આશા પારેખ: જિંદગીના એ પહેલાં પહેલાં અનુભવો…

ડાન્સર, અભિનેત્રી, નિર્દેશિકા, નિર્માત્રી, વહીવટકાર વગેરે અનેક ભૂમિકાઓમાં અનુભવોનું ટનબંધ ભાથું બાંધનાર આશા પારેખ અહીં અનેક ક્ષેત્રોમાં પહેલું ડગલું માંડતી વખતે થયેલી બેચેનીની અનુભૂતિને ઉત્સાહભેર વાગોળે છે.

(‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ લેખ છે ૨૦૦૧ દીપોત્સવી અંકનો)


આશા પારેખની અભિનય કારકિર્દી ખાસ્સી લાંબી અને સફળ રહી છે. ૧૯૫૯માં ‘દિલ દે કે દેખો’થી હીરોઈન તરીકે ચમકેલી આશા પારેખે ૪૦ વર્ષની કારકિર્દીમાં ૩૦ વર્ષ હીરોઈન તરીકે રાજ કર્યું. ચરિત્ર ભૂમિકાઓ ઉપરાંત ફિલ્મોના વિતરણ અને સિને આર્ટિસ્ટ ઍસોશિયેશનની પ્રેસિડેન્ડ તરીકે સેન્સર બૉર્ડની ચેરપર્સન તરીકે કામગીરી બજાવી. ‘જ્યોતિ’ સિરિયલથી નિર્માત્રી તરીકે ચમક્યા પછી ‘કોરા કાગઝ’ અને ‘કંગન’ સ્ટાર પ્લસ પર આવી. આવું બહુરંગી જીવન જીવનાર આશાબહેન અહીં જીવનના કેટલાક પ્રથમ અનુભવોની વાતો કહે છે.

આશા પારેખઃ મોહક અતીત, ગૌરવવંતો વર્તમાન


પહેલી સ્કૂલ: અમે રહેતા સાન્તાક્રુઝમાં પણ શહેરની સૌથી ઉત્તમ સ્કૂલમાં ભણવા હું મુંબઈ શહેરની જે.બી.પીટીટ ગર્લ્સ સ્કૂલમાં દાખલ થઈ. મમ્મી-પાપાએ મને મુંબઈમાં વસતાં દાદા-દાદીને ત્યાં રાખી. પરંતુ મમ્મી-ડેડીને ખૂબ યાદ આવતી અને હું હીજરાયા કરતી. તેથી મેં જ સામે ચાલીને સાન્તાક્રુઝથી બસમાં મુંબઈ જવાની જીદ કરી, જેથી હું મમ્મી-પાપા સાથે રહી શકું. જો કે, મૉર્નિંગ સ્કૂલ હોવાથી સવારે પાંચ વાગે ઊઠીને નીકળી જવું પડતું. અને બપોરે અઢી વાગે પાછી ફરતી ત્યારે ઘણી વાર બસમાં જ ઊંઘી જતી અને અંધેરી પહોંચી જતી. આ બધી મુશ્કેલી હું એટલા માટે હોંશથી વેઠતી જેથી હું મમ્મી-પાપાની છત્રછાયા નીચે રહી શકું. મારી સ્કૂલ મને ખૂબ ગમતી.


ટ્રેનનો પ્રથમ પ્રવાસ: એક વર્ષ બસનો પ્રવાસ ખેડ્યા પછી જ્યારે મને ખબર પડી કે મારી ફ્રેન્ડ્સ ટ્રેનમાં આવ-જા કરતી ત્યારે મેં પણ ઘરમાં એવી ધમાલ મચાવી દીધી કે ટ્રેનમાં જવાની પરવાનગી મળી ગઈ. ટ્રેનમાં ભીડ ન હોવાથી ધીંગામસ્તી કરવાની ભારે મોજ પડતી. ટીસી ધમકાવતો પણ અમારાં મસ્તી-તોફાનમાં ઓટ નહોતી આવતી.


સ્ટેજનો પ્રથમ અનુભવ: પ્રેમનાથજી-બીના રાય અમારી પડોશમાં રહેતા. હું જેવુંતેવું નૃત્ય કરતી. પ્રેમનાથજી-બીના રાય-નિમ્મી મારી પાસે વારંવાર નૃત્ય કરાવતાં. સ્કૂલના ગોલ્ડન જ્યુબિલી સમારંભમાં પ્રેમનાથજીને અમારી ટીચર ચીફ ગેસ્ટ તરીકે આમંત્રણ આપવા ગઈ ત્યારે એમણે સામેથી શરત મૂકી કે જો આશાની ડાન્સ આયટમ હશે તો જ હું આવીશ. આવી શરતને લીધે મેં સ્વ.મોહનલાલ પાંડે પાસે દસ દિવસ સુધી કથ્થક અને ભરતનાટ્યમ્નું પૂજા નૃત્યો શીખી લીધાં. સ્ટેજ પર પહેલી જ વાર હજારો લોકો સામે મેં ડાન્સ કર્યો ત્યારે માંડ આઠ જ વર્ષની હતી મને પુષ્કળ પ્રશંસા મળી હતી.


પહેલીવાર કૅમેરાની સામનો: ‘આસમાન’ ફિલ્મમાં બાળ કલાકાર તરીકે પહેલીવાર કૅમેરા સામે ઊભી રહી. શૂટિંગનો પહેલો દિવસ યાદગાર બની ગયો. મારે એક ડાન્સ સીકવન્સ કરવાની હતી. મારો શૉટ આવતા તો મધરાત થઈ ગઈ. સ્કૂલને કારણે મને રોજ સાડા નવ-દસે સૂઈ જવાની ટેવ એટલે હું તો ઊંધી ગઈ. મારો શૉટ આવ્યો ત્યારે મને જગાડવામાં આવી ત્યારે મારી આંખ અડધી જ ઉઘડી, અડધી બંધ. પૂર્ણપણે જાગૃત ન થઈ શકી. નિર્દેશક સુરેશ ભટ્ટે એક તરકીબ શોધી કાઢી. ગાયનને કૉમેડી સ્ટાઈલથી ફિલ્માવી દીધું. એમાં ક્યારેક મારી આંખ ઉઘડતી તો ક્યારેક મીંચાઈ જતી. જોવાની વાત એ છે કે એ દ્રશ્ય ખૂબ જ વખણાયું. ખરી હકીકતની કોને ખબર હતી.


પહેલું ઈનામ: તમને જાણીને નવાઈ લાગશે પરંતુ મને પહેલું ઈનામ નૃત્ય કે અભિનય બદલ નહોતું મળ્યું. બલકે પેન્ટિંગ માટે મળેલું. બચપણથી જ ચિત્રો દોરવાનો ભારે શોખ. એક હરીફાઈમાં ભાગ લીધો. હાથીની સવારીવાળા એ ચિત્રને યુનિસેફ કૉમ્પીટિશનમાં પહેલું ઈનામ મળેલું. એ ઈનામ મેળવીને હું તો હવામાં ઉડવા લાગી. ખૂબ ખુશ થઈ.


પ્રથમ આકર્ષણ: હૉલિવૂડના હેન્ડસમ સ્ટાર રૉક હડસન પ્રત્યે આકર્ષણ જન્મ્યું. એ જમાનામાં એની ફિલ્મો ખૂબ આવતી. એકેય જોવાનું ચૂકતી નહોતી. ફિલ્મનાં મોટાં પોસ્ટરો ભેગાં કરતી. એના સપનામાં જ રાચતી. કદી સાકાર ન થયાં. મારા સપનાનો હીરો એઈડ્સથી પીડાઈને મૃત્યુ પામ્યો ત્યારે ભારે દુ:ખ થયેલું.


પ્રથમ સ્ક્રીન ટેસ્ટ: ‘દિલ દે કે દેખો’ માટે પહેલો સ્ક્રીન ટેસ્ટ લેવાયો. હું ખૂબ જ ગભરાઈ ગયેલી. એ ટેસ્ટ પર હીરોઈન બનવાનું નિર્ભર હતું. સેટ પર પહોંચી ત્યારે ખબર પડી કે સાધના પણ એ જ ટેસ્ટ માટે આવવાની હતી. એ ન આવી. દરેક એંગલથી ફોટા લેવામાં આવ્યા. ભાવ પ્રદર્શન ચકાસવામાં આવ્યું ત્યારે હું ચૂંટાઈ આવી.


નાયિકા તરીકે પહેલી ફિલ્મ ‘દિલ દે કે દેખો’માં આશા પારેખની શમ્મી કપૂર સાથેની જોડી જામી ગઈ

પહેલો હીરો: મારા પહેલો હીરો શમ્મી કપૂર હતા. ત્યાં સુધી તેઓ કેટલીયે ફિલ્મો કરી ચૂક્યા હતા. પરંતુ સેટ પર ક્યારેય હું નવોદિત છું એવો એહસાસ ન થવા દીધો. એમની ખૂબી એ કે સેટ પર હંમેશા કાંઈક ન કાંઈક શીખવ્યા જ કરતા. તેઓ મારી પુષ્કળ દેખભાળ રાખતા. ખૂબ જ પ્રોટેક્ટિવ હતા. મારી નાનકડી ઉંમરને કારણે ખરાબ અનુભવ ન થાય એની ખાસ ચોકસાઈ રાખતા. સેટ પર બન્નેની ધીંગામસ્તી ચાલતી જ રહેતી. હું અને શમ્મીજી કૅમેરા ઘુમાવી ઘુમાવીને છોકરીઓને તાક્યાં કરતાં. એમની પત્ની ગીતાબાલી સેટ પર આવતી. મારા વાળ ઓળતી. મેક અપ કરતી. સાચે જ એ દિવસો મોજમસ્તીના હતા.


પ્રથમ નિર્દેશક: આમ તો સુરેશ ભટ્ટ મારા પ્રથમ નિર્દેશક ગણાય. પરંતુ હીરોઈન તરીકે મારા પહેલા નિર્દેશક નાસિર હુસેન હતા. એ વખતે મ્યુઝિકલ ફિલ્મોમાં તેઓ માહિર ગણાતા. પહેલી જ ફિલ્મમાં એમની પાસેથી ઘણું શીખવા મળ્યું. તેઓ એક એક ચીજ શૂટ કરીને દેખાડતા. મેં એમની પાસેથી કૅમેરા એંગલ, શૉટ ડિવિઝન બધું શીખી લીધું. એમની સાથે ઘણી ફિલ્મો કરી. તેઓ એક નોટબુક રાખતા. એમાં બધા જ શૉટ્સ ડિવિઝન દ્રશ્યોની ડિટેલ્સ રાખતા. જ્યારે જલદી જવાનું હોય ત્યારે હું એ નોટબુક વાંચી લેતી.


એક મઝાનો કિસ્સો કહું: ‘આંખોં સે જો ઉતરી હૈ દિલ મેં…’ ગીતનું આઉટડૉર શૂટિંગ ચાલતું હતું ત્યારે અચાનક ખબર પડી કે એક હજાર ફિટ જેટલી જ ફિલ્મની પટ્ટી બચી છે. દિગ્દર્શકે મને સમજાવ્યું કે રીટેક્સ ન થવા જોઈએ. એ દ્રશ્ય અગાઉ કેટલાયે રિહર્સલ્સ કરાવ્યાં. જેથી ફિલ્મોનો બગાડ ન થાય.


હીરોઈન તરીકે પ્રથમ રિલીઝ: ‘દિલ દે કે દેખો’ની રજૂઆતના પહેલા દિવસે હું ખૂબ જ નર્વસ હતી. કારણ કેટલાક લોકોએ હીરોઈન તરીકે મને નકારી કાઢેલી. તેથી દહેશત એક જ હતી કે દર્શકો નકારે નહીં તો સારું. આખો દિવસ રૂમમાં બેઠી રહી. કમાલ તો એ થઈ કે પહેલી જ ફિલ્મ માટે હિટ ગઈ અને હું રાતોરાત સ્ટાર બની ગઈ.


પ્રથમ ફિલ્મફેર એવૉર્ડ: એ જમાનામાં ફિલ્મફેર એવૉર્ડનું પુષ્કળ મહત્ત્વ હતું. ‘કટી પતંગ’ માટે મને પહેલો ફિલ્મફેર એવૉર્ડ મળ્યો. નૉમિનેશનમાં મુમતાઝ અને શર્મિલા ટાગોરનાં નામ પણ હતાં. મેં ‘કટી પતંગ’માં ખૂબ મહેનત કરેલી. રોલ ખૂબ સારો હતો. વાર્તા નવી હતી. ગીતો કર્ણપ્રિય હતાં. છતાં એવૉર્ડનો વિચારેય નહોતો આવ્યો. મારું નામ પોકરાયું ત્યારે હું તો થીજી જ ગઈ ખુશીનો કોઈ પાર ન રહ્યો. કેટલાયે દિવસો સુધી એવૉર્ડના નશામાં ઝૂમતી રહી.

‘કટી પતંગ’ ફિલ્મની ભૂમિકા માટે પહેલો જ ફિલ્મફેર એવોર્ડ મળ્યો હતો


પહેલું ઘર: અગાઉ સાંતાક્રુઝમાં નાનકડું ઘર હતું. ૧૯૬૪માં જમીન ખરીદી. ત્યારે મારી ‘આયે દિન બહાર કે’, ‘તીસરી મંઝિલ’ અને ‘આયા સાવન ઝૂમ કે’ ફિલ્મો રિલીઝ થયેલી. વર્ષોથી અનોખું ઘર બનાવવાની તમન્ના હતી. મારા આ ‘સુધા’ બંગલા રૂપે એ સ્વપ્ન સાકાર થયું. કોટાથી ખાસ લાલ પત્થર મંગાવેલા. આ બંગલામાં એકેય ઈટ નથી. સિમેન્ટ-કોંક્રીટ અને રેડ સ્ટૉન્સથી બનાવવામાં આવ્યો. આર્કિટેક્ચર મી. ગાંધી હતા. આ બંગલાની પુષ્કળ ચર્ચા થયેલી, ઘણાએ ટીકા કરેલી. ગોળ ગોળ ભૂલભૂલામણી જેવો છે. પ્રેમથી ચણાવેલા આ બંગલામાં જિંદગીની કેટલીયે સ્મૃતિઓ જોડાઈ છે.

‘આયે દિન બહાર કે’માં ધર્મેન્દ્ર સાથે


પહેલી ગાડી: પિતા વ્યાપારી છે એટલે ગાડી તો પહેલેથી જ હતી. ૬-૭ વર્ષની હતી ત્યારે મેં ગાડી જોઈ હતી. મારી કમાણીથી ખરીદેલી પહેલી ગાડી ઑસ્ટિન હતી. ડ્રાઈવિંગમાં મોજ પડતી. ભગવાનની કૃપાથી ક્યારેય એક્સિડન્ટ નથી કર્યો.


પ્રથમ ફલૉપ: સ્ટાર બનવા છતાં કેટલીક ફિલ્મો જોઈએ તેવી નહોતી ચાલી. ‘ચિરાગ’ ફલૉપ થઈ એનો ભારે અફસોસ થયેલો. હું ધ્રૂસકે ધ્રૂસકે રડી હતી. રાજ ખોસલાની આ ફિલ્મમાં મારા હીરો સુનીલ દત્ત હતા. ઓમ પ્રકાશજીએ મોટા ભાઈનો દિલચશ્પ અને સશક્ત રોલ ભજવ્યો હતો. મેં ખૂબ મહેનત કરેલી. છતાં એ ન ચાલી. વાસ્તવમાં મારી ઈમેજ ગ્લેમરસ હીરોઈનની હતી. ‘ચિરાગ’માં મેં અંધ હીરોઈનું પાત્ર ભજવેલું. જેની દ્રષ્ટિ પાછી નથી આવતી. એ ઍન્ડ દર્શકોને ન ગમ્યો. એનું ગીત-‘તેરી આંખો કે સિવા દુનિયા મેં રખા ક્યા હૈ’. ખૂબ જ લોકપ્રિય થયેલું.

‘ચિરાગ’ ફલૉપ જતાં આશા પારેખ ધ્રૂસકે ધ્રૂસકે રડી પડી હતી


ચરિત્ર અભિનેત્રી તરીકે પહેલી ફિલ્મ: હીરોઈન તરીકે આખરી ફિલ્મ મેં ‘તુલસી તેરે આંગન કી’ ખૂબ જ હિટ થયેલી. ત્યાર પછી પહેલીવાર ‘કાલિયા’માં ભાભીનો રોલ કરેલો. મને લાગે છે કે સહજતાથી હું હીરોઈનમાંથી ભાભી બની ગઈ. પછી જ્યારે લાગ્યું કે બાંધછોડ કરવી પડે ત્યારે હું ખસી ગઈ. મને અર્થહીન ભૂમિકાઓ પસંદ નહોતી. કરિયરમાં પુષ્કળ કામિયાબી મળી છે.

હીરોઈન તરીકે આશા પારેખની છેલ્લી ફિલ્મ ‘મૈં તુલસી તેરે આંગન કી’માં નૂતન સાથે


પ્રથમ નિર્માણ: ચરિત્ર ભૂમિકાઓને તિલાંજલિ આપ્યા પછી થોડો સમય આરામ કર્યો. પછી કાંઈક ક્રિયેટિવ કરવાની ધૂન સવાર થઈ ગઈ. દોસ્તોએ ટીવીમાં સિરિયલ કરવાની સલાહ આપી. નિર્માત્રી તરીકે ગુજરાતી સિરિયલ ‘જ્યોતિ’ના નિર્માણ દરમિયાન ખૂબ નર્વસ હતી. મારું પગલું વાજબી હતું કે નહીં એ બદલ શંકા ઉપજી. ‘જ્યોતિ’ હિટ થઈ તેથી આગળ વધવાની હિમ્મત મળી. પછી દૂરદર્શન માટે ‘પલાશ કે ફૂલ’ બનાવી. ઝી ચૅનલમાં ખૂબ આંટા માર્યા. કોઈએ સાથ સહકાર ન આપ્યો. અચાનક નૃત્ય વિશે સિરિયલ બનાવવાનો વિચાર ઝબક્યો. ‘બાજે પાયલ’ બનાવી. જેમાં ખૂબ સારો આવકાર સાંપડ્યો.


પ્રથમ નિર્દેશન: સ્ટાર ટીવીની હું આભારી છું કે મને સામે ચાલીને આમંત્રણ આપ્યું. ‘દાલ મેં કાલા’ની નિર્માત્રી બની પછી મને લાગ્યું કે નિર્દેશન પર હાથ અજમાવો જોઈએ. ‘કોરા કાગઝ’ની વાર્તા મને સ્પર્શી ગઈ. આપણા સમાજનો ઢાંચો જ એવો છે કે પતિ-પત્નીને તરછોડીને ઘરની બહાર જતો રહે અને બીજો સંબંધ વિકસાવે તો ચાલે પણ સ્ત્રી એવું પગલું ભરે તો ધિક્કારવામાં આવે. રેણુંકા શહાણે સાથે ‘મિલન’નો વિચાર ન જામ્યો તેથી ‘કોરા કાગઝ’માં લીધી. એનું શીર્ષક ‘કટી પતંગ’ રાખેલું. રેણુકા શમ્મી આન્ટીની ફ્રેન્ડ છે. બાકીના કલાકાર સલીલ અંકોલા, ઉત્તરા બાવકર, એસ.એમ. ઝહીરનો સાથ સાંપડ્યો. ‘કોરા કાગઝ’ના પહેલા બે એપિસોડ્સ જમા કરાવ્યા. સ્ટાર પ્લસને પસંદ પડ્યા અને પ્રસારણ શરૂ થઈ ગયું.

નિર્માત્રી તરીકેની પહેલી ટીવી સિરિયલ ‘કોરા કાગઝ’ના સેટ પર સલીલ અંકોલા સાથે


નિર્દેશનનો પ્રથમ દિન: ત્રણ વર્ષથી ‘કોરા કાગઝ’નું પ્રસારણ લગાતાર ચાલી રહ્યું છે. પરંતુ પહેલો દિવસ તો બરાબર યાદ છે. ખૂબ ટેન્શન હતું. આમેય મારો સ્વભાવ ટેન્શવાળો છે. કૅમેરામૅન-સાઉન્ડ રેકૉર્ડિસ્ટ બન્ને નવા હતા. કોઈ રેપો નહોતો. પણ પછી જામી ગયું. ‘કોરા કાગઝ’ની અભૂતપૂર્વ સફળતાથી પોરસાઈને ‘કંગન’ પર સ્ટાર પ્લસ પર જ શરૂ કરી. એનેય સારો આવકાર મળ્યો છે.


નિર્દેશનના પ્રથમ ગુરુ: જ્યારે હું અભિનય કરતી ત્યારે સ્વપ્નેય વિચાર્યું નહોતું કે હું ક્યારેક નિર્દેશન કરીશ. જો કે હું હંમેશાં જાણવા ઉત્સુક રહેતી કે નિર્દેશકના મગજમાં શું ચાલી રહ્યું છે. બાળ કલાકાર તરીકે એમ.વી. રામન સાથે કામ શરૂ કર્યું ત્યારે આ જીજ્ઞાસા ઉદભવતી એસ. મુખર્જી તો મને ફિલ્માલયા સ્ટુડિયોમાં નિર્દેશનની બેઝિક ચીજો સમજાવતા. રાજ ખોસલા પાસેથી મેં નિર્દેશનની બારીકીઓ શીખી લીધી. ગુરુદત્ત સાથે ‘ભરોસા’ના નિર્દેશક બીમાર પડી ગયા ત્યારે ગુરુદત્તજીએ થોડાક હિસ્સાનું નિર્દેશન કર્યું. ગુરુદત્તજી હંમેશાં કહેતા કે મૂળ નિર્દેશક સેટ કેવી રીતે લગાડતા અને પોતે કેવી રીતે લગાડી રહ્યા છે. ગુરુદત્તજી પાસેથી કટિંગ અને ટેકિંગનું જ્ઞાન મેળવ્યું. વિજય આનંદ, નૂતન અને એસ. વાસન પાસેથી હું ઘણું શીખી છું.


સેન્સરબોર્ડના ચેરપર્સનની ભૂમિકામાં

સેન્સર બૉર્ડનો અનુભવ: સુષમાજી (સ્વરાજ) એ મને સેન્સર બૉર્ડની ચેરપર્સન બનવાનો મોકો આપ્યો. એમના મગજમાં મારા સિવાય હેમા માલિની અને શબાના આઝમીના નામો પણ હતાં. પરંતુ શબાના-હેમાએ ના પાડી દીધી. મેં કામ સ્વીકારી લીધું સેન્સર બૉર્ડમાં પહેલે દિવસે ખૂબ ડર લાગ્યો. ગભરાટ થયો, પરંતુ મારું નસીબ બળવાન તેથી મને ખૂબ સારો લોકો મળ્યા. મારી રીજનલ ઑફિસર મિસિસ કુટ્ટીએ મારી અંદર એક વર્ષમાં જે નૉર્મ્સ બેસાડી દીધાં એ પાકાં બની ગયાં. બધા જ ઑફિસરોનો સહકાર પ્રશંસાપાત્ર રહ્યો. સુષમા સ્વરાજ, પ્રમોદ મહાજન અને અરુણ જેટલીએ ખૂબ મદદ કરી. જો કે કેટલાયે નિર્માતા-દિગ્દર્શકો મારા નિર્ણયોથી નારાજ રહ્યા. પરંતુ મેં સંપૂર્ણ પ્રામાણિકતાથી કામ કરવાની કોશિશ કરી.

– રેખા ખાન

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]