ભારતીય સિનેમાના પિતામહ દાદાસાહેબ ફાળકે વિશે ન જાણેલી વાતો…

ભારતીય સિનેમા અને ટેલિવિઝનના વૃદ્ધિ અને વિકાસમાં અસાધારણ યોગદાન આપવા બદલ મનોરંજનઉદ્યોગની જાણીતી હસ્તીઓને દર વર્ષે ભારત સરકાર તરફથી દાદાસાહેબ ફાળકે એવોર્ડ આપીને સમ્માનિત કરવામાં આવે છે. તો મુંબઈસ્થિત દાદાસાહેબ ફાળકે ફાઉન્ડેશન તરફથી દાદાસાહેબ ફાળકે એક્સલન્સ એવોર્ડ એનાયત કરવામાં આવે છે. આ વર્ષે બેસ્ટ એક્ટરનો ફાળકે એવોર્ડ શાહિદ કપૂરને (‘પદ્માવત’), બેસ્ટ એક્ટ્રેસ (ક્રિટીક) અદિતી રાવ હૈદરી (‘ભૂમિ’)ને આપવામાં આવ્યો.

જેમના નામે આ એવોર્ડ આપવામાં આવે છે એ દાદાસાહેબ ફાળકે વિશે ‘ચિત્રલેખા-જી’ મેગેઝિનના મે-૨૦૦૬ના અંકમાં પ્રકાશિત થયેલા રજનીકુમાર પંડ્યા લિખિત એક લેખની વિગત અહીં પ્રસ્તુત છે… 

આપણી ફિલ્મોનો પાયો નાખનારા દાદાસાહેબ ફાળકેના જીવનમાં મૂંગી ફિલ્મોએ ચમત્કાર કર્યો હતો. છતાં, અનેક ફિલ્મી હસ્તીઓની જેમ એમના જીવનનો ઉત્તરાર્ધ દુઃખમય હતો.
એ પણ વિધિની વક્રતા જ ગણાય કે શાંતારામ જેવા એક સામાન્ય અને નાટકના પડદા ઊંચકનારામાંથી આવા પ્રચંડ પ્રતિભાવાન ફિલ્મસર્જક બનનારાનો ડંકો પ્રભાતના નેજા હેઠળ ચોગરદમ બજી રહ્યો હતો ત્યારે એ જ વર્ષે ૧૯૩૭માં ભારતીય ફિલ્મઉદ્યોગના ભીષ્મપિતામહ ગણાતા દાદાસાહેબ ફાળકેની છેલ્લી ફિલ્મ ‘ગંગાવતરણ’ કોલ્હાપુર સિનેટોન કું. કોલ્હાપુરના બેનર નીચે આવી. ફિલ્મ સાવ નિષ્ફળ ગઈ. દાદાસાહેબ સાવ દેવાળિયાની સ્થિતિમાં આવી ગયા અને શાંતારામે એમને આર્થિક સહાય કરવાનો વારો આવ્યો હતો.

૧૯૧૩માં ભારતીય ફિલ્મોદ્યોગનો પાયો નાખનાર દાદાસાહેબ ફાળકે ૧૮૭૦માં નાસિક પાસેના ત્ર્યંબકેશ્વર ગામે જન્મ્યા હતા. પોતે ફિલ્મનિર્માતા બનશે તેવી કોઈ પૂર્વકલ્પના એમના મનમાં ઊંડે ઊંડે પણ નહોતી. એ તો ચિત્રકળાના રસિયા હતા. ૧૮૮૫માં તેમણે મુંબઈની જે.જે. સ્કૂલ ઓફ આર્ટ્સમાં કળાનું શિક્ષણ લીધું અને પછી ગુજરાત સાથે નાતો જોડ્યો. વડોદરાના કલાભવનમાં ૧૮૯૦માં જોડાયા અને એ જ વર્ષે એમણે પોતાનો પહેલો સ્ટિલ કેમેરા ખરીદ્યો. ફોટોગ્રાફર તરીકેનો વ્યવસાય શરૂ કરવા માટે ગોધરામાં દુકાન એટલે કે સ્ટુડિયો નાખ્યો. એમાં ભલીવાર ન વળતાં ૧૯૦૧માં તેઓ એક જર્મન જાદુગર પ્રો. કેલીસ પાસેથી જાદુકલાના પાઠ શીખ્યા. પણ જાદુકલાનો ધંધો એ વખતે આપણા સમાજમાં મદારીનો ગણાતો હોઈને ૧૯૦૨માં વડોદરાના આર્કિયોલોજી વિભાગમાં ફોટોગ્રાફર અને ડ્રાફ્ટમેનની નોકરી સ્વીકારી. આ નોકરી ત્રણ વરસમાં પૂરી થઈ. ફરી રોટલાનો સવાલ પેદા થયો. એટલે કલાક્ષેત્રના આટલા અનુભવ પછી એમણે પેઈન્ટિંગ માટેની આર્ટ એકેડેમી સ્થાપી, અને તે લોનાવલામાં.

આ જ અરસામાં તેમણે સિનેમાસ્કોપ અંગે ક્યાંકથી કશુંક જાણ્યું. રસ પડ્યો એટલે તેને લગતું ઉપલબ્ધ સાહિત્ય વાંચી લીધું. પોતાની સ્ટિલ (સ્થિર) ફોટોગ્રાફી એમને નીરસ જણાવા માંડી, તેથી મિત્રો પાસેથી કરજ લઈને દાદાસાહેબ ૧૯૧૨ની પહેલી ફેબ્રુઆરીએ ઈંગ્લેન્ડ ગયા. ત્યાં બાયોસ્કોપ નામના ફિલ્મ મેગેઝિનના તંત્રી સાથે ભાઈબંધી કરી. તેમના દ્વારા ચલચિત્ર સર્જક સેસિલ હેવર્થનો મેળાપ થયો અને તેના કારણે ચલચિત્ર-નિર્માણનાં કેટલાંક પાસાંનો પ્રત્યક્ષ અભ્યાસ કરવાની તેમને તક મળી. ત્યાંથી જ વિલિયમસન નામનો મૂવી કેમેરા ખરીદી લીધો અને ભારત આવતાં પહેલાં ‘ગ્રોથ ઓફ અ પ્લાન્ટ’ નામનું લઘુચિત્ર બનાવ્યું, જેમાં વનસ્પતિ છોડના વિકાસના ક્રમિક તબક્કા ઝડપ્યા અને પછી તેનું સંકલન કરી નજર સામે જ છોડ ઊગતો હોય તેવો આભાસ કરી બતાવ્યો. આ તેમનું ભારતબહારનું પ્રથમ ફિલ્મનિર્માણ ગણાય, પણ તે કથાચિત્ર નહોતું, અને વળી ટૂંકું હતું.

પાછા આવીને દેશનું સર્વપ્રથમ કહી શકાય એવું ચલચિત્ર બનાવ્યું તે ‘રાજા હરિશ્ચંદ્ર’, જેમાં તારામતિનું પાત્ર ભજવવા કોઈ સ્ત્રી તૈયાર ન થતાં એક સામાન્ય હોટલમાં કામ કરતા સાળુંકે નામના જુવાનને તૈયાર કર્યો. હરિશ્ચંદ્રની ભૂમિકા માટે ડી.ડી. દાબકે અને રાહુલની બાળભૂમિકા માટે પોતાના જ પુત્ર ભાલચંદ્રને ગોઠવી દીધા. નિર્માણથી માંડીને પ્રચારક સુધીની તમામ જવાબદારી એકલે હાથે નિભાવી. વળી, આ શિલ્પના નિર્માણની પ્રક્રિયા બતાવતી એક ડોક્યુમેન્ટરી પણ બનાવી. ફિલ્મને ભારતના થિયેટરમાં રજૂ કરતાં પહેલાં એક ખાસ ખાનગી શો નિમંત્રિતો માટે પણ ગોઠવ્યો. ને પછી મુંબઈના કોરોનેશન થિયેટરમાં ૧૯૧૩ની એકવીસમી એપ્રિલે એનો પ્રીમિયર શો કરી જાહેરજનતા માટે ખુલ્લું મૂક્યું. ભારતની આ પ્રથમ ફીચર ફિલ્મ ત્રેવીસ દિવસ લગી ચાલી એ તો ભારે સફળતા ગણાઈ. અલબત્ત, એક વાત નોંધવી ઘટે કે પેરિસમાં લુમિયર બંધુઓએ દુનિયામાં પહેલીવાર પડદા ઉપર ચલચિત્ર રજૂ કર્યું હતું તે મે, ૧૮૯૬માં, તે પછી સાત જ મહિને તેની રજૂઆત ભારતમાં મુંબઈની વોટસન હોટેલમાં થઈ હતી પણ તે ફિલ્મ ન તો ભારતીય હતી કે ન તો સુગ્રથિત ફીચર ફિલ્મ. એટલે સ્વદેશી ફિલ્મ ઉદ્યોગની શરૂઆત તો એ પછી સત્તર વર્ષે આ દાદાસાહેબ ફાળકે (પૂરું નામ ધુંડીરાજ ગોવિંદ ફાળકે) દ્વારા જ થઈ. એ પછી તો એમણે અનેક ફિલ્મો (અલબત્ત, મૂક ફિલ્મો) બનાવી અને પ્રતિષ્ઠા હાંસલ કરી. ભારતની પ્રથમ મહિલા અભિનેત્રી કમલાબાઈ ગોખલેને પોતાની ફિલ્મ ‘મોહિની ભસ્માસુર’માં લઈ આવવાનું શ્રેય પણ તેમને જ જાય છે. આ કમલાબાઈ ગોખલે તે અત્યારના મશહૂર ચરિત્ર અભિનેતા વિક્રમ ગોખલેનાં નાની.

‘રાજા હરિશ્ચંદ્ર’ ફિલ્મના એક દ્રશ્યની તસવીર, (જમણે) કમલાબાઈ ગોખલે

દાદાસાહેબ ફાળકેએ અનેક સુંદર મૂક ફિલ્મો બનાવી, જેમાં ફાલકે એન્ડ કંપનીના નેજા હેઠળ ૧૯૧૮ સુધીમાં પાંચ ફિલ્મો બનાવી. એમાં વળી ‘રાજા હરિશ્ચંદ્ર’ની સુધારેલી આવૃત્તિ પણ આવી ગઈ. ઉપરાંત મોહિની ભસ્માસુર, લંકાદહન, સત્યવાન-સાવિત્રી વગેરે ચિત્રો હતાં. આ પછી ૧૯૧૮થી ૧૯૨૪ સુધીમાં હિંદુસ્તાન ફિલ્મ કંપનીના નેજા હેઠળ ‘કૃષ્ણજન્મ’થી માંડીને ‘શિશુપાલવધ’ સુધીની તેંત્રીસ ફિલ્મો બનાવી અને તે બધી જ પૌરાણિક. માત્ર એમાં એક અપવાદ તે ‘કન્યાવિક્રમ’ (૧૯૨૩). ૧૯૨૪થી બોલપટના આગમન ૧૯૩૨ સુધીમાં દાદાસાહેબે હિંદુસ્તાન ફિલ્મ કંપનીના બેનર હેઠળ એકસઠ મૂંગી ફિલ્મો બનાવી. તેમાં છેલ્લી હતી ‘સેતુબંધન’. આ ‘સેતુબંધન’ને બોલપટ તરીકે બનાવીને બોલતી ફિલ્મોના નિર્માણનો દાદાસાહેબે ૧૯૩૪માં આરંભ કર્યો, પણ તેની કોઈ વિગતો મળતી નથી એટલી બધી હદે એ ભુલાઈ ગઈ છે. ફિલ્મ નિષ્ફળ ગઈ. પહેલી ફિલ્મ ‘રાજા હરિશ્ચંદ્ર’ બનાવી ત્યારે જ દાદાસાહેબની ઉંમત તેંતાલીસ વર્ષની હતી. અને આ ‘સેતુબંધન’ બનાવી ત્યારે એકલી હિંદીમાં બનાવી અને ત્યારે એમની ઉંમર હતી ચોસઠ વર્ષની. મૂક ફિલ્મોના નિષ્ણાત એવા દાદાસાહેબ ન્યૂ થિયેટર્સ કે પ્રભાત જેવી નવી સોફિસ્ટિકેટેડ નિર્માણસંસ્થા સામે ઝીંક ઝીલી ન શક્યા. થાકી ગયા. તબિયત પણ લથડી. નાણાંની તંગી બહુ નડતી હતી. ત્રણેક વર્ષ હાથ જોડીને બેઠા રહ્યા પછી એમની જૂની આબરૂની મૂડી પર કોલ્હાપુરના મહારાજે તેમને એક ફિલ્મના નિર્માણ માટે નિમંત્રણ આપ્યું. બજેટ પણ જંગી આપ્યું અને વિષય પણ તેમની ફાવટવાળો પૌરાણિક આપ્યો. ‘ગંગાવતરણ’ મરાઠી-હિંદી એમ બંનેમાં બનાવવાની છૂટ આપી. ભરપૂર ચમત્કારો અને ફેન્ટસી ભરવાની પણ ના ન પાડી. વિશેષ અસરો (સ્પેશિયલ ઈફેક્ટ્સ) માટેના કામ માટે દાદાસાહેબના પુત્ર બાબરાય ફાળકેની મદદ લીધી. એટલું જ નહીં, અમૃતમંથન (પ્રભાત)ના સફળ ગયેલા નવલકથાકાર નારાયણ હરિઆપ્ટેને રોક્યા. (જો કે તેમનું નામ શ્રેયનામાવલીમાં નહોતું, કારણ કે પ્રભાત સાથે તેઓ અનુબંધિત હતા). આ બધું છતાં જેમની ઉપર વય અને થાકનો કાટ લાગ્યો હતો તેવા દાદાસાહેબની કારકિર્દીનો તો અંત આવ્યો. સાથે જ, કોલ્હાપુરના મહારાજાની એ નવી નિર્માણસંસ્થા કોલ્હાપુર સિનેટોન કંપનીને પણ તાળાં દેવાઈ ગયાં.

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]