આશા અમર છે…

1933ની 8 સપ્ટેંબરે મહારાષ્ટ્રના સાંગલી શહેરમાં જન્મેલાં મહાન પાર્શ્વગાયિકા આશા ભોસલેએ હાલમાં જ એમનો 85મો જન્મદિવસ ઉજવ્યો. આશાતાઈએ 22 ભાષાઓમાં 11 હજારથી પણ વધારે ગીતો ગાયાં છે અને ગિનેસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ્સમાં સ્થાન હાંસલ કર્યું છે. પોતાનાં કંઠ દ્વારા અનેક ગીતો ગાઈને અને ઘર-ઘરમાં લોકપ્રિય થયેલાં આશા ભોસલેની એક મુલાકાત… જૂનાં સંભારણા સમાન… આવો ફરી માણીએ…

પ્રતિષ્ઠિત દાદાસાહેબ ફાળકે એવૉર્ડ મેળવનાર આશા ભોસલે એમની ગાયકીની રેન્જ અને નિરાળી શૈલીને કારણે શ્રોતાઓનાં હૃદયમાં જે સ્થાન ભોગવી રહ્યાં છે. એને કોઈ ડગાવી શકે તેમ નથી. આ મુલાકાતમાં એ ફાળકે એવૉર્ડ વિશે પ્રતિભાવ આપે છે. (મુલાકાત લેનારઃ વિજય અકેલા)


‘ચિત્રલેખા’ના ‘જી’ મેગેઝિનમાં પ્રકાશિત અમુક અંતરંગ, રોમાંચક વાતો-પ્રસંગોને અમે અહીં પુનઃપ્રકાશિત કરીએ છીએ. આ બે લેખ છે દીપોત્સવી 2001 અંકનો.


મુંબઈમાં પેડર રોડ પર આશા ભોસલેનું ‘પ્રભુ કુંજ’ નામનું સુંદર મજાનું ઘર છે. હાલમાં અમે એમના ઘર પાસે ફૂલવાળા પાસેથી પુષ્પગુચ્છ લેવા ગયા ત્યારે પેલાએ સીધો બમણો ભાવ માગ્યો. મને થોડો ગુસ્સો આવ્યો, પણ ફૂલવાળાએ મલકીને કહ્યં, ‘સાહેબ, અમને પણ થોડા દિવસો કમાઈ લેવા દો. અમને ખબર છે કે તમે આશા ભોસલેને મળવા જઈ રહ્યા છો. એમને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ મળ્યો એ બદલ એમને વધાઈ આપવા તમે આવ્યા છો, ખરું ને?’

અને પછી અમે જ્યારે આશાજીને મળ્યા ત્યારે એમણે પુષ્પગુચ્છ સ્વીકારીને કહ્યું, તમારા મૅગેઝિનની ખુશ્બૂ આજે પણ એટલી જ સરસ છે.

પેશ છે, આશાજીનું બયાન…


દાદાસાહેબ એવૉર્ડ મળ્યો તો મને છે, પણ ખુશ આખું હિંદુસ્તાન થયું છે. એવું લાગી રહ્યું છે જાણે એવૉર્ડ મને નહીં, લોકોને મળ્યો હોય!

મેં મારી જાતને પણ પૂછ્યું કે આશા, આવું કેમ? લોકો આટલા બધા ખુશ શા માટે છે? શક્ય છે કે લોકોના મનમાં એવો સવાલ રમતો હશે કે આશા ભોસલેને અનેક ફિલ્મફૅર અને રાજ્ય સરકારના ખિતાબે મળી ચૂક્યા હોવા છતાં આજ સુધી કેન્દ્ર સરકારે એમને  ફાળકે એવૉર્ડ શા માટે નથી આપ્યો? આવો સવાલ થવો સ્વાભાવિક છે. ૫૪ વર્ષ સુધી સતત ફિલ્મ ઈન્ડસ્ટ્રીની સેવા કરી છે. પંડિત નેહરુ અને ઈન્દિરા ગાંધીના કહેવાથી રાષ્ટ્રને સમર્પિત એવા અનેક કાર્યક્રમો મેં કર્યા છે. તેમ છતાં મને આ એવૉર્ડ આપવામાં આટલી વાર શા માટે લાગી? સૌના મનમાં એ સવાલ થતો હતો કે આ વિલંબ પાછળ કોનો હાથ છે? કઈ વિરોધી તાકાત અથવા લૉબી આશાને એવૉર્ડ ન મળે એવી કોશિશ કરી રહી હતી? મને લાગે છે કે છેવટે એક દિવસ અન્યાયનું જોર ઓછું થયું અને સત્યનો વિજય થયો એ દિવસે આ એવૉર્ડ મને આપવાનું નક્કી થયું હશે. અને મને આ એવૉર્ડ આપવાની જાહેરાત થઈ એ સાથે જ લોકોના મનમાં સળવળતા અનેક સવાલોનો અંત આવી ગયો. અને એટલે જ લોકો આજે મારા કરતાં પણ વધુ ખુશ જણાઈ રહ્યા છે મને.

ના, હું એમ નહીં કહું કે મારે લીધે દાદાસાહેબ ફાળકે એવૉર્ડનું સન્માન વધ્યું છે. બિલકુલ નહીં. આ એવૉર્ડથી માન તો મારું જ વધ્યું છે. પણ એક વાત ચોક્કસ કહીશ કે લોકો તો બુઢ્ઢા થઈ જાય ત્યારે પછી એમને એવૉર્ડ કે અન્ય લાઈફટાઈમ અચીવેમેન્ટ એવૉર્ડઝ મળતા હોય છે, જ્યારે મને તો જુવાનીમાં જ આ એવૉર્ડ મળી ગયો. (હસી પડે છે).

કહેવાનો મતલબ એટલો કે હજુ મારી સાંજ ઢળી નથી. મારું કામ પુરું નથી થઈ ગયું. મને આ ખિતાબ ત્યારે મળ્યો છે જ્યારે હું સક્રિય છું, મનગમતું કામ કરી રહી છું. અને હું તમને કહું? આ એવૉર્ડની જાહેરાત થઈ ત્યાર પછી મારા તમામ યાર-દોસ્તોએ એક જ વાત કહી છે કે વધુ જોમ અને જુસ્સા સાથે કાર્ય કરતાં રહેજો. કોઈએ એમ નથી કહ્યું કે હવે તો દાદાસાહેબ ફાળકે એવૉર્ડ મળી ગયો છે એટલે ગૌરવભેર ઘરમાં બેસી જાવ.

એવૉર્ડ તો મને મળી ગયો. પણ શું મેં ગાયકીની ઊંચી ઊંચી મંજિલો સર કરી લીધી છે? નથી કરી, મેં તો હજુ થોડી જ મંજિલો સર કરી છે. થોડાં ફિલ્મ-ગીતો ગાયાં, નાટ્યસંગીત અને હળવા શાસ્ત્રીય સંગીતમાં થોડું ખેડાણ કર્યું. પણ આટલું પૂરતું છે? નથી… મારા મનમાં સતત એવી લાગણી થયા કરે છે કે હજુ મારે ઘણું કરવાનું બાકી છે. જોકે હવે મારો સંસાર ઘણો વિસ્તરી ગયો છે. છતાં મને લાગ્યા કરે છે કે મારે હજુ ઘણે દૂર જવું છે.

આ એવૉર્ડની જાહેરાત થઈ ત્યારે મારા મનમાં એક વિચાર આવ્યો કે આ બહુમાન મને એવે સમયે મળ્યું છે જ્યારે હું તંદુરસ્ત છું. આ એવૉર્ડ લેવા હું પોતે મંચ પર જઈ શકું છું. મારે કોઈના ટેકાની જરૂર નહીં પડે.

સાચું તો એ છે કે મારી જેમ બધાને આ એવૉર્ડ તેઓ સક્રિય હોય ત્યારે જ મળવો જોઈએ. આમાં એવું છે કે બુઢાપામાં એવૉર્ડ મળે તો એનો ચાર્મ નથી રહેતો. એવું લાગે કે, ઠીક છે, ચાલો કંઈક મળી ગયું.

આ એવૉર્ડ મને વધુ સારું કામ કરવા પ્રેરી રહ્યો છે અને હું તમને ખાતરી આપું છું કે હું પહેલા કરતાં પણ સારું કામ કરીશ.

સૌથી પહેલાં મને આ સમાચાર ચોપરાસાહેબે (બી.આર. ચોપરાએ) આપ્યા. ચોપરાસાહેબને હું મારા રાખીભાઈ માનું છું. સાચું પૂછો તો મને સાચો બ્રેક બી.આર. ચોપરાની ફિલ્મોમાં જ મળ્યો. ત્યારે એ જમાનો હતો જ્યારે લતાજી, ગીતા રૉય અને શમશાદ બેગમ ટોચ પર હતાં, હું નહોતી. એ વખતે બધાની સલાહને અવગણીને એમણે મારી પાસે એમની ફિલ્મ નયા દૌરનાં ગીતો ગવડાવ્યા. પછી એ સિલસિલો આગળ વધતો જ ગયો. ધૂલ કા ફૂલ, વક્ત વગેરે ફિલ્મોમાં એમણે મારી પાસે સારાં સારાં ગીતો ગવડાવ્યાં. તો… એમનો ફોન આવ્યો. ‘બહેન, તને દાદાસાહેબ ફાળકે એવૉર્ડ આપવાની જાહેરાત થઈ છે અને તને એની જાણ કરવા આ ફોન કર્યો છે. બીજો ફોન આવ્યો સ્ટાર ટીવીના સંવાદદાતા સમર ખાનનો.

મેં એ બન્નેને પૂછ્યું કે મને એવૉર્ડ આપવામાં આવી રહ્યો છે એની તમને બન્નેને જાણ છે, પણ મને કેમ નથી? આવું બધું વિચારતી વિચારતી હું દીદી (લતા મંગેશકર) પાસે ગઈ. મેં એમને સમાચારની સચ્ચાઈ વિશે પૂછ્યું તો એમણે કહ્યું, આ સાચી વાત હશે, કારણ કે આ એવૉર્ડ અન્ય એવૉર્ડ્ઝ જેવો નથી જેમાં પહેલાં કલાકારો પૂછવામાં આવે છે. આ એવૉર્ડ તો બસ, દઈ દેવામાં આવે છે. પછી તમે એને સ્વીકારો કે ન સ્વીકારો!

હું ખુશ છું કે અખબારો અને ટીવી ચૅનલો મારી મુલાકાતો લઈ રહ્યાં છે. આ એક અઠવાડિયામાં મેં એટલી બધી મુલાકાતો આપી છે કે હવે બોલીબોલીને મારું ગળું બેસી ગયું છે.

અને સાચું કહું તો હવે હું લોકોથી છૂપાઈને રહું છું. કોઈનો ફોન આવે તો એવો સંદેશો આપવામાં આવે છે કે હું મુંબઈની બહાર ગઈ છું. મારા માટે આરામ કરવો એટલા માટે પણ જરૂરી છે કે ત્રીજી નવેમ્બરે હું દલેર મેહદી સાથે સ્ટેજ પરફોર્મન્સ આપવાની છું. એના માટે મારે રિયાઝ કરવાનો છે. 

હવે મને કોઈ એવૉર્ડની ખ્વાહિશ નથી રહી, પણ એવી આશા રાખું છું કે છેવટ સુધી સારું કામ કરતી રહું.

આજે મને મારા પતિ ગણપતરાવ ભોસલેએ કહેલી એક વાત યાદ વાત આવે છે… એ મને વધુ સારું ગાવાની પ્રેરણા આપતી વખતે કહેતા કે જમીનમાં અનાજ નાખતા રહો, છોડ આપોઆપ ઉગશે… છોડ મતલબ એવૉર્ડ. અને હું એ જ કરતી રહી કામ કરતી ગઈ અને એવૉર્ડનો મામલો મેં ઈશ્ર્વર પર છોડી દીધો.

મને અભિનંદનો તો બહુ મળ્યા, પણ ગુલઝારસાહેબના અભિનંદન મને યાદ રહી ગયા. એમણે મને ફૅક્સ કર્યો કે તું એટલી ઊંચાઈ પર પહોંચી ગઈ છે કે તને મળવાનું પહેલાં કરતાં પણ મુશ્કેલ બની ગયું છે. એટલે જ અભિનંદન ફૅક્સ પર મોકલી રહ્યો છું. જવાબમાં મેં પોતે એમને ફૅક્સ કર્યો: ‘આ જગ્યાએ પહોંચવા મારે તમારા અનેક ચંદ્રો પસાર કરવા પડ્યા.’ કહેવાનો મતલબ એ કે ગુલઝારસાહેબ એમના ગીતોમાં ચંદ્રનો ઉલ્લેખ સતત કરતા રહ્યા છે. જેમ કે, ચાંદ કી મિસરી, ચાંદ કો ચબાના, ચાંદ કા ટુકડા વગેરે વગેરે. એટલે મેં ફૅક્સ કરતી વખતે મજાકમાં ચંદ્રનો ઉલ્લેખ કર્યો.

દાદાસાહેબ ફાળકેની વાત ચાલી રહી છે ત્યારે હું બે શબ્દ દાદાસાહેબ ફાળકે વિશે પણ કહેવા માગું છું કે જો એ ન હોત તો કદાચ આપણો ફિલ્મ ઉદ્યોગ શરૂ જ ન થયો હોત. એમણે જે પરિસ્થિતિમાં ફિલ્મ ઉદ્યોગનો પાયો નાખ્યો એ વાતનો અને એ પણ મારી માફક મહારાષ્ટ્રીયન છે એ વાતનો મને ગર્વ છે. ખરેખર, એમના નામનો એવૉર્ડ મળવો એ બહુ બહુ બહુ મોટી વાત છે.

અમરિશ પુરીએ મને ફોન કરીને કહ્યું કે તમે અમારા ઍસોસિયેશનમાં આવો. અમે તમારું સમ્માન કરવા માગીએ છીએ. એ સિવાય પણ અનેક સંસ્થાઓએ મારું સમ્માન કરવાની ઈચ્છા વ્યક્ત કરી. મેં નમ્ર સ્વરમાં સૌને એટલું જ કહ્યું કે મારા પ્રત્યે તમને શ્રદ્ધા છે એ જ મારા માટે ઘણું છે.

આવું હું એટલા માટે કહું છું કે આ નામ, આ પ્રતિષ્ઠા થોડા દિવસો માટે જ હોય છે. મારી પોતાની જિંદગીમાં પણ અનેક ઠંડાગાર તબક્કાઓ આવ્યા. મારા ગીતો ચાલ્યા નહીં ત્યારે લોકો જાણે મને ભૂલી જ ગયેલા. એટલે જ હું બધી પરિસ્થિતિમાં એકસરખી રહેવાની કોશિશ કરું છું.

સફળતા સૂરજ જેવી હોય છે. જ્યારે ઉદય થાય ત્યારે ચારેકોર એનો જયજયકાર થાય છે. પછી એનો તાપ લાગવા માંડે છે. અને છેવટે જ્યારે એનો અસ્ત થાય ત્યારે કોઈ એને પ્રણામ પણ નથી કરતું.

હું મારી વાત મારા જ એક ગીતની પંક્તિઓ સાથે પૂરી કરવા માગું છું.

શોહરત કી બુલંદી ભી

પલભર કા તમાશા હૈ

જિસ ડાલ પે બૈઠે હો

વો ટૂટ ભી સકતી હૈ…

[ અમને ફોલો કરો:    Facebook   | Twitter   | Instagram  | Telegram 

તમારા મોબાઇલમાં 9820649692 આ નંબર Chitralekha નામે સેવ કરી અમને વ્હોટસએપ પર તમારું નામ અને ઈ-મેઈલ લખીને મોકલો અને તમને મનગમતી વાંચન સામગ્રી મેળવો .]