ક્લોઝ-અપઃ જિતેન્દ્ર

‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ.


 * જન્મ ૬ઠ્ઠી એપ્રિલે અમૃતસર (પંજાબ)માં થયો.

 * ઘરમાં બધાં લાડથી જિતુ કહે છે.

 * ઊંચાઈ પ ફૂટ ૬ ઈંચ અને વજન ૯૦ કિલો છે.

 * આંખો ઘેરી ભૂરી, વાળ કાળા અને ચામડી ઘઉંવર્ણી છે.

 * બાળપણ મુંબઈમાં વીત્યું.

 * મુંબઈની જયહિંદ કૉલેજમાં ફર્સ્ટ ઈયર સુધી ભણ્યો છે. કોર્મસ એનો માનીતો વિષય રહ્યો છે.

 * હિંદી, ઉર્દૂ, પંજાબી, મરાઠી અને અંગ્રેજી ભાષાઓ સરસ જાણે છે.

* સૌથી પહેલી ફિલ્મ ‘ગીત ગાયા પથ્થરોને’.

 * અભિનય અગાઉ ફિલ્મોમાં ઈમીટેશન ઘરેણાં પૂરા પાડતો.

 * જ્યોતિષમાં ઊંડી શ્રદ્ધા છે.

* સવારે મોટરમાં બેસવા અગાઉ સાઈબાબાને યાદ કરે છે.

 * સવારે નાસ્તાને બદલે બે ગ્લાસ દૂધ પીએ છે.

* શાકાહારમાં ગાજરનો હલવો ખૂબ ભાવે.

* વિદેશમાં લંડન અને પેરિસ ખૂબ ગમે.

* વિદેશી કલાકારોમાં ઓમર શેરીફ, માર્લોન બ્રાન્ડો અને પોલ ન્યૂમેન તથા દેશી કલાકારોમાં શમ્મી કપૂર, દેવ આનંદ અને દિલીપ કુમાર માનીતા છે.

 * શાંત સરળ આદમી છે. ગુસ્સે થાય તો થોડીવાર માટે.

 * સફેદ બૂટ વધુ ગમે.

 * રવીન્દ્રનાથ ટાગોરને આદર્શ માને છે.

 * કોઈ મહત્ત્વની વ્યક્તિ હોય તો જ ફોન પર વાત કરે છે.

 * ઘેર લેંઘો-ઝભ્ભો અને શૂંટીંગ કે પાર્ટીમાં સફેદ પેન્ટ અને પહેરે છે.

 * બધી જાતના નૃત્યો જાણે છે.

 * ‘નવરંગ’માં એક જ્યુનિયર તરીકે પહેલીવાર પરદા પર ચમક્યો હતો.

 * એક સમયે ફિલ્મો જોવાનો જબરો શોખ હતો. પોતાની દુકાનમાંથી પૈસા ચોરીને ફિલ્મો જોતો.

  * પુસ્તકો-સામયિકો ભાગ્યે જ વાંચે છે.

 * એક લાંબી ચમકતી મોટરમાં પ્રકાશ ભણી પોતે ધસી રહ્યો છે એવું સ્વપ્ન વારંવાર જુએ છે.

 * ટેનિસ, બેડમિન્ટન અને સ્વીમિંગ માનીતી રમતો છે.

 * મોટર ઝડપથી હાંકે છે.

 * સફેદ રંગ માનીતો છે.

 * દરેક પ્રકારનું સંગીત ગમે.

 * માનીતું પુસ્તક ‘હનુમાન ચાલીસા’ છે.

* ખાસ પાર્ટીઓમાં જાય.જન્મદિનની પાર્ટી પત્ની અને બન્ને બાળકો  સાથે ઊજવે છે.

 * ડાયેટીંગ ખૂબ કરે છે. બપોરે ફક્ત સલાડ અને દહીં લે છે.

 * રોજ સવારે અડધો કલાક વ્યાયામ કરે છે.

* રજાના દિવસે પરિવાર સાથે મડ આયલેન્ડ પરની પોતાની કોટેજમાં રહે છે.

 * લતા મંગેશકરનો જબરો ચાહક છે. એના સંગ્રહમાં સૌથી વધુ રેકૉર્ડો લતાની છે.

 * રોજ નાહીને પૂજા કરે છે. ભગવાનમાં અટલ શ્રદ્ધા છે.