો કે જે કલાકારમાં જે પ્રકારની અભિનય ક્ષમતા રહેતી એના વિકાસમાં તેઓ સહાયરૂપ થતા. કોઈ આર્ટિસ્ટ પર તેઓ ‘આમ જ કરો’નો ભાર નહોતા લાદતા. પરંતુ એટલું જરૂર કહીશ કે ઈમ્પ્રોવાઈજેશન દ્વારા અભિનયને ઓર ખીલવતા. કોઈની પણ પાસે બળજબરીથી નહીં પ્રેમપૂર્વક કામ કરાવતા. અમારી વચ્ચે આટલી મહાન હસ્તી હતી એવો અહેસાસ ક્યારેય નહોતો થતો કારણ સ્ટુડિયોના નાનામાં નાના યુનિટવાળા સાથે પ્યારથી પેશ આવતા. ટૂંકમાં અમને સૌને એવું લાગતું જાણે અમે કોઈ ફિલ્મ કંપનીમાં નહીં પરિવારવાળા સાથે બેઠા હોઈએ.

અંગત રીતે હું માનું છું કે એક નિર્દેશક બે રીતે ફિલ્મો બનાવે છે. એક માસીસ-સામાન્ય વર્ગ માટે બીજો જેન્ટ્રી વર્ગ માટે બનાવે છે. પરંતુ ગુરુ દત્તજી એવા નિર્દેશક હતા જેઓ માસીસ અને જેન્ટ્રી બન્ને માટે ફિલ્મો બનાવતા. બન્ને વર્ગોએ એમની ફિલ્મો વખાણી. તેથી જ તેઓ નંબર વન ફિલ્મકાર કહેવાય. હું એમની આ જ ક્વૉલિટી પર ફિદા હતો. જે વ્યક્તિએ સિનેમાને ગંભીરતાથી અપનાવ્યો હોય અને પોતાના બધા જ શોખ અર્પણ કરી દીધા હોય એનામાં જ આટલી નિષ્ઠા હોય.

મારે માટે એમણે શક્ય એટલું બધું જ કર્યું. એક કાબેલ કૉમેડિયન બનાવવા મોટ તેઓ મારે માટે વધુ શું કરી શકત. દરેક ફિલ્મમાં મારે માટે એક-બે ગીતો તો રાખે જ. બીજા કલાકારો કરતાં મારા દ્રશ્યોની સંખ્યા વધુ રહેતી. મારા મશહૂર ગીતો-‘અય દિલ હૈ મુશ્કિલ જીના યહાં’ (સીઆઈડી), ‘ના ના ના ના તૌબા તૌબા’ (આરપાર), ‘જાને કહાં મેરા જિગર ગયા જી’ (મિ. એન્ડ મિસિસ 55), ‘સર જો તેરા ચકરાયે યા દિલ ડૂબા જાયે’ (પ્યાસા) ગુરુ દત્તની જ ફિલ્મોના ગીતો હતાં.

ગુરુ દત્તે જે ફિલ્મો બનાવી એ બધી જ અનોખી હતી ‘આરપાર’ અને ‘મિ. એન્ડ મિસિસ ફીફ્ટી ફાઈવ’ પણ અનોખી હતી. ‘ચૌદહવી કા ચાંદ’, ‘કાગઝ કે ફૂલ’, ‘સીઆઈડી’ તો ગજબનાક હતી જ.

ગુરુ દત્તની નિકટના દોસ્તોમાં હું એક હતો જેને તેઓ અંગત વાતો નિખાલસતાથી કરતા.

ગુરુ દત્તજીનું અકાળે અવસાન દરેક વર્ગના દર્શકો માટે અઘાતજનક હતું. ફિલ્મ ઈન્ડસ્ટ્રી એમના જેવા અનોખા નિર્દેશક, સંકલનકાર, અભિનેતા, ફિલસૂફ અને વ્યક્તિને ગુમાવ્યા છે જેનો જોટો ન જડે!