મોભાદાર ‘ગુડ્ડી’નો આયુષ્યના ૭મા દાયકામાં પ્રવેશ

૧૯૪૮માં મધ્ય પ્રદેશના જબલપુરમાં જન્મેલાં જયા ભાદુરી-બચ્ચને ૯ એપ્રિલે એમનો ૭૦મો જન્મદિવસ ઉજવ્યો. ૧૯૭૧માં ‘ગુડ્ડી’ ફિલ્મ સાથે જયા ભાદુરીએ બોલીવૂડમાં પ્રવેશ કર્યો હતો અને તેઓ કદાચ એકમાત્ર એવા અભિનેત્રી છે જેમણે પોતાનો મોભો અને સાદગીપણું જાળવી રાખ્યાં છે. હિન્દીસિનેમામાં જે સમયે સ્ટાઈલિશ, સોફિસ્ટિકેટેડ અને નોખી-અનોખી હેરસ્ટાઈલવાળી, મેકઅપના થથેડાંવાળી અભિનેત્રીઓનું ચલણ હતું ત્યારે જયા ભાદુરીએ એમનાં અતિરેકવિહોણાં લૂક અને અસરદાર અભિનય વડે પોતાની આગવી છાપ જમાવી હતી અને દર્શકોએ એમને સહર્ષ સ્વીકાર્યાં છે.

httpss://youtu.be/MQTJ0rSBDKU

જયા બચ્ચનના જન્મદિવસ પ્રસંગે જયા અને ધુરંધર અભિનેતા સંજીવ કુમારે સાથે કરેલી ફિલ્મો વિશે જાણીએ. આ વિગત ‘જી’ દીપોત્સવી-૨૦૦૮ અંકમાં પ્રકાશિત થઈ હતી.

અમિતાભ બચ્ચન અને જયાએ અનેક ફિલ્મોમાં રોમાન્ટિક ભૂમિકાઓ કરી હતી. બંને જણ પતિ-પત્ની તરીકે પણ દેખાયાં. પણ છેક ૧૯૬૪માં, ફિલ્મોમાં આવેલા સંજીવકુમાર અને ૧૯૭૧માં ફિલ્મોમાં પ્રવેશ કરનાર જયા ભાદુરી ૧૯૭૨માં ગુલઝારની ફિલ્મ ‘કોશિશ’માં બહેરાં-મૂંગાં પતિ-પત્ની તરીકે ચમક્યાં. બંનેની અભિનય ક્ષમતા અને સહિયારી, અદ્દભુત કેમિસ્ટ્રીએ કમાલ કરી.

સંજીવ ભલે અમિતાભ કે રાજેશ ખન્નાની જેમ સુપરસ્ટાર ન કહેવાયા પણ અભિનેતા તરીકે એમણે ‘શોલે’, ‘મૌસમ’, ‘આંધી’, ‘નયા દિન નયી રાત’, ‘કોશિશ’ વગેરે ફિલ્મોમાં પોતાનું કૌવત દેખાડ્યું હતું. દરેક વયનાં પાત્ર સજતાથી ભજવ્યાં. ‘ગુડ્ડી’, ‘કોશિશ’, ‘અભિમાન’, ‘મીલી’, ‘શોર’, ‘હઝાર ચૌરાસી કી માં’ જેવી અનેક ફિલ્મોમાં જયાએ પણ કમાલ અભિનય આપ્યો.

સંજીવ અને જયા કોઈ ફિલ્મમાં સાથે કામ કરે ત્યારે તેમને સ્ટારવેલ્યુ કે પબ્લિસિટી સાથે નિસ્બત ન રહેતી. ‘કોશિશ’માં બહેરાં-મૂંગાં પતિ-પત્ની બન્યાં તો ઈમેજની પરવા કર્યા વિના એ વર્ષે જ ગુલઝારની ‘પરિચય’માં જયા સંજીવની દીકરી બની. પછીના વર્ષે ‘અનામિકા’માં બંને પ્રેમીઓ બન્યાં. ‘શોલે’માં જયાએ સંજીવકુમારની વિધવા પુત્રવધૂની ભૂમિકા સંયમિત રીતે ભજવી. તેમાં તેના ભાગે ભાગ્યે જ બોલવાનું હતું. ૧૯૮૧ની યશ ચોપરાની ફિલ્મ ‘સિલસિલા’માં તેમણે અમિતાભ, સંજીવ, રેખા અને શશી કપૂર જેવાં કલાકારો સાથે યાદગાર ભૂમિકા કરી અભિનય ક્ષમતાનો પરચો આપ્યો.

પાત્રો પિતા-પુત્રીનાં હોય કે પ્રેમીઓનાં, સંજીવકુમાર અને જયા ભાદુરી પાત્રોમાં એટલાં ઓતપ્રોત થઈ જતાં કે ફિલ્મ જોતી વખતે દર્શકોને તેમના આગલાં પાછલાં પાત્રો યાદ આવવાનું નામ જ લે નહીં.

જયા ભાદુરીએ પુણે ફિલ્મ ઈન્સ્ટિટ્યૂટમાં અભિનયનું પ્રશિક્ષણ મેળવ્યું. સંજીવકુમારે મુંબઈમાં ફિલ્માલયની એક્ટિંગ સ્કૂલમાં તાલીમ લીધી. એ પહેલાં નાટકોમાં કામ કર્યું. સ્ટેજના અનુભવે સંજીવકુમારનું ઘડતર કર્યું.

સારો અભિનય કરવા માટે લાંબા સંવાદો કે જોરશોરથી બોલવાની જરૂર નથી એ સંજીવકુમારને અભિનય કરતા જોઈએ ત્યારે તરત સમજાઈ જાય છે. ‘આંધી’માં સુચિત્રા સેન જેવી મહાન અભિનેત્રી સામે સંજીવકુમાર જરાય વામણા નથી લાગ્યા. સંજીવનો આત્મવિશ્વાસ એમની દરેક ભૂમિકામાં જોવા મળ્યો છે. ‘નૌકર’ ફિલ્મમાં અર્ધું પાટલૂન પહેરી સંજીવકુમાર સ્ટાઈલ વગેરેની પરવા કર્યા વિના પોતાના કામમાં ઓતપ્રોત થઈ જાય છે. સંજીવ અને જયાએ માંડ સાત ફિલ્મોમાં સાથે કામ કર્યું, પણ દર્શકો આજે પણ એ તમામ ફિલ્મોને યાદ કરે છે. ધેટ્સ રિયલ જોડી.

(જયા બચ્ચન-સંજીવકુમારની ફિલ્મો – કોશિશ, અનામિકા, નયા દિન નયી રાત, સિલસિલા, નૌકર, પરિચય, શોલે)

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]