દંતકથાસમા ફિલ્મસર્જક મૃણાલ સેનનું નિધન…

દાદાસાહેબ ફાળકે પુરસ્કારથી સમ્માનિત જાણીતા બંગાળી ફિલ્મ દિગ્દર્શક મૃણાલ સેનનું લાંબા સમયની બીમારી બાદ આજે કોલકાતામાં એમના નિવાસસ્થાને નિધન થયું. તેઓ 95 વર્ષના હતા.

નીલ આકાશેર નીચે, ભુવન શોમ, એક દિન અચાનક, પદાતિક, એક દિન પ્રતિદિન, મૃગયા જેવી ફિલ્મો બનાવવા માટે જાણીતા થયેલા મૃણાલ સેન પદ્મભૂષણ એવોર્ડથી પણ નવાજેશ થયા હતા. તેઓ દેશમાં સમાનાંતર સિનેમાનાં દૂત કહેવાતા હતા.

મૃણાલ સેને અનેક રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર જીત્યા હતા. તેઓ સમાજની વાસ્તવિક્તાનું ફિલ્મના પડદા પર કળાત્મક ચિત્રણ કરવા માટે જાણીતા હતા.

સેને 1955માં રાત ભોર નામની બંગાળી ફિલ્મ ફિલ્મ સાથે દિગ્દર્શક તરીકે દેશના ફિલ્મ ઉદ્યોગમાં એન્ટ્રી કરી હતી. તે ફિલ્મમાં ઉત્તમ કુમાર હિરો હતા.

મૃણાલ સેનનાં નિધનથી બંગાળી ફિલ્મ ઉદ્યોગ શોકગ્રસ્ત થયો છે.

બંગાળી અભિનેત્રી અને નિર્દેશિકા અપર્ણા સેને કહ્યું કે એમને માટે મૃણાલદા એક દિગ્દર્શક, એક સહયોગી ઉપરાંત એક પારિવારિક સભ્ય સમાન હતા.

પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પાર્ટીનાં વડાં મમતા બેનરજી સહિત અને અગ્રગણ્ય બંગાળી નેતાઓએ સેનને શ્રદ્ધાંજલિ આપી છે. એવી જ રીતે, પ્રસન્નજીત તથા પરમબ્રત ચેટરી જેવા કલાકારોએ પણ સેનને શ્રદ્ધાંજલિ આપી છે.

મૃણાલ સેનના પરિવારમાં એક પુત્ર કુણાલ સેન છે.