હેપ્પી બર્થડે લોલોઃ કરિશ્માના તરંગ-તુક્કા…

બોલીવૂડની લોલો એટલે કે કરિશ્મા કપૂરે 25 જૂને પોતાનો 44મો જન્મદિવસ ઉજવ્યો. જન્મદિવસે કરિશ્મા અને એનાં પરિવારજનો લંડનમાં હતાં અને ત્યાં સૌએ લોલોનો બર્થડે ઉજવ્યો હતો. જન્મદિવસની ઉજવણી વખતે કરિશ્માના પિતા રણધીર કપૂર, માતા બબીતા, નાની બહેન કરીના, બનેવી સૈફ અલી ખાન, ભાણેજ તૈમુર અલી, સહ-અભિનેત્રી સોનમ કપૂર ઉપસ્થિત રહ્યાં હતાં.

કરિશ્માનાં જન્મદિવસ નિમિત્તે એના વિશે નિરંજન અય્યંગાર લિખિત એક લેખ અહીં પુનઃ પ્રકાશિત કરીએ છીએ જે ‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી‘નાં 1992ના 1-15 જૂનનાં અંકમાં ‘કરિશ્માના તરંગ-તુક્કા’ શિર્ષક હેઠળ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

 • એક જગ્યાએ એક મિનિટથી વધુ સમય શાંતિથી બેસી ન શકે એને તમે શું કહેશો? પારો?
 • આ દુનિયામાં કોઈ વાતને ગંભીરતાથી ન લે એને તમે શું કહેશો? જોકર?
 • નાના બાળક જેવી ભોળી, સુંદર બાળાને તમે શું કહેશો? ચુલબુલી?

આ ત્રણેય પ્રશ્નોનો અમે એક જવાબ આપીએઃ કરિશ્મા કપૂર. કરિશ્મા સાથે આંતરખોજ થઈ શકે એવો વિગતવાર ઈન્ટરવ્યૂ શક્ય નથી એ જાણ્યા-સમજ્યા પછી અમે એના વ્યક્તિત્વ સાથે ફિટ થાય એવો હળવો ઈન્ટરવ્યૂ કવરા વિચાર્યું. બાળકના મનમાં ઊઠે એવા થોડા તરંગ-તુક્કા કરિશ્માની ભાષામાં અહીં રજૂ કર્યાં છે:

 • મારે ફરી 3 વર્ષની બાળકી બની જવું છેઃ નાની હતી ત્યારે વડીલો કેટલીક પ્રવૃત્તિ કરવા નહોતા દેતા એટલે મારે ઝડપથી મોટા થઈ જવું હતું. પરંતુ મોટા થયા પછી સમજાયું કે મોટા થવામાં મજા નથી. એટલે હવે મારે નાના થવું છે જ્યાં કોઈ ટેન્શન નહીં, જવાબદારી નહીં. મારે ફરી ત્રણ વર્ષની બાળકી બની જવું છે અને કદી મોટા થવું નથી. કેટલો બધો આનંદ થાય, નહીં? આખો વખત લોકો બોલી ઊઠેઃ કેટલી સુંદર બાળકી છે! અને મને લાડ પણ કરે.
 • મને બ્રેક વિનાની સ્પોર્ટ કાર જોઈએ છેઃ ના,ના. જવા દો. મારે બાળકી નથી બનવું. મને હમણાં જ યાદ આવ્યું, થોડા દિવસ પછી આવનારી મારી 18મી વર્ષગાંઠ નિમિત્તે મને બ્રેક વિનાની સ્પોર્ટ કાર ફેરારી જોઈએ છે. લોખંડવાલા કોમ્પલેક્સના મારા ઘર નજીકની શેરીમાં ફેરારી દોડાવવાનું સ્વપ્ન મને ઘણીવાર આવે છે. શરત માત્ર એટલી કે રોડ ઉબડખાબડ ન હોવો જોઈએ. મને તો કલાકે 120 કિલોમીટરની ઝડપે કાર દોડાવવા જોઈએ. ઝૂ…..મ! સ્પીડ સાથે પ્રેમ કરવાની શું મજા પડે! આહાહા…!
 • સામાનું મન વાંચવાની કળા: મળનારી દરેક વ્યક્તિનું મન વાંચવાની અદ્દભુત ચમત્કારી શક્તિ મળી જાય તો તો મજા પડી જાય! રાતોરાત હું મહાન બની જાઉં. મને તો ફાયદો કે આવનારી વ્યક્તિના મનમાં મારા માટે સાચી લાગણી છે કે દંભ છે એ જાણી લઉં તો જેવા સાથે તેવાનું વર્તન કરી શકું ને! અત્યારે ઘણીવાર હું માણસને ઓળખવામાં થાપ ખાઈ જાઉં છું.
 • મને જેટ વિમાન જોઈએ છેઃ હા. મારું પોતાનું જેટ વિમાન. અત્યારે સવારના વહેલા ઊઠીને શૂટિંગમાં જવાની સમસ્યા નડે છે. ફેરારી કાર ઉપરાંત જેટ વિમાન હોય તો શૂટિંગ શરૂ થવાની પંદર મિનિટ પહેલાં જ ઊઠીને તૈયાર થઈ શકું. બે સેકંડમાં સેટ પર હાજર. આઉટડોરમાં પણ ફાયદો. ઘરથી દૂર ન રહેવું પડે અને મમ્મીના પ્યારથી વંચિત ન રહેવાય. ઘણા કહેશે, વિમાની બળતણ મોંઘું છે. વાંધો નહીં, આ તો શેખચલ્લીના હવાઈ કિલ્લા છે. મારું જેટ બળતણ વિના ચાલશે.
 • મારે પાણી પર ચાલવું છેઃ ‘લફંગા’ ફિલ્મમાં કાચ પર ચાલીને મારા પિતાએ પાણી પર ચાલતા હોવાનો ડોળ કરેલો. મારે તો સાચુકલા પાણી પર ચાલવું છે. મને તો પાણીની અંદર (અંડરવોટર) રહેવાનું ગમે. દરિયામાં તરવાનું મને વળગણ છે. પરંતુ અંડરવોટર રહેવાનું શક્ય નથી એટલે મને તો પાણી પર ચાલવાની શક્તિ મળે તોય ઘણું.

 • થોડા દિવસ માટે મારે હિમકન્યા બની જવું છેઃ એ પછી પેલી અંગ્રેજી વાર્તાની જેમ, સાત વહેંતિયા નહીં, પણ સાત રૂપકડાં બાળકો સાથે રહું. એમને ધમકાવું તેમ પ્યાર પણ કરું. બસ મજા જ મજા. અત્યારે હું નાની હોવાથી સેટ પર સહકલાકારો મને ધમકાવે અને ઘેર નાની બહેન પણ મને ધમકાવે. કોઈ માર વાત સાચી માનતું નથી પણ આ હકીકત છે. કોઈકને ધમકાવવાની મારી ઈચ્છા છે. કરીનાને ધમકાવવાનાં હું સપનાં જોઉં છું.
 • પેટ્રિક સ્વેઝ સાથે ડાન્સ કરવો છેઃ મારું ‘પ્રેમ કૈદી’નું ગીત ‘તેરે ગાલોં પે ક ખ ગ ઘ…’ પેટ્રિક સ્વેઝ સાથે કરવાની મારી ઈચ્છા હતી. આપણા ફિલ્મી ડાન્સ અને ઝટક મટક પેટ્રિકને કરતો જોઈને આખું યુનિટ ખડખડાટ હસી પડે. બખ્તરથી સજ્જ પોશાકમાં હું એને ડાન્સમાં મદદ કરું એટલે મને બહાર જમવા લઈ જાય જે જોઈને બીજી છોકરીઓ ઈર્ષાથી બળી મરે. મારા નિર્માતાઓ પેટ્રિક સાથે મને લે તો હું તેમની ફિલ્મોમાં મફત કામ કરું.
 • રાલ્ફ મશીહો સાથે પ્રેમ કરવો છેઃ ફિલ્મ ‘કરાટે કીડ’ના હીરો પર હું મરતી હતી. એને પરણવાની ઈચ્છા સેવતી હતી. પરંતુ એ નિર્દય પ્રીતમ કોઈ છોકરીને પરણી ગયો. મેં એને સ્વહસ્તે કેટલાય પત્રો લખેલા. હવે તો એણે પહેલી પત્નીને તલાક આપવા જોઈએ અને હું એની સાથે પરણી શકું એવડી મોટી થઈ જાઉં તો કેવું સારું! અરે બાપરે, મારે નાની થવું છે કે મોટા એની મૂંઝવણમાં ફસાઈ ગઈ છું. મારું શું થશે?
 • મારે કોઈ પ્રૌઢને મારા પ્રેમમાં લપેટાવવો છેઃ ‘લમ્હેં’ જોઈને હું અનિલ કપૂરના પ્રેમમાં પડી ગઈ. વાસ્તવમાં એ પાત્રના પ્રેમમાં. મારે પણ એ ફિલ્મની જેમ લમણેં ધોળા વાળવાળા કોઈ પ્રૌઢને મારી પાછળ ઘેલો બનાવવો છે. જરા કલ્પી જુઓઃ કોઈ પાર્ટીમાં પ્રભાવશાળી પુરુષ આવે, મારા પર મુગ્ધ નજર નાખે, હું શરમાઈ જવાનો અભિનય કરું. પછી તો એ તરત મારી સાથે ડાન્સ કરવા તૈયાર થઈ જશે.
 • અને સૌથી વધુ તોઃ મારો છેલ્લો તુક્કો એ છે કે ઉપર જણાવેલા બધા તુક્કા સાચા પડે તો હું આ સૃષ્ટિ પરની સૌથી સુખી સ્ત્રી બની રહું! હે પ્રભુ, મેરી અરજ સુનો…!

કરિશ્મા કપૂરની ફિલ્મોનાં અમુક ફેમસ ગીતોનો આનંદ માણવા માટે જુઓ આ વિડિયો…

httpss://youtu.be/mOPz-f_e0VA

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]