માનો યા ન માનો: અશોકકુમારને જ્યારે ભૂતનો ભેટો થયો હતો…

બોલીવૂડની ફિલ્મોના આદરણીય અને લોકપ્રિય અભિનેતા સ્વ. અશોકકુમારના જીવનની ઓછી જાણીતી વાતો ‘ચિત્રલેખા’ ગ્રુપના ‘જી’ ફિલ્મ મેગેઝિનના ૧૬-૩૦ સપ્ટેંબર, ૧૯૯૮ના અંકમાં પ્રકાશિત થઈ હતી. એમાંનો એક કિસ્સો અહીં પ્રસ્તુત છેઃ

ભૂતપ્રેતમાં અશોકકુમાર માનતા નહોતા. ભૂતપ્રેતમાં માનનારની ઠેકડી ઉડાવતા. ઠેકડી કરવી પડે એવી એક ઘટના પણ બોમ્બે ટોકિઝ (મુંબઈના મલાડમાં એ વખતના ફિલ્મ સ્ટુડિયોનું નામ)ના કમ્પાઉન્ડમાં બનેલી. ૧૯૩૦ અને ‘૪૦ના દાયકાઓમાં બોમ્બે ટોકિઝ એક નાનકડા શહેર જેવી કંપની હતી. તેમાં ત્રણથી ચાર હજાર માણસો રહેતા હતા અને કામ કરતા. અશોકકુમારે કંપની ખરીદી લીધા પછી વારંવાર સાંભળવા મળતું કે કંપનીના કમ્પાઉન્ડમાં મોડી રાત્રે હિમાંશુ રોયનું ભૂત દેખાય છે. અશોકકુમારે આ વાતના મૂળ સુધી જવાનું નક્કી કર્યું અને ખંતપૂર્વક લાગી પડ્યા. તેમણે શોધી કાઢ્યું કે કામગારો જેને હિમાંશુ રોયનું ભૂત માને છે તે ખરેખર તો આર્ટ ડાયરેક્ટર ટાગોર નામના સાથીદાર હતા. એ મોડી રાત સુધી કામ કરતા અને પછી સદ્દગત હિમાંશુ રોયની જેમ ‘555’ સિગારેટ ફૂંકતા કમ્પાઉન્ડમાં લટાર મારતા. ટાગોરને પણ હિમાંશુ રોયની જેમ સફેદ પેન્ટ શર્ટ અને સફેદ બૂટ પહેરવાની ટેવ હતી. અડધી રાત્રે ટાગોરને જોઈને અભણ કામગારો હિમાંશુ રોયનું ભૂત સમજી બેસતા.

આ બનાવ પછી અશોકકુમાર ભૂતપ્રેતની ઠેકડી વધુ કરવા માંડ્યા. પરંતુ તેમને પોતાને એક અનુભવ એવો થઈ ગયો કે તેમની માન્યતા ધરમૂળથી બદલાઈ ગઈ એટલું જ નહીં, એ ઘટના પરથી તેમણે એક ફિલ્મ બનાવી જે દેશની પહેલવહેલી રહસ્ય ફિલ્મ બની રહી. એ ફિલ્મ ‘મહલ’ની પાર્શ્વભૂમિકા આવી છે.

૧૯૩૮માં અશોકકુમાર પત્ની સાથે રજા ગાળવા ખંડાલા ગયેલા. ત્યાં એક પણ બંગલો ખાલી નહોતો. જીજીભાઈ હાઉસ નામે બંગલો ખાલી હતો, પણ સ્થાનિક લોકો એને ભૂત બંગલો કહેતા એટલે કોઈ ત્યાં રહેતું નહોતું. અશોકકુમારે ચેલેન્જ તરીકે એ બંગલામાં રહેવાનું બીડું ઝડપી લીધું. પતિ-પત્નીને જમાડીને બંગલાનો નોકર સગાને મળવાને બહાને છટકી ગયો. એની ઈચ્છા ભૂત બંગલામાં રાતવાસો કરવાની નહોતી.

મોડી રાત્રે અશોકકુમારને કંઈ બૂમાબૂમ સંભળાઈ. એ બંગલાની પરસાળમાં આવી બગીચો ઓળંગીને ફાટક પાસે ગયા. એક મહિલા મોટર પાસે ઊભી રહીને પોતાના ડ્રાઈવર પર ગુસ્સો કરતી હતી. મહિલા સારા-સુખી ઘરની દેખાતી હતી. અશોકકુમારે ગુસ્સાનું કારણ પૂછ્યું તો એ મહિલાએ કહ્યું, ગાડી ગરમ થઈ ગઈ છે એટલે પાણી જોઈતું હતું. નીકળતી વખતે ડ્રાઈવરે ચેક કરવું જોઈએને!

અશોકકુમારે કહ્યું, કંઈ વાંધો નહીં. હું તમને પાણી આપું છું. આવો. પેલી મહિલા અને ડ્રાઈવર સાથે બંગલાની પરસાળમાં આવી. અશોકકુમારે ઠંડા પાણીની બાટલી ડ્રાઈવરને આપતાં સૂચવ્યું, ગાડી બરાબર ચાલુ કરી જોજે. ઠંડીના દિવસ હતા એટલે અશોકકુમારે પેલી મહિલાને બ્રાન્ડી-વ્હિસ્કીની ઓફર કરી. પેલી સ્ત્રીએ નમ્રતાથી ના પાડી. પછી થેંક્સ કહીને અશોકકુમારને સૂઈ જવાની વિનંતી કરી.

અશોકકુમારે બંગલાનો દરવાજો અંદરથી બંધ કર્યો અને સૂઈ ગયા. દોઢેક કલાક પછી કોઈની ચીસ સંભળાઈઃ બચાવો…

અશોકકુમાર ચોંકીને સફળા ઊઠ્યા. ટોર્ચ અને પિસ્તોલ લઈને બહાર આવ્યા. જોયું તો મોટરમાં એક માણસ છેલ્લા શ્વાસ લઈ રહ્યો હતો. કોઈએ એનું ગળું કાપી નાખ્યું હતું. સારી એવી ઠંડીમાંય અશોકકુમાર પરસેવે રેબઝેબ થઈ ગયા. તરત બંગલામાં ઘુસી જઈ વ્હિસ્કીના બે પેગ લઈને ચૂપચાપ સૂઈ ગયા. સવારે ઊઠીને જોયું તો બંગલાના દરવાજે ન કાર હતી ન મૃતદેહ!

તેમણે ખંડાલા પોલીસ સ્ટેશને જઈને વાત કરી. ટોચના અભિનેતા તરીકે બધા તેમને પિછાણતા હતા. ફરજ પરના ઈન્સ્પેક્ટરે એમને પૂછ્યું, ‘સાહેબ, તમે કયા બંગલામાં ઊતર્યા છો?’

‘કેમ, જીજીભાઈ હાઉસમાં.’

ઈન્સ્પેક્ટરે કહ્યું, ‘તમને કોઈએ કહ્યું નહોતું કે એ સ્થળ ભૂત બંગલા તરીકે જાણીતું છે? તમે જે ગળું કપાયેલા આદમીની વાત કરો છો એ ખૂન આજથી ચૌદ વરસ પહેલાં થયેલું. એક સ્ત્રીએ ખૂન કરેલું. પાછળથી એ સ્ત્રી એક મોટર એક્સિડન્ટમાં મરી ગઈ હતી. ત્યારથી એ બંગલામાં ઊતરનારને વિચિત્ર અનુભવો થાય છે.’

અશોકકુમાર વ્યગ્ર થઈ ગયા. ખંડાલાથી પાછા મલાડ આવીને તેમણે મિત્રોને વાત કરી. કમાલ અમરોહીએ એવી જ એક વાર્તા અશોકકુમારને સંભળાવી. એના પરથી અશોકકુમારે ફિલ્મ બનાવીઃ મહલ, જેમાં ખેમચંદ પ્રકાશનું સંગીત હતું અને લતા મંગેશકરે ગાયેલું ‘આયેગા આનેવાલા’ ગીત સુપરહિટ થઈ ગયું. લતાનાં યાદગાર ગીતોમાં એ સ્થાન પામ્યું છે.

(માહિતી સંકલનઃ અજિત પોપટ)

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]