‘ઘૂમર ઓન આઈસ’: ફિગર સ્કેટ ચેમ્પિયન મયૂરીનાં વિડિયોએ મચાવી ધૂમ…

સંજય લીલા ભણસાલી નિર્મિત ‘પદ્માવત’ ભલે વિવાદાસ્પદ થઈ છે, પણ એનાં ‘ઘૂમર…’ ગીતે આખા દેશમાં ભારે લોકચાહના મેળવી છે. ફિલ્મ રિલીઝ થઈ એના ઘણા મહિના અગાઉથી જ ‘ઘૂમર’ ગીત સુપરહિટ થઈ ગયું છે.

ઉત્તર પ્રદેશના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન અને સમાજવાદી પાર્ટીના વડા મુલાયમ સિંહ યાદવના પુત્રવધુ અપર્ણા યાદવે પણ લખનઉમાં એમનાં ભાઈનાં સગાઈ પ્રસંગે ‘ઘૂમર’ ગીત પર નૃત્ય કરીને સૌને અચંબામાં મૂકી દીધાં હતાં. એમનાં નૃત્યનો વિડિયો પણ વાયરલ થયો હતો. અર્પણા યાદવ મુલાયમ સિંહના નાના પુત્ર પ્રતીકને પરણ્યાં છે.

હવે ‘ઘૂમર’ ગીત પર જે નવો વિડિયો – ‘ઘૂમર ડાન્સ ઓન આઈસ’ ઈન્ટરનેટ પર છવાયો છે તે ફિગર સ્કેટિંગ ચેમ્પિયન મયૂરી ભંડારીનો છે.

લાલ રંગનાં બ્લાઊઝ અને સ્કર્ટ, સાથે દુપટ્ટામાં સજ્જ થયેલી મયૂરીને એક આઈસ રિન્ક પર ઘૂમર ગીતની ધૂન પર ક્ષતિરહિત સ્કેટ કરતી જોવાનો એક લ્હાવો છે.

મયૂરી ભંડારી પોતે રાજસ્થાની છે. એણે કહ્યું કે, સુંદર એવા ‘ઘૂમર’ ગીત પરનું મારું આ આઈસ સ્કેટિંગ ‘પદ્માવત’ ફિલ્મની રિલીઝને સમર્પિત છે. હું પોતે રાજસ્થાની છું એટલે મેં ગૌરવની લાગણી સાથે આ ગીત પર સ્કેટ કર્યું છે.

ગઈ 26 જાન્યુઆરીએ મયૂરીએ યૂટ્યૂબ પર પોસ્ટ કરેલા આ ગીતને અત્યાર સુધીમાં 43 હજારથી વધારે વ્યૂઝ મળ્યા છે.

ઘણાએ આ નૃત્ય જોઈને મયૂરીનાં વખાણ કર્યાં છે.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]