તો ફારાહ ખાનના બે ટુકડા થઈ જાત!

બોલીવૂડનાં જાણીતાં કોરિયોગ્રાફર અને નિર્દેશિકા ફારાહ ખાન તાજેતરમાં મુંબઈમાં એક ફિલ્મ સ્ટુડિયોમાં ટીવી શોનું શૂટિંગ કરતી વખતે ઘાયલ થયાં હતાં. એમનાં પગમાં ફ્રેક્ચર થયું હતું અને એમને વ્હીલચેરગ્રસ્ત થવું પડ્યું હતું. ડોક્ટરે એમને ત્રણ અઠવાડિયા સુધી આરામ કરવાની સલાહ આપી હતી. એને કારણે એ સોનમ કપૂરનાં લગ્નમાં સંગીત પ્રસંગે હાજરી આપી શક્યાં નહોતાં.

આ જ ફારાહ ખાન વર્ષો પહેલાં અમેરિકામાં એક જીવલેણ અકસ્માતનો ભોગ બન્યાં હતાં. એમના નસીબ બળવાન હતા કે એ ત્યાંથી જીવતા પાછાં આવ્યાં.

‘ચિત્રલેખા’ના ફિલ્મ મેગેઝિન ‘જી’ના 16-31 ડિસેમ્બર, 1998ના અંકમાં ફારાહ ખાને વિગતવાર જણાવેલો એ કિસ્સો પ્રકાશિત થયો હતો, જે નીચે મુજબ છેઃ

બોની કપૂર નિર્મિત ફિલ્મ ‘પુકાર’ના શુટિંગ માટે અમેરિકાના અલાસ્કા ગયેલી કૉરિયોગ્રાફર ફારાહ ખાનને ભારત છોડતી વખતે ક્યાં ખબર હતી કે ત્યાંની ગાત્રો ગાળી નાખતી ઠંડીમાં એના કેવા હાલ થવાના હતા.

અલાસ્કામાં એવું શું છે કે શૂટિંગ કરવાનું મન થાય? આવો પ્રશ્ન કોઈના પણ મનમાં ઉદભવે એ સાવ સ્વાભાવિક છે. પણ બોની કપૂર જેવો વૈભવી સર્જક પોતાની ફિલ્મનાં વિઝ્યુઅલ્સ અફલાતૂન બનાવવા કટિબદ્ધ હતો તેથી એ કોઈ કચાશ રાખવા માંગતો નહોતો. બૉની એ જ અલાસ્કાની હિમશીલાઓ પર એક આખું ગીત શૂટ કરવા માગતો હતો. માધુરી દીક્ષિત-અનિલ કપૂર અને ડાયરેક્ટર રાજકુમાર સંતોષી તથા ટેક્નિશિયનો સૌ માટે આ મહામુશ્કેલ કામગીરી હતી. બોની અગાઉથી જ લોકેશન શોધવા માટે અમેરિકા જવા રવાના થઈ ગયો હતો. જો કે પહેલા ત્રણ દિવસ યુનિટ કાંઈ જ ન કરી શક્યું, કારણ કે ફૉરેન શૂટિંગ અને રૉક શોઝના આયોજનમાં નિષ્ણાત વિક્રમ સિંહ સાથે બોની હજુ લોકેશનની શોધખોળમાં વ્યસ્ત હતો. પ્રોડેક્શનમાં વિક્રમ બોનીને મદદ કરતો હતો.

લોકેશન શૂટિંગ કરતા એક દિવસ વિક્રમ અને ફારાહ ખાન વિડિયો કૅમેરા લઈને વેનમાં કુછ કુછ હોતા હૈનું ગીત સાંભળતા રવાના થયો. ફારાહ કહે છે: એક સ્થળે પહોંચતા જ અમે ખૂબ જ નરમ કળણ જેવી જગ્યાએ ગયા. અચાનક વિક્રમને કાને મારો આર્તનાદ પહોંચ્યો: વિક્રમ વિક્રમ હું મુસીબતમાં છું. પ્લીઝ મને બહાર નીકળવામાં મદદ કર.

પાછું વળીને વિક્રમે જોયું તો ફારાહ ઘૂંટી સુધી કળણમાં ખૂંપી ગઈ હતી. બીજી જ પળે વિક્રમને પણ એવો જ અનુભવ થયો. એ પોતે પણ ખૂંપવા માંડ્યા હતા. તેથી ફારાહને ખેંચી કાઢવી ભગીરથ કાર્ય બની ગયું. વિક્રમે ડેનિમ શર્ટ અને ટી-શર્ટ કાઢીને બન્નેની ગાંઠ વાળી જેથી ફારાહને ખેંચી શકાય, પણ પ્રયાસ વ્યર્થ નિવડ્યો. ત્યાં સુધીમાં ફારાહ વધુ અંદર ખૂંપતી જતી હતી.

વિક્રમને સમજાઈ ગયું કે પોતાની મેળે એ ફારાહને ખેંચી નહીં શકે અને બીજી મદદની તાત્કાલિક જ‚રૂર હતી. માંડ એ પોતે તો કળણમાંથી છૂટી શક્યો. પણ માઈલો સુધી કોઈ કરતાં કોઈ માણસ દેખાતું નહોતું. એણે ફારાહને મદદ લેવા જવાનું કહીને કાર તરફ દોટ મૂકી. કાર સુધી પહોંચ્યો ત્યાં ફારાહની ચીસ સાંભળી: વિક્રમ, હેલ્પ મને મદદ કર. એકલી છોડીને ન જા, ત્યારે વિક્રમને મામલો ગંભીર લાગ્યો, ફારાહ કળણમાં ફસાઈ હતી. જો સમયસર મદદ નહીં મળે તો ગોઝારી ઘટના સર્જાઈ જાય તેથી વિક્રમ કારમાં બેઠો અને કાર મારી મૂકી. ફારાહ સ્મિત કરતા એ ગોઝારા બનાવની વાત આગળ વધારતા કહે છે: વિક્રમ મને છોડીને જતો રહ્યો ત્યારે હું એવી તો ગભરાઈ ગઈ કે ભગવાનને પ્રાર્થના કરી. પછી લાગ્યું કે મારે શિયાંવિયાં વાને બદલે માનસિક સંતુલન જાળવવું જોઈએ. નહીંતર બચવાની આશા જ નહીં રહે, પછી મનોમન પાકો વિચાર કર્યો. હું અલાસ્કા મરવા માટે નથી આવી! મરીશ તો મારા ઈન્ડિયામાં જ. બીજે ક્યાંયે નહીં.

નસીબે યારી આપી. ત્રણ-ચાર માઈલ ડ્રાઈવ કર્યા પછી વિક્રમને થોડાં ઘરો દેખાયા. એણે દરેકના બારણા ખખડાવવા માંડ્યા, એક બારણું ઉઘડ્યું. વિક્રમે ટૂંકમાં સમસ્યા સમજાવી. પેલો પાડોશીને ત્યાં દોડ્યો. બન્નેએ લાંબા પાટિયાઓ સેરવી વૅગનમાં મૂક્યા. વિક્રમની કારની પાછળ અનુસરવા લાગ્યા. વિક્રમ રસ્તો ભૂલી ગયો. એણે સમયની સામે દોટ મૂકવાની હતી… અંતે વિક્રમ સહિત ત્રણેય દુર્ઘટનાને સ્થળે પહોંચ્યા ત્યાં સુધી ફારાહ કમ્મર સુધી કળણમાં ખૂંપી ગઈ હતી. અને થરથર ધ્રૂજતી હતી!

તાબડતોબ પાટિયાઓ ગોઠવવામાં આવ્યાં. ‘છ ફીટથી વધુ ઊંચા પડછંદ અમેરિકને મને ખેંચવાની કોશિશ કરી પણ કાદવ તો સિમેન્ટની માફક ચોંટી ગયો હતો. અને મને નીચે જ ખેંચતો હતો. તેથી એમણે પાવડા વતિ મારી આસપાસ ખોદવા માંડ્યું. વિક્રમ મદદ માટે દોડ્યો ત્યારે હું ઉપર આવવા પ્રયત્ન કરવા લાગી ત્યારે કળણમાં મારો એક પગ જકડાઈને થીજી ગયો હતો. મને ખેંચી કાઢવાનું એ લોકો માટે મુશ્કેલ બની ગયું.’ વધુ બળ વાપરવા જાય તો ફારાહના બે ટુકડા થઈ જાય. પેલા પાટિયાં પણ હવે ખૂંપવા લાગ્યા… એમણે છેલ્લું પાટિયું ગોઠવીને ખોદવાનું ચાલુ જ રાખ્યું…

છેવટે તેઓ મોતના ખાડામાંથી ફારાહને ખેંચી કાઢવામાં સફળ થયા. આ પ્રક્રિયામાં ફારાહ સાવ થીજી ગયેલી અને કમ્મર હેઠળ રેતીના થર સાથે બહાર આવી. મારા મોજાં-શૂઝ કે પાયજામાના ઠેકાણા નહોતા.

ફારાહને બ્લેન્કેટમાં વીંટવામાં આવી. કારમાં બેસાડીને ઘર તરફ કાર મારી મૂકી. ગરમ પાણી ઉપલબ્ધ નહોતું તેથી કીટલીમાં પાણી ગરમ કરીને ધીમે ધીમે રેતી સાફ કરી. એ માંડ નોર્મલ થઈ. જરા સ્વસ્થ થતા વિક્રમ ફારાહને લઈ હોટલમાં ગયો. કુછ કુછ હોતા હૈનું ગીત ચાલુ જ હતું. આ ગોઝારા અનુભવથી હું અને વિક્રમ એકદમ થીજી જ ગયાં હતાં. હોટલે પહોંચ્યા પછી હું ભાંગી પડી. ધ્રુસ્કે ધ્રુસ્કે રડી પડી.

બન્નેને લાંબા સમયથી ગેરહાજર જોઈને બોની તાડૂકી ઊઠ્યો. આણે કેમ બ્લેન્કેટ પહેર્યું છે? થયું શું? વિક્રમે આખો રોમાંચક અને જીવલેણ કિસ્સો સંભળાવ્યો ત્યારે બોની નરમ પડ્યો. વ્યગ્ર બનીને ફારાહને પૂછવા લાગ્યો: હવે કેમ છે?

આજે ફારાહ હસીને ઉમેરે છે: હું ત્યાં કાદવમાં ખૂંપીને મરવાને આરે આવેલી છતાં મારે કારણે શેડ્યુલ કૅન્સલ થવાની, પૈસાનો વ્યય થવાની અને બોનીની ચિંતા મને સતાવતી હતી.

યુનિટમાં અલાસ્કાના માણસો તો આ કિસ્સો સાંભળીને દ્રવી ઉઠ્યા અને ફારાહની રૂમ પુષ્પગુચ્છો અને ચોકલેટથી ઊભરાવા માંડી.

 

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]